✕

તમારી જાતને જરૂર પૂછજો કે મારા દ્વારા વપરાતો પ્રત્યેક રૂપિયો લેખે લાગે એ રીતે જ વપરાય છેને?

28 September, 2026 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લેખમાં પૈસાના સમજદારીપૂર્વક ઉપયોગની વાત કરવામાં આવી છે. તહેવારો અને પ્રસંગોમાં ખર્ચ કરતાં પહેલાં વિચારવું જોઈએ કે આ પૈસા ખરેખર લેખે લાગી રહ્યા છે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ, પશુ કે આસપાસના કોઈ જીવ માટે તેનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે.

બિપિન મોદી

દુનિયામાં દુખીઓની કોઈ કમી નથી. પછી એ નિરાધાર પશુ હોય કે પછી હૉસ્પિટલમાં સબડતા ગરીબ દરદીઓ કે વૃદ્ધાશ્રમમાં આશરો શોધતાં વડીલ મા-બાપો. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેમને શરદી-ખાંસી માટે પણ દવાખાને જઈને ડૉક્ટરને ૨૦૦ રૂપિયા આપવાના હોય તો પણ તેમની ત્રેવડ નથી. તેઓ મૂંઝાઈ જાય છે કે હવે કેમ કરીશું? એક તરફ એવો વર્ગ જે એક-એક રૂપિયો એવી કરકસર સાથે વાપરે છે કે ઘણી વાર જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે પણ તેમણે બાંધછોડ કરીને જીવવું પડે. હું એવા ગૌપ્રેમીઓને ઓળખું છું જેઓ પોતે ૧૦ બાય ૧૦ની રૂમમાં રહેતા હોય અને દાગીના ગિરવી મૂકીને નિરાધાર ગાયમાતા માટે ચારો ખરીદતા હોય. આજે વિદર્ભમાં વરસાદ નથી. ગુજરાતનાં ઘણાં ગામડાંઓમાં પૂરતું ચોમાસું ન થવાને કારણે ચારાની અછત સર્જાઈ છે. જે ચારો ૭ રૂપિયે કિલો મળતો એ હવે ૧૭ રૂપિયે કિલો મળી રહ્યો છે. આપણે તહેવારોની ઉજવણી કરીએ. ધારો કે બાપ્પાની પણ પધરામણી કરીએ કે અન્ય કોઈ પણ પ્રસંગ કરીએ ત્યારે આ પ્રશ્ન મનમાં જાગવો જોઈએ કે ખરેખર હું જ્યાં પણ રૂપિયા ખર્ચી રહ્યો છું એ લેખે લાગી રહ્યા છે? શું ખરેખર આ પૈસાનો આ જ શ્રેષ્ઠ ઉપયોગ છે કે બીજે ક્યાંક આનાથી પણ વધારે જરૂર છે?
મને ઘણી વાર વિચાર આવે છે કે આટલા સમૃદ્ધ મુંબઈ શહેરમાં લોકો મનફાવે ત્યાં પૈસા ખર્ચે જ છે. આજે એક IPO આવે અને ત્રણગણો રિસ્પૉન્સ એને મળી જાય. એવું નથી કે લોકો પાસે પૈસા નથી. જ્યાં જોઈએ ત્યાં લોકો ખર્ચી જ લે છે. શું કામ કોઈ સંસ્થાએ હાથ પણ ફેલાવવો પડે? શું કામ તમે જ દાતા બનીને સામેથી જરૂરિયાતમંદોને ત્યાં જઈને તમારા હાથે તમારી લક્ષ્મીને સારી જગ્યાએ ન વાપરો? જો મુંબઈકર ધારે તો ક્યારેય કોઈ પશુ ભૂખે ન મરે. જો મુંબઈકર ધારે તો કોઈ ગરીબ ભૂખ્યો ન સૂએ. મને ખબર છે કે આ શહેરની શું તાકાત છે. બસ, લક્ષ્મીનો વ્યય ક્યાં થઈ રહ્યો છે અને જ્યાં થઈ રહ્યો છે ત્યાં એ લેખે લાગે એવી જગ્યા છે કે એમાંથી કંઈ ઊગી નહીં નીકળે અને માત્ર વેડફાટ છે એ વિવેકબુદ્ધિ વ્યક્તિએ જાતે જ કેળવવાની છે. 
હું માત્ર પશુઓની વાત નથી કરતો કે ગાયમાતાની વાત નથી કરતો. હું એ દરેક જીવમાત્રની વાત કરું છું જેના જીવનને તમારી થોડીક સભાનતા બહેતર કરી શકે. એ તમારો ડ્રાઇવર, તમારી પોતાની હાઉસહેલ્પ કે તમારા બિલ્ડિંગનો વૉચમૅન પણ હોઈ શકે. તમારી આસપાસ બધા જ સુખરૂપ છે કે કેમ એ થોડાક બહાર નીકળીને જુઓ. તમને એવા ઘણા મળશે જેમને ખરેખર તમારા નાનકડા સપોર્ટથી જીવવાની નવી આશા જાગી શકે એમ છે. 

-બિપિન મોદી

columnists mumbai india exclusive gujarati mid day