ચાર લોકો શું કહેશે? એ ચાર લોકો જે આપણને જીવનભર મળતા નથી

04 May, 2025 01:03 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આપણને આનંદ આપનારી હોય છે, પરંતુ આપણા મગજ પર સવાર એવા કથિત સમાજને એ માફક આવતી હોતી નથી.

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે અમે કંઈક કરીએ તો લોકો આમ બોલે છે, લોકો તેમ બોલે છે, લોકોને ગમતું નથી, લોકો ટીકા કરે છે, વગેરે. પરંતુ આ લોકો છે કોણ? લોકો એટલે નજીકના લોકો, પાડોશી, સગાંસંબંધી, ઓવરઑલ સમાજ. ઘણા વળી પોતાના જ પરિવારની ફરિયાદ કરતા કહે છે, મારા પરિવારમાં આમ કરાય, આમ ન કરાય. પણ આ લોકો પોતે જે ખરેખર કરી શકતા નથી એના માટે  નવાં-નવાં બહાનાં અથવા જસ્ટિફિકેશન આપતા રહે છે. 

માણસે એ વિચારવું જોઈએ કે મને રોકે છે કોણ? શા માટે રોકે છે? કઈ રીતે રોકે છે? શું કામ હું એ રોકનારને કંઈ કહી શકતો નથી કે મારે આમ જ કરવું છે. કોણ આપણને બાંધી રાખે છે? સમાજના-લોકોના નામે કે ડરે આપણે ઘણી એવી બાબતોથી દૂર રહીએ છીએ યા હાથમાં લેતા નથી જે વાસ્તવમાં આપણને ગમે છે. આપણને આનંદ આપનારી હોય છે, પરંતુ આપણા મગજ પર સવાર એવા કથિત સમાજને એ માફક આવતી હોતી નથી.

જો આમ આપણે જ ખુદને પોતાની રીતે જીવવા નહીં આપીએ તો બીજા ક્યાંથી આપશે? કેમ કે એ બીજા લોકો પણ પોતાની રીતે જીવતા હોતા નથી. આપણે પોતે નક્કી કરવું પડે કે મારે કોની રીતે જીવવું છે, પોતાની કે બીજાની રીતે? જીવન મારું છે, જીવન પરમાત્માની ભેટ છે, એક્સક્લુઝિવલી મને અપાયું છે.

અહીં એક વાત યાદ આવે છે. એક વાર એક ફિલસૂફને કોઈએ પૂછ્યું, આવતી કાલ એટલે શું? ફિલસૂફે બહુ ચોટદાર જવાબ આપ્યો, આવતી કાલ એટલે બાકીની જિંદગીનો પહેલો દિવસ. વાત સાવ સરળ અને સનાતન સત્ય છે, તેમ છતાં આપણે મોટા ભાગે એને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. બાકીની જિંદગીમાં કેટલાં દિવસો, મહિનાઓ કે વર્ષો રહ્યાં છે એ આપણને કયારેય ખબર હોતી નથી અને હશે પણ નહીં. ખરેખર તો આગલી પળે પણ શું થવાનું છે એની આપણને જાણ હોતી નથી, કઈ ક્ષણે આપણી આ દુનિયામાંથી વિદાય થઈ જવાની છે એ અદ્ભુત રહસ્ય હોવા છતાં આપણે ભવિષ્યનાં આયોજન સતત કરતા રહીએ છીએ. અલબત્ત, એમ કરવામાં ખોટું નથી, ભાવિનું આયોજન પોતાના માટે તેમ જ પરિવાર-સ્વજનો માટે કરવું પણ જોઈએ. પરંતુ આખરે આપણું જીવન કોના માટે છે? આપણા જીવન પર આપણી મરજી ચાલવી જોઈએ. હા, આપણને ખરા-ખોટાની સમજ અને વિવેક હોવાં જોઈએ.

એક બહુ ધારદાર વ્યંગ એવા માણસો માટે કરાય છે જેમાં મૃત્ય પામેલો માણસ પોતાની સ્મશાન યાત્રા જોઈ વિચારતો હોય છે કે ચાર લોકો શું કહેશે એમ વિચારી મને ગમતાં હતાં એ કામો મેં ક્યારેય કર્યાં નહીં અને એ ચાર માણસો મને જીવનભર મળ્યા નહીં.

columnists life and style gujarati mid-day mumbai jayesh chitalia