22 June, 2025 04:58 PM IST | Gangtok | Laxmi Vanita
ડૉ. ચેવાંગ નોરબુ ભુટિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના ૧૨૨મા એપિસોડમાં વેટરિનરી ડૉ. ચેવાંગ નોરબુ ભુટિયાની સિક્કિમના પરંપરાગત કલ્ચરને સાચવવાની અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાની પહેલની સફળતાને બિરદાવી હતી ત્યારે જાણીએ સિક્કિમના વાતાવરણ, ફૂલ-પાન અને પ્રાણીઓની ઊંડી સમજ ધરાવતા ડૉક્ટરે કેવી રીતે સિક્કિમના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સશક્ત, સક્ષમ અને આત્મનિર્ભર કરવામાં કઈ રીતે યોગદાન આપ્યું છે
સિક્કિમના પહાડોના શુદ્ધ વાતાવરણમાં અને પ્રાણી-પક્ષીઓનો ઉછેર જોઈને મોટા થયેલા ડૉ. ચેવાંગ નોરબુ ભુટિયાની કહાની આજે તેમની જુબાની જાણીએ. આ વેટરિનરી ટર્ન્ડ ઑન્ત્રપ્રનરનું નામ એટલા માટે ચર્ચામાં છે કારણ કે ગયા મહિને રેડિયો પર પ્રસારિત થયેલા ‘મન કી બાત’ના એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના વારસાને બચાવવા અને ત્યાંની મહિલા કલાકારોને આર્થિક રીતે સશક્ત કરવા બદલ આ વેટરિનરી ડૉક્ટરને બિરદાવ્યા હતા. ત્યારથી લોકોમાં આ ડૉક્ટને જાણવા માટે ઉત્સુકતા જાગી છે. ‘મિડ-ડે’એ વાચકોના કુતૂહલને સંતોષવા માટે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરીને શક્ય એટલા જવાબો મેળવ્યા છે.
પોતાના પરિચયમાં વાતની શરૂઆત કરતાં પ્રાણીઓના ડૉ. ચેવાંગ નોરબુ ભુટિયા કહે છે, ‘અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારો ભાઈ કરમા પિન્સો વ્યસનમુક્તિ કેન્દ્રમાં સમાજસેવા કરે છે, મારા પપ્પા કરમા થિનલે સરકારી સ્કૂલમાં શિક્ષક છે અને મમ્મી કેસંગ દોમા નિવૃત્ત થઈ ગયાં છે. હું અને મારી પત્ની હિશે ઓન્ગમુ ભુટિયા બન્ને વેટરિનરી ડૉક્ટર છીએ. મારો ૯ વર્ષનો દીકરો હોજર કેનખ્યાપ સ્કૂલમાં છે. મેં મિઝોરમથી વેટરિનરી સાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું અને ત્યાર બાદ લુધિયાણાના GADVASUમાં વેટરિનરી મેડિસિનમાં જ પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. મેં પોતાનું નાનું ક્લિનિક પણ ખોલ્યું જ્યાં પ્રાણીઓનો ઇલાજ કરતો હતો. એવામાં કૃષિ વિકાસ કેન્દ્ર (KVK) તરફથી એક પોસ્ટ જાહેર થઈ એટલે મેં એમાં અપ્લાય કર્યું અને પછી તેમની સાથે કામ કરવા લાગ્યો. એમાં કેટલીયે સંસ્થાઓ જેમ કે ફાર્મર પ્રોડ્યુસર્સ ઑર્ગેનાઇઝેશન્સ, કૃષિ વિકાસ માટે ખેડૂતોનાં સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ ક્લબ સાથે મળીને ગ્રામ્ય લોકોને સ્કિલ ટ્રેઇનિંગ, વોકેશનલ ટ્રેઇનિંગ આપવાના વિવિધ પ્રોજેક્ટ્સ પર હું કામ કરતો હતો. આવી રીતે સિક્કિમનાં અંતરિયાળ ગામોના લોકો સાથે વાત કરવાની તક મળતી. આ લોકો સાથે મને બહુ જ લાગણી બંધાઈ ગઈ હતી. ૨૦૧૩-’૧૪માં મેં મારા ડૉક્ટરેટ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અમે ગામેગામ જતા ત્યારે મને ટેક્સટાઇલ વિષયની ABCDનો પણ ખ્યાલ નહોતો. મારા શુભચિંતકો મને આ વિષય પર નૉલેજ મેળવવા આગ્રહ રાખતા ત્યારે આ વાતને હું એકદમ હળવાશથી લેતો. જોકે પછી એમાં રસ જાગ્યો. મારું નેચર ફાઇબર પર ‘ઇવૅલ્યુએશન ઑફ જર્મન અંગોરા રૅબિલ ફાઇબર પ્રોડ્યુસ્ડ ઇન નૉર્થઈસ્ટ રીજન ઑફ ઇન્ડિયા’ સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું હતું. એ સિવાય હૅન્ડલૂમ્સને લઈને પણ ઘણાં સંશોધન પેપરો લખ્યાં. હવે મારામાં આ વિષયને લઈને પૅશન જાગી રહ્યું હતું. આ સફર અઘરી છે, પરંતુ મારો પરિવાર દરેક પળે મારી સાથે છે. મારી મમ્મી નિવૃત્ત શિિક્ષકા છે, પણ તે શાંતિથી બેસી ન શકે એટલે તેણે અમારા ઘરને હોમસ્ટેમાં બદલી નાખ્યું અને બાકીના બધા લોકોને પણ એમ કરવા પ્રેર્યા. મારી મમ્મી પાસેથી મને કંઈક નવું કરતા રહેવાની પ્રેરણા મળે છે અને મારી પત્ની મને પીઠબળ પૂરું પાડે છે. હું મારા દીકરાની સ્કૂલનાં ઘણાં ફંક્શન્સમાં પહોંચી નથી શકતો ત્યારે તે સંભાળી લે છે.’
અંગોરા રૅબિટ, યાક અને ઘેટાંનું ઊન ઉતારીને એને હાથ વડે છૂટું પાડતી સિક્કિમની મહિલાઓ.
ઊનનું કાંતણ અને વણાટકામ અચાનક ગાયબ થઈ ગયું
અંગોરા રૅબિટ પર તેમણે સંશોધન તો પહેલેથી જ કર્યું હતું. ૨૦૧૬માં તેમણે સિક્કિમના ગામના ખેડૂતોમાં અંગોરા રૅબિટનું વિતરણ કરવાનું શરૂ કર્યું. યાક અને ઘેટાંના ઊનથી તેઓ વાકેફ હતા જ; પરંતુ એની સાથે તેઓ સસલાંનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, ઊનનું કાંતણ, મિશ્રણ અને રંગકામ કરવાનું શીખવતા હતા. ડૉ. ભુટિયા કહે છે, ‘અમે જ્યારે ગામેગામ ફરતા ત્યારે ઘણાબધા લોકો સાથે વાતો કરવા મળતી અને તેમની પરિસ્થિતિ જાણવા મળતી. લોકોનાં ઘરોમાં વણાટકામનાં સાધનો ધૂળ ખાઈ રહ્યાં હતાં અને આ કલા લગભગ અદૃશ્ય થઈ ગઈ હતી. મને પોતાને બહુ જ ખરાબ લાગતું કે જે વણાટકારો ૧૫-૨૦ દિવસ સતત ઊન કાઢી, એને વણીને પ્રોડક્ટ બનાવે અને વેચે ત્યારે તેમને નહીંવત્ મહેનતાણું મળતું. ફરતાં-ફરતાં લોકોની પર્સનલ કહાની જાણવા મળતી. આવી રીતે હું ગામના લોકો સાથે બહુ જ અટૅચ થઈ ગયો હતો અને એમાં પણ વડીલ મહિલા કલાકારો સાથે ખાસ. એટલે મેં વિચાર્યું કે આ કલાકારોને આત્મવિશ્વાસ અને તેમના હકનું વેતન આપવા માટે કંઈક કરવું જોઈએ. ટેક્સટાઇલની ઊંડી સમજ મેળવવા માટે હું કલકત્તા અને જયપુર પણ ધક્કા ખાતો હતો. આ ઉપરાંત સિક્કિમમાં મોટા ભાગે કૉટનનું કામ થતું હતું એટલે મેં વિચાર્યું કે કંઈક યુનિક કરીએ. જેમ કે અંગોરા રૅબિટના ઊનને બીજા ઉચ્ચ ગુણવત્તાના ફૅબિક સાથે વણીને પ્રીમિયમ પ્રોડક્ટ બનાવી શકાય. હું જાતે આ બધાં કામ શીખ્યો અને પછી લોકોને શીખવવાનું શરૂ કર્યું. એ સિવાય સિક્કમ એટલે પહાડી વિસ્તાર જ્યાં રસ્તાઓ અને માલવહનનાં સાધનોની અગવડ છે. મારા ઘરમાં કોઈ બિઝનેસ નથી કરતું એટલે મારે નૉલેજ પણ અનુભવ પરથી જ મેળવવું પડે. ઇન્વેસ્ટરોને કેવી રીતે પ્રપોઝલ મોકલીએ તો સફળ થાય એ પણ શીખવું પડ્યું અને હજી પણ શીખી રહ્યો છું.’
ક્રાફ્ટેડ ફાઇબર્સ દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ.
ક્રાફ્ટેડ ફાઇબર-વીવિંગ સ્ટોરીઝ
૨૦૧૮માં વિચાર્યું કે હવે પોતાનું કંઈક શરૂ કરું જેમાં મહિલાઓ માત્ર અહીં આવીને પોતાનું કામ કરે, શીખે અને આજીવિકા કમાય એમ જણાવતાં ડૉ. ભુટિયા કહે છે, ‘ત્યારે ક્રાફ્ટેડ ફાઇબરની શરૂઆત તો થઈ જ ચૂકી હતી. દરેક કલાકાર પાસે કહાની હતી એટલે અમે ટૅગલાઇન વીવિંગ સ્ટોરીઝ રાખી હતી. જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મારી પાસે પૈસા નહોતા એટલે મેં બૅન્કમાંથી લોન પણ લીધી. શરૂઆતનો તબક્કો આર્થિક રીતે સંઘર્ષમય રહ્યો. આ સમય તો મારે પોતાને શીખવામાં અને લોકોને શીખવવામાં ગયો. એક ટીમ બનાવવામાં, સાચા લોકોને મળવામાં મારા ચોવીસે કલાક જતા. જ્યારથી આ કામ શરૂ કર્યું ત્યારથી મારું ટ્રાવેલિંગ બહુ જ વધી ગયું હતું. સત્તાવાર રીતે ફાઇબર જેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ ક્રાફ્ટેડ ફાઇબર્સ-વીવિંગ સ્ટોરીઝ શરૂ કરી દીધી. ઇન્સ્ટાગ્રામ પર પણ ૨૦૨૩થી ક્રાફ્ટેડ ફાઇબર્સમાં જે પણ થતું એ રીલ પોસ્ટ કરતો હતો. અત્યારે ક્રાફ્ટેડ ફાઇબર્સમાં ૧૦ ફુલટાઇમ સ્ટાફ છે. પ્રોડક્ટ્સ વેચાય કે ન વેચાય તેમને મહિને ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦નું વેતન મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તમે જ્યારે બીજાં શહેરોમાં જઈને આ કલાકારોનું વેતન છોડો, તેમની સાથે જે વર્તણૂક થાય છે એ જુઓ તો શબ્દોમાં ન વર્ણવી શકો. મારો હેતુ એ જ છે કે આ કલાકારોને આત્મવિશ્વાસ અને સન્માન મળવું જોઈએ. પૈસા તો બાયપ્રોડક્ટ છે. જ્યારથી શરૂ કર્યું ત્યારથી આજ સુધીમાં કદાચ ૨૦૦ મહિલાઓ અમારી સાથે જોડાઈ છે. દરેક વણાટકામ કરે એવું નહીં. એમાંથી અમુક મહિલાઓને ઊન આપીએ તો તેઓ હાથનાં મોજાં, ટોપી કે સ્કાર્ફ ગૂંથીને બનાવી આપે. અમુક મહિલાઓ રંગકામ કરે. આ કલાકારોની મિનિમમ વેજ ઊંચી રાખી છે જેથી તેઓ પોતાની કિંમત કરી શકે.’
ડૉ. ચેવાંગ નોરબુ ભુટિયા પત્ની ડૉ. હિશે ઓન્ગમુ ભુટિયા અને દીકરા હોઝર કેનખ્યાપ ભુટિયા સાથે સિક્કિમનાં પારંપારિક વસ્ત્રોમાં.
સસ્ટેનેબલ એટલે કે ટકાઉ ફૅશન
સિક્કિમનાં ઘરોમાં એવું નહીં કે છોકરીઓ જ રસોઈ કરે, છોકરાઓ પણ રસોઈ કરે એમ જણાવતાં ડૉ. ભુટિયા કહે છે, ‘હું જ્યારે ઘરે હોઉં તો આખા ઘર માટે જમવાનું બનાવી નાખું. અમારે ત્યાં બ્રેકફાસ્ટનો કન્સેપ્ટ નથી. ૯ કે ૧૦ વાગ્યે સીધું જમવાનું જ બને અને એ પણ આસપાસની વાડી કે ઘરના બગીચામાં વાવેલાં શાકભાજીથી બને. સિક્કિમના દરેક ઘરની આસપાસ કુદરતી સંપત્તિનો ભંડાર છે. એ જ ભંડારનો ઉપયોગ અમે ફાઇબર એટલે કે કપડાં વણવામાં કરી રહ્યા છીએ. પહેલાં તો માત્ર મહિલાઓ જ આવતી હતી, પરંતુ ધીરે-ધીરે હવે ગ્રૅજ્યુએટ છોકરીઓ પણ આવતી થઈ છે. અમુક છોકરાઓ પણ આ વણાટકામ શીખી રહ્યા છે. હું યંગ બૉય્ઝને પણ મોટિવેટ કરી રહ્યો છું. વણાટકામમાં રસ ન હોય તો ટેક્સટાઇલમાં અન્ય ઘણા વિકલ્પો છે જેમાં તેઓ જોડાઈ શકે છે. ક્રાફ્ટેડ ફાઇબર્સ પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે. આજે ફૅશનજગતમાં ઘણાં કેમિકલોનો ઉપયોગ થાય છે અને અમારે એનાથી વિરુદ્ધ સસ્ટેનેબલ એટલે કે ટકાઉ ફૅશન તરફ જવું છે. સિક્કિમને ઑર્ગેનિક રાજ્ય માનવામાં આવે છે તો અમારે કેમિકલનો ઉપયોગ નથી કરવો. સિક્કિમના એપિટોરિયમ વનસ્પતિનાં પાનને સ્થાનિક ભાષામાં બાનમારા કહેવાય છે. તમને ઘા વાગે તો આ પાનને મસળીને એનો રસ લગાવવામાં આવે છે એટલે લોહી નીકળતું બંધ થઈ જાય છે. આ વનસ્પતિ અહીં ભરપૂર માત્રામાં છે જેનો ઉપયોગ કપડાંને ડાય કરવા માટે થાય છે. એ સિવાય અહીં મજેન્ટા, ગલગોટા, હળદર, કાંદાનાં છોતરાં વગેરેના રંગનો ઉપયોગ કરવામાં આવે છે.’
સિક્કિમના ગામેગામ ફરતા અને સ્થાનિક લોકોને અંગોરા રૅબિટ એટલે કે સિલ્ક જેવું મુલાયમ ઊન આપતાં સસલાં વિશે માહિતગાર કરતા ડૉ. ભુટિયા.
અંગોરા રૅબિટ જ શા માટે?
૨૦૧૮માં નૅશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) નામથાંગ દ્વારા સિક્કિમના ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવા માટે અંગોરા રૅબિટ પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવ્યો, જેથી લોકો અંગોરા રૅબિટના પ્રજનન પર ધ્યાન આપીને એમની સંખ્યા વધારે જેથી એમના ઊનનો ઉપયોગ કરી શકાય. ડૉ. ભુટિયા કહે છે, ‘એટલે અંગોરા રૅબિટ વિશે લોકોમાં સમજ આવી ચૂકી હતી અને તેમને તાલીમ આપી હતી. આ ઉપરાંત અંગોરા રૅબિટનું ઊન પશ્મીના જેવી ફીલ આપે. જોકે એ પશ્મીનાથી બહુ જ અલગ છે. ગુણવત્તાના મામલામાં એ બહુ જ રિચ ફીલ આપે. સિક્કિમની માર્કેટમાં એની કૉમ્પિટિશન નહીંવત્ છે. અંગોરા રૅબિટના ઊન સાથે સિલ્ક, હેમ્પ, મેરિનો અને બનાના સિલ્ક જેવું કપડું જોડીને પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. એટલે સ્થાનિક લોકો ૩૦થી ૪૦ ટકા ફૅબ્રિક બનાવે અને બાકીનું અહીં બહારથી લાવવામાં આવે છે. જ્યારે સારી પ્રોડક્ટ બને ત્યારે એ ઊંચા ભાવે વેચાય. ઊંચો ભાવ આવે એટલે સ્થાનિક કલાકારોને પોતાના પર ગર્વ થાય એટલું વેતન મળી રહે. પશ્મીનાના ભાવ સાથે સરખામણી નથી, પરંતુ સારી ક્વૉલિટીના અંગોરા સ્કાર્ફ કે સ્ટોલને ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયાની કિંમતે વેચી શકાય. આટલાં વર્ષો પછી હું આ બ્રૅન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માગું છું. આ ઑગસ્ટમાં મારી અમેરિકાની એક યુનિવર્સિટીમાં મુલાકાત છે. અમે લોકો અમેરિકાની માર્કેટ પર નજર કરી રહ્યા છીએ. એ સિવાય કોશિશ છે કે દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોર જેવાં મેટ્રો સિટીમાં પણ અમારી પ્રોડક્ટને નામના મળે. શિયાળા સિવાય પણ કલાકારોની આવક બંધ ન થાય એ માટે ભવિષ્યમાં અન્ય પ્રોડક્ટ્સ અને કાર્પેટ બનાવવાનો વિચાર છે. એમાં બામ્બુને લગતી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થશે.’
‘મન કી બાત’ના પ્રસારણનો એ દિવસ
‘મન કી બાત’માં વડા પ્રધાને સિક્કિમના આ ઑન્ત્રપ્રનરની કહાની શૅર કરી ત્યારે તેમની પરિસ્થિતિ શું હતી એ બહુ જ રસપ્રદ છે. ડૉ. ભુટિયા કહે છે, ‘હું એ અઠવાડિયે દિલ્હીમાં એક ઇવેન્ટમાં હતો. શનિવારે મારા જાણીતા સિનિયર ઑફિસરનો મને ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે વડા પ્રધાનની ઑફિસમાંથી તારી ઓળખ અને કામ વિશે ઇન્ક્વાયરી આવી હતી. ત્યારે મને લાગ્યું કે ગયા વર્ષે સિક્કિમના ગર્વનરે અમારા યુનિટની મુલાકાત લીધી હતી તો કદાચ આપણા વડા પ્રધાન પણ મુલાકાત લેવા માગતા હશે. આટલું વિચારીને હું ઇવેન્ટમાં વ્યસ્ત થઈ ગયો. બીજા દિવસે એટલે કે રવિવારે ૨૫ મેએ સવારે ૬ વાગ્યે મને દૂરદર્શન દિલ્હીથી ફોન આવ્યો કે તમારો દૂરદર્શન પર ઇન્ટરવ્યુ લેવાનો છે અને એ જ દિવસે વડા પ્રધાન રેડિયો પર તમારી વાત કરવાના છે. ૭ વાગ્યા સુધીમાં તો મારી હાલત ખરાબ થઈ ગઈ. ઉત્સાહમાં પેટમાં બટરફ્લાય અને આખા શરીરમાં ધ્રુજારી છૂટવા લાગ્યાં. થોડા સમયમાં મારા સંબંધીઓ અને મિત્રોને જાણ કરી કે આવું કંઈક થવાનું છે તો રેડિયો શરૂ કરી રાખજો. હું દૂરદર્શન પર પહોંચ્યો અને મારો ઇન્ટરવ્યુ રેકૉર્ડ થયો. હું તરત કૅબ કરીને ઍરપોર્ટ પર પહોંચ્યો, કારણ કે મારી રિટર્ન ફ્લાઇટ હતી. એ રવિવાર પછી મારો ફોન બંધ જ નથી થયો. ક્રાફ્ટેડ ફાઇબર્સ માટે ઘણીબધી ઇન્ક્વાયરી આવી રહી છે અને હું સતત ટ્રાવેલિંગમાં છું. અત્યાર સુધી અમારી કોઈ વેબસાઇટ પણ નહોતી. જોકે અમારી વેબસાઇટ લગભગ હવે તૈયાર થઈ જ ગઈ છે અને થોડા સમયમાં લૉન્ચ થઈ જશે.’