✕

ત્રણ અફેર, ચીની હની-ટ્રૅપ ને AIના બાદશાહનું પતન

22 November, 2026 12:41 PM IST  |  Mumbai | Rashmin Shah

વાંચો સિલિકૉન વૅલી સહિત દુનિયા આખીને હચમચાવી દેનારી એ‌ન્વિ‌ડિયાના કો-ફાઉન્ડર જેન્સન હૂવાંગની સનસનાટીભરી જીવનકથા

એલિસ હૂવાંગ, જેન્સન હૂવાંગ અને કિમ્બર્લી પોવેલ

એક સમયે રેસ્ટોરાંમાં વાસણો ધોવાનું કામ કરતા અને પછી દુનિયાની સૌથી ધીકતી AI કંપની ઊભી કરનારા જેન્સન હૂવાંગના અંગત સંબંધોએ કેવી રીતે અમેરિકાની નૅશનલ સિક્યૉરિટીમાં ગાબડું પાડ્યું અને માત્ર ૪ દિવસમાં ૪૬.પ લાખ કરોડનું સામ્રાજ્ય હચમચાવી નાખ્યું? વાંચો સિલિકૉન વૅલી સહિત દુનિયા આખીને હચમચાવી દેનારી એ‌ન્વિ‌ડિયાના કો-ફાઉન્ડર જેન્સન હૂવાંગની સનસનાટીભરી જીવનકથા

સિલિકૉન વૅલીના ઇતિહાસમાં ‘બ્લૅક લેધર જૅકેટ’ એક સિમ્બૉલ બની ગયું હતું. જે રીતે સ્ટીવ જૉબ્સ માટે બ્લૅક ટર્ટલનેક ટી-શર્ટ અને માર્ક ઝકરબર્ગ માટે ગ્રે ટી-શર્ટ ઓળખ બન્યાં એ જ રીતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયાના બેતાજ બાદશાહ ગણાતા જેન્સન હૂવાંગ માટે તેમનું બ્લૅક લેધર જૅકેટ તેમની દૂરંદેશી અને વિશ્વાસનું સિમ્બૉલ હતું. દુનિયાની સૌથી જાયન્ટ ટેક કંપની એ‌ન્વિ‌ડિયાના કો-ફાઉન્ડર અને CEO જેન્સન હૂવાંગની છાપ દુનિયાની દૃષ્ટિએ એક આદર્શ ફૅમિલી મૅન અને ટેક જગતના સંત જેવી હતી, પણ એ ભ્રમ ભાંગ્યો નવેમ્બર ૨૦૨૬ના બીજા અઠવાડિયે.

હિન્દુસ્તાન દિવાળીના તહેવારમાં વ્યસ્ત હતું ત્યારે અમેરિકામાં એક સમાચારે એવો ભૂકંપ આપ્યો જેણે સિલિકૉન વૅલીથી લઈને વાઇટ હાઉસ સુધ્ધાંને ખળભળાટ આપી દીધો. એ ધડાકાની અસર હજી તો ઓસરે એ પહેલાં આફ્ટરશૉકની જેમ બીજા બે શૉક આવ્યા અને ૬૩ વર્ષના જેન્સન હૂવાંગનાં ત્રણ-ત્રણ અફેર્સ પબ્લિક સામે ખુલ્લાં પડ્યાં. આ કોઈ સામાન્ય કૉર્પોરેટ અફેર કે એક્સ્ટ્રા-મૅરિટલ રિલેશનશિપની વાત નહોતી, પણ આ રિલેશનશિપનું સીધું જોડાણ ચીનની જાસૂસી સંસ્થાઓ અને અમેરિકાની નૅશનલ સિક્યૉરિટી સાથે હતું. પરિણામ એ આવ્યું કે આખી જિંદગી સંત-મહાત્મા જેવું માન-સન્માન મેળવનારા જેન્સન હુઆંગે અત્યંત ક્ષોભજનક સ્થિતિ અને અપમાનજનક અવસ્થામાં એ‌ન્વિ‌ડિયાના CEOના પદેથી રાજીનામું આપવું પડ્યું, અમેરિકન પાર્લમેન્ટે તેને સમન્સ આપ્યા અને અમેરિકન સ્ટૉક એક્સચેન્જના માત્ર ૪ ટ્રેડિંગ-દિવસમાં એ‌ન્વિ‌ડિયાની માર્કેટવૅલ્યુ ૪૬.પ લાખ કરોડ ઘટી!

જેન્સન હૂવાંગના અફેર્સ વિશે જાણતાં પહેલાં એ‌ન્વિ‌ડિયાને શૂન્યથી સક્સેસની ટોચ પર લઈ જનારા આ ધુરંધરના સંઘર્ષને જરા નજીકથી જોવો જોઈએ.

સફર સંઘર્ષથી શિખરની

૧૯૬૩ની ૧૭ ફેબ્રુઆરીએ તાઇવાનના તૈનાન નામના શહેરમાં જન્મેલા જેન્સનનું બાળપણ જબરદસ્ત સ્ટ્રગલ વચ્ચે પસાર થયું હતું. વિયેતનામ યુદ્ધની અસ્થિરતાને લીધે જેન્સનનાં મમ્મી-પપ્પાએ ૯ વર્ષની ઉંમરે જેન્સન અને તેના મોટા ભાઈને અમેરિકા મોકલી દીધા. અમેરિકામાં તેના મામાએ તેમને કેન્ટકીની ઓનેડા બૅપ્ટિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યા. મામાનો ઇરાદો ખરાબ નહોતો, પણ આર્થિક તંગી વચ્ચે તેમણે આ અૅડ્‍‌‌મિશન લીધું. હકીકતમાં ઓનેડા બૅપ્ટિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુનાહિત વૃત્તિ ધરાવતાં બાળકોને સુધારવા માટેની સ્કૂલ હતી. જેન્સનને આ સ્કૂલમાં રોજ ટૉઇલેટ સાફ કરવાં પડતાં અને જેવો નવરો પડે કે તરત અન્ય ક્રિમિનલ માઇન્ડ ધરાવતા છોકરાઓ દ્વારા થતા રૅગિંગનો સામનો કરવો પડતો.

ટીનેજ સુધી પહોંચતાં સુધીમાં જેન્સન પગભર થવા માંડ્યો. કામ માટે તેણે કોઈ જાતની શરમ રાખી નહીં. જેન્સને કામની શરૂઆત ડેનીઝ નામની રેસ્ટોરાં ચેઇનમાં વાસણ સાફ કરવાથી કરી અને પછી તે એ જ રેસ્ટોરાંમાં વેઇટર પણ બન્યો. કામ કરતાં-કરતાં જેન્સને ઑરેગૉન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી લીધી. ૧૯૯૩માં તેણે કૅલિફૉર્નિયાની એ જ ડેનીઝ રેસ્ટોરાંમાં બેસીને પોતાના બે ફ્રેન્ડ સાથે એ‌ન્વિ‌ડિયા કંપનીની શરૂઆત કરી. એ સમયે જેન્સન હૂવાંગની ઉંમર હતી ૩૦ વર્ષ. શરૂઆતમાં વિડિયો ગેમ્સ માટે ચિપ્સ બનાવતી એ‌ન્વિ‌ડિયા કંપની જેન્સન હૂવાંગની આગેવાનીમાં AI રેવલ્યુશનનું એન્જિન બની.

૪૦ વર્ષ સુધી કોઈ પણ વિવાદ વિના કંપની ચલાવનારા જેન્સન હૂવાંગની કરીઅર પર અચાનક અફેર્સનું ગ્રહણ પણ અંતિમ વર્ષોમાં લાગ્યું.

રહસ્ય સિંગાપુરના એ ડિનરનું

જેન્સનને જિંદગીભરનો જડબેસલાક તમાચો પડ્યો એ ઘટનાનાં મૂળ ૨૦૨૩માં સિંગાપોરમાં નખાયાં. ૨૦૨૩માં એલિસ હૂવાંગ નામની એક બ્યુટિફુલ લેડીએ સિંગાપોરમાં મેગાસ્પીડ નામની એક ટેક-ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીની સ્થાપના કરી. એલિસ કામમાં માનતી અને એટલે જ જાહેરમાં તેના વિશે બહુ ઓછી વાતો થતી કે તે ભાગ્યે જ કોઈને મળતી.

૨૦૨૩ના ડિસેમ્બરમાં સિંગાપુરમાં એક હાઈ-પ્રોફાઇલ ડિનર દરમ્યાન જેન્સન હૂવાંગ અને એલિસ હૂવાંગ મળ્યાં. બન્ને વચ્ચે સંબંધો ગાઢ બન્યા અને એ સંબંધો ત્યાર પછી અફેરમાં કન્વર્ટ થયા. ૨૦૨૪ના જૂન મહિનામાં તાઇવાનની તાઇપે સિટીમાં આયોજિત થયેલા એક જાયન્ટ ટેક-પ્રોગ્રામમાં પહેલી વાર જેન્સન અને એલિસ સાથે જોવા મળ્યાં. માત્ર ૬ મહિનાની આ રિલેશનશિપની આડશમાં બહુ મોટી ઇન્ટરનૅશનલ ગેમ સેટ થઈ હતી.

નૅશનલ સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ચીનને અલ્ટ્રામૉડર્ન AI ચિપ્સ વેચવા પર સ્ટ્રિક્ટ પ્રોહિબિશન મૂક્યો હતો. ઇરાદો એવો કે અમેરિકાની આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ચીન પોતાની સેના કે પછી સેના માટેનાં હથિયારો ડેવલપ ન કરે. અલબત્ત, એ નિયમ જેન્સન હુઆંગે તોડ્યો. જેન્સન સાથેના સુંવાળા સંબંધોને કારણે એલિસની કંપની મેગાસ્પીડને એ‌ન્વિ‌ડિયા તરફથી અબજો ડૉલરની પ્રોહિબિટેડ AI ચિપ્સ મળવા લાગી. ૨૦૨૪ના ડિસેમ્બર સુધીમાં અમેરિકાની FBIને ગંધ આવી ગઈ કે સિંગાપોરની મેગાસ્પીડ કંપની માત્ર એક મહોરું છે, હકીકતમાં એ‌ન્વિ‌ડિયાની ચિપ્સ ચોરીછૂપીથી ચીન પહોંચાડવામાં આવે છે.

પહેલાં અમેરિકામાં અને પછી દુનિયાભરમાં દેકારો બોલી ગયો. એ દેકારો શું બોલ્યો અને એની કેવી-કેવી અસર પડી એ હજી તો લોકો જાણતા હતા ત્યાં તો જેન્સનભાઈનાં નવાં લફરાં બહાર આવવાનાં શરૂ થયાં.

જેન્સન, ધ મૅન ઑફ લફરાં

એલિસ હૂવાંગ સાથેના સંબંધો અને ચીની જાસૂસીની તપાસ ચાલતી હતી ત્યારે જ જેન્સન હૂવાંગની લાઇફનાં અન્ય બે અફેર્સ સામે આવ્યાં અને એ‌ન્વિ‌ડિયાનું ડિરેક્ટર-બોર્ડ હતપ્રભ રહી ગયું.

એલિસ હૂવાંગ પછી બીજું નામ સામે આવ્યું કિમ્બર્લી પોવેલનું.

કિમ્બર્લી એ‌ન્વિ‌ડિયાની સૌથી જૂની અને એકદમ ટ્રસ્ટવર્ધી ઑફિસર હતી. કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને કિમ્બર્લી ૨૦૦૮માં એ‌ન્વિ‌ડિયામાં જોડાઈ અને એ પછી તે માત્ર એ‌ન્વિ‌ડિયાને સમર્પિત રહી. આ ૧૮ વર્ષમાં તેણે કંપનીમાં ખૂબ પ્રગતિ કરી અને એ‌ન્વિ‌ડિયામાં હેલ્થકૅર અને લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના વાઇસ-પ્રેસિડન્ટપદ સુધી પહોંચી. અમેરિકી સંસદ અને FBIએ કરેલી તપાસમાં બહાર આવ્યું કે માર્ચ ૨૦૨૬થી જેન્સન અને કિમ્બર્લી વચ્ચે અંગત સંબંધો હતા અને બન્ને અલગ-અલગ બહાનાં લઈને લાંબા વેકેશન પર સાથે જતાં.

કંપનીના ટૉપમોસ્ટ હેડ અને સીધી તેના હાથ નીચે કામ કરતી વાઇસ-પ્રેસિડન્ટ વચ્ચેના આ સંબંધે કૉર્પોરેટ ગવર્નન્સ અને પક્ષપાતના સવાલો ઊભા કર્યા, પણ એ સવાલો હજી તો ઘનઘોર બને એ પહેલાં જ જેન્સનબાબુનું ત્રીજું લફરું પણ પ્રકટ થયું.

આ જે ત્રીજી મહિલા છે તે પણ એ‌ન્વિ‌ડિયાની જ એમ્પ્લૉઇ હોવાનું સામે આવ્યું અને તે લેડીએ પોતાના જેન્સન હૂવાંગ સાથેના આડા સંબંધો સ્વીકારી પણ લીધા. તેનું કહેવું હતું કે તે પણ ૨૦૨પના અંતભાગથી જેન્સન સાથે બધા પ્રકારના રિલેશન ધરાવે છે. અલબત્ત, નૅશનલ સિક્યૉરિટી અને અમેરિકાના FBIએ ડેવલપ કરેલા વ્હિસલબ્લોઅર પ્રોટેક્શનનાં કારણોસર અમેરિકી સંસદ અને ઇન્ક્વાયરી એજન્સીઓએ આ ત્રીજી મહિલાનું નામ અને હોદ્દો જાહેર કર્યાં નહીં. આ ત્રીજા લફરા સાથે જેન્સન હૂવાંગની રહીસહી આબરૂના પણ લીરા ઊડી ગયા.

રેલો પહોંચ્યો છેક સંસદ સુધી

આ આખી વાત માત્ર એક કંપની પૂરતી સીમિત રહી નહીં, પણ એણે અમેરિકાના પૉલિટિક્સમાં પણ બ્લાસ્ટ કર્યો અને થાય પણ શું કામ નહીં? ૨૦૨પના ઑક્ટોબરમાં જ અમેરિકાના જાસૂસી અધિકારીઓ અને હોમ મિનિસ્ટ્રીએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને જેન્સન હૂવાંગના એલિસ હૂવાંગ સાથેના રિલેશન અને એલિસના ચીન નેટવર્ક સાથેના સંબંધો અંગે ઑફિશ્યલ વૉર્ન કર્યા હતા. એ પછી આ વર્ષે એટલે કે ૨૦૨૬ના મે મહિનામાં અમેરિકાના ફૉરેન અફેર્સ મિનિસ્ટર માર્કો રુબિયોએ ફરીથી ટ્રમ્પને ચેતવ્યા કે એ‌ન્વિ‌ડિયાના CEOના સંબંધો સીધા ચીની જાસૂસ સાથે જોડાયેલા છે જે દેશની સિક્યૉરિટી માટે અત્યંત જોખમી છે.

ચીન પાસે અમેરિકી AI ચિપ્સ પહોંચતી રોકવાની દરખાસ્તને ડોનલ્ડ ટ્રમ્પે ૩ વખત રદ કરી, પણ આરોપ છે કે અમેરિકાના મિનિસ્ટર હૉવર્ડ લટનિકે એ કાર્યવાહી ટાળી દીધી. લટનિકને ડર હતો કે જો ચીન સામે વધુ કડકાઈ દાખવવામાં આવશે તો બન્ને દેશ વચ્ચે ટ્રેડ-વૉર ફાટશે જે અમેરિકાને નુકસાન કરી શકે છે. આ મુદ્દે અમેરિકાના ફાઇનૅન્સ મિનિસ્ટર સ્કૉટ બેસેન્ટે લટનિકનો જાહેર જવાબ માગ્યો. ઇન્ટરનૅશનલ ન્યુઝ એજન્સી રૉઇટર્સ કહે છે કે અત્યારે વાઇટ હાઉસમાં હૉવર્ડ લટનિકને મિનિસ્ટરપદેથી હટાવવા પર ગંભીર વિચારણા ચાલે છે.

નુકસાન, કબૂલાતથી માંડીને પદ સુધીનું

ચારે બાજુથી ઘેરાયેલા જેન્સન હૂવાંગ પાસે છેલ્લે કોઈ રસ્તો બચ્યો નહીં. ૮ નવેમ્બરે એટલે કે બે વીક પહેલાં તેણે એલિસ હૂવાંગ સાથેના સંબંધોને સ્વીકાર્યા અને એ પછી બહાર આવેલા કિમ્બર્લી પોવેલ અને ત્રીજી કર્મચારી સાથેના સંબંધોની વાતો વચ્ચે તેણે ગયા ગુરુવારે એ‌ન્વિ‌ડિયાના CEOના પદેથી રાજીનામું આપી દીધું.

જેન્સનના રાજીનામા અને જાસૂસીકાંડના સમાચારની શૅરબજાર પર સુનામી જેવી અસર પડી. ૯ નવેમ્બરથી ૧૨ નવેમ્બર એમ રોકડા ૪ ટ્રેડિંગ દિવસમાં એ‌ન્વિ‌ડિયાની માર્કેટવૅલ્યુ ૪૯૩ અબજ ડૉલર એટલે કે અંદાજે ૪૬.પ લાખ કરોડ રૂપિયા ઘટી અને કંપનીનું માર્કેટ વૅલ્યુએશન ઘટીને ૩૭૮ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું. ખુદ જેન્સન હૂવાંગની અંગત સંપત્તિ ૧૬૨.૨ અબજ ડૉલરથી ઘટીને ૧૪૩ અબજ ડૉલર થઈ ગઈ, એટલે કે માત્ર ૪ દિવસમાં તેણે પોતે રોકડા ૧.૮૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કર્યુ.

વાત માત્ર આર્થિક નુકસાની પૂરતી જ સીમિત નથી રહી.

હવે અમેરિકન પાર્લમેન્ટની ૩ કમિટીઓએ જેન્સન હૂવાંગને ઇન્ક્વાયરી માટે બોલાવ્યો છે અને જો જેન્સન હૂવાંગ હાજરી આપીને ઇન્ક્વાયરીમાં સાથ ન આપે તો તેને અરેસ્ટ કરવા સુધીના સમન્સ પણ આપી દીધા છે. બીજી તરફ ભવિષ્યમાં આ પ્રકારનું ચિપનું સ્મગલિંગ રોકવા માટે અમેરિકા ૪ નવા કડક કાયદા લાવે છે, જે અંતર્ગત AI ચિપ્સ ક્યાં પહોંચી એનું લોકેશન ટ્રૅકિંગ રખાશે અને વિદેશી ડેટા સેન્ટરો પર પણ અંકુશ મુકાશે.

જેન્સન હુઆંગે કેવા સંજોગોમાં એલિસ હૂવાંગ સાથે રિલેશન ડેવલપ કર્યા અને શું તે ખરેખર એલિસની હેલ્પથી ચીનને હેલ્પ કરવા માગતો હતો એ અમેરિકા તપાસ કરે અને જવાબ મળે ત્યારે સાચું; પણ એ સત્ય ફરી એક વખત સાબિત થઈ ગયું કે જો પ્રખર જ્ઞાની, તમામ વેદ-પુરાણો અને શાસ્ત્રોના જ્ઞાતા એવા વિશ્વામિત્રને મેનકા પીગળાવી શકે તો જેન્સન હૂવાંગ વળી કઈ વાડીનો મૂળો?

શું છે આ એ‌ન્વિ‌ડિયા?

૧૯૯૩ની પાંચમી એપ્રિલે જેન્સન હૂવાંગ, ક્રિસ માલાચોવસ્કી અને કર્ટિસ પ્રીમે કૅલિફૉર્નિયાના સાન્તા ક્લેરા સિટીથી શરૂઆત કરી. શરૂઆતમાં કંપની કમ્પ્યુટર અને વિડિયો ગેમ્સ માટે 3D ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ બનાવતી. એ પછી ૧૯૯૯માં કંપનીએ GeForce 256 લૉન્ચ કર્યું, જે દુનિયાનું પ્રથમ GPU બન્યું.

જેન્સન હુઆંગે વર્ષો પહેલાં જ પારખી લીધું હતું કે GPU માત્ર ગેમિંગ પૂરતાં સીમિત નથી, પણ એની પૅરૅલલ પ્રોસેસિંગ-ક્ષમતાનો ઉપયોગ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને સુપરકમ્પ્યુટિંગમાં થઈ શકે છે. ૨૦૦૬માં તેણે CUDA સૉફ્ટવેર પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું, જે આજે AI ડેવલપર્સ માટે અનિવાર્ય છે.

ChatGPT, ગૂગલ, માઇક્રોસૉફ્ટ અને મેટા જેવી દિગ્ગજ કંપનીઓ પોતાનાં AI મૉડલ્સને ટ્રેઇનિંગ આપવા એ‌ન્વિ‌ડિયાની H100 અને Blackwell ચિપ્સ પર નિર્ભર છે. AI ચિપ માર્કેટમાં એ‌ન્વિ‌ડિયાનો હિસ્સો ૮૦ ટકાથી વધુ છે.

ચિપમાં બુલિયન બનેલી એ‌ન્વિ‌ડિયાની ડિમાન્ડ એ સ્તર પર વધી ગઈ કે ૨૦૨૪-’૨૫માં એ‌ન્વિ‌ડિયા કંપની ઍપલ અને માઇક્રોસૉફ્ટને પછાડીને ૩.૫ ટ્રિલ્યન ડૉલરથી વધુ માર્કેટ કૅપિટલાઇઝેશન સાથે દુનિયાની સૌથી મોટી કંપની બની.

જેન્સન હૂવાંગની પત્ની વિશે થોડું

તેનું નામ લૉરી હૂવાંગ. લૉરીનો જન્મ અમેરિકામાં થયો. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં લૉરી ઑરેગૉન યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણતી. એ સમયે ક્લાસમાં ૨૫૦ છોકરાઓ વચ્ચે માત્ર ૩ છોકરીઓ હતી, જેમાં લૉરી પણ હતી. જેન્સન હૂવાંગ તેનો લૅબ-પાર્ટનર. જેન્સને તેને હોમવર્કમાં હેલ્પ કરવાના બહાને ડેટ માટે પૂછ્યું. એ ડેટ પછી બન્નેની રિલેશનશિપ આગળ વધી અને ૧૯૮૫માં તેમણે મૅરેજ કર્યાં. લૉરીએ પણ HPના ટૂંકા નામથી વધારે પૉપ્યુલર એવી હ્યુલેટ-પૅકાર્ડ જેવી કંપનીમાં કામ કર્યું છે. એ પછી લૉરીએ માત્ર એ‌ન્વિ‌ડિયાને સપોર્ટ આપવાનું કામ કર્યું તો છેલ્લા દસકમાં તે જેન્સન ઍન્ડ લૉરી હૂવાંગ ફાઉન્ડેશનનું હૅન્ડલિંગ કરે છે, જે એજ્યુકેશન અને હેલ્થના ફીલ્ડમાં સેવાનું કામ કરે છે. જેન્સન અને લૉરીને બે બાળકો છે. મોટો દીકરો સ્પેન્સર અને દીકરી મેડિસન. સ્પેન્સર અને મેડિસન એ‌ન્વિ‌ડિયા સાથે જ જોડાયેલાં છે.

જેન્સનને કપડાંની ખરીદીમાં બિલકુલ રસ નહોતો. એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેનાં કપડાંની પસંદગી વાઇફ લૉરી અને દીકરી મેડિસન કરતી. જેન્સન તેના જે બ્લૅક લેધર જૅકેટને લીધે પૉપ્યુલર થયો અને બ્લૅક લેધર જૅકેટ જે તેની સિગ્નેચર સ્ટાઇલ બની એ લૉરી જ તેના માટે લાવી હતી. ઍપલના સ્ટીવ જૉબ્સ અને મેટાના માર્ક ઝકરબર્ગની જેમ જ જેન્સન હૂવાંગ પણ માને છે કે રોજ સવારે ‘આજે શું પહેરવું’ એ નક્કી કરવામાં મગજની ઊર્જા વેડફવી ન જોઈએ, એકસરખાં કપડાં પહેરવાથી સમય બચે છે અને સંપૂર્ણ ધ્યાન મહત્ત્વના નિર્ણયો પર કેન્દ્રિત કરી શકાય છે.

જીવનની કરુણતા જુઓ કે જેન્સનના મગજની ઊર્જા બચાવવાનું કામ કરી જેન્સનને આઇકૉનિક લુક આપનારી લૉરી સાથે જ હવે ૪૦ વર્ષ જૂના સંબંધો પર અફેર્સના વિવાદને લીધે પૂર્ણવિરામ મુકાવાના આરે છે.

જેન્સનના ડિવૉર્સ થાય તો શું?

જો જેન્સન અને લૉરી ડિવૉર્સ લે તો અમેરિકન કાયદા મુજબ શું બની શકે એ સમજવા જેવું છે.


પત્ની લૉરી સાથે જેન્સન હૂવાંગ

જેન્સન અને લૉરી કૅલિફૉર્નિયામાં રહે છે. અમેરિકાના કાયદા મુજબ લગ્ન પછી કપલે જે કંઈ કમાણી કે સંપત્તિ ઊભી કરી હોય એ કમ્યુનિટી પ્રૉપર્ટી ગણાય છે. જેન્સન હુઆંગે એ‌ન્વિ‌ડિયાની સ્થાપના ૧૯૯૩માં એટલે કે ૧૯૮૫માં તેનાં લગ્ન થયાં એનાં ૮ વર્ષ પછી કરી. પરિણામે એ‌ન્વિ‌ડિયાના શૅર અને તમામ સંપત્તિ પર લૉરીનો બરાબરનો અડધો હક બને છે. માર્કેટમાં આવેલા ઘટાડા પછી પણ જેન્સન હૂવાંગની કુલ સંપત્તિ અંદાજે લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયાની થાય છે.

જો લૉરી હૂવાંગ ડિવૉર્સ લેવાનો નિર્ણય કરે તો તેને અંદાજે લગભગ ૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ મળી શકે છે અને જો આવું થશે તો એ ઍમૅઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને મૅકેન્ઝી સ્કૉટના ડિવૉર્સનો રેકૉર્ડ તોડીને વિશ્વના સૌથી મોંઘા ડિવૉર્સ બનશે. મૅકેન્ઝી સ્કૉટને ડિવૉર્સ પછી ૩.૨૦ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.

હની-ટ્રૅપ અને ચીન : કોણ, ક્યારે અને કેવી રીતે અડફેટે ચડ્યું?

ચીનની જાસૂસી સંસ્થા મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યૉરિટી વર્ષોથી પશ્ચિમી દેશોના રાજકારણીઓ, સાયન્ટિસ્ટો અને ટેક-એક્સપર્ટ્સને ફસાવવા માટે હની-ટ્રૅપનો ઉપયોગ કરતી આવી છે. આ હની-ટ્રૅપ દ્વારા ચીને કરેલી જાસૂસીની કેટલાક જાણીતી ઘટનાઓ...

૧. ફૅન્ગ ફૅન્ગ કેસ : ચીની જાસૂસ ક્રિસ્ટિન ફૅન્ગે અમેરિકામાં કૉલેજ-સ્ટુડન્ટના સ્વાંગમાં રહીને અનેક અમેરિકી રાજકારણીઓ અને મેયરો સાથે રોમૅન્ટિક સંબંધો બાંધ્યા. એમાં કૅલિફૉર્નિયાના ડેમોક્રૅટિક સંસદસભ્ય એરિક સ્વાલવેલનું નામ પણ ઊછળ્યું. FBIને ગંધ આવતાં ૨૦૧૫માં ફૅન્ગ અમેરિકા છોડીને ચીન ભાગી ગઈ, પણ એ સાથે અનેક રાજકારણીઓના બીભત્સ ફોટોગ્રાફ્સ પણ લેતી ગઈ.

૨. કૅટરિના લ્યુંગ કેસ : ચીની મૂળની અમેરિકન બિઝનેસવુમન કૅટરિના લ્યુંગ બે દાયકા સુધી જેમ્સ સ્મિથ અને વિલિયમ ક્લીવલૅન્ડ નામના FBIના ટોચના બે કાઉન્ટર-ઇન્ટેલિજન્સ એજન્ટ્સ સાથે અફેરમાં રહી અને એ રિલેશનનો લાભ લઈને તેણે અમેરિકાની અત્યંત સીક્રેટ એવી ફાઇલોની કૉપી ચીન પહોંચાડી. લ્યુંગે આ કામ ૧૯૮૦થી ૨૦૦૦ના સમયગાળામાં કર્યું.

૩. બ્રિટિશ-શાંઘાઈ કેસ : ચીનના શાંઘાઈ શહેરમાં ડ્યુટી પર રહેલા એક બ્રિટિશ ઍમ્બૅસૅડરને ૨૦૦૮માં એક ચીની મહિલાએ અફેરમાં ફસાવીને, હોટેલની રૂમમાં તેમના ઇન્ટિમેટ રિલેશનશિપના વિડિયો ઉતારીને બ્લૅકમેઇલ કર્યા. તે ચીની મહિલાની ડિમાન્ડ હતી કે બ્રિટિશ સરકારની સીક્રેટ ફાઇલ્સ મળે, પણ બ્રિટિશ ઍમ્બૅસૅડરે સુસાઇડ કરી લીધું.

૪. બેલ્જિયમ અને યુરોપિયન સંસદ કેસ : બેલ્જિયમના નેતા ફ્રૅન્ક ક્રેયેલમૅનને ચીની જાસૂસ ડેનિયલ વૂએ નાણાં અને અંગત સંબંધોની લાલચ આપીને યુરોપિયન સંસદના નિર્ણયોને ચીનના પક્ષમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, જેનો પ્રયત્ન ફ્રૅન્ક ક્રેયેલમૅને કર્યો પણ ખરો. જોકે પછી વાત જાહેર થઈ જતાં આખો ભાંડો ફૂટ્યો અને ચીનનું હની-ટ્રેપ ફેલ ગયું.

columnists united states of america china technology news tech news share market stock market Rashmin Shah gujarati mid day lifestyle news life and style