એક બીમારીને કારણે પ્રેક્ષકોની મનગમતી સાધના અણગમતી થઈ

28 December, 2025 04:19 PM IST  |  Mumbai | Rajani Mehta

પોતાના સાથી કલાકારોને યાદ કરતાં સાધના કહે છે, ‘રાજેન્દ્ર કુમાર, સુનીલ દત્ત અને શમ્મી કપૂર; આ ત્રણ મારા ફેવરિટ હીરો હતા. નૈયરસાબ સાથે પણ એ લોકોને સારી મૈત્રી હતી. સુનીલ દત્ત એકદમ શાંત અને સરળ સ્વભાવના. તેમની સાથે ઘરેલુ વાતો વધુ થાય.

સાધના

સાધનાનું સૌંદર્ય અપ્રતિમ હતું. વિશ્વજિત કહે છે, ‘તેના ક્લોઝ અપ પર દિવસભર ચર્ચા થઈ શકે.’ દેવ આનંદ કહે, ‘સૌંદર્ય આટલું નાજુક હોય એની ખબર નહોતી.’ યશ ચોપડા કહેતા, ‘ભારતીય ફિલ્મોની પાંચ ટૉપ હિરોઇનમાં હું સાધનાને એક ગણું છું.’ 
પોતાના સાથી કલાકારોને યાદ કરતાં સાધના કહે છે, ‘રાજેન્દ્ર કુમાર, સુનીલ દત્ત અને શમ્મી કપૂર; આ ત્રણ મારા ફેવરિટ હીરો હતા. નૈયરસાબ સાથે પણ એ લોકોને સારી મૈત્રી હતી. સુનીલ દત્ત એકદમ શાંત અને સરળ સ્વભાવના. તેમની સાથે ઘરેલુ વાતો વધુ થાય. સૌથી મસ્તીખોર શમ્મી કપૂર હતા. મારી ખૂબ ફિરકી લે. હું પણ સામે એવો જ જવાબ આપતી. કોઈ વાર તે સનસનાટી ઊભી થાય એવી કમેન્ટ કરતા ત્યારે હું એમ જ દેખાડતી કે મેં કંઈ સાંભળ્યું જ નથી અથવા મારા પર એની કોઈ અસર જ નથી થઈ.
‘એક દિવસ મને કહે, ‘તુમ બિલકુલ બોરિંગ હો. મેરે ટાઇપ કી નહીં હો.’ મેં કહ્યું, ‘મિસ્ટર શમ્મી કપૂર, આપ  ભી વૈસે હી હો. શુકર કરો, મૈં આપકે સાથ કામ કર રહી હૂં.’ આ સાંભળી તે જોરથી હસી પડતા. તે એવા મિત્ર હતા જેના પર તમે સંપૂર્ણ ભરોસો કરી શકો. 
‘સચ્ચાઈ’નું શિમલામાં શૂટિંગ ચાલતું હતું. ત્યાં ખૂબ ઠંડી હતી. અજાણતાં મેં વધુ માત્રામાં બ્રાન્ડી પી લીધી અને મને ખૂબ ચક્કર આવ્યા. શમ્મી કપૂરને થયું કે વાત વણસી જાય એ પહેલાં ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમણે મમ્મીને કહ્યું હું સાધનાને મારી ગાડીમાં લઈને જાઉં છું, તમે પાછળ તમારી ગાડીમાં આવો. મમ્મીને એક પળ તો શંકા થઈ કે અડધી રાતે મારી જુવાન દીકરીને લઈને ક્યાં જાય છે? પણ તેમને ભરોસો હતો. અમારી મૈત્રીની તેમને ખબર હતી એટલે વિરોધ ન કર્યો.
‘રસ્તામાં જ્યારે ગાડી અટકતી ત્યારે મને ખૂબ ઊલટીઓ થતી. એ સમયે શમ્મી કપૂરે મારી ખૂબ સંભાળ રાખી. મને કહે, ‘ચિંતા ન કર. જલદી સારું થઈ જશે.’ બીજા દિવસે સવારે અમે મળ્યાં એટલે તેમણે મજાક શરૂ કરી, ‘તું તો જીવનભર શરાબની આદી છો. કાલે અડધી બૉટલ બ્રાન્ડી અને એ પણ પાણી નાખીને પીધી ત્યાં તો બેહાલ થઈ ગઈ?’ એ સાંભળી મને બહુ ખરાબ લાગ્યું. હું ચૂપ રહી કારણ કે તેમણે મને ખૂબ સાચવી હતી. એ દિવસે મેં નક્કી કર્યું કે જ્યારે હું શૂટિંગ કરતી હોઈશ ત્યારે કદી શરાબને હાથ નહીં લગાડું.’ 
સાધનાના સૌંદર્યની આભાનો એક કિસ્સો રસપ્રદ છે. ‘મેરે મેહબૂબ’ની સફળતા બાદ યુવાનો તેની પાછળ પાગલ હતા. એક દિવસ સાધના બુરખો પહેરી પોતાની સહેલી સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ. તેના પગ જોઈ એક યુવાન તેના મિત્રને કહે, ‘આ સાધના જ છે. મેં ‘મેરે મહેબૂબ’ ૨૧ વાર જોઈ છે. એમાં સાધનાના એક પગની આંગળી બીજી આંગળી પર ચડી ગઈ છે. જો આ બુરખાવાળી યુવતીના ગોરા પગની આંગળીઓ એવી જ છે. હું શરત મારીને કહું છું કે આ સાધના જ છે.’ 
કારકિર્દીની ટોચ પર ૧૯૬૮માં સાધનાને થાઇરૉઇડની બીમારી થઈ. એનો ઇલાજ કરવા માટે સાધનાએ વિદેશ જવાનું નક્કી કર્યું. તેણે પ્રોડ્યુસર્સને કહ્યું કે હું બેત્રણ મહિનામાં પાછી આવી જઈશ. ‘સંઘર્ષ’ના નિર્માતા એચ. એસ. રવૈલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે સાધનાને કહ્યું કે હું તારા માટે એક વર્ષ રાહ જોવા તૈયાર છું પણ ટૂંક જ સમયમાં તેમણે વૈજયંતીમાલાને લઈ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું. એ જ પ્રમાણે ‘ફર્ઝ’, ‘સાજન કી ગલિયાં’, ‘સાહિરા’, ‘દામન’ અને બીજી ફિલ્મોના પ્રોડ્યુસરે રાહ જોયા વિના બીજી હિરોઇન સાથે ફિલ્મો શરૂ કરી દીધી. 
ધાર્યા કરતાં સારવાર માટે વધુ સમય વિદેશમાં વિતાવીને સાધના ભારત આવી ત્યારે તેણે એક મોટી પાર્ટી રાખી જેમાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું. એક રીતે તેનો આ સંદેશો હતો કે I am back. ત્યાર બાદ સાધનાની જે ફિલ્મો આવી એ હતી ‘સચ્ચાઈ’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’ અને બીજી ફિલ્મો. બીમારીને કારણે તેના ગળા પરની ચરબીને ઢાંકવા સાધનાએ ગળા પર મજબૂરીથી દુપટ્ટો/સ્કાર્ફ નાખવાનું શરૂ કર્યું જેને ચાહકોએ એક નવી ફૅશન તરીકે સ્વીકારી લીધું. 
બીમારીને કારણે તેની આંખ પર જે અસર થઈ એ સાધનાની ખૂબસૂરતી માટે ઘાતક બન્યું. ‘સચ્ચાઈ’માં ઝીણી આંખવાળી સાધનાની લોકોએ ઉપેક્ષા કરી. ‘ઇશ્ક પર ઝોર નહીં’ની સાધનાને જોવા માટે કોઈએ જોર ન લગાવ્યું. ‘ગીતા મેરા નામ’ માં તેણે હાથમાં હન્ટર લેવાનું જોખમ લીધું પણ ચબરાક પ્રેક્ષકો સામે એ કીમિયો નિષ્ફળ નીવડ્યો. કારણ એ જ કે તેની સહેજ ઝીણી થયેલી આંખમાં હવે પહેલાં જેવો નશો નહોતો. 
કોણ જાણે કેમ, સાધનાની લોકપ્રિયતાનો જુવાળ ઓસરી રહ્યો હતો. એક સમયની મનગમતી સાધના ધીમે-ધીમે અણગમતી થવા લાગી. વર્ષમાં તેની એકાદ ફિલ્મ જ રિલીઝ થતી. ‘આપ આએ બહાર આઈ’ સિવાય ‘દિલ, દૌલત ઔર દુનિયા’, ‘ગીતા મેરા નામ’ (જે સાધનાએ ડિરેક્ટ કરી હતી), ‘છોટે સરકાર’, ‘વંદના’, ‘અમાનત’ જેવી ફિલ્મો નિષ્ફળ ગઈ. એટલું જ નહીં ૧૯૭૮માં તેને સુપર થાઇરૉઇડની બીમારી થઈ. ફરી વાર તેણે લાંબો સમય વિદેશમાં સારવાર લીધી. જોકે બહુ ફાયદો ન થયો. તેનો ચહેરો કદરૂપો થતો ગયો અને આંખનું વિઝન એકદમ નબળું થઈ ગયું. ૧૯૮૦માં ‘કુરબાની’ના પ્રીમિયરમાં તે પતિ સાથે આવી પરંતુ એકપણ ચાહકે તેનો ઑટોગ્રાફ ન માગ્યો. લાગે છે કોઈએ તેને ઓળખી નહીં હોય. કદાચ આ જ કારણે તેણે એકાંતવાસ લઈ લીધો. તેને કૅરૅક્ટર રોલ નહોતા કરવા એટલે લોકોને મળવાનું ટાળ્યું. તે નહોતી ઇચ્છતી કે ચાહકોની આંખોમાં તેની ખૂબસૂરત ઇમેજનું ખંડન થાય. 
સાધના અને આર. કે નૈયર સોશ્યલ લાઇફથી દૂર થઈ ગયાં. આર. કે. નૈયર સાધનાને લઈ અનેક વાર વિદેશની સફરે જતાં જેથી તેનો સમય પસાર થાય. તે સાધના માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા. એક મિસકૅરેજ બાદ સાધનાને કદી માતૃત્વ પ્રાપ્ત ન થયું. આર. કે. નૈયરને દમની બીમારી હતી. સાધના તેમનું ખૂબ ધ્યાન રાખતી. દિવસે-દિવસે તેમની તબિયત બગડતી જતી હતી. અંત નજીક હતો ત્યારે તેમણે સાધનાને કહ્યું, ‘તેં મારું કેટલું ધ્યાન રાખ્યું છે. હું નહીં હોઉં ત્યારે તું એકલી કેવી રીતે જીવીશ?’ સાધનાએ કહ્યું, ‘આપ સે પહલે મૈં ચલી જાઉંગી. વરના હમ દોનોં સાથ જાએંગે.’ પરંતુ મનુષ્યની ઘડિયાળ અને ઈશ્વરની ઘડિયાળનો સમય એકસરખો નથી હોતો. ૧૯૯૫માં નૈયરે આખરી શ્વાસ લીધા અને સાધનાની યાતનાનો સમય શરૂ થયો. 
 આવકનો કોઈ સ્રોત ન હોવાને કારણે સાધના બંગલો વેચીને આશા ભોસલેના બાંદરાના બંગલામાં ભાડે રહેવા લાગી. અહીં પણ મુસીબત તેનો પીછો નહોતી છોડતી. બંગલાના ઉપરના ભાડૂઆતે ફરિયાદ કરી કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી સાધના પૂરું ગાર્ડન  વાપરે છે. એમાં મારો પણ હક છે. સાધનાએ તેને ઍગ્રીમેન્ટ બતાવ્યું તેમ છતાં આ બાબતે બન્ને વચ્ચે ઝઘડા થતા. એક સમય આવ્યો જ્યારે એ બંગલો બિલ્ડરને વેચવામાં આવ્યો. તેણે સાધનાને ઘર ખાલી કરવાની નોટિસ આપી. સાધના એ માટે તૈયાર નહોતી. બિલ્ડર તરફથી ધાકધમકી અને બળપ્રયોગો થતાં સાધનાએ પોલીસમાં ફરિયાદ કરી. મામલો કોર્ટમાં ગયો, જે લાંબો સમય ચાલ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેણે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી પોતાની હાલાકીની વાત લોકો સમક્ષ મૂકી. પાછલી ઉંમરે એકલા હાથે પોલીસ ચોકી અને કોર્ટનાં ચક્કર કાપીને સાધનાએ લડત આપી. 
વર્ષો બાદ ૨૦૧૪માં કૅન્સરપીડિત દરદીઓ માટેના ફન્ડ રેઝિંગ કાર્યક્રમમાં તે રણબીર કપૂર સાથે સ્ટેજ પર રૅમ્પ-વૉક કરવા આવી ત્યારે તેનું જોરદાર સ્વાગત થયું હતું. ‘વક્ત’ અને ‘વો કૌન થી’ માટે નૉમિનેટ થયા છતાં જીવનભર તેને એક પણ અવૉર્ડ ન મળ્યો, પરંતુ  ૨૦૦૨માં આઇફાએ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપી તેનું સન્માન કર્યું. એકલવાયી જિંદગીમાં સેક્રેટરી ફ્લોરા અને તેનો પતિ તેનો સહારો બનીને રહ્યાં. સાધનાની નંદા, વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન સાથેની મૈત્રી જગજાહેર છે. 
૭૪ વર્ષની ઉંમરે કૅન્સરપીડિત સાધનાનું ૨૦૧૫માં ૨૫ ડિસેમ્બરે અવસાન થયું ત્યારે તેના ડાઇ હાર્ડ ચાહકોએ ચોક્કસ એમ કહીને સ્વરાંજલિ આપી હશે.   
અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં 

columnists rajani mehta gujarati mid day entertainment news lifestyle news