27 September, 2026 06:03 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહીં
આવશો કે નહી...
આ બાળગીત ગાઈને મોટી થનારી એક છેલ્લી પેઢી હવે ચાલીસી વટાવી ચૂકી છે. ચકીબેન આપણાથી નારાજ થઈ ગયાં. એક સમયે ઘરની ઓસરી કે ઓરડાની દીવાલો પર પિતૃઓ તેમ જ અવતારોના ફોટો લટકાયેલા રહેતા, જે દાદાએ આખું ઘર બનાવ્યું હોય તેમના ફોટો પાછળ ચકલી પોતાનું ઘર બનાવતી. બીજું એ કે ચકલીને બહુ કંઈ ખાસ માળો બાંધતાં આવડતો નથી. મુખ્યત્વે ઘર કે ફળિયામાંથી ઘાસ-તણખલાં-રૂ-સાવરણીની સળીઓ તથા દોરાઓ ચકીબેન શોધી લાવે છે.
હવેનાં ઘર દાદા-દાદીના ફોટો પ્રમાણે નહીં બલ્કે ઇન્ટીરિયર ડિઝાઇનર કહે એ પ્રમાણે બને છે. જે ઘર પોતાનાં દાદા-દાદીના ફોટોની દરકાર કરવામાં પણ ઊણું ઊતર્યું હોય એ ઘરનાં પાત્રો ફોટોની પાછળ વસાહત કરે ને ચકલીની દરકાર કરે એવી આશા જરા વધુ પડતી છે. તો પણ એટલું તો જરૂર કહી શકાય કે ચકલી આજ સુધી માનવજાતને ક્યાંય નડી નથી. છતાં આપણે એને સાચવવામાં સમૂળગા નિષ્ફળ ગયા.
આજે ઘર-ઘરમાં વસતી વહાલી ચકલી ગુમ થઈ ગઈ, પરંતુ રંજ એનો છે કે ઘર-ઘરમાં આજે ચકલી ગુમાવ્યાનો રંજ પણ નથી. જૂનાં ઘરોમાં ભીંતોમાં હવાબારાં (બાકોરાં) રખાતાં, જેમાં અચૂક ચકલી માળો બાંધતી. કદાચ એકવીસમી સદીમાં પક્ષીપ્રેમની નીતિમાં જ બાકોરાં પડ્યાં છે એટલે ચકલી આઉટડેટેડ લાગે છે.
૧૯પ૭માં એક હિન્દી ફિલ્મ આવેલી ‘અબ દિલ્હી દૂર નહીં’. એમાં હસરત-જયપુરીએ એક સુંદર ગીત લખ્યું અને રફીસાહેબે એને દિલથી ગાયું - ચુન ચુન કરતી આઈ ચિડિયા... આ ગીત કોઈને યાદ છે? ત્યાર બાદ ૧૯પ૬માં ‘સિકંદર-એ-આઝમ’નું સુપરહિટ દેશભક્તિ સૉન્ગ રફીસાહેબે આપ્યું : જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા...
આ ગીતના શાયર રાજેન્દ્ર કિશને રાષ્ટ્રના પરમવૈભવને સોનાની ચિડિયા સાથે સરખાવીને કેટલું ભવ્ય વર્ણન કર્યું હતું જે આજે પણ લોકજીભે છે, પરંતુ આજે એ જ સોનાની ચિડિયા માનવજાતની બેદરકારીથી હાંસિયામાં ધકેલાઈ ગઈ ત્યારે થાય કે આપણે પેલી રોબો 2.0 ફિલ્મના પક્ષીરાજના બદલાને જ લાયક છીએ.
એક સર્વે પ્રમાણે ચકલી અને કાગડો આપણા સમાજના વગર પગારના સફાઈ-કામદાર છે. ચકલી ખોરાકમાં અનાજના દાણા, ઘાસનાં બીજ, વૃક્ષના ટેટા જેવાં ફળો, ઇયળ, કીટકો, ફૂદાં ખાય છે. ઉપરાંત રોજબરોજનો લગભગ બધો જ ખોરાક એ આપણા એઠવાડમાંથી મેળવી લે છે. આપણું ઘણુંબધું ફૂડ-વેસ્ટ ચકલી આરોગી જાય છે. છેલ્લા દસકામાં ફૂગજન્ય રોગ સમાજમાં વધ્યા એનું કારણ પણ ચકલીની ઘટતી સંખ્યા છે, કારણ કે કેટલીયે ફૂગ ચકીબેન આરોગી જતાં અને આપણે એ ચકીબેનના અસ્તિત્વને જ જોખમાવી દીધું.
મોબાઇલના પ્રાણઘાતક ટાવર્સ ચકલી જેવાં અનેક નિર્દોષ પક્ષીઓનાં હવાઈ કબ્રસ્તાન બન્યા છે. મોબાઇલ હવે જીવનમાં શ્વાસ પછી ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવતી વસ્તુ બની ગઈ છે. તેથી મોબાઇલ વર્સસ ચકલીની જંગમાં તો મોબાઇલની જીત નિશ્ચિત છે. હા, ભવિષ્યમાં ઈશ્વર વાઇ-ફાઇ આપે એવી ‘ગોલ્ડન સ્પૅરો’ સર્જે તો કદાચ ફરી ઘર-ઘરમાં ચકલીનું ચીં... ચીં... ગુંજશે. જોકે ચકલીને ભગાડવામાં માત્ર મોબાઇલના ટાવરો જ દોષી નથી. DDTના વધુ પડતા ઉપયોગે કેટલીયે ચકલીને મોતને ઘાટ ઉતારી. ચકલી નાનું હૃદય ધરાવતું પક્ષી છે. જોકે ચકલીથી નાનું હૃદય શહેરમાં વસતા કેટલાય લોકો પાસે છે જેની જાણ હજી ચકલીને નથી. હજી ચકીબેન મહોબ્બતના મગના દાણાની રાહ જોઈને બેઠાં છે. એનો ચકો ચાહતનો ચોખાનો દાણો લેવા ગયો છે. રાજાને તથા કાળિયા કૂતરાને ખબર છે કે ચકો ચાઇનીઝ દોરાથી વેતરાઈને અવસાન પામ્યો છે, પણ ચકીબેનને આ સમાચાર આપવામાં રાજા કંપી ગયા છે કારણ કે ચકલીનાં આંસુ જ્યારે-જ્યારે જમીન પર પડ્યાં છે ત્યારે-ત્યારે ભૂતકાળમાં ભયંકર સુનામીઓ આવી છે અને આ રાજાના પૂર્વજો રાજપાટ સાથે તણાયા છે. હવે ચકીબેનની સહનશક્તિ પર આખા રાજ્યની સલામતી ટકી છે. જોઈએ શું થાય છે!
આજની મૉડર્ન લાઇફસ્ટાઇલમાં આપણે સ્વકેન્દ્રી બની ગયા. શોભાના ગાંઠિયા જેવાં વૃક્ષો વાવીને ઘર અને સોસાયટીનું ડેકોરેશન તો વધાર્યું, પરંતુ પિતૃઓના રાશનકાર્ડમાં વારસામાં મળેલી ચકલીઓ ગુમાવી દીધી. એવા સમયે કેટલાક સેવાભાવી હજી પણ પક્ષી બચાવવા કમર કસી રહ્યા છે. આવી સંસ્થાઓ અને સેવાભાવીઓ તમારા શહેરની આજુબાજુ હોય તો જોડાજો. જો આમ થશે તો હજી ચકલી બચી શકે એમ છે.
૧૯પ૮ની સાલમાં ચીનના ઘાતકી સરમુખત્યાર માઓ ઝેડૉન્ગે ૪ જીવને મારવાનું ફરમાન કરેલું. એમાં ચકલી, ઉંદર, મચ્છર અને માખીને ચીનાઓએ મોતને ઘાટ ઉતાર્યાં હતાં. Four pests campaign અંતર્ગત ઉંદર, મચ્છર અને માખી તો છુપાઈને છટકી ગયાં પરંતુ ચકલીનો ચીનાઓએ સોથ વાળ્યો. આશરે ૩ લાખ લોકો ચકલીને મારવા વાંહે પડ્યા. પરિણામે ચીનમાંથી ચકલી નામશેષ થઈ. માઓ ઝેડૉન્ગને એમ હતું કે ચકલી ચીની પ્રજાનું અનાજ ખાઈ જશે. જોકે વર્ષના અંતમાં જ તેને ભાન થયું જ્યારે ચીની પાક પર તીડોનું આક્રમણ થયું, પરંતુ ત્યારે બહુ વિલંબ થઈ ગયો હતો. ક્યાંક સમગ્ર વિશ્વની દુર્દશા કરનાર કોરોનાનું ઉદ્ગમસ્થાન ચીન હતું. મને તો ક્યારેક એમ લાગે કે ચીનમાં લાખો ચકલીઓનો ભટકતો આત્મા જ મહામારી સર્જાવે છે.
આવો, હજી જાગીશું તો ચકલીનો કલબલાટ આવનારી પેઢી સુધી પહોંચાડી શકીશું. ઘરની ગૅલરીમાં નવરાત્રિનો ગરબો લટકાવીને પણ ચકલીનો માળો ફરી બની શકે એમ છે (જો તમારા અંતરાત્માનો ઇન્ટીરિયર હા પાડે તો). ઘરની અગાસી કે ફળિયામાં એકાદું પાણીનું કૂંડું, બાજરી-ચોખાની કણકી કે ટુકડા ભાત કે રોટલીના ટુકડા મૂકી તો જુઓ - પક્ષીઓની આંતરડી ઠરશે. દેખાવમાં સારાં લાગે એવાં નહીં પરંતુ પક્ષીઓ આવે એવાં વૃક્ષો, વડ, પીપર, ઉંમરો, પીલુડી, રાવણા, શેતૂર વગેરે વાવી તો જુઓ. માત્ર ઘરની નહીં, તમારા જીવનની પણ શોભા વધશે. બાકી વર્લ્ડ સ્પૅરો ડે ઊજવવાથી કે પછી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચકલી બચાવો આંદોલન કરવાથી ચકલી નહીં બચે ભઈ!
સૌની ભૂલ હોય એવા સમયે સૌએ સાથે મળીને ભૂલ સ્વીકારવી પડે અને જો એ સુધારો તો જ જીવન સુધરે.
-સાંઈરામ દવે