લોહીથી સિંચાઈ રહ્યું છે મુંબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર?

14 March, 2026 03:44 PM IST  |  Mumbai | Ruchita Shah

કન્સ્ટ્રક્શન-વર્કરોના જીવના જોખમે આપણા આલીશાન ટાવરો ઊભા થાય છે? ચેમ્બુરમાં બિલ્ડિંગ-કન્સ્ટ્રક્શનનું કામ કરતા છ મજૂર ઊંચાઈ પરથી પડ્યા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયાં અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

લોહીથી સિંચાઈ રહ્યું છે મુંબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર?

ચેમ્બુરમાં બિલ્ડિંગ-કન્સ્ટ્રક્શનનું કામ કરતા છ મજૂર ઊંચાઈ પરથી પડ્યા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયાં અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આવા ઘણા બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ઑલમોસ્ટ આખું મુંબઈ અત્યારે અન્ડર-કન્સ્ટ્રક્શન હેઠળ છે અને ઘણાબધા પ્રોજેક્ટ બની રહ્યા છે ત્યારે લેબરની સેફ્ટીનું શું? બિલ્ડરો શું ચોકસાઈ રાખે છે? સરકાર કઈ 
રીતે તેમના હ્યુમન રાઇટ્સ માટે કટિબદ્ધ છે અને લેબર્સ પોતે ક્યાં માત ખાય છે એ વિષયે જાણીએ

થોડાક દિવસ પહેલાં ચેમ્બુરના સુભાષનગરમાં એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છ વર્કરો નીચે પડ્યા; જેમાં ૨૨ વર્ષ, ૩૫ વર્ષ અને ૫૫ વર્ષના ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં. બીજો એક યુવાન મજૂર વેન્ટિલેટર પર છે અને બાકીના બે મજૂરોને પણ મલ્ટિપલ ઇન્જરી થઈ છે. આ પહેલી ઘટના નથી. રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટના આધારે મળેલી માહિતીઓ અને અખબારી અહેવાલોને સાચા માનીએ તો મુંબઈમાં નિર્માણાધીન ઇમારતોમાં અકસ્માતનો ગ્રાફ ચિંતાજનક રીતે વધ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા અકસ્માતોમાં અંદાજે ૩૫૦થી ૪૦૦ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. દર વર્ષે સરેરાશ ૮૦૦થી ૧૦૦૦ શ્રમિકો કાયમી અક્ષમતા અથવા ગંભીર ઈજાનો ભોગ બને છે. ૨૦૨૩ અને ૨૦૨૪માં આ અકસ્માતોમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ મુંબઈમાં ચાલી રહેલા હાઈ-સ્પીડ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે. એક વાત તો જગજાહેર છે કે મુંબઈ અત્યારે એક મોટા કન્સ્ટ્રક્શન હબમાં ફેરવાઈ ગયું છે અને આંકડા પણ આ વાતની શાખ પૂરે છે. મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (રેરા)ના ડેટા મુજબ ૨૦૨૫-’૨૬માં મુંબઈ શહેરમાં જ બાવીસસોથી વધુ ઍક્ટિવ સાઇટ્સ છે અને જો વાત મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની કરવી હોય એટલે કે થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી સહિતમાં આ આંકડો ૧૧,૦૦૦થી ૧૪,૦૦૦ની વચ્ચે હોવાનું મનાય છે જેમાં હાઈરાઇઝ બિલ્ડિંગ્સ, મેટ્રો પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ મુંબઈમાં અત્યારે ૧૨થી ૧૫ લાખ કન્સ્ટ્રક્શન શ્રમિકો કામ કરી રહ્યા છે જેમાંથી ૮૦ ટકા મજૂરો પરપ્રાંતીય એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે સ્થળોથી છે. આ મજૂરોનાં થઈ રહેલાં આકસ્મિક મૃત્યુ પાછળ જવાબદાર કોણ? આપણા સપનાના મહેલની સિંચાઈ આવા મજૂરોના લોહી દ્વારા થતી હોય તો એવું તો આપણે પણ નહીં ઇચ્છીએને? કયા નિયમો છે અને કયા કાયદા છે? ખામી ક્યાં રહી જાય છે એ વિષય પર ચર્ચા કરીએ આજે. 


નીતિન પવાર

વ્યવસ્થા છે, પણ...
ભારતીય બંધારણની કલમ ૨૧ (રાઇટ ટુ લિવ) હેઠળ શ્રમિકને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ. બિલ્ડિંગ ઍન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (BOCW), ઍક્ટ 1996 હેઠળ સેફ્ટી-ઑફિસરની નિમણૂક ફરજિયાત છે. જો અકસ્માત થાય તો બિલ્ડરનું લાઇસન્સ રદ થઈ શકે છે.     બીજી બાજુ કન્સ્ટ્રક્શન-વર્કરના હિત માટે ‘મહારાષ્ટ્ર બિલ્ડિંગ ઍન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડ (MBOCW)’ની રચના કરવામાં આવી છે જેની જવાબદારી અસંગઠિત ક્ષેત્રના બાંધકામ-શ્રમિકોને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવાની છે જેમાં રજિસ્ટર થયેલા વર્કરોને લગ્નથી લઈને બાળકોના ‌શિક્ષણ માટે, કામનાં સાધનો ખરીદવા અને મેડિકલ હેલ્પ સુધીની સહાય માટે ફન્ડ મળે છે. આકસ્મિક મૃત્યુ થાય તો પાંચ લાખ અને કુદરતી મૃત્યુ થાય તો બે લાખની સહાય તેમના વારસદારોને મળે છે. સામાન્ય રીતે બિલ્ડરો કન્સ્ટ્રક્શનનું કામ કૉન્ટ્રૅક્ટરોને સોંપી દેતા હોય છે અને કૉન્ટ્રૅક્ટરો પોતે જ કન્સ્ટ્રક્શન-વર્કરની વ્યવસ્થા કરતા હોય છે. તેમની ઉંમર અને આધાર કાર્ડની તપાસ બાદ તેમને સુરક્ષાની તાલીમ અપાય છે અને જે શ્રમિકની ઉંમર ૧૮થી ૬૦ વર્ષની હોય તથા છેલ્લા વર્ષમાં ૯૦ દિવસ બાંધકામનું કામ કર્યું હોય તેઓ આધાર, બૅન્ક પાસબુક અને કામના સર્ટિફિકેટ સાથે mahabocw.in પર નોંધણી કરાવી લેબર કાર્ડ મેળવી શકે છે જે અકસ્માત સમયે સરકારી વળતર મેળવવા માટે અનિવાર્ય છે. 

જોકે મુદ્દાનો પ્રશ્ન છે કે કેટલા લેબર અહીં રજિસ્ટર્ડ થયેલા છે? તો જવાબ છે માત્ર ૨૫થી ૩૦ ટકા. અહીં બાંધકામ મજદૂર સભાના જનરલ સેક્રેટરી નીતિન પવાર કહે છે, ‘નિયમો બન્યા છે પણ એનું એક્ઝિક્યુશન કે મૉનિટરિંગ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. વેલ્ફેર બોર્ડમાં કરોડો રૂપિયા જમા છે પણ એમાં કામગાર વર્કર્સના પ્રતિનિધિઓ જ નથી. લેબર ડિપાર્ટમેન્ટ પાસે સાઇટ પર જઈ તપાસ કરવાનો સમય નથી. કે સ્કૅફોલ્ડિંગ (માંચડો) સ્ટીલનો અને સીધો હોવો જોઈએ એવા સ્પષ્ટ નિયમો ગૅઝેટમાં હોવા છતાં એનું પાલન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી લેબર ડિપાર્ટમેન્ટની છે, જેમની પાસે પૂરતો સમય કે સાધનસામગ્રી નથી. જ્યારે પણ કોઈ જીવલેણ અકસ્માત થાય છે ત્યારે સુરક્ષાના નિયમોનો ભંગ હોય છે છતાં અત્યાર સુધી કેટલી નોટિસ મોકલવામાં આવી કે કેટલા સ્ટૉપ વર્કિંગના અધિકારોનો અમલ થયો એ એક મોટો સવાલ છે. વેલ્ફેર બોર્ડના પૈસાનો પૉલિટિકલ ઉપયોગ થઈ રહ્યો છે. જેઓ ખરેખર બાંધકામ-મજૂર નથી તેમને કાર્ડ બનાવીને એના લાભો અપાય છે. માઇગ્રન્ટ વર્કર ઍક્ટ મુજબ શ્રમિકોએ તેમના વતન અને મુંબઈ આવ્યા બાદ લેબર કમિશનર પાસે રજિસ્ટર થવું અનિવાર્ય છે, પરંતુ આખી સિસ્ટમ લૂપહોલ્સથી ભરેલી છે અને સુપ્રીમ કોર્ટના સોશ્યલ ઑડિટના આદેશ પછી પણ સરકાર માત્ર ખાનગી એજન્સીઓને કામ સોંપીને હાથ અધ્ધર કરી લે છે. બાંધકામ સાઇટ્સ અત્યારે મોતનો કૂવો બની ગઈ છે જ્યાં બિલ્ડરો કૉન્ટ્રૅક્ટરો પર જવાબદારી ઢોળી દે છે અને કેટલાક કિસ્સાઓમાં તો અકસ્માત થાય ત્યારે શ્રમિકોને રાતોરાત વતન મોકલી દઈને પુરાવા ભૂંસી દેવાય છે. આખી વ્યવસ્થા માટે શ્રમિકોના જાનની કોઈ કિંમત નથી.’ 

ઘણા કિસ્સાઓમાં બિલ્ડરો ખર્ચ બચાવવા માટે સુરક્ષાનાં ધોરણોમાં બાંધછોડ કરે છે. આ સંદર્ભે નીતિનભાઈ કહે છે, ‘કાયદા મુજબ દરેક સાઇટ પર લેબર-રજિસ્ટર હોવું ફરજિયાત છે પરંતુ સબ-કૉન્ટ્રૅક્ટિંગ સિસ્ટમને કારણે ઘણા મજૂરોનો ઑન-પેપર કોઈ રેકૉર્ડ જ હોતો નથી. મોટા પ્રોજેક્ટ્સમાં સેફ્ટી-નેટ અને હાર્નેસ ફરજિયાત છે, પરંતુ નાના ડેવલપર્સ ઘણી વાર કૉન્ટ્રૅક્ટરો પર નિર્ભર રહે છે જે સેફ્ટી-ટ્રેઇનિંગને ગંભીરતાથી લેતા નથી. મજૂરોને આપવામાં આવતી હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ ઘણી વાર એક્સપાયરી ડેટવાળાં અથવા હલકી ગુણવત્તાનાં હોય છે.’ 

મોતનો કૂવો?
બાંધકામ ક્ષેત્રે શ્રમિકો માટે અનેક નિયમો અને સુવિધાઓ કાગળ પર હોવા છતાં વાસ્તવમાં તેમને કશું મળી રહ્યું નથી. આ સંદર્ભે કન્સ્ટ્રક્શન-વર્કરોના હિતમાં કામ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલાં સામાજિક કાર્યકર શૈલજા આરળકર કહે છે, ‘બિલ્ડરો કહે છે કે મજૂરો પોતે જ સેફ્ટી નિયમોનું હનન કરે છે તો એમાં અમે શું કરીએ, પણ મારે પૂછવું છે કે એ લોકો સેફ્ટી નિયમો ન પાળતા હોય તો તમે તેમને કામ કેમ કરવા દો છો? તમે કડકાઈ કેમ નથી દાખવતા? સાઇટ પર સુરક્ષા-જાળી લગાડવી અને સેફ્ટી-ગિયર્સનો ઉપયોગ કરાવવો એ માત્ર મજૂરની નહીં પણ માલિકની જવાબદારી છે, કારણ કે કોઈ પણ મજૂર આત્મહત્યા કરવા નથી આવતો પણ પોતાનું ગુજરાન ચલાવવા આવે છે. હકીકત એ છે કે બિલ્ડરો, સરકાર પોતે અને કૉન્ટ્રૅક્ટરો કન્સ્ટ્રક્શન-વર્કરોના હિતની પરવા કર્યા વિના માત્ર પોતાના લાભમાં કામ કરાવવામાં મસ્ત છે. કોઈને સુપ્રીમ કોર્ટના ઑર્ડરમાં પણ રસ નથી. સુપ્રીમ કોર્ટે સાત વર્ષ પહેલાં મહારાષ્ટ્ર બિલ્ડિંગ ઍન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડનું સોશ્યલ ઑડિટ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં આજ સુધી કંઈ નથી થયું. કરોડો રૂપિયા વર્કરોના નામે સરકાર પાસે પડ્યા છે પરંતુ એનું શું થયું, ક્યાં વપરાયા એ બધી જ બાબતોની કોઈ સ્પષ્ટતા નથી. મજૂરોને જે મૂળભૂત સુરક્ષા અને જરૂરિયાતો જોઈએ છે એના બદલે ઑફિસરો તેમને વાસણો જેવી બિનજરૂરી વસ્તુઓ આપે છે એ સાબિત કરે છે કે સત્તાવાળાઓએ ક્યારેય શ્રમિકો સાથે સીધો સંવાદ કર્યો જ નથી. બિલ્ડરો અને કૉન્ટ્રૅક્ટરો જાણે છે કે શ્રમિકોને નોંધણી માટે જરૂરી ૯૦ દિવસનું સર્ટિફિકેટ આપવાની જવાબદારી તેમની છે, છતાં સોમાંથી માત્ર ૨૦થી ૨૫ મજૂરોનું જ રજિસ્ટ્રેશન થાય છે, જે અત્યંત ગંભીર બાબત છે. સિસ્ટમમાં સુધારો લાવવા માટે સોશ્યલ ઑડિટ થવું જોઈએ, દરેક મજૂરની નોંધણી ફરજિયાત હોવી જોઈએ અને તેમને સુરક્ષાનાં સાધનોની યોગ્ય ટ્રેઇનિંગ મળવી જોઈએ, કારણ કે શ્રમિકોનાં હક અને સુરક્ષા સુનિશ્ચિત કરવાં એ સામાજિક સંસ્થાઓની નહીં પણ મુખ્યત્વે બિલ્ડર અને સરકારની જવાબદારી છે.’


શૈલજા આરળકર

છેલ્લે એટલું જ કહી શકાય કે માત્ર દંડ ભરવાથી કે વળતર આપવાથી કામ નહીં ચાલે. રેગ્યુલેટરી બૉડીએ નક્કી કરેલા નિયમોનું પાલન થાય છે કે નહીં એની તપાસ માટે સરપ્રાઇઝ વિઝિટ વધારવી પડશે. ફન્ડનો સદુપયોગ કરવો પડશે અને દરેક ફ્રન્ટ પર સેફ્ટી ફર્સ્ટ એ માત્ર સ્લોગન રહેવાને બદલે પ્રૅક્ટિસ બને એ માટેના પ્રયાસો થવા જોઈશે. તો જ મુંબઈની ચમકતી સ્કાયલાઇન પાછળ આવા અંધારા અકસ્માતો થતા બંધ થશે.

તમને ખબર છે?
બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલના એક રિપોર્ટ અનુસાર ભારતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મૃત્યુદર અન્ય વિકસિત દેશો કરતાં વીસગણો વધારે છે. એમાં પણ મુંબઈમાં થતા અકસ્માતોમાં ૮૦ ટકા  કિસ્સાઓમાં ઊંચાઈ પરથી પડવું મુખ્ય કારણ હોય છે.

સિક્કાની બીજી બાજુ પણ સમજીએ 


જિતેન્દ્ર મહેતા

અત્યારે આપણા દેશમાં જે સ્તર પર કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે એમાં થઈ રહેલા અકસ્માતનો રેશિયો માંડ ૦.૦૦૧ ટકા જેટલો હશે એવું ડેવલપરો માને છે. મોટા બિલ્ડરો દ્વારા પૂરતી સાવધાની રખાય છે પણ ક્યારેક અનઑર્ગેનાઇઝ્ડ અને લો-ક્વૉલિટી કૉન્ટ્રૅક્ટરો પાસે ઘણી વાર આવાં ઉચ્ચ ધોરણોનું પાલન થતું નથી. આ સંદર્ભે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI)ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા કહે છે, ‘બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે કેટલાક મહત્ત્વના નિયમો છે. હેલ્મેટ પહેરવી, ઊંચાઈ પર કામ કરતી વખતે સેફ્ટી-બેલ્ટનો ઉપયોગ કરવો અને નીચે સેફ્ટી-નેટ રાખવી જેથી અકસ્માત સમયે શ્રમિક સીધો નીચે ન પડે. ઇન ફૅક્ટ જ્યારે કોઈ ક્લાયન્ટ સાઇટની મુલાકાત લે છે ત્યારે પણ તેમને હેલ્મેટ અને સેફ્ટી-બૂટ પહેરાવ્યા બાદ જ પ્રવેશ અપાય છે. જુઓ, એક વાત સમજવી પડે કે ડેવલપર પોતે બાંધકામ નથી કરતા પરંતુ સિવિલ કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરે છે અને આ તમામ સુરક્ષાનિયમોનું પાલન કરાવવાની જવાબદારી કૉન્ટ્રૅક્ટરની છે જેમના માટે નિયમોમાં આ બાબતો ફરજિયાત હોય છે.’


રાજેશ પટેલ

આ સંદર્ભે પોતાના પ્રૅક્ટિકલ અનુભવો શૅર કરતાં આર. આર. સી. વેન્ચર્સના માલિક અને હીરાનંદાની તથા બ્રૂકફીલ્ડ્સ જેવા અગ્રણી નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્તરના ડેવલપર્સ સાથે જોડાયેલા રાજેશ પટેલ કહે છે, ‘બાંધકામ ક્ષેત્રે સુરક્ષા માટે સાધનો કરતાં શ્રમિકોનો નબળો માઇન્ડસેટ અને સ્કિલનો અભાવ વધુ ગંભીર સમસ્યા છે, કારણ કે ૫૦થી ૬૦ ટકા અકસ્માતો શ્રમિકોની કૅરલેસનેસને કારણે થાય છે. સાઇટ પર સેફ્ટી-બેલ્ટ કે સીડી જેવાં તમામ ઇક્વિપમેન્ટ હોવા છતાં લોકો જમ્પ મારે છે, બેલ્ટને હુકમાં ભરાવતા નથી. આ જ કારણ છે કે આજે જે મજૂરો માટે વેલ્ફેર બોર્ડ બનાવ્યું છે એમાં કન્સ્ટ્રક્શન વર્કરને ​િગગ કૅટેગરીમાં સામેલ કરીને તેમને ટ્રેઇન કરાય અને તેમને સર્ટિફાઇડ કરાય. અત્યારે વર્કરોમાં ટ્રેઇનિંગનો અભાવ હોય છે. દરેક શ્રમિક પાસે સરકાર દ્વારા રેગ્યુલેટ થયેલું સેન્ટ્રલ કાર્ડ હોવું જોઈએ જેમાં તેની ટ્રેઇનિંગના કલાકો, હેલ્થ અને મેડિકલ ઇન્ડક્શનની વિગતો હોય. આજે તમે જુઓ કે પ્રોજેક્ટ કૉસ્ટના ૧થી ૨ ટકા લેખે કરોડો રૂપિયાનો સેસ સરકાર પાસે જમા થાય છે પણ એનો યોગ્ય ઉપયોગ થતો નથી, જ્યારે બીજી તરફ બ્લુ કૉલર જૉબમાં ૩૦,૦૦૦થી ૮૦,૦૦૦ જેવો ઊંચો પગાર હોવા છતાં સ્કિલ્ડ લેબરની અછત છે. બહુ સ્પષ્ટતાપૂર્વક કહીશ કે જ્યાં સુધી સેફ્ટી-ટ્રેઇનિંગ મૅન્ડેટરી નહીં થાય અને સરકાર વર્કરોના માઇન્ડસેટને બદલવા માટે સભાન નહીં બને ત્યાં સુધી સાચું સેફ્ટી-કલ્ચર ઊભું કરવું મુશ્કેલ છે.’

columnists ruchita shah mumbai news mumbai chembur