સાતોં જનમ મોહે એન્જિનિયર હી કીજો

15 September, 2025 01:12 PM IST  |  Mumbai | Ruchita Shah

યસ, એક તરફ આપણો દેશ દુનિયાભરમાં એન્જિનિયરોની ફૅક્ટરી મનાય છે તો બીજી બાજુ જૉબલેસ એન્જિનિયરોનો બહુ મોટો કાફલો પણ આપણે જ ત્યાં છે ત્યારે પોતાના કામથી ખુશ હોય અને ચાન્સ મળે તો વારંવાર આ જ ફીલ્ડ પસંદ કરનારાઓની પણ કમી નથી.

પ્રતીકાત્મક તસવીર

અઢારમી સદીમાં મૈસૂરના રાજા માટે કાવેરી નદી પર એ જમાનાનો એશિયા ખંડનો સૌથી મોટો સાગર ડૅમ બનાવનારા, હૈદરાબાદને પૂરથી પ્રોટેક્ટ કરવાનું મેકૅનિઝમ ઊભું કરનારા અને વિશાખાપટ્ટનમ પોર્ટને પણ દરિયાનાં મોજાંથી પ્રોટેક્ટ કરવાની વ્યવસ્થા બનાવનારા વિશ્વવિખ્યાત સિવિલ એન્જિનિયર એમ. વિશ્વેશ્વર્યના જન્મદિવસ નિમિત્તે આજે ભારતભરમાં નૅશનલ એન્જિનિયર્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. ભારત એન્જિનિયરોનું મૅન્યુફૅક્ચરિંગ હબ મનાય છે, કારણ કે લગભગ દર વર્ષે દસથી પંદર લાખ એન્જિનિયર્સ ભારતમાં પાસ થાય છે. ૧૯૯૫માં ભારતમાં ૩૫૫ એન્જિનિયરિંગ કૉલેજ હતી જે ૨૦૧૫માં વધીને ૩૩૬૪ જેટલી થઈ ગઈ હતી. ૨૦૨૫ના છેલ્લા આંકડા મુજબ અત્યારે ભારતમાં ૮૮૭૬ એન્જિનિયરિંગ કૉલેજ છે. એક સમયે એન્જિનિયરિંગ ભણવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં તોતિંગ ઉછાળો આવ્યો જે સમય જતાં ઘટ્યો અને કેટલીક કૉલેજો પૂરતી સીટ ન ભરાતાં બંધ પણ થઈ ગઈ. જોકે છેલ્લા એક વર્ષમાં ફરી એક વાર એન્જિનિયરિંગની ડિમાન્ડ વધી છે. ૨૦૨૪-’૨૫માં લગભગ સાડાબાર લાખ એન્જિનિયરિંગ સીટ્સમાં ઍડ્‍મિશન લેવાયાં હતાં. બેશક, સારી કૉલેજોને બાદ કરતાં ઘણી કૉલેજોમાં એન્જિનિયરિંગ શાખામાં સીટ્સ ખાલી જ રહે છે. આજે પણ એન્જિનિયરિંગમાં એમ્પ્લૉયમેન્ટ ગૅપ અકબંધ છે. ૨૦૨૫ના એક સર્વેનો ડેટા કહે છે કે લગભગ ૮૩ ટકા એન્જિનિયર્સ ડિગ્રી મેળવ્યા પછી ઇન્ટર્નશિપ અથવા કૅમ્પસ ઇન્ટરવ્યુ થકી જૉબ મેળવવામાં નિષ્ફળ નીવડતા હોય છે. માત્ર ટૉપની ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થયેલા એન્જિનિયરોને જ નોકરી મેળવવામાં સફળતા મળે છે. ભારતમાં એન્જિનિયરોની આ દશા વચ્ચે પણ આજેય કેટલાય એન્જિનિયરો છે જેઓ પોતાની ડિગ્રીથી અને ડિગ્રીને કારણે મળેલા કામથી અતિશય ખુશ છે. તેમની ખુશીનું જ પરિણામ છે કે તેઓ તેમને ચાન્સ મળે તો વારંવાર માત્ર એન્જિનિયર બનવાનું જ પસંદ કરશે. આ સંદર્ભે ‘મિડ-ડે’એ તેમની સાથે કરેલી રોચક વાતોના અંશ પ્રસ્તુત છે. 

દુનિયાના શ્રેષ્ઠ જુગાડુ બનવું હોય તો તમારો એન્જિનિયરિંગ માઇન્ડસેટ જોઈએ :  પરિન દવે

નવ વર્ષ પહેલાં મેકૅનિકલ એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારા પરિન દવે અત્યારે બૅન્ગલોરમાં જૉબ કરી રહ્યા છે, પરંતુ મૂળ મુંબઈના હોવાથી રજાઓમાં અહીં આવી જાય છે. એન્જિનિયરિંગના ફીલ્ડમાં નાઇજીરિયાથી લઈને સિંગાપોર અને ભારતમાં પણ ઠેકઠેકાણે કામ કરી ચૂકેલા પરિનને પોતાના જીવનનું શ્રેષ્ઠ ડિસિઝન એટલે એન્જિનિયરિંગ પસંદ કરવાનું લાગે છે. પરિન કહે છે, ‘દુનિયામાં જે પણ ઇનોવેશન થયાં છે એમાં એન્જિનિયરિંગ માઇન્ડસેટ જવાબદાર હતો. જરૂરી નથી કે એના માટે તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જ જોઈએ. જેમ કે લાઇટની શોધ કરનારા એડિસન એન્જિનિયર નહોતા પણ એન્જિનિયરિંગ માઇન્ડસેટ તેમની પાસે હતું. એવી જ રીતે ઈલૉન મસ્ક હોય કે સ્ટીવ જૉબ્સ હોય, આજે ધારો કે આપણને નામ ન ખબર હોય એવી ગામડાની કોઈ અભણ વ્યક્તિએ પણ જુગાડ કરીને કોઈ પ્રૉબ્લેમનું સોલ્યુશન મેળવ્યું હોય તો તેને એન્જિનિયર કહી શકાય. જે વ્યક્તિમાં પ્રૉબ્લેમના સૉલ્યુશન શોધવાની તૈયારી હોય એ બધા જ એન્જિનિયર્સ છે. તમને સમસ્યા દેખાય અને એના સ્માર્ટ સૉલ્યુશનની સિસ્ટમ બનાવી શકો એવી માનસિકતા હોય તે જ સારા એન્જિનિયર બની શકે. આ જ કારણ છે કે આ એબિલિટી મને જનમોજનમ જોઈએ છે અને એ એબિલિટી સાથે એન્જિનિયર પણ મારે જનમોજનમ સુધી બનવું છે. સાયન્ટિસ્ટ કદાચ શોધ કરે પરંતુ એન્જિનિયર્સ શોધ કરીને સિસ્ટમ બનાવે. એને લોકો માટે ઉપ્લબ્ધ કરાવે જે ખરેખર એક રૅર ક્વૉલિટી છે જે ક્યારેય આઉટડેટેડ નથી થવાની એટલે એન્જિનિયરિંગ પણ ક્યારેય આઉટડેટેડ નથી થવાનું.’

તમારી જિજ્ઞાસાવૃત્તિને સતત સાતમા આસમાન પર રાખે એ છે એન્જિનિયરિંગ : સૌરભ ગોહિલ

આર્થિક અગવડો વચ્ચે પણ એન્જિનિયરિંગ કર્યા પછી છેલ્લાં ૧૪-૧૫ વર્ષમાં સફળતાના બધા જ રંગો ચાખી ચૂકેલા કાંદિવલીમાં રહેતા સૌરભ ગોહિલના જીવનમાં એન્જિનિયરિંગ સોનાનો સૂરજ બનીને આવ્યું એમ કહી શકાય. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ અને સાથે MBA પણ કરનારા સૌરભને એન્જિનિયરિંગ નહીં તો કુછ નહીં એવું સહજ લાગે છે એની પાછળનાં કારણો જણાવતાં તે કહે છે, ‘જે માણસ ક્યુરિયસ છે તેનામાં એન્જિનિયર બનવાની ક્ષમતા છે. બાળપણમાં કોઈ રમકડું મને મળતું તો એ કઈ રીતે કામ કરે છે, એની અંદર એવું શું છે જેના આધારે એ ચાલે છે એવું જાણવાની ઇચ્છા મને થતી અને હું એ તોડી નાખતો. મોટો થયો એમ દરેક વસ્તુમાં આ વિચાર આવે અને હું બાલ કી ખાલ ઉતારવા જેવું કરતો. ઇન ફૅક્ટ, કમ્પ્યુટર જોયું ત્યારે પણ એવો વિચાર આવેલો. એન્જિનિયરિંગનો કીડો તમારામાં હશે તો તમે આવું કેવી રીતે થાય એ જાણવા માટે ઉત્સુક હશો. મને લાગે છે કે આ કીડો દરેક બર્થમાં, દરેક સમયમાં મારી અંદર રહે અને હું બાળકની જેમ જિજ્ઞાસાથી તરબતર રહું એવું હું સો ટકા ઇચ્છું છું. હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું એટલે શરૂઆતમાં એન્જિનિયરિંગની ટેક્નિકલ ભાષા સમજવામાં સંઘર્ષ કર્યો છે. વર્ષની ફી કેમ ભરાશે એની પણ ચિંતાઓ વચ્ચે રહ્યો છું. ફી ભરવા માટે ભણવા સાથે કામ પણ કર્યું છે અને આવો કે આનાથીયે વધારે સંઘર્ષ કરીને જો એન્જિનિયર બનવાનું સંભવ હશે તો પણ હું બમણો સંઘર્ષ કરવા તૈયાર છું, પણ બનવું તો છે એન્જિનિયર જ.’

લોકોને સુખી કરવા એ જ એન્જિનિયરનું કામ હોય છે. તો શું કામ એનાથી પાછા હટવું? : કશ્યપ આનંદપરા

અંધેરીમાં રહેતા મેકૅનિકલ એન્જિનિયર કશ્યપ આનંદપરાએ ગ્રીન ટેક પ્રોડક્ટ બનાવતી એક કંપનીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ડિપ્લોમા અને ડિગ્રી બન્ને ધરાવતા કશ્યપે ભણતાં-ભણતાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું એનું શ્રેય પણ એન્જિનિયરિંગ માઇન્ડસેટને જ જાય છે. તે કહે છે, ‘તમારા મગજના બધા જ દરવાજા ખોલી નાખવાનું કામ એન્જિનિયરિંગ સહજતા સાથે કરે છે. તમારે જે પણ કરવું હોય એ બધું જ કરવાની ખુલ્લી માનસિકતા એ એન્જિનિયરની ખૂબી છે. તમે આજે જુઓ દરેક ફીલ્ડમાં તમને એન્જિનિયર મળશે. એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી બિઝનેસ કરતા લોકો, ઍક્ટિંગ કરતા લોકો તમને મળશે. મારે એન્જિનિયરિંગ સાથે જનમોજનમનો સાથ જોઈએ છે કારણ કે એન્જિનિયરનું મગજ હંમેશાં વૅલ્યુ ક્રીએટ કરવા પર હોય છે. દરેક સેક્ટરમાં એન્જિનિયરોએ કમાલ કરી છે. તમે ગરમીમાં ઠંડીનો અહેસાસ કરી શકો એ AC એન્જિનિયરોની દેન, ખેતરમાં ખેતી કરતા ખેડૂતને બળદગાડામાંથી ટ્રૅક્ટર તરફ, સુપર્બ ઇરિગેશન ફૅસિલિટી આપવાની સૌગાત એન્જિનિયરોની દેન, તમે તમારા બિલ્ડિંગમાં અગિયારમા માળે દાદરને બદલે લિફ્ટમાં જાઓ છો, ઘરમાં લાઇટ કરો છો, ટીવી જુઓ છો, ફોનમાં વાત કરો છો, ખાવાનું સ્ટવ પર ગરમ કરો છો એમ દરેક નાની બાબતથી લઈને મોટામાં મોટી શોધમાં એન્જિનિયરોનો બહુ જ મોટો રોલ છે. હું તો કહીશ કે એન્જિનિયરિંગ એ એક જાતની સમાજસેવા જ છે.’

એન્જિનિયરિંગ એ ખરેખર તમારી દુનિયાને જોવાની દૃષ્ટિ બદલવા  માટે સમર્થ છે : અમિત મોદી

૧૯૯૪માં મુંબઈની એ સમયની ટૉપ એન્જિનિયરિંગ કૉલેજમાંથી પ્લાસ્ટિકમાં એન્જિનિયરિંગ કરનારા કાંદિવલીના અ‌િમત મોદીને તો માત્ર પ્રોફેશનલ જ નહીં પણ જીવનના પર્સનલ ટાસ્કમાં પણ આ ડિગ્રી અને એને કારણે ડેવલપ થયેલા દૃષ્ટિકોણે ખૂબ મદદ કરી છે. તેઓ કહે છે, ‘એન્જિનિયરિંગ કર્યા પછી મેં મારો બિઝનેસ શરૂ કર્યો હતો. કોઈ પણ પ્રૉબ્લેમથી ડરવું નહીં અને ઍનૅલિસિસ કરીને પદ્ધતિસર સૉલ્યુશન લાવવાના પ્રયાસ કરવા એ ટ્રેઇનિંગ તમને એન્જિનિયરિંગમાં મળી જતી હોય છે. બિઝનેસ ધમધોકાર ચાલતો હતો એ દરમ્યાન મારા દીકરા જશે ટેબલટેનિસમાં ચૅમ્પિયન બનવાનું સપનું જોયું. દીકરાને રસ હતો એટલે મેં કામ વાઇન્ડ અપ કરીને આઠ વર્ષનો બ્રેક લીધો. એ આઠ વર્ષ હું દીકરાનો કોચ બની ગયો. સાચું કહું તો મને કોચિંગ કેમ કરાય એ ખબર નહોતી. હું પણ પૅશનેટ ટેબલટેનિસ પ્લેયર રહી ચૂક્યો હતો. જોકે એ પછી બધું જ ગ્રાઉન્ડ લેવલ પર શીખ્યો. દીકરાને શીખવ્યું અને એક બહુ જ પદ્ધતિસર ટ્રેઇનિંગ શરૂ કરી. એ એવી મજબૂત કામ કરી ગઈ કે એક પછી એક ટુર્નામેન્ટ જીતતો ગયો. ૩૦૦ જેટલા મેડલ, સ્ટેટ, નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ સુધી પહોંચી ગયો. જે વર્ષોથી પ્રોફેશનલ કોચિંગ કરતા હતા એ લોકો માટે અઘરું હતું એવું કામ મારાથી થઈ શક્યું કારણ કે એન્જિનિયરવાળો દૃષ્ટિકોણ હતો. દીકરો હવે જ્યારે પોતાની ટીમ ટ્રેઇનિંગ માટે પુણે છે ત્યારે આઠ વર્ષના ગૅપ પછી પોતાનું કામ ફરી શરૂ કર્યું. એ દરમ્યાન એક મલ્ટિનૅશનલ કંપનીમાં પ્રેસિડન્ટશિપ ઑફર થઈ જેમાં ૬૦૦ લોકોની ટીમ હતી. એ કામ પણ સરસ રીતે થઈ શક્યું. હું એટલું સમજ્યો છું કે એન્જિનિયરિંગ તમને ફિયરલેસ બનાવે, તમે સમસ્યાઓથી ડરતા કે ભાગતા નથી પણ તરત જ તમારું બ્રેઇન હવે આમાંથી બહાર કેમ નીકળવું એના સિસ્ટમૅટિક રસ્તા શોધવામાં લાગી જાય છે. મારા ખ્યાલથી આ બેસ્ટ ક્વૉલિટી છે જેની સાથે હું જન્મવા માગું છું અને એટલે જેટલી વાર જન્મ મળે એટલી બધી જ વાર હું એન્જિનિયર બનવાનું પસંદ કરીશ.’

Education gujaratis of mumbai mumbai columnists exclusive gujarati mid day ruchita shah