ગૌરવ કરો, મુંબઈગરા છે પ્રામાણિક

25 September, 2021 04:07 PM IST  |  Mumbai | Sejal Patel

રીડર્સ ડાઇજેસ્ટ દ્વારા થયેલા વૈશ્વિક સર્વેમાં મુંબઈ બીજા નંબરના સૌથી ઑનેસ્ટ સિટી તરીકે ઊભરી આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

રીડર્સ ડાઇજેસ્ટ દ્વારા થયેલા વૈશ્વિક સર્વેમાં મુંબઈ બીજા નંબરના સૌથી ઑનેસ્ટ સિટી તરીકે ઊભરી આવ્યું છે. આ સર્વે દરમ્યાન લોકોની પ્રામાણિકતાની કસોટી કરવા માટે જાહેર જગ્યાઓએ મુકાયેલાં ૧૨માંથી ૯ પર્સ પાછાં મળ્યાં હતાં. આ તો પ્રયોગ હતો, પણ અમે એવા મુંબઈગરાઓ સાથે વાત કરી જેમનું પર્સ, મોબાઇલ, બૅગ જેવો અણમોલ સામાન ખોવાઈ ગયેલો પણ પ્રામાણિક મુંબઈગરાઓએ તેમને પાછો અપાવ્યો હતો

કહેવાય છે કે મુંબઈમાં લોકોને પાડોશીઓના હાલ પૂછવાનીયે ફુરસદ નથી હોતી. જોકે હંમેશાં દોડતું રહેતું અને કોઈ પણ આફતમાંથી ઝટપટ બેઠું થઈને રફતાર પકડી લેતું મુંબઈ આ વખતે ગૌરવ લઈ શકાય એવી બાબત માટે ફરી ચર્ચામાં છે. રીડર્સ ડાઇજેસ્ટ દ્વારા થયેલા એક સર્વેમાં વિશ્વનાં ચુનંદા ૧૬ મેગા સિટીઝની ઓનેસ્ટી ટેસ્ટ કરવામાં આવી જેમાં આપણું મુંબઈ બીજા નંબરનું સૌથી પ્રામાણિક શહેર બન્યું. જે-તે શહેરના સ્થાનિક લોકોની પ્રામાણિકતા ચકાસવા માટે દરેક શહેરની જાહેર જગ્યાઓ જેવી કે ગાર્ડન, રેલવે સાથે સ્ટેશન, શૉપિંગ મૉલમાં બાર વૉલેટ્સ એમ જ ‘ભૂલી’ જવામાં આવ્યાં. એ વૉલેટ કોનું છે તેનું નામ, મોબાઇલ-નંબર, ફૅમિલી ફોટો, ઍડ્રેસ ધરાવતું વિઝિટિંગ કાર્ડ અને લગભગ ૪૦૦૦ રૂપિયા જેટલી રકમ મૂકવામાં આવી હતી. હિસાબ સીધો હતો, જેટલાં વધુ વૉલેટ્સ પાછાં મળે એટલું એ શહેરના લોકોનું ઓનેસ્ટી લેવલ ઊંચું. ફિનલૅન્ડનું હેલસિન્કી શહેર આ કસોટીમાં નંબર વન પાર ઊતર્યું. ત્યાં બારમાંથી ૧૧ વૉલેટ પાછાં મળી ગયાં, જ્યારે મુંબઈ ૧૨માંથી ૯ વૉલેટ સાથે બીજા નંબરે આવ્યું. આ પ્રયોગમાં તો મુંબઈ ઑનેસ્ટ તરી આવ્યું, પણ શું ખરેખર મુંબઈગરાઓને ખુદને મુંબઈની પ્રામાણિકતાનો પરચો મળ્યો છે ખરો? સાચે જ કોઈ મહત્ત્વની બૅગ, મોબાઇલ, દસ્તાવેજો, પર્સ, કીમતી સામાન ખોવાઈ ગયા પછી પાછો મળ્યો છે ખરો? અમે જ્યારે આ સવાલ લોકોને પૂછ્યો ત્યારે મોટા ભાગના લોકોનું માનવું હતું કે યસ, મુંબઈગરો એ બાબતમાં પ્રામાણિક ખરો. બિઝનેસમૅન આનંદ મહિન્દ્રાએ પણ આ સર્વેને ટાંકીને ટ્વીટ કરતાં લખ્યું હતું, ‘આ પરિણામથી આશ્ચર્ય નથી થતું, પણ ગૌરવ જરૂર છે. જો દરેક દેશની માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે તો મુંબઈગરાઓની પ્રામાણિકતા પ્રાઉડ ફીલ કરાવે એવી છે.’

પ્રામણિક અને મદદગાર પણ

આ જ વાતમાં સૂર પુરાવે છે મુંબઈગરાઓએ અમારી સાથે શૅર કરેલા તેમના અંગત અનુભવો. નાની-મોટી ચીજો પાછી મળી જાય એવું તો કદાચ ઘણાની સાથે બન્યું હશે, પણ સિક્કાનગરમાં રહેતાં સુપર્ણા ખમારનો અનુભવ મુંબઈના ટૅક્સીવાળાઓ માટે માન ઉપજાવે એવો છે. સુપર્ણાબહેન અનુભવ વર્ણવતાં કહે છે, ‘થોડાં વર્ષ પહેલાંની વાત છે. મારો ભત્રીજો લંડનથી આવી રહ્યો હતો. અમદાવાદ ઊતરીને ત્યાંથી મુંબઈ સેન્ટ્રલ ઊતર્યો. સવારનો સમય હતો અને ટ્રાવેલિંગને કારણે તે પણ અડધો ઊંઘમાં હશે ને ટૅક્સીવાળો પણ ઊંઘમાં જ હતો. સામાન ટૅક્સીમાં મૂક્યો અને ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે વાત કરવા રહ્યો. એટલી વારમાં ટૅક્સીવાળાએ ગાડી ઉપાડી દીધી. ફોન મૂકીને પાછળ જોયું તો ટૅક્સી ગાયબ. તરત તેણે અમને ફોન કર્યો અને અમે નજીકના પોલીસ-સ્ટેશન પહોંચ્યાં. લંડનથી તે જે લાવેલો એ બધું જ એ સામાનમાં હતું. પાઉન્ડ પણ ખરા અને ડૉક્યુમેન્ટ્સ પણ ખરા. તેણે ટૅક્સીનો નંબર પણ નોંધ્યો નહોતો. પોલીસ પાસે અમે ડીટેલ્ડ કમ્પ્લેઇન્ટ લખાવવાનું કામ પૂરું કર્યું ત્યાં જ એક ટૅક્સીવાળો આવ્યો. પોતાની ભૂલ કબૂલી કે ઊંઘમાં જ તેણે ગાડી સ્ટાર્ટ કરી દીધી અને પાછળ પૅસેન્જર બેઠો જ નથી એનો તેને ખ્યાલ નહોતો. પોલીસે તેની ઊલટતપાસ કરી તો કહે મને ખબર નથી પણ એક યંગ છોકરો હતો. પાછળ મૂકેલા સામાનને તેણે હાથ પણ નહોતો અડાડ્યો. વેરિફિકેશન બાદ અમે ચેક કર્યું તો તમામ સામાન અકબંધ હતો. અમે તેને પૈસા ઑફર કરવા ગયા તો તે એમ જ નમસ્કાર કરીને ચાલ્યો ગયો.’

મુંબઈગરો માત્ર પ્રામાણિક જ નહીં, મદદગાર પણ છે એનો સ્વાનુભવ વર્ણવતાં સુવર્ણાબહેન કહે છે, ‘બે વર્ષ પહેલાં મારા દીકરાનો ઍક્સિડન્ટ થયેલો ને તે લોહીલુહાણ અવસ્થામાં હતો. ત્યારે એક ટૅક્સીવાળાએ દીકરાના મોબાઇલના લાસ્ટ ડાયલમાંથી મને ફોન કર્યો અને દીકરાના સમાચાર આપ્યા ને કહ્યું કે અમે તેને હૉસ્પિટલ લઈ જઈએ છીએ, તમે ત્યાં જ આવો. મારા દીકરાને લોહીથી લથબથ હાલતમાં એચ.એન.રિલાયન્સ હૉસ્પિટલમાં તે દાખલ કરી ગયો. દીકરાનો જીવ બચાવવા બદલ તેને મળીને થૅન્ક યુ કહેવું હતું, પણ એ પછી તે મળ્યો જ નહીં. એ એરિયામાં પણ અમે તેને ખૂબ શોધ્યો, પણ મળ્યો જ નહીં.’

મિત્રતાની ભેટ મળી

ખોવાયેલી ચીજ એના અસલી માલિક સુધી પહોંડવાની જદ્દોજહદમાં મુંબઈમાં મિત્રો પણ બની જઈ શકે છે. એનો સ્વાનુભવ વર્ણવતાં કાંદિવલીમાં રહેતા મિતેશ મોદી કહે છે, ‘મારું ઇલેક્ટ્રૉનિક્સનું કામ છે લૅમિંગ્ટન રોડ પર. બે વર્ષ પહેલાં દિવાળીના સમયે દીકરા-દીકરીઓ અને વાઇફ માટે સારુંએવું શૉપિંગ કરીને ઘરે જતો હતો. ટ્રેનમાં ભીડ હોવાથી સામાન ઉપર મૂક્યો અને ફોન પર વાતે વળગતાં ક્યારે કાંદિવલી આવ્યું અને ઊતરી ગયો ખબર જ ન પડી. ખાસ્સી વારે યાદ આવ્યું એટલે તરત જ હું જીઆરપીમાં ગયો અને કેટલા વાગ્યાની ટ્રેનમાં સામાન ભુલાયો છે એની તપાસ કરાવી, પણ ટ્રેન બોરીવલીથી પાછી જવા નીકળી ચૂકી હતી. મારા જેવા જ મિત્રોની સાથે ટ્રેનમાં રેગ્યુલર ટ્રાવેલ કરનારા એક ભાઈએ બોરીવલી ઊતરતી વખતે તેમના જ કોઈ દોસ્તનું હશે એમ માનીને થેલીઓ ઉતારી લીધેલી, પણ નીચે ઊતરીને બધાને પૂછતાં ખબર પડી કે તેમનામાંથી કોઈનીયે નથી. એ ભાઈનું નામ બંકિમભાઈ. તેમણે થેલીમાં જોયું તો બ્રૅન્ડ ન્યુ કપડાં. તેમને થયું પોલીસમાં જમા કરાવીશ તો લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડમાં લૉકરમાં સામાન સડશે એટલે તેમણે બૅગની અંદરના કાચા બિલ પરથી એ દુકાન પર ફોન કર્યો. દુકાનદાર મારો ફ્રેન્ડ હતો એટલે મેં તેને કહી રાખ્યું હતું. તેની પાસેથી મારો નંબર લઈને ‌બંકિમભાઈએ મને ફોન કર્યો ને સામાન મને પાછો મળ્યો. જોકે આ સામાને અમને નવો દોસ્ત આપ્યો.’

પોલીસ પણ સાબદી

જેમ મુંબઈગરાઓ ઑનેસ્ટ છે એમ સામાનની બાબતમાં મુંબઈની પોલીસ પણ ખૂબ કો-ઑપરેટિવ છે એનો અનુભવ ઘણાને થયો હશે. સાકીનાકામાં રહેતા સીએ કમલેશ દામા ઇન્ટરેસ્ટિંગ અનુભવ વર્ણવતાં કહે છે, ‘આપણા ટૅક્સી-રિક્ષાવાળા તો ખરા જ, પણ પોલીસવાળા પણ આ બાબતે ખૂબ ઍક્ટિવ છે. એક વાર હું સાકીનાકાથી ચેમ્બુર રિક્ષામાં જતો હતો એ વખતે ખૂબ વરસાદને કારણે ઝટપટ ઊતરવામાં હું મારા ટિફિનની બૅગ રિક્ષાના પાછળના ભાગમાં ભૂલી ગયો. એ બૅગમાં જ મારો મોબાઇલ અને વૉલેટ હતાં. રિક્ષાવાળાને એ વખતે તો ખ્યાલ નહીં આવ્યો, પણ એક-બે  દિવસ પછી ટિફિનમાંથી વાસ આવી એટલે તેણે જોયું. વાસ મારતું ટિફિન તો તેણે ફેંકી દીધું પણ મોબાઇલ અને વૉલેટ તે પોલીસમાં જમા કરાવી આવ્યો. પોલીસે એ વૉલેટમાંથી મારા એસબીઆઇના એટીએમ કાર્ડ પરથી કૉન્ટૅક્ટ નંબર કઢાવ્યો. એ માટે તેમણે બૅન્કમાં ઍપ્લિકેશન કરીને બધી જ પ્રોસેસ પણ કરી. દસ દિવસ બાદ તેમને નંબર મળતાં મને પોલીસનો ફોન આવ્યો. વૉલેટ ખોવાયાના દસ-બાર દિવસે મને એ પાછું મળ્યું અને એમાંનાં તમામ કાર્ડ્સ અને દસ હજાર રૂપિયા રોકડા એમ જ હતાં. પોલીસ પાસેથી મુસ્લિમ રિક્ષાવાળા ભાઈનો મેં નંબર લીધો અને તેને મળીને બક્ષિસ આપવાની પણ કોશિશ કરી, પણ તેણે ધરાર ન લીધી.’

columnists sejal patel