૬૮ વર્ષના અમદાવાદમાં રહેતા કાર્તિકેય ઠાકોરની માનસિક અને શારીરિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. કાંદિવલીના તેમના લગભગ ૭૪૩ સ્ક્વેરફીટના ફ્લૅટને તેમણે ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં ૧૧ મહિનાના ઍગ્રીમેન્ટ સાથે રેન્ટ પર આપ્યો હતો.
તમારા ઘર પર ગેરકાયદે કબજો જમાવનારા ભાડૂતો વિરુદ્ધ ખરેખર ઍક્શન લેવાશે?
ઍગ્રીમેન્ટ પૂરું થયા પછી ઘર ખાલી ન કરનારાઓ સામે ઝડપી કાર્યવાહી કરવા અને ૧૮,૫૫૩ પેન્ડિંગ કેસોનો ભાર ઘટાડવા માટે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ હેઠળ ૧૫ ઝોનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ને ‘સક્ષમ સત્તાધિકારી’ એટલે કે કૉમ્પીટન્ટ ઑથોરિટી તો બનાવી દીધા અને એકાદ સફળ કેસને પ્રમોટ પણ કરી લીધો; પરંતુ ઓવરઑલ સિસ્ટમની અસ્પષ્ટતા, જૂના કેસોની અટવાયેલી ટ્રાન્સફર અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે શું ખરેખર પીડિત મકાનમાલિકોને રાહત મળી રહી છે? કે પછી તેમની પજવણીનો એક નવો અધ્યાય શરૂ થયો છે?
૬૮ વર્ષના અમદાવાદમાં રહેતા કાર્તિકેય ઠાકોરની માનસિક અને શારીરિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. કાંદિવલીના તેમના લગભગ ૭૪૩ સ્ક્વેરફીટના ફ્લૅટને તેમણે ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં ૧૧ મહિનાના ઍગ્રીમેન્ટ સાથે રેન્ટ પર આપ્યો હતો. જોકે મુદત પૂરી થયા પછી પણ ભાડૂતે ઘર ખાલી ન જ કર્યું. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કાર્તિકેયભાઈ કહે છે, ‘ઍગ્રીમેન્ટ પૂરું થવા આવ્યું ત્યારે તેમણે વિનંતી કરી કે સાહેબ, મને એક મહિનો વધારી આપો. માણસાઈના નાતે મેં એક મહિનો વધારી પણ આપ્યો, પરંતુ એ એક મહિનો ક્યારે ૧૨ મહિનામાં ફેરવાઈ ગયો એની ખબર જ ન પડી. આજે એક વર્ષ થવા આવ્યું, ન તો મને ભાડું મળ્યું છે કે ન તો મારો ફ્લૅટ ખાલી થયો છે.’
પજવણીની હદ તો ત્યારે વટાવી દેવામાં આવી જ્યારે ભાડૂતે ચાવી આપવાના નામે માનસિક રમત શરૂ કરી. કાર્તિકેયભાઈ કહે છે, ‘મેં તેમને લીગલ નોટિસ મોકલાવી, પણ તેઓ ઘર ખાલી કરતા નથી. ભાડું આપવાની માત્ર વાતો કરે છે અને કાયદાકીય રીતે જો હું અત્યારે અધૂરું કે મોડું ભાડું સ્વીકારી લઉં તો મારો જ કેસ નબળો પડી જાય. સૌથી વધુ પીડાદાયક વાત એ છે કે તેઓ મને માત્ર તારીખો જ આપે છે. એક વખત તો મારી પત્ની અને દીકરો મુંબઈ ઍરપોર્ટ પર હતાં અને તેમને ફોન કરીને અમે પૂછ્યું તો કહે કે આવી જાઓ અહીં, અમે ચાવી આપી દઈએ છીએ. તેઓ ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને જોયું તો ચાવી ન આપી. આવું તેઓ ચારથી પાંચ વાર કરી ચૂક્યા છે. અમને ખોટો વાયદો આપે, ધક્કા ખવડાવે, પણ ઘર ખાલી કરતા નથી.’
કાર્તિકેયભાઈ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં મદદ માગવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ તો નોંધી પણ સાથે જ કહી દીધું કે આ સિવિલ મૅટર છે, અમે આમાં કંઈ ન કરી શકીએ. આખરે થાકી-હારીને તેમણે એપ્રિલ, ૨૦૨૬માં કોર્ટમાં કેસ દાખલ કર્યો. નિયમ મુજબ ૬ મહિનામાં કેસનો નિકાલ આવી જવો જોઈએ, પરંતુ કાર્તિકેયભાઈની કમનસીબી જુઓ કે ઑગસ્ટ પછી તંત્રમાં ફેરફાર થયો, જૂના કેસો અટવાઈ ગયા અને નવેમ્બર આવી ગયો છતાં તેમનો કેસ હજી સુધી સંબંધિત ઝોનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પાસે ટ્રાન્સફર જ થયો નથી. ૮ મહિનામાં બે તારીખ મળી, પણ ન તો જજ આવ્યો કે ન તો સામેવાળો પક્ષ એકેય મુદતમાં હાજર રહ્યો. જજ નથી. ગાઇડલાઇન્સ નથી. અને એક સિનિયર સિટિઝન પોતાના જ ઘરનો કબજો મેળવવા અમદાવાદથી મુંબઈ વચ્ચે શૅર-સર્ટિફિકેટ અને દસ્તાવેજોનાં થોથાં લઈને ભટકી રહ્યો છે. આવા એક નહીં પણ અઢળક કિસ્સાઓ મળશે.
સરકારનો માસ્ટરસ્ટ્રોક અધકચરો?
કાર્તિકેયભાઈની આ કહાણી મુંબઈના હજારો મકાનમાલિકોની પ્રતિનિધિ કહાણી છે. મુંબઈમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના કારણે ભાડાનાં મકાનોની માગ આસમાને છે, પરંતુ ઘર પચાવી પાડનારા ભાડૂતોના ડરથી અનેક લોકો પોતાના ફ્લૅટને તાળાં મારીને રાખવાનું પસંદ કરે છે. આ ગંભીર સમસ્યાની નોંધ રાજ્ય સરકારે લીધી હતી. થોડાક મહિનાઓ પહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા-બેઠકમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. સરકારી ડેટા મુજબ મુંબઈની સિવિલ કોર્ટમાં ભાડાસંબંધિત આશરે ૧૮,૫૫૩ કેસ વર્ષોથી પેન્ડિંગ પડ્યા હતા. કોર્ટની લાંબી પ્રક્રિયા, તારીખો અને વકીલોની ફીના ચક્કરમાં મકાનમાલિકો પાયમાલ થઈ રહ્યા હતા. આ ભરાવો ઓછો કરવા અને ‘લીવ-ઍન્ડ-લાઇસન્સ’ ઍગ્રીમેન્ટ હેઠળ ઘર આપનારા માલિકોને તાત્કાલિક ન્યાય અપાવવા માટે રાજ્યના ગૃહનિર્માણ વિભાગે ૨૦૨૬ની ૩૧ જુલાઈએ એક ઐતિહાસિક નોટિફિકેશન બહાર પાડ્યું. આ જાહેરનામા હેઠળ મુંબઈ પોલીસ કમિશનરેટના તમામ ૧૫ ઝોનલ DCPને મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ, ૧૯૯૯ની કલમ ૪૦ હેઠળ ‘સક્ષમ સત્તાધિકારી’ એટલે કે કૉમ્પીટન્ટ ઑથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
અગાઉ આ સત્તા રેવન્યુ વિભાગના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ પાસે હતી, જ્યાં ગણતરીના અધિકારીઓ પર હજારો કેસોનો ભાર હતો અને આદેશ થયા પછી પણ એના અમલીકરણ માટે પોલીસની મદદ લેવામાં મહિનાઓ નીકળી જતા હતા. નવી વ્યવસ્થા મુજબ હવે ઝોનલ DCP પોતે અરજીઓ સાંભળી શકે છે, પુરાવા નોંધી શકે છે, ઘર ખાલી કરાવવાનો આદેશ આપી શકે છે અને પોતાના તાબા હેઠળના પોલીસ-સ્ટેશનને સીધો આદેશ આપીને એનો અમલ પણ કરાવી શકે છે. સરકારના આ નિર્ણયની અસર ત્યારે દેખાઈ જ્યારે મુંબઈ પોલીસે નવી વ્યવસ્થા હેઠળ પોતાનો સૌપ્રથમ આદેશ પસાર કર્યો. બન્યું એવું કે
બાંદરા-ઈસ્ટમાં રહેતા પ્રકાશ દિગંબર દેવધર અને તેમનાં પત્ની પ્રભા દેવધરે
સાંતાક્રુઝ-ઈસ્ટના નેહરુ રોડસ્થિત જય કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો પોતાનો ફ્લેટ ૩૬ મહિનાના રજિસ્ટર્ડ લીવ-ઍન્ડ-લાઇસન્સ કરાર પર આપ્યો હતો. કરારની મુદત પૂરી થયા પછી પણ ભાડૂત ફ્લૅટ ખાલી કરવા તૈયાર નહોતા. દેવધરદંપતીએ ૧૬ ઑક્ટોબરે સંબંધિત ઝોનલ DCP સમક્ષ અરજી કરી. પોલીસે ૨૪ ઑક્ટોબરે ભાડૂતને સમન્સ પાઠવ્યું, બન્ને પક્ષોના દસ્તાવેજો અને નિવેદનો તપાસ્યાં અને ભાડૂતોની કેસ લડવાની અરજી ફગાવી દીધી. માત્ર ૨૮ દિવસની અંદર પોલીસે ફ્લૅટનો શાંતિપૂર્ણ કબજો એના મૂળ માલિકોને પરત અપાવ્યો એટલું જ નહીં, મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટની કલમ ૨૪ (૨) મુજબ પહેલી સપ્ટેમ્બરથી કબજો સોંપાય ત્યાં સુધી ભાડૂતને નક્કી થયેલી માસિક લાઇસન્સ ફી કરતાં બમણું વળતર ચૂકવવાનો પણ આકરો આદેશ કર્યો.
સિસ્ટમનો અસલી ચહેરો
ઉપરની વાતો જાણ્યા પછી તમને થશે કે તો પછી કાર્તિકેયભાઈ જેવા પીડિતો કેમ અટવાયેલા છે? સાંતાક્રુઝના કેસમાં ૨૮ દિવસમાં ન્યાય મળ્યો તો પછી કાંદિવલીના કાર્તિકેયભાઈનો કેસ એપ્રિલથી કેમ લટકી રહ્યો છે? આ સવાલનો જવાબ શોધવા જ્યારે અમે કાયદાકીય નિષ્ણાતો અને પોલીસ-અધિકારીઓ સાથે વાત કરી ત્યારે વ્યવસ્થાની અંદરની ગૂંચવણો બહાર આવી. આ સંદર્ભે પ્રૉપર્ટી અને રીડેવલપમેન્ટ ક્ષેત્રે ૧૭ વર્ષથી પ્રૅક્ટિસ કરતા જાણીતા ઍડ્વોકેટ અને સૉલિસિટર ચિરાગ શાહ આ સમગ્ર મામલાને સરળ શબ્દોમાં સમજાવતાં કહે છે, ‘મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટની કલમ ૨૪ હેઠળ સમરી પ્રોસેસની જોગવાઈ રાખવામાં આવી છે, જેના અંતર્ગત લીવ ઍન્ડ લાઇસન્સ કરાર પૂરો થયા પછી મકાનમાલિકને છથી નવ મહિનામાં ન્યાય મળે, પરંતુ મુંબઈની જુડિશરી મશીનરી પર ખૂબ મોટો લોડ છે. એ દૃષ્ટિએ જુઓ તો સરકારે જે ૧૫ DCPને સત્તા આપી છે એ સારા માટે જ છે, કારણ કે ઑથોરિટીની સંખ્યા વધવાથી ડિસિઝન-મેકિંગ ઝડપી બનશે અને પોલીસ પાસે સીધું એક્ઝિક્યુશન હોવાથી પરિણામ જલદી મળશે.’
પરંતુ અત્યારે કેમ તકલીફ પડી રહી છે? એ વિશે ચિરાગ શાહ સ્પષ્ટતા કરતાં કહે છે, ‘અત્યારે પ્રૅક્ટિકલ સમસ્યા એ છે કે જૂની કૉમ્પીટન્ટ ઑથોરિટીમાં નવા કેસો ફાઇલ થવાનું બંધ થઈ ગયું છે, અધિકારક્ષેત્ર બદલાઈ ગયું છે; પરંતુ જે જૂના કેસો પહેલેથી દાખલ થયેલા છે એના ટ્રાન્સફર વિશે હજી પૂરતી ક્લૅરિટી આવી નથી. અત્યારે આખી વ્યવસ્થા પ્રીમૅચ્યોર સ્ટેજ પર છે. એક વાર સિસ્ટમૅટિક ક્લૅરિટી આવશે અને ફાઇલો ટ્રાન્સફર થવાની પ્રક્રિયા ગતિ પકડશે ત્યારે ચોક્કસ સારું પરિણામ મળશે, પરંતુ એ ક્યારે થશે અને ત્યાં સુધી જૂના કેસનો નિકાલ કેમ થશે એ કહેવું મુશ્કેલ છે.’
બીજી તરફ ઝોન-૭ (ઘાટકોપર)ના DCP ગણેશ શિંદે કહે છે, ‘અમારા પર કામનું ભારણ વધ્યું નથી, અમે ઑફિશ્યલી પ્રિવેન્ટિવ અને મૅજિસ્ટ્રેરિયલ પાવર હેઠળ કામ કરીએ છીએ. હજી સુધી અમારી પાસે આ પ્રકારના કેસો ટ્રાન્સફર થઈને આવ્યા નથી, પરંતુ જ્યારે કરારનો ભંગ થાય અને કેસો અમારી પાસે આવશે ત્યારે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રક્રિયા ચોક્કસ ઝડપી બનશે.’
સરકારનું પગલું જોખમી?
જ્યાં એક વર્ગ આ નિર્ણયને આવકારી રહ્યો છે ત્યાં કાયદાકીય નિષ્ણાતોનો એક મોટો વર્ગ આ પગલાને બંધારણીય અને વ્યવહારુ દૃષ્ટિએ જોખમી માની રહ્યો છે. જાણીતા ટેનન્સી લૉયર દિવ્યકાંત મહેતા આ વ્યવસ્થા સામે અત્યંત તીખો અને સ્પષ્ટ વિરોધ નોંધાવે છે. તેઓ કહે છે, ‘આ બધું જ ખોટું થઈ રહ્યું છે. ન્યાયિક સત્તાઓ આ રીતે એક્ઝિક્યુટિવ એટલે કે IPS અધિકારીઓને ડાઇવર્ટ કરવી એ ન્યાયતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અગાઉ ગુજરાત સરકારે પણ આવો પ્રયોગ કરીને રેવન્યુ અધિકારીઓને સત્તા આપી હતી અને બહુ મોટા પાયે હડતાળ થઈ હતી અને આખરે એણે એ પાછું ખેંચવું પડ્યું હતું. સવાલ એ છે કે શું DCP પાસે કાયદાકીય દસ્તાવેજો તપાસવાનો, પુરાવા નોંધવાનો અને જજમેન્ટ આપવાનો સમય અને તાલીમ છે? મુંબઈ જેવા મહાનગરમાં DCP પાસે પહેલેથી જ કાયદો અને વ્યવસ્થા જાળવવાની, વીઆઇપી બંદોબસ્તની અને ગુનાખોરી રોકવાની અત્યંત વ્યસ્ત જવાબદારી હોય છે ત્યાં તેઓ આ નવા કામમાં ક્યાંથી પહોંચી વળવાના? આપણને બધાને ખબર છે કે પોલીસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં કેવું કરપ્શન છે. આ પ્રકારની જવાબદારીઓ તેમને સોંપવાથી કરપ્શનનું પ્રમાણ નહીં વધે એની શું વ્યવસ્થા છે?’
સિસ્ટમની ખામીઓ તરફ આંગળી ચીંધતાં દિવ્યકાંતભાઈ કહે છે, ‘સરકારે નોટિફિકેશન તો બહાર પાડી દીધું, પણ જમીની સ્તરે કોઈ માળખું કે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર નથી. મેં જે પણ અધિકારીઓનો સંપર્ક કર્યો તેમણે કહ્યું કે અમારી પાસે હજી કોઈ સ્પષ્ટ સૂચના કે ફાઇલો આવી નથી. જો તમારે ઝડપી ન્યાય આપવો જ હતો તો અત્યાર સુધી આ જવાબદારી સંભાળનારી સ્મૉલ કૉઝ કોર્ટને વધુ સક્ષમ બનાવી શકાઈ હોત અથવા સ્પેશ્યલ કોર્ટ્સ ઊભી કરી શકાઈ હોત. જો ૧૫ અલગ-અલગ પોલીસ-અધિકારીઓ કોઈ ચોક્કસ SOP વગર પોતાના અર્થઘટન મુજબ નિર્ણયો લેશે તો આદેશોમાં ભારે વિસંગતતા ઊભી થશે. અને આખરે DCPના આદેશને પણ રિટ પિટિશન દ્વારા પડકારી શકાય છે; એટલે કે જો આદેશ કાયદાકીય રીતે નબળો હશે તો મામલો ફરી હાઈ કોર્ટમાં જ જશે અને મકાનમાલિકો ફરી અટવાશે અને ન્યાયતંત્રનો ભાર હળવો કરવાની જે વાત થઈ રહી છે એમાં કોઈ પરિણામ નહીં આવે.’
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ જેવા શહેરમાં જ્યાં એક-એક ઇંચ જમીનની કિંમત કરોડોમાં છે ત્યાં પોતાનું ઘર ભાડે આપ્યા પછી મકાનમાલિકને જ પોતાના ઘરની બહાર લાચાર બનીને ઊભા રહેવું પડે એ કોઈ પણ સભ્ય સમાજ માટે શરમજનક બાબત છે. રાજ્ય સરકારે ૧૮,૫૫૩ પેન્ડિંગ કેસોનો બોજ ઘટાડવા અને મકાનમાલિકોને ઝડપી ન્યાય અપાવવા માટે ૧૫ ઝોનલ DCPને સત્તા આપીને એક ક્રાંતિકારી કદમ ચોક્કસ ઉઠાવ્યું છે. સાંતાક્રુઝનો પ્રથમ ચુકાદો સાબિત કરે છે કે જો તંત્ર ધારે તો ૨૮ દિવસમાં પણ ન્યાય મળી શકે છે, પરંતુ એક સફળ કેસની ચમક પાછળ કાર્તિકેય ઠાકોર જેવા અનેક સિનિયર સિટિઝનોની આંખોનાં આંસુ અને ધક્કા છુપાઈ ન જવાં જોઈએ. જ્યાં સુધી જૂના પેન્ડિંગ કેસોની ફાઇલો ઝડપથી DCPના ટેબલ પર ટ્રાન્સફર નહીં થાય, જ્યાં સુધી તમામ ૧૫ ઝોનમાં એકસમાન કાર્યપદ્ધતિ લાગુ નહીં થાય, અને જ્યાં સુધી પોલીસ-અધિકારીઓને આ ન્યાયિક પ્રક્રિયા ચલાવવા માટે પૂરતું વહીવટી માળખું નહીં મળે ત્યાં સુધી આ કાયદો મકાનમાલિકો માટે રાહત કરતાં મૂંઝવણ વધુ બની રહેશે.
કયો કાયદો, કોને લાગુ પડે અને કેવી રીતે?
સામાન્ય નાગરિકો અને મકાનમાલિકોમાં આ નવા નિયમ વિશે ઘણી ગેરસમજણો પ્રવર્તે છે. ઘણા લોકો માને છે કે હવે કોઈ પણ જૂના ભાડૂતને પોલીસ-સ્ટેશનમાં જઈને બહાર કાઢી શકાશે, પરંતુ કાયદાની વાસ્તવિકતા સમજવી ખૂબ જરૂરી છે.
૧. કયા કરાર માટે DCP પાસે જઈ શકાય? : આ નિયમ માત્ર રેસિડેન્શિયલ મિલકત માટેના અને સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં રજિસ્ટર્ડ થયેલા લીવ-ઍન્ડ-લાઇસન્સ ઍગ્રીમેન્ટ માટે જ લાગુ પડે છે. જો તમારો કરાર નોટરાઇઝ્ડ હશે અથવા કમર્શિયલ (દુકાન કે ઑફિસ) હશે કે પછી જૂની પાઘડીપ્રથાનો ભાડૂત હશે તો DCPને એમાં કોઈ સત્તા નથી. એવા કેસ સ્મૉલ કૉઝ કોર્ટમાં જ ચાલશે.
૨. ભાડૂત અને લાઇસન્સી વચ્ચેનો તફાવત શું? : કાયદાની ભાષામાં
લીવ-ઍન્ડ-લાઇસન્સ કરાર હેઠળ રહેનાર વ્યક્તિ ટેનન્ટ નથી, પરંતુ લાઇસન્સી છે. તેને મિલકત પર કોઈ માલિકીહક કે કાયમી કબજો મળતો નથી, માત્ર નિશ્ચિત સમય માટે રહેવાની પરવાનગી મળે છે. કરારની તારીખ પૂરી થતાં જ તેની પરવાનગી આપોઆપ રદ થઈ જાય છે.
૩. ડબલ ભાડાંનો નિયમ શું છે? મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટની કલમ ૨૪(૨) મકાનમાલિકોનું સૌથી મોટું હથિયાર છે. જો કરાર પૂરો થયા પછી લાઇસન્સી ઘર ખાલી ન કરે તો જે તારીખે કરાર પૂરો થયો હોય ત્યારથી લઈને જ્યાં સુધી તે ખરેખર ઘર ખાલી કરીને ચાવી ન સોંપે ત્યાં સુધીના દરેક મહિના માટે તેણે કરારમાં નક્કી થયેલી માસિક ફી એટલે કે મંથલી રેન્ટની બમણી રકમ વળતર તરીકે ચૂકવવી પડે છે.
૪.સ્થાનિક પોલીસ-સ્ટેશન vs ઝોનલ DCP : ટેક્નિકલ રીતે સ્થાનિક પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પાસે ઘર ખાલી કરાવવાની સત્તા નથી. તમારે સીધી તમારા વિસ્તારના ઝોનલ DCPની ઑફિસમાં લેખિત અરજી કરવી પડે. જ્યાં સુધી DCP લેખિતમાં ‘એવિક્શન ઑર્ડર’ પસાર ન કરે ત્યાં સુધી સ્થાનિક પોલીસ કોઈના ઘરનો સામાન બહાર કાઢી શકતી નથી.
મકાનમાલિકોનું સુરક્ષા કવચ : ઘર ભાડે આપતાં પહેલાં અને પછી શું કરવું?
જો તમે મુંબઈમાં તમારો ફ્લૅટ ભાડે આપ્યો હોય અથવા આપવાનું વિચારી રહ્યા હો તો ભવિષ્યની પજવણીથી બચવા આ ૬ નિયમો અચૂક અનુસરો.
૧. ઍગ્રીમેન્ટમાં એક્ઝિટ-ડેટ સ્પષ્ટ લખો : તમારા રજિસ્ટર્ડ લીવ-ઍન્ડ-લાઇસન્સ કરારમાં કરાર કઈ તારીખે શરૂ થાય છે અને કઈ તારીખે સમાપ્ત થાય છે એ સ્પષ્ટ શબ્દોમાં હોવું જોઈએ. સમાપ્તિની તારીખના ક્લૉઝ વિનાની અરજીઓ નામંજૂર થઈ શકે છે.
૨. મુદત પૂરી થયા પછી એક રૂપિયો પણ ભાડા તરીકે ન લો : કરાર પૂરો થયા પછી જો તમે ભાડૂત પાસેથી પૈસા સ્વીકારો તો કાનૂની રીતે એવું માની શકાય કે તમે કરાર લંબાવવાની મૌખિક સંમતિ આપી છે.
૩. કાયદો ક્યારેય હાથમાં ન લો : ભાડૂત ગમે તેટલો હેરાન કરે, પણ જાતે તાળું તોડવું, તેમનો સામાન બહાર ફેંકવો કે સોસાયટી દ્વારા લાઇટ-પાણીનું કનેક્શન કપાવવું એ ગુનો બને છે. ‘ડ્યુ પ્રોસેસ ઑફ લૉ’ (Due Process of Law) મુજબ જ આગળ વધો.
૪. દસ્તાવેજોની ફાઇલ તૈયાર રાખો: DCP સમક્ષ અરજી કરવા માટે રજિસ્ટર્ડ ઍગ્રીમેન્ટ અને ઇન્ડેક્સ-૨, ફ્લૅટનું શૅર-સર્ટિફિકેટ અથવા સેલ-ડીડ, ભાડૂતનું પોલીસ-વેરિફિકેશન (NOC), કરાર પૂરો થતાં મોકલેલી નોટિસ અને એની રસીદ, અને નોટરાઇઝ્ડ સોગંદનામું - આટલા દસ્તાવેજો તૈયાર રાખો.
૫. જૂનો કેસ પેન્ડિંગ હોય તો શું કરવું?:
જો તમે એપ્રિલ-જુલાઈ ૨૦૨૬ પહેલાં જૂની કૉમ્પીટન્ટ ઑથોરિટીમાં કેસ દાખલ કર્યો હોય તો તમારા વકીલ મારફત તમારી ફાઇલ સંબંધિત ઝોનલ DCP ઑફિસમાં ટ્રાન્સફર થઈ છે કે નહીં એની લેખિત તપાસ કરાવો.
૬. સિક્યૉરિટી ડિપોઝિટનો હિસાબ : ઘર ખાલી કરાવતી વખતે સિક્યૉરિટી ડિપોઝિટ પરત કરવાની હોય છે, પરંતુ જો ભાડું બાકી હોય કે બમણા વળતરનો આદેશ થયો હોય તો કાયદાકીય રીતે એ રકમ ઍડ્જસ્ટ કરવા વિશે આદેશમાં સ્પષ્ટતા કરાવી લો.