17 March, 2025 06:57 AM IST | Mumbai | Chandrakant Sompura
શ્રીયંત્ર સિદ્ધ કરવા માટે નદીકિનારો સૌથી શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યો છે.
આપણે વાત કરતા હતા શ્રીયંત્રની, પણ વચ્ચે જામનગર અને ગોંડલ શહેરની વાત કરી. આ જ રીતે આપણે સમયાંતરે અન્ય મહત્ત્વપૂર્ણ બાંધણી ધરાવતાં શહેરો વિશે પણ વાત કરતા રહીશું. જોકે એ પહેલાં આ વખતે આપણે વાત કરીએ શ્રીયંત્રની. શ્રીયંત્ર વિશે ઘણા વાચકોના મનમાં પ્રશ્નો રહી ગયા હતા જે તેમણે કોઈ ને કોઈ માધ્યમ દ્વારા પૂછ્યા છે તો સાથોસાથ તેમને આ યંત્ર વિશે વધુ ને વધુ જાણવાનું પણ મન થયું છે. જોકે સૌથી પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની કે મહેનત સૌથી મહત્ત્વની છે. શ્રીયંત્ર ઘરમાં રાખી દેવાથી કે પછી એની નિયમિત પૂજા કરવાથી પ્રારબ્ધદેવ પ્રસન્ન નથી થતા. એ તો મહેનતથી જ પ્રસન્ન થાય. શ્રીયંત્ર વાહક હોય શકે, ધારક નહીં. એ ધન અને સુખ-સમૃદ્ધિ લાવી શકે, પણ માત્ર એ જ લઈ આવે એવું નથી હોતું.
શ્રીયંત્ર માટે સનાતનનાં મહત્ત્વનાં એવાં તમામ ગ્રંથો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે. શ્રીયંત્ર સાત ત્રિકોણ વડે બનેલું છે. મધ્ય બિન્દુ ત્રિકોણનો ચતુર્દિક અષ્ટકોણ છે, એ પછી ૧૦ કોણ તથા સૌથી ઉપર ૪૦ કોણથી આ ‘યંત્ર’ આલેખાયેલું છે. ‘યંત્રજ્ઞાન’માં લખ્યું છે...
ચતુર્ભિ: શિવચકેશ્ય શક્તિચકૈશ્ચ પંચાભિ:।
શિવશકત્યાત્મકં જ્ઞોયં શ્રીચક્મ શિવયોર્વપુ:।।
‘લક્ષ્મી સ્તવનરાજ’ નામના પુરાણ ગ્રંથમાં શ્રીયંત્ર સિદ્ધ કરવા માટેના માસમાં વૈશાખ, જેઠ, કાર્તિક, માગશર તથા મહા માસને સર્વોચ્ચ દર્શાવ્યા છે તો સાથોસાથ કહ્યું છે કે નવરાત્રિ અને દિવાળીની રાતે ‘શ્રીયંત્ર’નું પૂજન થાય તો અઢળક માત્રામાં લક્ષ્મી આવે છે અને એ લાંબો સમય સુધી ઘરમાં રહે છે. આવનારી આ લક્ષ્મીનો વ્યય નથી થતો, પણ એનો વપરાશ થાય છે. આ વાતને સારી રીતે સમજાવવી હોય તો એવું કહેવું પડે કે આ પ્રકારે આવેલી લક્ષ્મી માંદગી કે બીમારીમાં નથી ખર્ચાતી, પણ એ સુખ-સમૃદ્ધિ આપવાનું કામ કરે છે જે સૌથી અગત્યનું છે.
શ્રીયંત્ર માટે આ જ ગ્રંથમાં કહેવાયું છે કે બીજ, પાંચમ, સાતમ, નવમ, બારસ, તેરસ અને પૂનમની તિથિ યંત્રસિદ્ધિ માટે ઉત્તમ છે. કેટલાક ગ્રંથોમાં અમાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એ બધી જગ્યાએ જોવા નથી મળ્યો એટલે પ્રયાસ કરવો કે ઉપરોક્ત તિથિના દિવસે યંત્ર સિદ્ધ કરવામાં આવે. ‘શ્રીચક્ર ભાવ’ ગ્રંથમાં કહ્યા મુજબ ‘શ્રીયંત્ર’ સિદ્ધ કરવા માટે કારતક માસની પૂનમ પસંદ કરવામાં આવે તો શ્રેષ્ઠ રહે છે. વારની વાત કરીએ તો બુધ, ગુરુ તથા શુક્રવારના દિવસો ઉત્તમ છે; જ્યારે રોહિણી, પુનર્વસ, પુષ્ય, હસ્ત, ફાલ્ગુની તથા રેવતી નક્ષત્ર અનુકૂળ ગણાવ્યાં છે.
આમ તો પુરાણ ગ્રંથોમાં શ્રીયંત્રની સાધના માટે પર્વત, ગુફા, મંદિર જેવી જગ્યાને ઉત્તમ ગણાવવામાં આવી છે; જ્યારે નદીકિનારાને સર્વોચ્ચ દર્શાવ્યો છે, પણ આજના આધુનિક યુગમાં એ જગ્યા પર જવું શક્ય નથી એટલે પ્રયાસ કરવો રહ્યો કે શાંતિમય અને વિક્ષેપ ન પડે એવા સ્થળની પસંદગી કરવામાં આવે. અગાઉ કહ્યું હતું એમ શ્રીયંત્રના મુખ્ય આઠ પ્રકાર છે, જે દરેકના ફળ અલગ-અલગ થતાં જાય છે; પણ સુખ અને સમૃદ્ધિ માટે સોના, ચાંદી, તાલપત્ર તથા ભોજનપત્ર અને કાગળ પરનાં શ્રીયંત્ર વધારે અસરકારક પુરવાર થયાં છે.
પથ્થરોમાં કંડારેલાં શ્રીયંત્ર પણ મંદિરોમાં જોવા મળ્યાં છે, જેમાં તિરુપતિ બાલાજી મંદિર, શ્રીનાથજી મંદિર, પશુપતિનાથ મંદિર, રામેશ્વર મંદિરના મૂળમાં શ્રીયંત્ર છે. નેપાલનું પશુપતિનાથ મંદિર જ્યાં મુખ્ય મૂર્તિ છે એની ચારેય બાજુ આઠેય પ્રકારનું જોવા મળે છે, જ્યારે તિરુપતિ બાલાજીની મૂર્તિ નીચે આવેલું છે.