13 October, 2026 01:49 PM IST | Mumbai | Darshini Vashi
શ્વેતા ગાલા, જિલ્પા સંઘવી, નંદિતા મહેતા, સોનાલી ચંદારાણા
ગુજરાતીઓને નવરાત્રિમાં ગરબા રમવા સિવાય બીજું કંઈ ન સૂઝે. મોડી રાત સુધી ગરબા રમવાના, મોડે સુધી ફરવાનું, સવારે મોડા ઊઠવાનું અને બપોરે ભરપૂર આરામ કરીને પાછા રાતે ગરબા કરવા ઊપડી જવાનું. ગરબાના હાર્ડકોર ફૅન્સનું નવેનવ દિવસનું આવું જ કંઈક શેડ્યુલ હોય, પરંતુ આજે મળીએ કેટલીક એવી ગરબાપ્રેમી મહિલાઓને જેઓ કદી ગરબે ઘૂમવાનું મિસ નથી કરતી અને સાથે પોતાના રોજિંદા કામમાં પણ સહેજેય ઢીલ નથી કરતી
છેલ્લા ઘણા દિવસોથી ઇન્સ્ટાગ્રામ પર અમુક રીલ્સ ફરી રહી છે જેમાં કહેવાય છે કે મહિલાઓને ઘરનું કામ કરવાનું આવે ત્યારે કમરમાં કે પછી પગમાં દુખાવો થવાનો શરૂ થઈ જાય છે, પરંતુ ગરબા રમવા જવાનો સમય આવે ત્યારે તેઓ એકદમ ફિટ ઍન્ડ ફાઇન થઈ જાય છે. જોકે આ રીલ્સ ભલે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી હોય, રિયલ લાઇફમાં એની વાસ્તવિકતા ઘણી વિપરીત હોય છે. ઘણી એવી મહિલાઓ છે જેઓ ઘર, બાળકો, રસોઈ, ઑફિસ વગેરેનું કામ પતાવીને પછી ગરબા રમવા જાય છે અને ગરબા રમીને આવીને સૂઈ જવાને બદલે ઘરનું બાકીનું કામ કરે છે. આજે અહીં મુંબઈની એવી જ કેટલીક મહિલાઓ સાથે આપણે વાત કરવાના છીએ જેઓ પોતાના શોખને પૂરો કરવા માટે પોતાની જવાબદારીમાંથી ભાગતી નથી, પરંતુ એને ન્યાય આપીને ગરબા રમવા જાય છે.
આ ટીચર સ્કૂલમાં ભણાવે, ટ્યુશન લે અને રોજ રાતે ગરબે પણ ઘૂમે
દરેક મહિલા શક્તિનું સ્વરૂપ છે અને શક્તિ અંનત છે; ભલે મા દુર્ગાની જેમ સ્ત્રીઓના ૧૦ હાથ દેખાતા નથી, પરંતુ કામ તો તેઓ ૧૦ હાથનું જ કરતી હોય છે એમ જણાવતાં બોરીવલીમાં રહેતાં શ્વેતા ગાલા કહે છે, ‘હું સ્કૂલમાં ટીચર છું એટલે રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને ઘરનું કામ પતાવીને સ્કૂલમાં જઉં છું અને સાંજે ૪ વાગ્યે ઘરે પાછી આવું છું. ઘરે આવીને ફ્રેશ થઈને હું ફરી સાંજે પાંચ વાગ્યે ટ્યુશન કરવા જઉં છું. સાંજે ૬.૩૦ વાગ્યા સુધી મારાં ટ્યુશન ચાલતાં હોય છે. ત્યાર બાદ ઘરે પાછી આવું છું અને સાંજની રસોઈ બનાવું છું. આ દરમ્યાન મારા દીકરાનું પણ ધ્યાન રાખતી હોઉં છું તેમ જ તેને ભણાવવા પાછળ પણ એટલો જ ટાઇમ આપતી હોઉં છું. રાતે બધું કામ પતાવ્યા પછી તૈયાર થઈને હું ગરબા રમવા જઉં છું. આ શેડ્યુલ મારું દર નવરાત્રિ વખતે હોય છે. આ ઉપરાંત હું બીજા બે જણ સાથે મળીને ગરબાના ક્લાસ પણ ચલાવું છું અને ગરબાનાં સ્ટેપ્સ તૈયાર કરીને શીખવતી હોઉં છું એટલે એ પણ સાઇડમાં ચાલતું જ હોય છે. આ વખતે તો મેં મારાં કપડાં પણ જાતે જ ડિઝાઇન કર્યાં છે. આટલા બિઝી શેડ્યુલ વચ્ચે પણ હું એકેય નોરતું રમવાનું ચૂકતી નથી તેમ જ રમવાને લીધે બીજા દિવસે મારા દૈનિક કામને કોઈ અસર પણ થતી નથી. મોટા ભાગે લોકો એવું માનતા હોય છે કે નવરાત્રિમાં જે મહિલાઓ સજીધજીને રોજેરોજ ગરબા રમતી હોય છે તેઓ ઘરનાં કામ પર ધ્યાન આપતી નથી. જોકે આ ધારણા સદંતર ખોટી છે.’
સંયુક્ત પરિવારના રસોડાથી ગરબાના મેદાન સુધી, દરેક જગ્યાએ પર્ફેક્ટ
જૉઇન્ટ ફૅમિલી અને મારા બિઝનેસ વચ્ચે સંતુલન જાળવીને મારો ગરબાનો શોખ પૂરો કરું છું એમ જણાવીને કાંદિવલીમાં રહેતાં જિલ્પા સંઘવી કહે છે, ‘અમે ઘરમાં ૯ જણ એક છત નીચે રહીએ છીએ એટલે ઘરનાં કામ તો રહેતાં જ હોય છે. એની સાથે હું વર્ષોથી ક્લાઉડ કિચન પણ ચલાવું છું. આ બધાની વચ્ચે મેં મારાં બાળકોને ભણાવીને મોટાં પણ કર્યાં છે. દર વર્ષે હું દસેદસ દિવસ ગરબા રમવા જઉં છું અને પ્રાઇઝ પણ જીતું છું, પરંતુ ગરબાને લીધે મેં ક્યારેય મારા એક પણ કામને બ્રેક મારી નથી. નવરાત્રિ જ નહીં, કોઈ પણ તહેવાર હોય તો પણ ઘરનાં કામ અને જવાબદારી પૂરી કરવાની સાથે તહેવારો ઊજવું છું. નવરાત્રિમાં પણ રોજ સાંજ સુધીમાં બધાં કામ પતાવીને, ઘરના લોકોને જમાડીને પછી હું રમવા જવા તૈયાર થઉં છું. એવું પણ નહીં કે કોઈ પણ ડ્રેસ પહેરીને રમવા જતી રહું છું. હંમેશાં ચણિયાચોળી પહેરીને અને વ્યવસ્થિત તૈયાર થઈને જ રમવા જઉં છું. રાતે આવીને હું ઘરનાં બાકીનાં કામ પતાવું છું. એટલે ટૂંકમાં કહું તો જવાબદારી અને શોખ વચ્ચે બૅલૅન્સિંગ કરીને તહેવારો એન્જૉય કરું છું.’
કૉર્પોરેટ કંપનીમાં કામ કરી, દીકરીને ભણાવીને ગરબા તો રમવાના
હું એક કૉપોરેટ કંપનીમાં કામ કરું છું, આ ઉપરાંત ફ્રેન્ચ ટ્યુશન લઉં છું અને પેઇન્ટિંગ શીખવા જાઉં છું એમ જણાવીને મલાડમાં રહેતાં નંદિતા મહેતા કહે છે, ‘મારાં બે બાળકો છે એટલે તેમના પર પણ મારું એટલું જ ધ્યાન હોય છે. આ બધાની વચ્ચે હું ગરબા શીખું પણ છું અને રમું પણ છું. આ વખતે મેં મારો ચણિયો જાતે પેઇન્ટ કર્યો છે. ગરબાને લીધે મારે ક્યારેય કોઈ કામની સાથે બાંધછોડ કરવી પડતી નથી. મારું એ રીતનું જ પ્લાનિંગ હોય છે કે બધું મૅનેજ થઈ જાય છે. મારી દીકરી સાતમા ધોરણમાં ભણે છે. મેં તેને ટ્યુશનમાં નથી મૂકી કેમ કે હું તેને ભણાવું છું. દર વર્ષે લગભગ નવરાત્રિના સમયે જ તેની એક્ઝામ આવતી હોય છે એટલે હું પાંચ વાગ્યે ઊઠીને તેને ભણાવું છું. તે પણ ગરબા ક્લાસિસમાં જાય છે એટલે તેને પણ હું ત્યાં લઈ જાઉં છું. અમે ટાઇમ ઍડ્જસ્ટ કરી લઈએ છીએ, પરંતુ ગરબા રમવા માટે કામ પડતું મૂકતા નથી. આવી રીતે ઘણી એવી સ્ત્રીઓ છે જેઓ ટાઇમ ઍડ્જસ્ટ કરીને, બધાં કામ પતાવીને ગરબા રમવા આવે છે.’
ઘર સંભાળે, કુકિંગના ઑર્ડર લે અને ગરબામાં ઇનામ પણ જીતીને આવે
મારી નવરાત્રિ દરમ્યાનની દિનચર્યાની વાત કરું તો ઘરમાં ગરબો આવે છે એટલે એની પૂજા સહિત બધું કરું છું એમ જણાવીને કાંદિવલીમાં રહેતાં સોનાલી ચંદારાણા કહે છે, ‘પહેલાં સાસુના ઘરે ગરબો આવતો હતો એટલે ત્યાં પણ હું બધું કરતી હતી. હવે મારા ઘરે પણ ગરબો આવે છે એટલે એનું પણ હું કરું છું. ઘરમાં રસોઈ સહિતનાં જે નૉર્મલ કામ હોય એ તો હું કરું જ છું, સાથે ઘરમાં હાઉસહેલ્પ રાખી નથી એટલે ઘરનાં બધાં કામ પણ જાતે જ કરું છું. આ ઉપરાંત કુકિંગના ઑર્ડર પણ લઉં છું. બપોરનું ઑર્ડરનું કામ થઈ જાય એટલે રાતે પહેરવાનાં ચણિયાચોળી અને ઍક્સેસરીઝ રેડી કરી રાખું છું. પછી સાંજની રસોઈ કરીને, ગરબાની આરતી કરીને બધાને જમાડું છું. એ પછી વાસણો ધોઈને અને ઘરને વ્યવસ્થિત કરીને તૈયાર થઉં છું અને રમવા જાઉં છું. દર વર્ષે મોટી નવરાત્રિમાં ઇનામ પણ લાવું છું. આ સિવાય હું કથક પણ શીખું છું અને એના શો પણ કરું છું. આ બધાંનો મને ક્યારેય થાક લાગ્યો નથી. તમે કોઈ કામ મનથી કરો અને સાથે થોડું મૅનેજમેન્ટ કરો તો ક્યારેય કોઈ પ્રૉબ્લેમ આવતો નથી.’