02 February, 2025 07:47 AM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
મોહિનીનો ફોન ડિસકનેક્ટ કર્યા પછી ઋતુરાજ થોડો બેચેન થઈ ગયો. તેની મુઠ્ઠીમાં જે રહસ્ય બંધ હતું એ ખોલવાનો સમય થઈ ગયો હતો કે નહીં એ વિશે નિર્ણય કરવાનો તે પ્રયાસ કરી રહ્યો હતો. ઋતુરાજ સામાન્ય માણસ નહોતો. તેણે હંમેશાં પોતાની સાઇડ સલામત રાખી હતી... તેને ખાતરી હતી કે કોઈ એક દિવસ તેણે સાચવી રાખેલો હુકમનો એક્કો તેના કામમાં આવશે! આજે એ દિવસ આવી ગયો હતો... કદાચ!
ખાસી વાર સુધી પરિણામો, પ્રશ્નો અને પરિસ્થિતિનો પૂરેપૂરો વિચાર કર્યા પછી તેણે પોતાની ઑફિસના લૉકરમાં મૂકેલો એક ફોન બહાર કાઢ્યો. નાનકડો ચાર આંગળનો નોકિયાનો ટેક્નૉલૉજી વગરનો એ ફોન ઋતુરાજના ક્રાઇમમાં પાર્ટનર હતો. આ ફોનમાં એવા નંબર છુપાવેલા હતા જે દરેક નંબર વિશે ઋતુરાજની મુઠ્ઠીમાં કોઈ ને કોઈ રહસ્ય બંધ હતું. તેણે બટન ઉપર-નીચે કરીને મહેનતથી એક નંબર શોધી કાઢ્યો. થોડું વિચારીને તેણે એ નંબર ડાયલ કર્યો, ‘હલો!’ સામેથી દત્તાત્રેયનો અવાજ સંભળાયો.
‘મારી પાસે તમારા માટે એક સમાચાર છે.’ ઋતુરાજે કહ્યું. તેનો આ નંબર અનનોન હતો.
દત્તાત્રેય થોડીક ક્ષણો વિચારમાં પડ્યો. સામે બેઠેલી રાધા અને રઝાક સામે જોયું, સહેજ વિચારીને તેણે પૂછ્યું, ‘સારા કે ખરાબ?’
‘એનો આધાર તમારા પર છે...’ ઋતુરાજે રમત ચાલુ રાખી.
‘જો, હું બિઝી છું.’ દત્તાત્રેયે અત્યારે ઝાઝી લમણાઝીંક કરવાના મૂડમાં નહોતો, ‘કહેવું હોય તો કહી દે, નહીં તો ફોન મૂકી દે.’ સહેજ શ્વાસ લઈને એણે કહ્યું, ‘દસ સેકન્ડમાં કહી દે નહીં તો હું ફોન મૂકી દઈશ.’
‘મૂકી દો...’ ઋતુરાજે કહ્યું, ‘અત્યારે એક વાર ફોન કાપી નાખશો તો ચિત્તરંજન શંકરરાવ મોહિતે સુધી ક્યારેય નહીં પહોંચી શકો.’
‘એ તો હવે નહીં જ પહોંચી શકું...’ દત્તાત્રેયના અવાજમાં અફસોસ હતો, ‘તે આ દુનિયામાં નથી... મને ખબર પડી ગઈ.’
‘એમ?’ ઋતુરાજ હસ્યો, ‘હું એમ કહું કે તે યુરોપના એક દેશમાં છે. જીવતો, સલામત અને સુખી છે... તો?’
‘તો હું તને બેવકૂફ માનીને ફોન મૂકી દઈશ. જેણે તેને મરેલો જોયો છે તે મારી સામે બેઠી છે...’ દત્તાત્રેયે કહ્યું.
‘કોણ રાધા?’ ઋતુરાજે પૂછ્યું. દત્તાત્રેય ચોંક્યો, પણ તેણે દેખાવા દીધું નહીં. બે ક્ષણના મૌન પછી ઋતુરાજે કહ્યું, ‘તમને કદાચ લાગશે કે આ ફોન રાધાને છોડાવવા માટે છે, પણ મને એમાં કોઈ રસ નથી. પિસ્ટલ હોય તો તેને ગોળી મારી દો. મારો ફોન ચાલુ છે.’
‘કોણ છે યાર તું, ને શું જોઈએ છે?’ દત્તાત્રેય હજી ભાઈના આઘાતમાં હતો. એમાં આ ફોન તેને વધુ વિચલિત કરી રહ્યો હતો, ‘ફટાફટ બોલ.’
‘ફટાફટ તો એટલું જ કે તને તારા ભાઈના સમાચાર આપતાં પહેલાં મારે એ જાણવું છે કે તેર વર્ષ સુધી સૂતેલો સાપ જાગ્યો કેમ?’ ઋતુરાજે પૂછ્યું. ‘અત્યાર સુધી તેં તેને શોધવા માટે આવા ધમપછાડા નથી કર્યા અને અચાનક...
‘મારી ફૅમિલીની વાત છે...’ દત્તાત્રેયને આ માણસ ખતરનાક લાગ્યો.
‘ફૅમિલી?’ ઋતુરાજ હસ્યો, ‘ભાઈ પાછો આવશે તો ફૅમિલી બનશે, બાકી તો કપલ છો હમણાં... વિચારી લે, ઇન્ફર્મેશનની સામે ઇન્ફર્મેશન. હું નહીં જાણું તો બહુ ફેર નહીં પડે. તું નહીં જાણે તો અફસોસ થશે તને...’
‘છે એક મૅટર...’ દત્તાત્રેયને એક ટકો પણ ચાન્સ છોડવાની ઇચ્છા નહોતી. રઝાક અને રાધાએ કન્ફર્મ કર્યા પછી પણ તેનું મન તેને વારે-વારે કહી રહ્યું હતું કે ચિત્તુ હજી મર્યો નથી. એ જ સમયે આવેલા આ ફોનને કારણે દત્તાત્રેયનું મન ફરી ગૂંચવાઈ ગયું, ‘ચિત્તુની...’ કહેવાનું શરૂ કરતાં પહેલાં તેણે ફરી એક વાર વિચાર્યું, ‘તારી વાતની સાબિતી શું? પ્રૂફ આપ, પછી આપણે વાત કરીશું.’ તેણે ફોન કાપી નાખ્યો. દત્તાત્રેય ચતુર માણસ હતો. તેર વર્ષે ભાઈના સમાચાર લઈને આવનાર માણસ કોઈ બદલા વગર આ કામ ન જ કરે એટલું તેને સમજાતું હતું. સાથે એ પણ સમજાતું હતું કે તેર વર્ષ સુધી જો ખરેખર ચિત્તુ જીવતો હોય તો તેને જીવતો રાખવામાં, પોતાનાથી દૂર રાખવામાં આ માણસનો કોઈ ભયાનક સ્વાર્થ હોવો જોઈએ. જો તેનો સ્વાર્થ હશે તો તે પ્રૂફ આપ્યા વિના, પાછો ફોન કર્યા વિના રહેશે નહીં એ વાતની દત્તુને ખાતરી હતી. ફોન ડિસકનેક્ટ કરીને તેણે પથ્થરના ચોકમાં આંટા મારવા માંડ્યા. રઝાકને સમજાઈ ગયું કે હમણાં જે ફોન આવ્યો હતો એમાં ચિત્તુ વિશે કોઈ વાત થઈ છે. દત્તાત્રેયને વિચલિત કરી નાખે એવી કોઈ વાત. તે દત્તાત્રેયની ખૂબ નજીક હતો. તેણે હિંમત કરીને પૂછી નાખ્યું, ‘ચિત્તુના કોઈ સમાચાર છે?’
‘હંમમ્...’ દત્તાત્રેય હજી આંટા મારતો હતો.
હવે રઝાક પણ ઊભો થયો. તેણે સાવ નજીક જઈને પૂછ્યું, ‘તેણે એવું કહ્યું કે ચિત્તુ જીવતો છે?’
દત્તાત્રેયે અટકીને રઝાક સામે જોયું. રઝાકે દત્તાત્રેયની આંખોમાં આંખો નાખી, ‘તે કદાચ સાચો હોય...’ દત્તાત્રેય અવિશ્વાસથી રઝાકની સામે જોઈ રહ્યો, ‘મેં તમને કહ્યુંને ભાઈ, મેં તેનું શબ નથી જોયું. તેને ઍમ્બ્યુલન્સમાં બહાર લઈ ગયા કે ઘરમાં જ... આ સવાલ મને પણ હજી સુધી પજવે છે. કદાચ તેને ઍમ્બ્યુલન્સમાં બહાર લઈ ગયા હોય તો...’
દત્તાત્રેયે બન્ને હાથે રઝાકના ખભા પકડીને તેને હચમચાવી નાખ્યો, ‘તો શું?’
‘તો કોઈ એવું છે જેની પાસે સાચી માહિતી છે...’ રઝાકે કહ્યું.
દત્તાત્રેય ભીતર સુધી હચમચી ગયો, ‘એટલે તું એવું કહેવા માગે છે કે...’
‘સાંભળી લો, ભાઈ...’ વાત ખોટી હોય તો આપણે કંઈ ગુમાવવાનું નથી, પણ સાચી હોય તો તમારી આટલાં વર્ષની તપસ્યાનું ફળ તમારી રાહ જોઈ રહ્યું છે.’
દૂર ઊભા રહીને ધીમા અવાજે વાત કરતાં બન્ને જણને રાધા જોઈ શકતી હતી. તેને પણ સમજાયું કે સમાચાર ચિત્તુ વિશેના હતા. આ બન્ને જણ વાત કરતાં હતા ત્યાં સુધીમાં રાધાએ ફરી એક વાર પોતાની સ્મૃતિને તપાસી જોઈ. તેણે અચાનક કહ્યું, ‘ઋતુરાજ...’
‘કોણ?’ દત્તાત્રેયે ત્યાં જ ઊભા-ઊભા પૂછ્યું.
‘ઋતુરાજ...’ રાધા જાણે એ ક્ષણો યાદ કરવાની કોશિશ કરી રહી હતી, ‘અત્યાર સુધી મને કેમ ન સૂઝ્યું? અમે કોઈએ વિચાર્યું જ નહીં... તેર-તેર વર્ષ સુધી મૂરખની જેમ...’ તેણે ડોકું ધુણાવ્યું, ‘અરે ભગવાન! એ રાત્રે ઋતુરાજ તેને લઈને ગયો હતો.’
‘ક્યાં લઈ ગયો હતો?’ દત્તાત્રેય દોડીને નજીક આવ્યો. તેણે રાધાના બન્ને હાથ પકડી લીધા, ‘કોણ છે ઋતુરાજ?’
‘લલિતભાઈ...’ રાધાએ સમજાવ્યું, ‘મારા હસબન્ડના વિશ્વાસુ છે, તેનો દીકરો... એ વખતે પચીસેક વર્ષનો હતો. બધું તેણે જ ગોઠવ્યું.’ રાધા જાણે ભૂતકાળમાં સરી પડી, ‘તેણે જ ઍમ્બ્યુલન્સ બોલાવી. તેણે જ બૉડી મગાવ્યું. તેણે જ...’ દત્તાત્રેયના હાથમાં પકડાયેલા પોતાના હાથ છોડાવીને રાધાએ દત્તાત્રેયના હાથ પકડી લીધા. તે ઉશ્કેરાઈ ગઈ હતી, ‘તે લઈ ગયો ચિત્તુને... પણ અમે કોઈએ ચિત્તુનું શબ જોયું નથી.’
રાધાએ આંખો મીંચી લીધી, ‘અરે! અત્યાર સુધી અમને કોઈને કેમ સમજાયું નહીં?’
‘એટલે તમે એમ કહેવા માગો છો કે...’ દત્તાત્રેયનું હૃદય ત્રણગણી ઝડપથી ધબકી રહ્યું હતું. તેની નસોમાં લોહી ધમધમવા માંડ્યું હતું. તેની આંખોમાં આંસુ છલકાયાં અને હોઠ સુકાઈ ગયા, ‘એટલે ચિત્તુ... એટલે મારો ચિત્તુ... જીવતો...’
રાધાએ ડોકું ધુણાવ્યું, ‘હું ખાતરીપૂર્વક નથી કહી શકતી, પણ આ માણસ તદ્દન ખોટો ન પણ હોય.’ રાધાએ ફરી સૌને ચોંકાવ્યા, ‘તેણે તેનું નામ કહ્યું?’ પછી ડોકું ધુણાવીને કહ્યું, ‘ન જ કહે... પણ જો કોઈ સચ્ચાઈ જાણતું હોય તો એ ઋતુરાજ સિવાય કોઈ નથી.’
‘એટલે આ ફોન... આ ફોન...’ દત્તાત્રેય ધ્રૂજતો હતો.
‘ઋતુરાજનો હોઈ શકે.’ રઝાકે કહ્યું, ‘થોડી વાર વેઇટ કરીએ ભાઈ. જો તે સાચો હશે તો ચોક્કસ પાછો ફોન કરશે.’
‘ક્યારે? ક્યારે આવશે તેનો ફોન?’ દત્તાત્રેય બેબાકળો થઈ ગયો, ‘મારે તેને સાચું કહી દેવું જોઈતું હતું... એ પણ મને સાચું કહી દેત.’ તેની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે રાધા સામે જોઈને કહ્યું, ‘તમે આ વાત મને કહી કેમ નહીં?’
‘આ વાત મને સૂઝી જ નહોતી.’ રાધાએ કહ્યું, ‘આ વાત જો મને સૂઝી હોત તો મેં પહેલાં કમલનાથને જ કહી હોત. અત્યાર સુધી ફફડાટમાં જીવ્યાં અમે સૌ. જો તે મર્યો જ ન હોય તો કોઈએ ડરવાની જરૂર જ ક્યાં છે?’ રાધાના અવાજમાં પોતાની જ બેવકૂફીનો અફસોસ છાનો ન રહી શક્યો, ‘કોઈ એક જણે તો પૂછવું જોઈતું હતું કે ચિત્તુનું શું થયું...’ તેણે ડોકું ધુણાવ્યું, ‘કોઈએ ન પૂછ્યું.’
‘તેનો નંબર...’ દત્તાત્રેયે પોતાનો ફોન તપાસવાનો પ્રયત્ન કર્યો, પણ અનલિસ્ટેડ નંબર જોઈને તે ભયાનક નિરાશ થયો.
હવે બધાં, રાધા, રઝાક અને દત્તાત્રેય અધ્ધર શ્વાસે, ઉચ્ચક જીવે ઋતુરાજના ફોનની પ્રતીક્ષા કરવા લાગ્યાં.
lll
ઋતુરાજના ચહેરા પર હવે એક રહસ્યમય સ્મિત હતું... થોડી વાર પોતાના નોકિયાના ફોનને હાથમાં ગોળ-ગોળ ફેરવ્યા પછી, થોડું વિચારીને તેણે એક બીજો નંબર જોડ્યો.
સામેથી એક ઘેરો-ઘૂંટાયેલો અવાજ સંભળાયો, ‘બહુ દિવસે યાદ આવી...’
‘કામ ન હોય તો હું યાદ નથી કરતો કોઈને.’ ઋતુરાજે કહ્યું.
‘કામ બોલ.’ સામેનો માણસ પણ લાંબી વાત કરવા માગતો નહોતો.
‘તારો ભાઈ ગોતે છે તને...’ ઋતુરાજે કહ્યું.
‘મેં તો કહ્યું હતું તને, વહેતો-વહેતો રેલો તારા પગ નીચે આવ્યા વગર નહીં રહે.’ એ માણસ ખુશ થઈ ગયો.
‘મારા પગ નીચે કોઈ રેલો ક્યારેય નહીં આવે.’ ઋતુરાજે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘પણ...’ સહેજ શ્વાસ લઈને એણે ઉમેર્યું, ‘તું વિચારી લેજે. પ્રગટ થયો એ ક્ષણે તારા ભાઈની ઇજ્જત, તેનું પદ, તેનું પૉલિટિક્સ બધું ધૂળમાં મળી જશે.’
‘આવું કહી-કહીને તેં મને ૧૪ વર્ષ ડરાવ્યો છે.’ એ માણસે કહ્યું.
‘૧૪ નહીં, ૧૩!’ ઋતુરાજે કહ્યું, ‘જે ક્ષણે દત્તાત્રેયને ખબર પડી કે તું જીવતો છે એ ક્ષણે કમલનાથ ચૌધરી પણ જાણશે. તે તને છોડશે નહીં. તારા ભાઈનો પાવર ખતમ, તું ખતમ...’ ઋતુરાજ હસ્યો, ‘મને ફરક નહીં પડે. ઊલટાનું મારે માટે તો સરળ થઈ જશે. મોહિનીથી છુટકારો ને કમલનાથ તારી પાછળ પડશે એટલે મારા પરથી ધ્યાન હટી જશે...’
‘ડોન્ટ વરી. દાદા બધું સંભાળી લેશે.’ એ માણસે કહ્યું, ‘હું તો તને કેટલાય ટાઇમથી આ જ કહ્યા કરું છું. કમલનાથથી બચાવીને મને ઘેર પહોંચાડ, બાકીનું બધું હું ફોડી લઈશ. મારો ભાઈ ફોડી લેશે... તું છુટ્ટો ને હું...’ એ માણસને ડૂમો ભરાઈ ગયો, ‘મારો ભાઈ... બિચારો...’
‘ઓકે.’ ઋતુરાજે ઉપકાર કરતો હોય એમ કહ્યું, ‘જા, કહી દે તારા ભાઈને કે તું જીવે છે.’ તેણે ધીમેથી ઉમેર્યું, ‘બદલામાં કમલનાથને ખતમ કરવાની જવાબદારી તારી.’
‘કમલનાથને? શું કામ?’ ફોન પર સામા છેડે રહેલા માણસને સમજાયું નહીં.
‘તું તેને ખતમ નહીં કરે તો એ તને ખતમ કરશે.’ ઋતુરાજે કહ્યું, ‘પસંદગી કરી લે. યૉર લાઇફ ઓર હિઝ?’
‘માય લાઇફ.’ એ માણસે કહ્યું. તે હજી અસમંજસમાં હતો, ‘પણ આ તો ક્યારનું થઈ શક્યું હોત! તેર વર્ષ બગાડ્યાં તેં...’
‘દરેક વાતનો સમય હોય છે. મેં ત્યારે જ તારા ભાઈને કહી દીધું હોત તો ત્યારે જ બધું ખતમ થઈ ગયું હોત, પછી મારી લાઇફનું શું થાત?’ ઋતુરાજનો અવાજ અને ચહેરો બન્ને કડવાં થઈ ગયા, ‘મારા બાપે તો મફતની ગુલામી કરી, મારે નહોતી કરવી. આ તેર વર્ષમાં મેં મારી વ્યવસ્થા કરી લીધી છે. હવે તને ને કમલનાથને સામસામે કરવામાં મને નુકસાન નથી...’
સામેના માણસનો અવાજ ભરાઈ આવ્યો, ‘તારું માનીને હું આટલા દિવસ ચૂપ રહ્યો.’
‘ચૂપ રહ્યો તો જીવતો રહ્યો, મૂરખા.’ ઋતુરાજે તેને ધમકાવી નાખ્યો, ‘ચિત્તુ! ઇડિયટ! પેલી રાં... ના પ્રેમમાં પાગલ થઈને બહાદુરી ન કરી હોતને તો આટલાં વર્ષ છુપાવું ન પડ્યું હોત...’ ઋતુરાજે કહ્યું... અત્યાર સુધી તેણે એ માણસનું નામ નહોતું લીધું, હવે તેણે ચિત્તુનું નામ લઈને કહ્યું, ‘તારો ભાઈ ભુરાયો થયો છે. કમલનાથની બૈરીને ઉઠાવી ગયો છે.’ ઋતુરાજે બરાબર પાસા ફેંકવા માંડ્યા હતા, ‘મને એ નથી સમજાતું કે અચાનક આટલા ડેસ્પરેટ થઈને તને શોધવાની જરૂર શું પડી?’
‘એટલે?’ ચિત્તુએ પૂછ્યું, તેનો પગ ઋતુરાજના ચકરડામાં પડી ચૂક્યો હતો.
‘એટલે...’ ઋતુરાજ હસ્યો, ‘તું જ સમજ.’ તેણે ગાળિયો થોડો કસ્યો, ‘એ રાત પછી તેર વર્ષ થયાં... હવે... આઇ મીન... કોઈ સ્વાર્થ, કોઈ જરૂરત હોય તો જ માણસ આટલો ઘાંઘો થઈને શોધે, બાકી તો બધા ભૂલી ચૂક્યા હતા તને, ખરું કે નહીં?’
‘મારો ભાઈ મને ન ભૂલે...’ ચિત્તુએ કહ્યું, ‘ને હું પેલી કૂતરીને નહીં ભૂલું.’ તેના અવાજમાં અત્યાર સુધી સાચવી રાખેલું વેર ભભૂક્યું, ‘તેને તો નાગી કરીને રસ્તા પર દોડાવીશ. એક વાર જો હું કેમ ગુમ થયો એ વાત જાણી જશેને, તો દાદા પણ નહીં છોડે તેને.’
‘ઠીક છે.’ ઋતુરાજે વાત પૂરી કરી, ‘તેનું જે કરવું હોય એ કરજે...’ ઋતુરાજે છૂટ આપી, ‘કર તારા ભાઈને ફોન! તે તારો અવાજ સાંભળીને પાગલ થઈ જશે.’ ઋતુરાજે ઉમેર્યું, ‘ખુશીથી કે અફસોસમાં... એ તો સમય કહેશે.’
‘પણ...’ ચિત્તુ થોડો ડરેલો, ગૂંચવાયેલો હતો. તે ઇમોશનલ થઈ ગયો, ‘કરું? ફોન?’ તેણે પૂછ્યું.
‘હા, હા... હું તને કહું છું.’ ઋતુરાજે કહ્યું, ‘બસ! તેને મળતા પહેલાં એટલું સમજી લેજે કે તે તને શું કામ શોધે છે...’ તેણે સ્નેહ ભરેલા વાસણમાં ઝેરનું ટીપું નાખ્યું, ‘તેર વર્ષે તને શોધવા નીકળ્યો છે. અચાનક આટલા ધમપછાડા કરે છે એટલે કંઈ તો હશેને...’ ઋતુરાજે ગોઠવેલી કુકરીઓમાં સ્ટ્રાઇકર મારીને વિખેરી નાખી, ‘બાકી આટલાં વર્ષે કોઈ શોધે નહીં કોઈને...’
‘દાદા એવા નથી.’ ચિત્તુનું મન હજી માનવા તૈયાર નહોતું, ‘શોધ્યો હશે તેમણે... પણ હવે કોઈ લીડ મળી હશે... મારા સમાચાર મળ્યા હશે ક્યાંકથી... એટલે...’ તેણે તૂટક-તૂટક શબ્દોમાં કહ્યું તો ખરું, પણ ઋતુરાજના ઝેરના ટીપાએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. એ માણસનું મગજ કામે લાગ્યું, ‘તારી વાત તો સાચી છે... અચાનક કેમ શોધે છે મને?’ ચિત્તુ ઋતુરાજની વાતમાં આવી ગયો, ‘કંઈ તો લફરું હોવું જોઈએ.’
‘હું એ જ કહું છું.’ ઋતુરાજના ચહેરા પર એક ક્રૂર, ભયાનક, રહસ્યમય સ્મિત ધસી આવ્યું, ‘પહેલાં પૂરી તપાસ કર. તને મારી નાખવા માટે ન શોધતો હોય ક્યાંક! હન્ડ્રેડ પર્સન્ટ શ્યૉર થવા માગતો હોય કદાચ!’ ઋતુરાજે અંતિમ બાજી રમી નાખી, ‘હજી તો દેશની બહાર છે તું! આ દેશમાં પગ મૂકતાં પહેલાં દત્તાત્રેય મોહિતે, કમલનાથ અને મોહિનીની ચાલ સમજીને પછી પાછો આવજે; બાકી આ તેર વર્ષ બચતો રહ્યો તું... હવે ઋતુરાજ નથી તને બચાવવા માટે.’ કહીને તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
બેલ્જિયમની નજીક આવેલા બ્રૂજ શહેરના એક મકાનમાં ઊભેલો ચિત્તુ તેની સામે દેખાતી નહેરોના હાલતા પાણી પર પડતા વૃક્ષોના પડછાયા જોઈ રહ્યો. તેના મનમાં જાગેલો ભાઈને મળવાનો ઉમંગ ઋતુરાજની ચેતવણીએ ઘટાડીને સાવ અડધો કરી નાખ્યો હતો.
(ક્રમશઃ)