પ્રતિકૂળ પરિસ્થિતિથી નીપટવાનો અભિગમ કેવો રાખવો એ આપણા હાથમાં હોય છે

03 April, 2025 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય એક માર્ગ છે, સકારાત્મક  અભિગમનો. એક એવી સમજણ વિકસાવવી કે અનિશ્ચિતતાના આ કાળમાં અત્યારે મારા હાથમાં, મારા નિયંત્રણમાં શું છે અને શું મારા નિયંત્રણની બહાર છે.

પ્રતીકાત્મક તસવીર

જ્યારે અનિશ્ચિતતાઓ વચ્ચે જીવન ઘેરાઈ જાય ત્યારે દરેક પાસે સામાન્ય રીતે બે રસ્તાઓ હોય છે. એક માર્ગ છે નિરાશા, હતાશામાં ડૂબી જઈને કમનસીબીનાં રોદણાં રડવાં અને કોઈક આવીને પરિસ્થિતિમાં ચમત્કારિક બદલાવ કરી આપશે એવા મસીહાની રાહ જોયા કરવી. અન્ય એક માર્ગ છે, સકારાત્મક  અભિગમનો. એક એવી સમજણ વિકસાવવી કે અનિશ્ચિતતાના આ કાળમાં અત્યારે મારા હાથમાં, મારા નિયંત્રણમાં શું છે અને શું મારા નિયંત્રણની બહાર છે.

આવી સમજણ બહુ જરૂરી છે. વણસેલી પરિસ્થિતિ માટે બીજાઓનો વાંક કાઢીને હતાશ થઈ જવું બહુ જ સહેલું છે પરંતુ આ સહેલો માર્ગ ક્યાંય લઈ જતો નથી. એ કેવળ પૂરો થઈ જાય છે અને જીવન એમાંથી ક્યારે નીકળી જાય છે એ ખ્યાલ પણ રહેતો નથી. પરંતુ વણસેલી પરિસ્થિતિમાં હિંમતભેર પોતાની જવાબદારીઓનું વહન કરતા રહીને અને સકારાત્મક ઊર્જાનું સિંચન કરીને અંધકારને પાછો ઠેલવાના સાતત્યપૂર્ણ કરેલા પ્રયત્નો જ છેવટે ઉજાસ ભણી દોરી જાય છે. આ દૃષ્ટિકોણથી ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની અવકાશ યાત્રા દરેક વ્યક્તિ માટે પ્રેરણાસ્રોત છે. ૫ જૂન, ૨૦૨૪ના શરૂ થયેલી યાત્રાને ૧૮ માર્ચ, ૨૦૨૫ના પૂર્ણ કરીને જ્યારે તેઓ અવકાશમાંથી હેમખેમ પાછાં ફર્યાં ત્યારે તેમણે સમગ્ર પૃથ્વીવાસીઓને એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ ૮ દિવસની આ યાત્રા ટેક્નિકલ અડચણોને કારણે લગભગ ૨૮૭ દિવસ સુધી લંબાઈ એ અરસામાં સુનીતાએ માત્ર આ પડકારને સ્વીકાર્યો જ નહીં, પણ એને ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરવાની તકમાં બદલી નાખ્યો. અવકાશમાં વિતાવેલા સમય દરમ્યાન તેમણે ઘણાં સંશોધનો કર્યાં, તેમના સ્પેસ સ્ટેશનનું મેઇન્ટેનન્સ કર્યું ઉપરાંત સ્પેસ વૉકિંગમાં તેમણે નવા રેકૉર્ડ્સ બનાવ્યા. તેમની આ યાત્રા આપણને જીવન પ્રત્યે નવો દૃષ્ટિકોણ આપી શકે. ફ્લેક્સિબિલિટી, સકારાત્મકતા સાથે પડકારોને તકમાં ફેરવવાનો અભિગમ, ટીમવર્ક, ધીરજ અને ક્રિયાશીલતા, શિસ્તબદ્ધતા જેવા તેમના ગુણોને કારણે તેમણે અસાધારણ મુકામ હાંસલ કર્યો છે.  તેમની યાત્રા એ વાતનું પ્રમાણ છે કે દરેક પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવાનું આપણા હાથમાં હોતું નથી પરંતુ પરિસ્થિતિથી નિપટવાનો અભિગમ કેવો રાખવો એ આપણા હાથમાં હોય છે. દૈનિક જીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓમાં ઘેરાઈ જવાય ત્યારે હતાશ થઈ જતી દરેક વ્યક્તિ માટે સુનીતા વિલિયમ્સ એક જબ્બર પ્રેરણાસ્રોત છે. અવકાશમાં જ્યાં તાજી હવા, પાણી અને ખોરાક જેવી મૂળભૂત જરૂરિયાતો પણ એક પડકાર હોય એવા સંજોગોમાં જીવનને સકારાત્મક ઊર્જા આપીને ટકાવી રાખવા ઉપરાંત નવી સિદ્ધિઓ મેળવીને નવા રેકૉર્ડ સ્થાપવા એ કંઈ પૃથ્વી ઉપર રહેવા જેવા આસાન ખેલ નથી!           

-સોનલ કાંટાવાલા 

Sociology mental health health tips life and style columnists nasa sunita williams indian space research organisation gujarati mid-day mumbai