બાળકો ન હોય તો દાંપત્યજીવન અધૂરું કહેવાય? શું ખુશી અને સંતોષ ન મળે?

23 April, 2026 01:26 PM IST  |  Mumbai | Heena Patel

એક સ્ટડીમાં પણ એવું કહેવાયું છે કે પેરન્ટ્સ બનવાથી જરૂરી નથી કે ખુશી કે જીવનના સંતોષમાં વધારો થાય. એવામાં એ જાણવું જરૂરી બની જાય છે કે શું સંતાનોથી જ જીવનમાં સાર્થકતા આવી શકે કે પછી સંતાનો વગર પણ જીવન એટલું જ પૂર્ણ બની શકે છે?

ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર અને ઍક્ટ્રેસ વિદ્યા બાલન ૨૦૧૨માં પરણ્યાં હતાં, પણ હજી સુધી તેમને સંતાન નથી.

વર્ષોથી આપણા સમાજમાં એવું સોશ્યલ કન્ડિશનિંગ રહ્યું છે કે સંતાનો હોય તો જ ઘર ખુશીઓથી ભરેલું લાગે અને તો જ જીવન સાર્થક ગણાય. બદલાતી જીવનશૈલી અને આધુનિક વિચારધારાને કારણે હવે અનેક કપલ્સ સભાનતાપૂર્વક ચાઇલ્ડ-ફ્રી રહેવાનો નિર્ણય લઈ રહ્યાં છે. એક સ્ટડીમાં પણ એવું કહેવાયું છે કે પેરન્ટ્સ બનવાથી જરૂરી નથી કે ખુશી કે જીવનના સંતોષમાં વધારો થાય. એવામાં એ જાણવું જરૂરી બની જાય છે કે શું સંતાનોથી જ જીવનમાં સાર્થકતા આવી શકે કે પછી સંતાનો વગર પણ જીવન એટલું જ પૂર્ણ બની શકે છે?

હિના પટેલ
feedbackgmd@mid-day.com
તાજેતરમાં ‘ઇવૉલ્યુશનરી સાઇકોલૉજી’ નામના જર્નલમાં પ્રકાશિત ૧૦ દેશોના એક નવા અભ્યાસ મુજબ પેરન્ટિંગથી વ્યક્તિની રોજિંદી ખુશી કે જીવનના સંતોષમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી. આ સંશોધન એ લોકપ્રિય માન્યતાને પડકારે છે કે બાળકો જીવનમાં સાર્થકતા લાવે છે. અભ્યાસનાં તારણો મુજબ બાળકો હોવાથી વ્યક્તિની રોજિંદી ખુશી કે જીવનના સંતોષમાં કોઈ મોટો ઉછાળો જોવા મળતો નથી, ઊલટાનું સંતાનપ્રાપ્તિ પછી કપલ્સમાં પરસ્પરના સંબંધોના સંતોષમાં ઘટાડો થાય છે, જોકે માતા-પિતા ક્યારેક આનંદની ક્ષણો અનુભવે છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં જીવનના ઉદ્દેશ કે અર્થની લાગણી થોડી વધારે જોવા મળી શકે છે. સંશોધકોના મતે પેરન્ટિંગના પોતાના ફાયદા અને પુરસ્કાર હોઈ શકે છે, પરંતુ એનાથી વ્યક્તિની પાયાની 
ખુશીમાં કાયમી વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે.
સમાજ અને સંતાનનો બદલાતો અર્થ
બાળક હોવાં કે ન હોવાં એનો સંબંધ જીવનની સાર્થકતા સાથે નહીં પણ સામાજિક માળખા, આર્થિક વાસ્તવિકતા અને વ્યક્તિગત પસંદગી સાથે છે. એને લઈને ઊંડી સમજ આપતાં અનુભવી સોશ્યોલૉજિસ્ટ તેમ જ SNDT ‍વિમેન્સ યુનિવર્સિટીના માનવશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન વિભાગનાં ડીન રહી ચૂકેલાં ડૉ. સ્મૃતિ ભોસલે કહે છે, ‘સદીઓથી એવું માનવામાં આવતું હતું કે જો ઘરમાં સંતાન હોય તો જ કુટુંબ સુખી અને સંપૂર્ણ ગણાય. જોકે આજે દુનિયા બદલાઈ રહી છે. સમાજની વિચારસરણી અને આર્થિક પરિસ્થિતિમાં આવેલા મોટા ફેરફારોને કારણે હવે લોકોના આ વિચારો ઝડપથી બદલાઈ રહ્યા છે. ૧૯મી સદી સુધી બાળકોનાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે હતું એટલે વંશ ટકાવવા માટે વધુ બાળકો પેદા કરવાં જરૂરી ગણાતાં. ધર્મ અને સમાજમાં પણ બાળક હોવું એ એક પવિત્ર ફરજ મનાતી હતી. એ સમયે બાળકોને એક રીતે આર્થિક સંપત્તિ ગણવામાં આવતાં, કારણ કે તેઓ ખેતીકામમાં મદદ કરતાં અને મા-બાપના ઘડપણનો એકમાત્ર સહારો હતાં. ત્યારે બાળક રાખવું કે નહીં અથવા બે બાળકો વચ્ચે કેટલો સમય રાખવો એવું કોઈ વિચારતું પણ નહીં. બસ, ગમે એમ કરીને બાળકનો જન્મ થવો જોઈએ અને એમાં પણ પુત્રનો જન્મ થવો જોઈએ એવો જ આગ્રહ રહેતો. નવાઈની વાત એ છે કે આજે આર્થિક પરિસ્થિતિ આટલી બદલાઈ ગઈ હોવા છતાં સમાજમાં સ્ત્રીઓ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે એ બદલાઈ નથી. આજે પણ બાળકના ઉછેરની મુખ્ય જવાબદારી સ્ત્રીની જ ગણાય છે અને માતાની ભૂમિકાને પહેલાંની જેમ જ સૌથી મહત્ત્વની માનવામાં આવે છે. સંતાન ન રાખવું એ કોઈ મનસ્વી કે અચાનક લીધેલો નિર્ણય નથી, પરંતુ એકવીસમી સદીના શહેરી જીવનની જરૂરિયાતોને સમજીને લીધેલું એક તાર્કિક પગલું છે. સંતાન રાખવાનો નિર્ણય જેટલી મોટી જવાબદારી છે એટલી જ મોટી જવાબદારી સંતાન ન રાખવાનો નિર્ણય લેવામાં પણ છે. આજનું શહેરી વાતાવરણ ખૂબ જ હરીફાઈવાળું, તનાવભર્યું અને ભાગદોડવાળું છે. એની સાથે જ જીવનમાં અસલામતી પણ વધી છે. આ સિવાય વધતી જતી મોંઘવારી, શિક્ષણનો ભારે ખર્ચ અને સંયુક્ત પરિવારના ટેકાનો અભાવ આ બધું જોતાં દંપતીઓને એવો ડર લાગે છે કે તેઓ બાળકને પૂરતો સમય નહીં આપી શકે કે તેનો ઉછેર સારી રીતે નહીં કરી શકે. આ તમામ કારણો હવે સંતાન ન રાખવાના વિચારને વધુ મજબૂત બનાવી રહ્યાં છે.’
ચાઇલ્ડ-ફ્રી ટ્રેન્ડનાં કારણો
આજનાં કપલ્સમાં ચાઇલ્ડ-ફ્રી રહેવાના વધી રહેલા પ્રમાણને લઈને વાત કરતાં ડૉ. સ્મૃતિ ભોસલે કહે છે, ‘આજકાલ ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી બનાવવામાં ઘણો સમય નીકળી જાય છે જેને કારણે લગ્નની ઉંમર પણ વધી ગઈ છે. દંપતી જ્યારે સંતાન વિશે વિચારે છે ત્યાં સુધીમાં તેમનાં પોતાનાં માતા-પિતા પણ વૃદ્ધ થઈ ગયાં હોય છે. આથી વધતી ઉંમરને કારણે હવે દાદા-દાદી માટે તેમનાં પૌત્ર-પૌત્રીની જવાબદારી ઉઠાવવી કે તેમનું ધ્યાન રાખવું અશક્ય બની જાય છે. આમ પરિવારમાં આ સપોર્ટ-સિસ્ટમના અભાવે સંતાન ન રાખવાનો વિચાર કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. પેરન્ટિંગના વિચારો પણ હવે બદલાઈ રહ્યા છે. આજની દુનિયા એટલી દોડધામવાળી અને હરીફાઈવાળી બની ગઈ છે કે માતા-પિતા પાસે બાળકો પર ધ્યાન આપવાનો સમય નથી અને મદદ કરવા માટે હવે કોઈ સંયુક્ત પરિવારનો સાથ પણ નથી રહ્યો. આજનાં યુગલો સામે ઘણા ગંભીર સવાલો છે. શું આપણે આદર્શ માતા-પિતા બની શકીશું? શું આપણાં બાળકો આ દુનિયાની સ્પર્ધામાં ટકી શકશે અને જીતી શકશે? તેમને એવો પણ ડર લાગે છે કે જે વાતાવરણમાં તેઓ બાળકને છોડશે એ સુરક્ષિત હશે કે નહીં? વળી એવો ભય પણ રહે છે કે બાળક આવ્યા પછી તેમની પોતાની કારકિર્દીનાં સપનાંઓ અધૂરાં તો નહીં રહી જાયને? આ સાથે જ પ્રેગ્નન્સીનો સમય કેવી રીતે પસાર થશે અને બાળકની સંભાળ કેવી રીતે રાખી શકાશે એની ચિંતા અને ફાળ પણ સતત રહેતી હોય છે. આજના અતિશય સ્પર્ધાત્મક શહેરી જીવનમાં માતા-પિતા બનવા માટે સમય, લાગણી અને પૈસા ત્રણેયનું મોટું રોકાણ કરવું પડે છે. બીજી તરફ કારકિર્દીમાં આગળ વધવા માટેનું દબાણ પણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એક તરફ બાળકની જવાબદારી અને બીજી તરફ વ્યક્તિગત પ્રગતિ વચ્ચે સંતુલન જાળવવું અઘરું બને છે ત્યારે ઘણાં યુગલો સ્વેચ્છાએ સંતાન ન રાખવાનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે. આજકાલ સંતાન ન રાખવું એવી વિચારસરણી વધી રહી છે, પરંતુ આવાં યુગલોને વારંવાર સમાજની ટીકાઓનો સામનો કરવો પડે છે. લોકો તેમને સ્વાર્થી કે માત્ર પોતાના મોજશોખમાં રાચનારા ગણે છે અને તેમના નિર્ણયને શંકાની નજરે જુએ છે. એટલા માટે સંતાન ન રાખવાનો નિર્ણય લેવો એટલો સરળ નથી હોતો. પરિવાર અને સમાજ તરફથી પણ ઘણું દબાણ હોય છે. ખરેખર તો આ એક ઘણો મોટો નિર્ણય છે, પરંતુ જો આ નિર્ણય કોઈના દબાણ વગર અને પૂરેપૂરી સમજદારીથી લેવામાં આવ્યો હોય તો મને લાગે છે કે એ એક સાચો અને સચોટ નિર્ણય છે.’
સંતાન વગર પણ સાર્થક જીવન
જીવનની સાર્થકતા બાળકના હોવા કે ન હોવા પર નિર્ભર કરતી નથી. આને લઈને ઊંડી સમજ આપતાં સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર કહે છે, ‘મનોવિજ્ઞાનની દૃષ્ટિએ સુખ એ કોઈ સ્થિર બિંદુ નથી, એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જ્યારે વ્યક્તિગત સુખની વાત કરીએ છીએ ત્યારે એનો સૌથી મોટો પાયો 
સેલ્ફ-અવેરનેસ એટલે કે આત્મજાગૃતિ છે. જે વ્યક્તિને ખબર છે કે તેને શું જોઈએ છે અને તેના જીવનનાં મૂલ્યો શું છે તેના માટે સુખ એ લોકોના અભિપ્રાયો પર નિર્ભર નથી રહેતું. જો વ્યક્તિ પોતાનાં અંગત લક્ષ્યો સાથે જોડાયેલી હોય તો તે એકલતામાં પણ સાર્થકતા અનુભવે છે, પરંતુ જ્યારે આ જ વ્યક્તિ એક સંબંધમાં જોડાય છે ત્યારે વ્યક્તિગત સુખ કપલ-ગોલ્સમાં ફેરવાય છે. અહીં સુખનો અર્થ બદલાય છે. કપલ તરીકેનું સુખ ત્યારે જ મલ્ટિપ્લાય થાય છે જ્યારે બે સ્વતંત્ર વિચારો ધરાવતી વ્યક્તિઓ એકબીજાનાં લક્ષ્યોને માન આપે અને એમાં પોતાનું સ્થાન શોધે. મનોવિજ્ઞાન કહે છે કે સંબંધમાં માત્ર ઍડ્જસ્ટ કરવું એટલે કે દબાણવશ બદલાવું એ લાંબા ગાળે અસંતોષ જન્માવે છે, પરંતુ અડૅપ્ટ કરવું એટલે કે સ્વૈચ્છિક રીતે અનુકૂળ થવું એ પ્રેમની સર્વોચ્ચ અવસ્થા છે. જ્યાં ફરિયાદ નથી, માત્ર એકબીજાની ગતિમાં પોતાની ગતિ મિલાવવાની તૈયારી છે ત્યાં જ સાચું અલાઇનમેન્ટ શક્ય બને છે. જ્યાં સુધી બાળકો અને જીવનની સાર્થકતાનો સવાલ છે ત્યાં આધુનિક મનોવિજ્ઞાન એક બહુ સ્પષ્ટ રેખા દોરે છે. પરંપરાગત માન્યતા એવી રહી છે કે બાળકો હોવાથી જ જીવન પૂર્ણ થાય છે, પરંતુ સત્ય એ છે કે સાર્થકતા એ વ્યક્તિગત અનુભવ છે. બાળકો ઉછેરવાં એ એક મોટી જવાબદારી અને ગહન હેતુ આપી શકે છે, પણ એ જ એકમાત્ર રસ્તો નથી. જે કપલ્સ સભાનપણે ચાઇલ્ડ-ફ્રી રહેવાનું પસંદ કરે છે તેમના માટે સુખનું કેન્દ્ર એકબીજા પ્રત્યેનું સમર્પણ, કરીઅર, ટ્રાવેલ, સ્પિરિચ્યુઅલિટી અથવા સોશ્યલ વર્ક હોઈ શકે. સુખનો મંત્ર અલાઇનમેન્ટમાં છુપાયેલો છે. જો તમારાં વ્યક્તિગત લક્ષ્યો તમારા પાર્ટનરનાં લક્ષ્યો સાથે સુમેળ સાધતાં હોય અને તમે બન્ને એકબીજાને અકોમોડેટ કરી શકતાં હો તો જીવનની સાર્થકતા બાળકોની હાજરી કે ગેરહાજરી પર નહીં પણ તમારા પરસ્પરના જોડાણ અને આંતરિક સંતોષ પર નિર્ભર કરે છે.’ 
રિલેશનશિપ સૅટિસ્ફૅક્શનનું સત્ય
સામાન્ય રીતે એમ પણ કહેવાય છે કે બાળક સંબંધને વધુ મજબૂત બનાવે છે, પણ રિસર્ચ એવું કહે છે કે બાળકના આવ્યા પછી કપલ્સમાં રિલેશનશિપ સૅટિસ્ફૅક્શન ઘટે છે. આ વિશે વાત કરતાં અમ્રિતા આચરેકર કહે છે, ‘માતા-પિતા બનવું એ પોતે તનાવનું કારણ નથી. જીવનમાં એવાં ઘણાં પરિબળો છે જે સ્ટ્રેસમાં ફાળો આપે છે. જેમ કે આર્થિક જવાબદારીઓ, કરીઅરનું દબાણ, પર્સનલ હેલ્થ કે સામાજિક અપેક્ષાઓ. પેરન્ટિંગ એ જીવનનો એક નવો તબક્કો અથવા એક ચૅલેન્જ છે. જો કપલ વચ્ચે સમજદારી હોય અને તેઓ આ પડકારને એક ટીમ તરીકે સ્વીકારે તો એ સંબંધને નબળો પાડવાને બદલે વધુ પરિપક્વ બનાવે છે. રિસર્ચ જે રિલેશનશિપ સૅટિસ્ફૅક્શનમાં ઘટાડો દર્શાવે છે એ ખરેખર તો લાઇફસ્ટાઇલ મૅનેજમેન્ટનો અભાવ છે. પાર્ટનર્સ જ્યારે આ નવા ફેરફારો સાથે પોતાની જાતને અલાઇન નથી કરી શકતા ત્યારે તનાવ વધે છે. પેરન્ટિંગ સિવાય પણ જીવનમાં ઘણાં ટેન્શન હોય છે. ઘણી વાર આપણે એ બધો ગુસ્સો કે થાક બાળકના ઉછેર પર અથવા પાર્ટનર પર નાખીએ છીએ. સમજદાર કપલ્સ જાણે છે કે તનાવને કેવી રીતે હૅન્ડલ કરવો. તેઓ બાળકને સ્ટ્રેસ તરીકે નહીં પણ જીવનના એક પરિવર્તન તરીકે જુએ છે. જે કપલ્સ પેરન્ટિંગની ચૅલેન્જને પ્રેમથી સ્વીકારે છે તેમના માટે આ પ્રક્રિયા સાર્થકતા લાવે છે, ભલે એમાં મહેનત અને થાક વધુ હોય. સંબંધમાં સુખ કે સંતોષ એ કોઈ બાળક હોવું કે ન હોવા પર નહીં પણ એ પરિસ્થિતિનો તમે કેવી રીતે સ્વીકાર કરો છો એના પર નિર્ભર છે. જો પાર્ટનર્સ માનસિક રીતે મજબૂત અને એકબીજા સાથે જોડાયેલા હોય તો પેરન્ટિંગની ચૅલેન્જ તેમને મજબૂત બનાવે છે અને જો સમજદારીનો અભાવ હોય તો કોઈ નાની ચૅલેન્જ પણ સ્ટ્રેસનું કારણ બની શકે છે.’

columnists lifestyle news life and style relationships vidya balan