✕

...તો આખા મુંબઈમાં પાણીની અછત સોએ સો ટકા સર્જાશે

20 November, 2026 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવેસરથી આ શહેરને પોતાનું ઘર બનાવવાનું વિચારતા લોકોથી લઈને વર્ષોથી મુંબઈમાં જ સ્થાયી થયેલા લોકોએ એ વિચારવાનો સમય આવી ગયો છે કે ભવિષ્યમાં તેમણે પાણી, ઇલેક્ટ્રિસિટી જેવી બાબતો સાથે કૉમ્પ્રોમાઇઝ કરીને રહેવું પડશે.

રાજેશ કાપડિયા

મુંબઈમાં બિલ્ડિંગના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અત્યારે રેકૉર્ડ-બ્રેક કક્ષાએ છે અને એની સાથે મુંબઈમાં પ્રદૂષણ પણ વધ્યું છે. જોકે મારી ચિંતા પ્રદૂષણ પણ નથી, કારણ કે એ લગભગ દરેક શહેરોમાં વધતું જાય છે અને એની અલગ-અલગ અસર સમય સાથે આપણે જોઈશું જ. અત્યારે ચિંતા ઊપજાવે એવી બાબત છે આવનારા સમયમાં વધનારી પાણીની અછત. મુંબઈમાં વધતી વસ્તી સાથે પાણી, ઇલેક્ટ્રિસિટી જેવી પાયાની સુવિધાઓના સ્રોત વધારવાની દિશામાં આપણે ત્યાં શું કામ થયું છે એનો વિચાર કરો. નવેસરથી આ શહેરને પોતાનું ઘર બનાવવાનું વિચારતા લોકોથી લઈને વર્ષોથી મુંબઈમાં જ સ્થાયી થયેલા લોકોએ એ વિચારવાનો સમય આવી ગયો છે કે ભવિષ્યમાં તેમણે પાણી, ઇલેક્ટ્રિસિટી જેવી બાબતો સાથે કૉમ્પ્રોમાઇઝ કરીને રહેવું પડશે.

આ વખતે નવેમ્બર મહિનાનું ટેમ્પરેચર પ્રમાણમાં વધારે હતું. ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર નવેમ્બરમાં પહોંચ્યું અને લગભગ ૮ દિવસ લાગલગાટ ટેમ્પરેચર હાઈ રહ્યું. બીજું આ વખતે પાણીના બાષ્પીભવનનો રેશિયો પણ પ્રમાણમાં વધુ રહ્યો. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે નવેમ્બરમાં આપણે ત્યાં જે વૉટર-સોર્સિસ છે ત્યાં રહેલો પાણીનો જથ્થો છથી ૮ ટકા ઓછો છે. એનું કારણ નવેમ્બરની ગરમી, વધુ પ્રમાણમાં પાણીનું બાષ્પીભવન અને ચોમાસામાં છેલ્લે વરસાદ ઓછો પડ્યો એ છે. મુદ્દો એ છે કે નવાં-નવાં બિલ્ડિંગોમાં વધી રહેલા ફલૅટ્સ સાથે લોકો આવશે, પણ વધારાના પાણીની જરૂરિયાત માટે આપણે શું કરી રહ્યા છીએ? એવું જરાય નથી કે મુંબઈમાં વરસાદ નથી. ઇનફૅક્ટ આખા પશ્ચિમ ઘાટમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે, પરંતુ પાણીને સ્ટોર કરવાની યોજનાઓ આપણી પાસે ઓછી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ બહુ જ ગંભીરતા સાથે પાણીપુરવઠાના નવા પર્યાયો ઊભા કરવા જ પડશે તો બીજા પક્ષે સોસાયટી લેવલ પર પણ લોકોએ ચારેય બાજુ સિમેન્ટ-કૉન્ક્રીટને બદલે માટી થકી પાણી જમીનમાં ઊતરે એવી વ્યવસ્થા રાખવી પડશે. ગ્રાઉન્ડ વૉટર રીચાર્જ અને રેઇનવૉટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદના પાણીને બચાવવું અને સ્ટોર કરવું એ મુંબઈની એકેએક સોસાયટીની પાયાની જરૂરિયાત છે. જો તમે એ દિશામાં સક્રિય નહીં થાઓ તો આવનારા સમયમાં પાણીની ભયંકર અછતથી મુંબઈકરોને કોઈ નહીં બચાવી શકે.

છેલ્લાં પંચાવન વર્ષથી સ્વ-શિક્ષિત હવામાનશાસ્ત્રી તરીકે સક્રિય રાજેશ કાપડિયા વિશ્વનાં શ્રેષ્ઠ ૧૦૦૦ વેધર-બ્લૉગ્સમાં ભારતમાં પ્રથમ અને વિશ્વમાં ૧૭મો ક્રમ ધરાવતા વેધર-બ્લૉગ ‘વેગરીઝ ઑફ વેધર’ના લેખક છે, ખેડૂતોને માર્ગદર્શક અને હવામાનપ્રેમીઓ માટે પ્રેરણાસ્રોત છે. હવામાનશાસ્ત્રમાં તેમના અમૂલ્ય યોગદાન ઇન્ડિયન મીટિયરોલૉજિકલ સોસાયટી દ્વારા સન્માનિત રાજેશ કાપડિયાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ‘સાયન્સ ઑફ વેધર’ અને યુનિવર્સિટી ઑફ રીડિંગમાંથી ‘અન્ડરસ્ટૅન્ડિંગ ધ વેધર’માં સર્ટિફિકેટ ઑફ અચીવમેન્ટ પ્રાપ્ત કર્યાં છે તેમ જ તેઓ મુંબઈ મહાનગરપાલિકાના પાર્ટનર ફોરકાસ્ટર તરીકે નિયુક્ત થયેલા છે.

mumbai Water Cut mumbai water levels maharashtra pollution control board mpcb brihanmumbai municipal corporation mumbai rains brihanmumbai electricity supply and transport life and style lifestyle news