રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૮)

12 January, 2025 08:13 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

એક તરફ અમદાવાદથી રાધાને લઈને ગાડી નીકળી જે દત્તાત્રેયનો ખાસ માણસ માન્યા ચલાવતો હતો ને બીજી તરફ રઝાક પણ પોતાની ગાડી લઈને નીકળ્યો સાતારા જવા.

ઇલસ્ટ્રેશન

એક તરફ અમદાવાદથી રાધાને લઈને ગાડી નીકળી જે દત્તાત્રેયનો ખાસ માણસ માન્યા ચલાવતો હતો ને બીજી તરફ રઝાક પણ પોતાની ગાડી લઈને નીકળ્યો સાતારા જવા. દત્તાત્રેયના સ્વભાવ અને પ્રકૃતિને રઝાક બરાબર જાણતો હતો. રાધાને પૂછપરછ કરવાના ઉશ્કેરાટમાં દત્તાત્રેય જો તેને મારી નાખે તો છેલ્લી કડી, કમલનાથ ચૌધરીની મહત્ત્વની વીકનેસ તેમના હાથમાંથી નીકળી જાય... આવું ન થાય એ માટે પોતાનું પહોંચવું જરૂરી હતું એ વાત રઝાક બરાબર સમજતો હતો. માન્યાની ગાડી અમદાવાદની બહાર નીકળી એ માહિતી કન્ફર્મ થતાં જ રઝાક પણ પોતાની ગાડી લઈને નીકળ્યો. માન્યાથી એક કલાક પાછળ તે પણ સાતારા પહોંચવા માટે સડસડાટ ડ્રાઇવ કરી રહ્યો હતો. તેને સાચે જ ભય હતો કે દત્તાત્રેય ક્યાંક રાધાને મારી ન નાખે!

માન્યાની રાહ જોઈ રહેલો દત્તાત્રેય સાતારાથી મહાબળેશ્વરના રસ્તે આવેલા તેના ઘરમાં ઉચાટ સાથે રાધાની રાહ જોઈ રહ્યો હતો. ચિત્તુ આ દુનિયામાં નથી રહ્યો એ વાત ઑલમોસ્ટ કન્ફર્મ થઈ ચૂકી હતી તેમ છતાં ચિત્તુ વિશે સાચા સમાચાર મેળવવાનો દત્તાત્રેયનો ઉદ્વેગ હદ વટાવી રહ્યો હતો. તેણે માન્યાને એક પણ ફોન નહોતો કર્યો કારણ કે ચૌધરી સૌથી પહેલાં સિગ્નલ શોધવાનો પ્રયાસ કરશે એની તેને ખબર હતી. દત્તાત્રેયની સૂચના મુજબ ગાડીમાં બેસતાં પહેલાં જ રાધાને જાણ પણ ન થાય એ રીતે તેનો પટારો ચેક કરવાના બહાને તેનો સેલફોન જેલમાં જ કાઢી લેવાયો હતો.

રાધાનો ફોન ટ્રેસ કરવાનો કમલનાથ ચૌધરીનો પહેલો પ્રયત્ન જ નિષ્ફળ નીવડ્યો હતો, એ પછી ગાડીનો નંબર ન મળ્યો ત્યારે કમલનાથ ચૌધરી ખૂબ નિરાશ થયા. હવે અપહરણકર્તાનો ફોન ન આવે ત્યાં સુધી તેને શું જોઈએ છે એની જાણ નહીં થાય એ વાત કમલનાથ સમજી ગયા. તેમને આ વાત પદ્મનાભ કે દીકરીને કહેવાનું ઉચિત ન લાગ્યું એટલે તે ચૂપચાપ અપહરણકારના ફોનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની વાત રાધા સાથે થઈ.

રાધાએ કહ્યું કે તેને ‘સાતારા’ લઈ જાય છે. કમલનાથ ચૌધરી અઠંગ રાજકારણી અને પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેમને તરત જ સમજાઈ ગયું કે રાધાનું અપહરણ કોણે અને શા માટે કર્યું હોઈ શકે!

એ રાત્રે ચિત્તુના મૃત્યુ પછી, ૨૦૧૦ના સપ્ટેમ્બરની એ ભયાનક રાત પછી તેમણે ચિત્તુની પૂરેપૂરી તપાસ કરાવી હતી. મહારાષ્ટ્રના ગૅન્ગસ્ટર, સ્મગલિંગ અને ગેરકાનૂની હથિયાર સહિત રાજકારણીઓની સુપારી લેવા માટે જાણીતા દત્તાત્રેય મોહિતેનો લાડકો નાનો ભાઈ મરાયો હતો તેમના ઘરમાં. ચૌધરી એની ગંભીરતા સમજતા હતા. તેમણે પત્નીના મૃત્યુની સાથે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, દીકરીને અમેરિકા મોકલી દીધી, ઘર ખાલી કરી નાખ્યું... તેમ છતાં તલવાર હજી તોળાતી હતી એ વાતની તેમને જાણ હતી. રાધાને જેલમાં સુરક્ષિત રાખવાના પૂરા પ્રયાસ છતાં તેનું અપહરણ થઈ ગયું એટલે હવે શું થઈ શકે અને તેમણે શું કરવાનું છે એની ગણતરી કમલનાથ ચૌધરીના મનમાં શરૂ થઈ ચૂકી હતી.

lll

સાતારા મીડિયમ સાઇઝનું શહેર છે. જિલ્લા મથક હોવાને કારણે લોકોની અવરજવર પણ વધારે રહે છે. શહેરની બહાર, પચીસેક કિલોમીટર દૂર, સાતારાથી મહાબળેશ્વરના રસ્તા પર એક ફાર્મહાઉસમાં જઈને ગાડી ઊભી રહી. જૂનું મરાઠા સંસ્કૃતિનું બાંધકામ સાથેનું નાનકડું ઘર શેરડીનાં ખેતરોથી ઘેરાયેલું હતું. એક કૂવો હતો. ત્રણ કૂતરા રાખવા માટે લોખંડનાં મોટાં પીંજરાં બનાવવામાં આવ્યાં હતાં પરંતુ અત્યારે કૂતરા અંદર નહોતા એટલે ખેતર તરફ ગયા હોવા જોઈએ. ગાડીમાંથી ઊતરીને રાધાએ આસપાસ નજર નાખી, તેણે પરિસ્થિતિને માપી, થોડું ધાર્યું, થોડું વિચાર્યું. તેનો નાનકડો પટારો લઈને ગાડી ચલાવનાર છોકરો મકાનનો દરવાજો ખોલીને અંદર દાખલ થયો. મહારાષ્ટ્રમાં જેને ‘વાડા’ કહેવાય એવું આ ઘર હતું. મુખ્ય દરવાજેથી દાખલ થતા જ એક ચોક, એની ચારેતરફ ઓટલો-ઓટલા પર થાંભલીઓ ને બે થાંભલીઓને જોડતી લાકડાની અર્ધગોળાકાર ફ્રેમ્સ, ઓટલાની ચારે તરફ ઘરની અંદર દાખલ થવા માટેના દરવાજા-કોઈ હોટેલ કે સ્કૂલમાં હોય એવી રીતે, દરેક બારણું એક ઓરડામાં ખૂલતું. ઓટલા પરથી એક સીડી પહેલા માળ તરફ જતી, પહેલા માળની બધી બારીઓ ચોકમાં પડે એવી રચના અને માટીનાં નળિયાંવાળું છાપરું. ચોકની અંદર વચ્ચોવચ તુલસી ક્યારો અને ચારે તરફ ઓટલાની ધારે-ધારે વાવેલાં જમરૂખ, દાડમ, આંબળા, ઔદુમ્બર અને બિલીનાં વૃક્ષો... ઘર સુંદર હતું. સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈને રાધા સમજી શકી કે અહીં કોઈ રહેતું હશે અથવા આની નિયમિત સાફસફાઈ થતી હશે. ‘આપણે ક્યાં આવ્યા છીએ?’ રાધાએ પેલા છોકરાને પૂછ્યું.

એ છોકરાએ ફરી એક વાર પોતાના ચોખ્ખા દાંત બતાવીને સ્મિત કર્યું. તે જવાબ આપે એની પહેલાં એક કરડો, રૂક્ષ અવાજ સંભળાયો, ‘કાય રે માન્યા... આલે કા?’

‘હોય, સાહેબ.’ જેને માન્યા કહીને સંબોધ્યો હતો એ છોકરાએ બે હાથ જોડીને કહ્યું, ‘પ્રણામ.’

‘તું મારો હુકમનો એક્કો છે.’ કહેતાં-કહેતાં જે માણસ ઓટલા પર આવેલા અનેક દરવાજામાંથી એક દરવાજો ખોલીને બહાર નીકળ્યો તે ઊંચો-પહોળો અને પડછંદ શરીર ધરાવતો હતો. તેનો ચહેરો આકર્ષક અને આંખોમાં એક વિચિત્ર ચમક હતી. સફેદ ઝભ્ભો-લેંઘો પહેરેલો એ માણસ પહેલી નજરમાં જ રાજકારણી જેવો દેખાતો હતો. તેને જોઈને રાધા સહેજ ચમકી. આ માણસનો ચહેરો જોઈને એને એક બીજો ચહેરો યાદ આવી ગયો. એ યાદની સાથે જ રાધાના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. એક ભયાનક રાત, એ રાત્રે બનેલી ઘટનાઓ ને એ પછી ચૌધરી પરિવાર સાથે જે કંઈ થયું એ બધું જ કોઈ સિનેમાની પટ્ટીની જેમ રાધાની નજર સામેથી સડસડાટ પસાર થઈ ગયું. તે કમલનાથ ચૌધરીની પત્ની હતી, વર્ષો વિતાવ્યાં હતાં તેમની સાથે, તેમનું પડખું સેવ્યું હતું, તેમના સંતાનની મા હતી... રાધાને એક જ ક્ષણમાં સમજાઈ ગયું કે તેને અહીં શું કામ લાવવામાં આવી હતી. દરવાજો ખોલીને ઓટલા પર પહોંચેલા માણસે ઓટલાનાં ત્રણ-ચાર પગથિયાં ઊતરતાં રાધાની સામે હાથ જોડ્યા, ‘પ્રણામ કરું છું તમને.’ તેણે કહ્યું, ‘તમારા બલિદાનને પ્રણામ કરું છું.’ તેના કોલ્હાપુરી ચંપલનો અવાજ આખા ચોકમાં સંભળાયો.

‘કોણ છો તમે?’ રાધાએ પૂછ્યું.

‘હું...’ પેલા માણસે ફરી આકર્ષક સ્મિત કર્યું, રાધાની સ્મૃતિમાં ફરી એક ચહેરો ઝબક્યો અને હોલવાઈ ગયો. એ માણસે કહ્યું, ‘મારું નામ દત્તાત્રેય શંકરરાવ મોહિતે.’ તે આગળ વધ્યો. રાધાની સામે આવીને ઊભો રહ્યો, ‘ચિત્તુનો ભાઈ છું હું.’ રાધા નખશિખ ધ્રૂજી ગઈ, ‘યાદ છે ચિત્તુ?’ તેણે પૂછ્યું. રાધા કશું બોલી નહીં, ‘સીધા પૉઇન્ટ પર આવીએ? ક્યાં છે ચિત્તુ?’

‘ક... કોણ ચિત્તુ?’ રાધાએ પૂછ્યું તો ખરું, પણ તેને પોતાનો જ અવાજ પોલો અને ખોટો લાગ્યો.

દત્તુ હસી પડ્યો, ‘અચ્છા! તમારે ગેમ રમવી છે?’ અચાનક તેનો ચહેરો બદલાઈ ગયો, ‘દત્તાત્રેય મોહિતે નામ છે મારું. લોકો બાબાસાહેબ તરીકે ઓળખે છે, પણ આંબેડકર નહીં...’ તે રાધાની નજીક આવ્યો, તેણે રાધાનો હાથ પકડીને પીઠ પાછળ મરોડી દીધો, ‘આંબેડકરે કાયદો બનાવ્યો, હું તોડવાનું કામ કરું છું. માણસ માની જાય તો ઠીક છે, બાકી તેને પણ તોડી નાખું...’ રાધાનો હાથ મરોડાતો રહ્યો, પણ ઉપરના દાંત નીચે હોઠ દબાવીને તે દર્દ સહેતી રહી. તેણે ઊંહકારો પણ કર્યો નહીં. ‘ગુડ! સહનશક્તિ ઘણી છે તમારામાં. મજા આવશે.’ દત્તુએ કહ્યું, ‘હું સ્ત્રીઓ પર હાથ ઉપાડતો નથી, પણ કોઈ સ્પેશ્યલ કેસમાં એવું કરવું પડે ત્યારે દયા ખાતો નથી.’

‘હું ખરેખર તમારા ભાઈ વિશે કંઈ નથી જાણતી.’ રાધાએ કહ્યું, ‘હું છેલ્લાં ૧૩ વર્ષથી જેલમાં રહી છું.’

રાધાનો હાથ છોડીને અચાનક દત્તુએ પૂછ્યું, ‘કેમ? હું એ જ પૂછું છું.’

‘શું કહું? અમારા પારિવારિક પ્રશ્નો...’ રાધા કહેવા ગઈ, પણ દત્તુએ તેનું વાક્ય પૂરું થવા દીધું નહીં. તે કંઈ સમજે એ પહેલાં દત્તુએ તેના વાળ પકડી લીધા, રાધાનો હળવો સિસકારો નીકળી ગયો, ‘બકવાસ બંધ! ફટાફટ સાચું બોલ, બાકી મારા માણસો તારા ઘરની આસપાસ જ ઊભા છે. વર, છોકરી, દિયર, દેરાણી કોઈ નહીં જડે...’ તેણે કહ્યું, ‘એ દિવસે માત્ર તું સળગી હતી, હવે આખું ઘર બૉમ્બ બ્લાસ્ટમાં ઊડી જશે.’

તેની મુઠ્ઠીમાં રાધાના વાળ હતા, રાધાની ડોક શરીરથી પાછળની તરફ તણાયેલી હતી, દત્તુ બોલી રહ્યો હતો, ‘સીધી રીતે કહી દે, ચિત્તુ ક્યાં છે?’ દત્તુના શરીરમાં અચાનક ઉશ્કેરાટ આવી ગયો. તેણે જોરથી રાધાના વાળ ખેંચીને કહ્યું, ‘જીવે છે કે મરી ગયો મારો ભાઈ?’

‘મરી ગયો.’ રાધાએ શાંત ચિત્તે અને સ્વસ્થ અવાજે કહ્યું. દત્તુને એવો ઝટકો લાગ્યો કે તેના હાથમાંથી રાધાના વાળ છૂટી ગયા. તે જાણતો હતો કે સત્ય આ જ છે, પણ રાધાના મોઢે સાંભળીને તેની આંખો પહોળી થઈ ગઈ, ઝળઝળિયાં આવી ગયાં. રાધાએ મનોમન નક્કી કરી લીધું હોય એમ તે દત્તુ તરફ ફરી. કોઈ પણ પ્રકારના ઢાંકપિછોડા કે શબ્દો ચોર્યા વગર તેણે કહ્યું, ‘એ રાત્રે જ મરી ગયો હતો, તમારો ભાઈ.’

દત્તુ બે હાથ પહોળા કરીને રાધાનું ગળું દબાવવા ધસ્યો, રાધા બે ડગલાં પાછળ હતી, ‘એ ઍક્સિડન્ટ હતો. અમે તેને મારવા નહોતા માગતા.’ રાધાએ બે હાથ જોડ્યા, ‘તે અમારા ઘરમાં ઘૂસ્યો હતો, ચોરીથી.’ દત્તુ કોઈ પૂતળાની જેમ સ્થિર થઈ ગયો. તેની આંખોમાંથી પાણી વહેવાં લાગ્યાં, ‘તમે તો તમારા ભાઈને ઓળખતા જ હશો...’ રાધાએ ઊંડો શ્વાસ લીધો. કોઈ ભય કે સંકોચ વગર તેણે કહ્યું, ‘તે જે પરિસ્થિતિમાં પકડાયો એ પછી તેનું બચવું અશક્ય હતું. ચૌધરી પરિવારની ઇજ્જત પર હાથ નાખ્યો હતો તેણે.’

‘તું... તું...’ દત્તુને પ્રશ્ન પણ સૂઝ્યો નહીં. તે સૂનમૂન થઈને ઊભો રહ્યો. થોડીક ક્ષણો સુધી એ વાડા જેવા મકાનના ચોકમાં સૂકાં પત્તાં ઊડવાનો અવાજ પણ સંભળાઈ શકે એવી શાંતિ પથરાઈ ગઈ. માન્યાએ નજીક આવીને દત્તુના ખભે હાથ મૂક્યો, ‘આ શું કહે છે?’ દત્તુ બધું જ જાણતો હતો તેમ છતાં તેને વિશ્વાસ નહોતો બેસતો. રાધાના મોઢે સત્ય સાંભળવા તે બેચેન હતો.

‘અમારા ઘરની વહુને, મારી દેરાણીને મળવા આવ્યો હતો તે.’ રાધા જાણે વીતેલું દૃશ્ય ફરી જોઈ રહી હતી, ‘મોહિની તો... ખેર... જાંઘ ખોલીને કંઈ ફાયદો નથી, પણ ચિત્તુ નાનો હતો.’ દત્તુની આંખો ફરી વહેવા લાગી, ‘અણસમજુ હતો. આકર્ષાઈ ગયો, બિચારો.’ રાધાના અવાજમાં એક વિચિત્ર સ્વસ્થતા હતી. જીવનની દરેક તકલીફ, દુઃખ, પીડામાંથી પસાર થયા પછી જે પરમ સ્વીકાર અને શાંતિ આવે એની સ્વસ્થતા તેના અવાજમાં સંભળાતી હતી, ‘તે મોહિનીને મળવા આવ્યો તો ખરો, પણ પકડાઈ ગયો. મારા પતિએ...’ એ ચૂપ થઈ ગઈ.

‘કોણે માર્યો તેને?’ દત્તુના આ ત્રણ શબ્દોમાં જ્વાળામુખી હતો.

રાધાના ચહેરા પર માતૃત્વથી ભરપૂર સ્મિત આવ્યું, ‘તેના નસીબે.’

‘સાચું બોલ, બાકી અહીં જ દાટી દઈશ. અસ્થિય નહીં મળે તારા પરિવારને...’ દત્તુ તેના તરફ ધસવા જતો હતો, પણ માન્યાએ તેને પકડી રાખ્યો.

‘હું તો મારા પરિવાર માટે મરી જ ગઈ છું.’ રાધા હજી સ્વસ્થ હતી, ‘પણ જો હું મરી ગઈ તો તને પણ ચિત્તુનાં અસ્થિ નહીં મળે.’ રાધાએ કહ્યું. દત્તુ ત્યાં જ બેસી પડ્યો. બન્ને હાથ કપાળ પર ઠોકતો તે મોટા અવાજે રડવા લાગ્યો. તેના મોઢામાંથી અસ્ફૂટ સ્વરે ‘ચિત્તુ, ચિત્તુ’ સંભળાતું રહ્યું. રાધાએ તેને રડી લેવા દીધો. સારોએવો સમય પસાર થયો. રાધા પણ તેની સામે જમીન પર જ બેસી રહી. દત્તુ રડતો હતો ત્યારે જ આંગણામાં ગાડી પાર્ક થવાનો અવાજ આવ્યો. સહુ ચોંક્યા, રઝાક પ્રવેશ્યો.

તેણે દત્તુને રડતો જોયો એટલે રઝાકને સમજાઈ ગયું કે રાધાએ દત્તાત્રેય શંકરરાવ મોહિતેથી ડર્યા વગર ચિત્તુના મૃત્યુના સમાચાર સંભળાવી દીધા છે. રઝાક પણ દત્તુની બાજુમાં બેસીને તેના ખભે હાથ ફેરવતો રહ્યો. સારુંએવું રડી લીધા પછી દત્તાત્રેય સ્વસ્થ થયો. તેણે બે હાથ જોડીને રાધાને કહ્યું, ‘મને આખી વાત કહે, શું થયું હતું એ રાત્રે? કોણે માર્યો મારા ભાઈને?’

‘માર્યો તેના નસીબે...’ રાધાએ પોતાની વાત પકડી રાખી, ‘સાચું કહું તો તેનું મોત જ લઈ આવ્યું હતું તેને અમારા ઘર સુધી.’ રાધાને જાણે એ રાતનું દૃશ્ય નજર સામે દેખાતું હતું. તેણે ધીમા અવાજે તૂટક-તૂટક શબ્દોમાં એ રાતની કથા કહેવાની શરૂઆત કરી.

lll

મોહિનીની વાત સાંભળ્યા પછી શામ્ભવી પોતાની જાત પરનો સંયમ ખોઈ બેઠી હતી. તે ફરી-ફરીને કહી રહી હતી, ‘ના, આ ખોટું છે... મારી મા કોઈ દિવસ કોઈ બીજા પુરુષનો વિચાર પણ ન કરી શકે... હું માનવા જ તૈયાર નથી.’

‘તારા માનવા કે ન માનવાથી ફરક નથી પડતો.’ હવે મોહિનીનો આત્મવિશ્વાસ પાછો ફર્યો હતો. તેણે દૃઢતાથી કહ્યું, ‘હું જે કહું છું એ સાચું છે.’

‘હું બાપુને પૂછીશ.’ શામ્ભવીએ કહ્યું, ‘તે મારી સાથે ખોટું નહીં બોલે.’

મોહિની હસી પડી, ‘એમ?’ તેણે આંખો નચાવી, ‘જેમ અત્યાર સુધી સાચું બોલ્યા છે એમ જ સાચું બોલશે, નહીં?’

‘શટઅપ.’ શામ્ભવી ચિડાઈ ગઈ, ‘જો મારી માએ ખૂન કર્યું હોય તો ‌તેને પોલીસે કેમ ન પકડી? કેસ કેમ નથી ચાલ્યો તેનો?’

‘એ કમલનાથ ચૌધરીની પત્ની છે...’ મોહિની એક-એક શબ્દ તોળી-તોળીને, ગોઠવીને કહી રહી હતી. ‘કેસ ચાલે તો લાશ મળે. લાશ મળે તો શિનાખ્ત થાય... લાશની ઓળખ થાય તો કોણ છે એ ખબર પડે, ને ઘરમાં કેમ આવ્યો એ સવાલ ઊઠે...’

તેણે સાવધાનીથી શામ્ભવીના ખભે હાથ મૂકીને તેના કાનમાં ધીમેથી કહ્યું, ‘એક પછી એક સવાલ... એક પછી એક જવાબ... ને ઇજ્જતના ધજાગરા.’

‘પણ... મા પાસે ખૂન કરાવ્યું તો...’ શામ્ભવીને સવાલ સૂઝ્યો નહીં, ‘આટલાં વર્ષથી તેને જેલમાં કેમ રાખી છે?’

‘તો ક્યાં રાખે?’ મોહિનીના ચહેરા પર ક્રૂર, ગંદું સ્મિત આવ્યું. શામ્ભવી એ સ્મિત સહી શકી નહીં. તે ઊંધી ફરી ગઈ, પણ મોહિની તેની નજીક આવી, ‘ઘરમાં? પોતાના બેડરૂમમાં રાખે, તારી માને?’ ‌તેનું હાસ્ય શામ્ભવીનાં હાડકાં વીંધી રહ્યું હતું, ‘ગમે તેમ તોય પત્ની છે. તેના સંતાનની મા છે... માફ કરી, જીવતી રાખી.’ મોહિનીએ છેલ્લું પત્તું ઉતરી નાખ્યું, ‘પણ તારા પર ખરાબ સંસ્કાર ન પડે માટે તેને ઘરથી દૂર, જેલમાં રાખી.’

‘ના! સમથિંગ ઇઝ મિસિંગ.’ શામ્ભવીએ કહ્યું, ‘તારી વાર્તા ગમે તેટલી ઇન્ટરેસ્ટિંગ હોય, મને સાચી નથી લાગતી. આમાં કંઈક ખૂટે છે.’

‘તો શોધી લે તારી ખૂટતી કડી.’ મોહિનીએ ખભા ઉલાળીને બન્ને હાથ દરવાજા તરફ લંબાવ્યા, ‘ગો!’

‘શોધીશ.’ શામ્ભવી તેના રૂમની બહાર નીકળવા લાગી. તેણે બહાર નીકળતાં એક મિનિટ ઊભા રહીને કહ્યું, ‘મારી માએ જો મારા બાપુને છેતર્યા હોય, બેવફાઈ કરી હોયને તો મારા બાપુ તેને જીવતી ન રાખે એટલા તો ઓળખું છું મારા બાપુને! દુનિયા માટે તો મરી જ ગઈ છે... તો જીવતી રાખવાનું કારણ શું?’ તેણે મોહિનીને પૂછ્યું. મોહિની ગૂંચવાઈ, ‘તારી સ્ટોરી સારી હતી. બસ, તેં લૉજિક આગળ-પાછળ કરી નાખ્યું.’

શામ્ભવીએ કહ્યું. ક્ષણભર પહેલાં હચમચી ગયેલી શામ્ભવી હવે સ્વસ્થ હતી. તેનું મગજ આ મનઘડંત વાર્તા માની લેવાની ચોખ્ખી ના પાડતું હતું, પણ આ વાર્તામાંથી કેટલીક કડીઓ મહત્ત્વની હોવી જોઈએ એ વાત તેને સમજાવા લાગી હતી. તેણે છેલ્લે ઉમેર્યું, ‘મોહિની ચૌધરી, લફરાબાજી મારી માનો નહીં, તારો સ્વભાવ છે. આ વાર્તામાંથી એક મુદ્દો જો સાચો હોય તો કોઈ માણસ એ રાત્રે આપણા ઘરમાં ઘૂસ્યો હતો.’ શામ્ભવીએ હાથમાં પકડેલું બ્રાઉન પેપરનું કવર હલાવ્યું, ‘કાગળો પણ એમ જ કહે છે કે એક માણસ અહીંથી ઍમ્બ્યુલન્સમાં બહાર ગયો...’

મોહિની અવાક્ થઈ ગઈ. તેની સ્ટોરી તેને જ બૂમરૅન્ગ થઈ હતી.

‘સ્વીટી! જે મર્યો કે ઍમ્બ્યુલન્સમાં બહાર ગયો એ માણસ તને મળવા આવ્યો હોવો જોઈએ.’ તેણે મોહિનીની આંખોમાં જોયું, ‘હવે તેને કોણે પકડ્યો, કોણે માર્યો અને મારી મા એમાં કેવી રીતે ફસાઈ... આ બધું શોધવામાં મને વાર નહીં લાગે.’ તેણે મોહિનીના ખભે હાથ મૂક્યો, ‘થૅન્ક યુ ફૉર ધ ક્લુ.’ શામ્ભવીએ કહ્યું અને હસતી-હસતી મોહિનીના રૂમની બહાર નીકળી ગઈ.

(ક્રમશઃ)

columnists kajal oza vaidya mumbai gujarati mid-day exclusive