08 July, 2025 12:51 PM IST | Mumbai | Heena Patel
દીકરા રોનક અને દીકરી પલક સાથે દીપાલી મહેતા.
જીવનમાં ક્યારે કેવા વળાંકો આવશે એની કોઈને ખબર હોતી નથી. આપણા બધાની લાઇફમાં એક વાર તો ટર્નિંગ પૉઇન્ટ આવે જ છે. એ પૉઇન્ટ પરથી આપણા જીવનને નવી દિશા મળતી હોય છે. આ ટર્નિંગ પૉઇન્ટ નવો પડકાર પણ હોઈ શકે અને નવી તક પણ હોઈ શકે. એ આપણી ક્ષમતાઓને પરખે છે અને સાથે-સાથે જ આપણને જીવનની નવી દિશા તરફ આગળ વધવા માટે તૈયાર કરે છે. જીવનના આ તબક્કાને તમે હિંમતથી પાર કરી લો તો તમને આગળ વધતાં કોઈ રોકી શકે નહીં. કાંદિવલીમાં રહેતાં ૪૬ વર્ષનાં દીપાલી મહેતા એનું જીવતું-જાગતું ઉદાહરણ છે. આજથી બે વર્ષ પહેલાં તેમના પતિનું માત્ર ૪૩ વર્ષની ઉંમરે કૅન્સરને કારણે અવસાન થઈ ગયું. તેમના મૃત્યુની સાથે ઘરનો આર્થિક આધાર છીનવાઈ ગયેલો. લગ્નનાં ૨૩ વર્ષમાં તેમને ક્યારેય બહાર જઈને જૉબ કરવાની જરૂર પડી નહોતી. જોકે પતિના ગુજર્યા બાદ કામ કરવાની ફરજ પડી ત્યારે તેમણે હિંમત રાખીને ઘરના રસોડામાંથી જ કામ કરવાનું શરૂ કરીને કેટરિંગનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો.
ઘરેથી કેટરિંગ
દીપાલીબહેનને કયા સંજોગોમાં ઘરેથી કેટરિંગનું કામકાજ ચાલુ કરવું પડ્યું અને હાલમાં કઈ રીતે તેઓ કામકાજ સંભાળે છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પતિ તેજલ એપ્રિલ ૨૦૨૩માં મૃત્યુ પામ્યા એના છ-આઠ મહિના પછી મેં ઘરેથી કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો. ઘર ચલાવવાની જવાબદારી તેજલ ઉપાડી રહ્યા હતા અને હું સંતાનોના ઉછેરમાં વ્યસ્ત હતી. એ રીતે અમારો સંસાર ચાલી રહ્યો હતો એટલે બહાર કમાવા જવાની કોઈ દિવસ જરૂર જણાઈ નહોતી. તેજલના ગયા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને સર્વાઇવ કરવા માટે નિયમિત આવકની ખૂબ જરૂર હતી. મને તેજલની કંપનીમાં કામ પણ મળેલું, પરંતુ મને એ વધુ ફાવ્યું નહીં. બીજું કોઈ કામ પણ શીખવા જાઉં તો એમાં સમય લાગે. એટલે એક ગૃહિણી તરીકે મારામાં જે રસોઈકળા હતી એનો જ ઉપયોગ કરવાનું મેં નક્કી કર્યું. એ રીતે મેં ટિફિન-સર્વિસ આપવાનું શરૂ કર્યું. શરૂઆતના ૩ મહિના તો મારી પાસે ફક્ત રેગ્યુલર ટિફિન પહોંચાડવાનો જ ઑર્ડર હતો. એ ટિફિન આપવા માટે પણ ૧૫ મિનિટ ચાલીને જવું અને આવવું પડતું. એના મને ૧૨૦ રૂપિયા મળતા. એમ છતાં મેં એ કન્ટિન્યુ રાખ્યું. ધીમે-ધીમે મને રેગ્યુલર ટિફિનના ઑર્ડર્સ મળતા ગયા. માઉથ-પબ્લિસિટી થતી ગઈ એમ બલ્કમાં પાર્ટીના ઑર્ડર્સ પણ મળવા લાગ્યા. કોઈના ઘરે ગેટ-ટુગેધર હોય, કિટી પાર્ટી હોય, બર્થ-ડે પાર્ટી વગેરે હોય તો ત્યાંથી બલ્કમાં ઑર્ડર મળે. મારી પાસે એક મેનુ છે જેમાં પનીર બટર મસાલા, દહીંભીંડી, મલાઈ મેથી મટર જેવી સબ્ઝી; થેપલાં-પરાઠા-ફૂલકા રોટલી, ગાજરનો હલવો; ખીર; મસાલા રાઇસ-જીરા રાઇસ; પાંઉભાજી; આલૂ પરાઠા; બટાટાવડાં વગેરે જેવી પચાસથી વધુ ફૂડ-આઇટમ્સ રાખી છે. હું ૧૦૦ જેટલા ઑર્ડર્સ પણ આરામથી હૅન્ડલ કરી લઉ છું. મને મદદ કરવા માટે એક બહેન રાખ્યાં છે જે શાકભાજી સમારવામાં અને બીજા કામમાં મદદ કરે છે. એવી જ રીતે ફૂડની ડિલિવરી કરવા માટે એક ફિક્સ રિક્ષાવાળાભાઈ રાખ્યા છે જે ઑર્ડર પહોંચાડવાનું કામ કરે છે. જાન્યુઆરીથી મે મહિનામાં એટલા ઑર્ડર ન હોય, પણ ઑગસ્ટથી ડિસેમ્બરમાં સારા ઑર્ડર્સ મળે. જેમ કે ગણેશ ચતુર્થીમાં ચૂરમાના લાડવા કે પછી દિવાળીમાં વિવિધ પ્રકારનાં ફરસાણના ઑર્ડર મળતા રહે છે. હજી મને જોઈએ એટલા અને જરૂરિયાતો પૂરી થાય એટલા ઑર્ડર નથી મળતા, પણ ધીમે-ધીમે લોકોનો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે એની મને ખુશી છે.’
પરિવાર મારો આધારસ્તંભ
દીપાલીબહેન તેમનાં સંતાનો અને પરિવારને પોતાનો આધારસ્તંભ માને છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી દીકરી પલક ૨૩ વર્ષની છે. તેને આગળ ભણવાની ઇચ્છા હતી, પણ ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને તેણે ગ્રૅજ્યુએટ થયા પછી કામ કરવાનું શરૂ કરી દીધું. છેલ્લાં બે વર્ષથી તે એક કંપનીમાં અકાઉન્ટન્ટની જૉબ કરે છે. મારી દીકરી અત્યારે મારો દીકરો બનીને મારા પડખે ઊભી છે. મારો દીકરો પ્રિયાંશ ૧૩ વર્ષનો છે અને નવમા ધોરણમાં ભણે છે. તે પણ તેની ઉંમર કરતાં ઘણો સમજદાર છે. મારા પપ્પા ધરુભાઈ અને મમ્મી જયશ્રીબહેને પણ મને ખૂબ સાથ આપ્યો છે. તેજલના ગયા પછી હું ડિપ્રેશનમાં હતી એટલે તેમણે મને તેમની બાજુમાં કાંદિવલીમાં તેમનું જે ઘર ખાલી પડ્યું હતું ત્યાં રહેવા માટે બોલાવી લીધી. મને ભાઈ રોનક ગાંધી, ભાભી નિધિ ગાંધી, બહેન બિંકલ પંચાલ અને જીજાજી સાગર પંચાલનો પણ ઘણો સપોર્ટ છે. રોનક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. અત્યારે હું એવી સ્થિતિમાં નથી કે દીકરાની ફી અને એવા મોટા ખર્ચા કાઢી શકું. એટલે મારો ભાઈ મને મદદ કરે છે. એ સિવાય મારો બિઝનેસ વધારવામાં પણ તે મદદ કરી રહ્યો છે. મને જ્યારે પણ મોટો ઑર્ડર આવ્યો હોય અને એકલાથી પહોંચી વળાય એમ ન હોય ત્યારે મારી મમ્મી અને મારી બહેન બન્ને મને હેલ્પ કરાવવા માટે આવે છે.’
જૉબ ફાવી નહીં
તેજલ મલાડની એક કંપનીમાં ઉચ્ચ પદે કામ કરતા હતા એમ જણાવતાં દીપાલીબહેન કહે છે, ‘છેલ્લાં ૧૮ વર્ષથી એ કંપની સાથે જ તેઓ જોડાયેલા હતા. કંપની ગ્રો થવામાં તેમનું મોટું યોગદાન હતું. એટલે જ તેમની ઑફિસના બૉસ પણ તેજલને ખૂબ માન-સન્માન આપતા. તેઓ તેમના પર એટલો વિશ્વાસ કરતા કે કંપનીનું બધું જ કામકાજ જોવાની તેમની જવાબદારી હતી. તેજલના મૃત્યુ પામવાથી તેમના બૉસને પણ ખૂબ આઘાત લાગેલો. મારી ખરાબ પરિસ્થિતિમાં તેઓ પણ મારા પડખે ઊભા હતા. તેમણે મને જૉબ પણ ઑફર કરેલી, જે મને ફાવી નહીં એટલે છોડી દીધી. એ પછી મેં ઘરેથી પોતાનો કેટરિંગનો બિઝનસ શરૂ કર્યો.’