આ સાંકડો દરિયાઈ માર્ગ આખા વિશ્વને હલબલાવી શકે એમ છે

29 June, 2025 02:17 PM IST  |  Tehran | Aashutosh Desai

દુનિયાના અત્યંત મહત્ત્વના વેપારી દરિયાઈ માર્ગની ચોટલી એટલે કે હોર્મુઝ સ્ટ્રેટનો પૅસેજ પોતાના હાથમાં છે એવું ઈરાન યાદ દેવડાવ્યા કરે છે ત્યારે સમજીએ કે હોર્મુઝની ખાડી ક્યાં છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયથી વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારથી દુનિયાના અત્યંત મહત્ત્વના વેપારી દરિયાઈ માર્ગની ચોટલી એટલે કે હોર્મુઝ સ્ટ્રેટનો પૅસેજ પોતાના હાથમાં છે એવું ઈરાન યાદ દેવડાવ્યા કરે છે ત્યારે સમજીએ કે હોર્મુઝની ખાડી ક્યાં છે અને કેમ વિશ્વભરના દેશો માટે એ મહત્ત્વની છે. જો આ માર્ગ બંધ થઈ ગયો તો એની અસર આખા વિશ્વને પડે એમ છે

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું અને એને કારણે આખાય વિશ્વમાં હોર્મુઝ સ્ટ્રેટ વિશે ચર્ચાઓ થવા માંડી. વાસ્તવમાં વાત કંઈક એવી છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર ઈરાન કે ઇઝરાયલ માટે જ મહત્ત્વની છે એવું નથી પરંતુ વિશ્વ આખાના દરિયાઈ માર્ગે ચાલતા સઘળા વેપારનો સૌથી મહત્ત્વનો માર્ગ છે આ હોર્મુઝ સ્ટ્રેટ.

હોર્મુઝ એક જળડમરુ મધ્ય

હોર્મુઝ સ્ટ્રેટ તરીકે ઓળખાતું આ એક એવું સમુદ્રી સ્થળ છે અથવા વૉટર રીજન છે જે ઈરાનની દક્ષિણે આવેલા ભૂભાગને ઓમાન અને UAEથી અલગ કરે છે. ગલ્ફ ઑફ ઓમાન તરીકે ઓળખાતા સમુદ્રનું પાણી પશ્ચિમ એશિયા તરફ એક સાંકડા વિસ્તારમાંથી વહેતા પર્શિયન ગલ્ફ તરફ જાય છે. સમુદ્રનો આ સાંકડો ગલિયારો રચતો ભૂભાગ એટલે ઈરાનનો દક્ષિણી છોર અને UAEનો ઉત્તરી છોર. આ બન્ને જમીની વિસ્તારો વચ્ચે વહેતો એ સાંકડો સમુદ્રી ભાગ ગલ્ફ ઑફ ઓમાન અને પર્શિયન ગલ્ફને અલગ પાડે છે. એ પૅસેજ એટલે હોર્મુઝ સ્ટ્રેટ.

માત્ર ૧૦૪ માઇલ જેટલા જ લાંબા આ પૅસેજની પહોળાઈ ૨૪થી ૬૦ માઇલ જેટલી એટલે કે લગભગ ૩૯થી ૯૭ કિલોમીટર જેટલી જ છે!  

નામકરણ કઈ રીતે થયું?

સ્ટ્રૅટેજિકલી અત્યંત મહત્ત્વના ગણાતા આ સમુદ્રી પૅસેજનું નામ હોર્મુઝ કઈ રીતે પડ્યું એ વિશે પણ બે અલગ-અલગ મતો પ્રવર્તે છે. કેટલાક માને છે કે ૩૦૯ ADથી ૩૭૯ AD દરમિયાન પર્શિયા પર રાજ કરનાર પર્શિયન રાજવી શાપુર દ્વિતીયનાં માતા એલફેરા હર્મીઝ પરથી આ પૅસેજનું નામ પડ્યું હોર્મુઝ સ્ટ્રેટ.      

તો કેટલાક વળી માને છે કે દસમી સદીથી સત્તરમી સદી ADની આસપાસના વિસ્તારને કિંગડમ ઑફ ઓર્મસ તરીકે ઓળખવામાં આવતો હતો. પર્શિયન ભાષામાં ઓર્મુઝનો અર્થ થાય ડેટ પામ અર્થાત ખજૂરનું ઝાડ. એટલું જ નહીં, આ નામ ઝોરાસ્ટ્રિયન્સના (પારસી) પૂજ્ય અહૂરા હોર્મોંઝને પણ મળતું આવે છે જેને કારણે આ સાંકડા પણ અત્યંત મહત્ત્વના પૅસેજનું નામ પડ્યું હોર્મુઝ સ્ટ્રેટ.

વિશ્વ માટે મહત્ત્વનો કેમ?     

પર્શિયન ગલ્ફ અને ઓમાન ગલ્ફ વચ્ચેનો આ સમુદ્રી પૅસેજ એકમાત્ર સોર્સ છે જે પર્શિયન ગલ્ફને વિશાળ સમુદ્ર તરફ ખોલે છે. એને કારણે એને ખૂબ મહત્ત્વનો એવો ચોક પૉઇન્ટ પણ ગણાવવામાં આવે છે કારણ કે વધુ દૂર નહીં જતાં બે વર્ષ પહેલાંના એટલે કે ૨૦૨૩ના જ આંકડાની વાત કરીએ તો આખાય વિશ્વમાં પહોંચતા કૂલ લિક્વિફાઇડ નૅચરલ ગૅસની ૨૦ ટકા જેટલી સપ્લાય આ પૅસેજથી થઈને જાય છે અને આખાય વિશ્વમાં થતા સમુદ્રી તેલના કુલ વેપારનો ૨૫ ટકા હિસ્સો પણ આ હોર્મુઝ પૅસેજથી થઈને જ પસાર થાય છે. અર્થાત વિશ્વ આખા માટે તેલના વેપારની દૃષ્ટિએ સમુદ્રી હાઇવેમાં આવતો આ સાંકડો પૅસેજ વર્ષોવર્ષથી અત્યંત મહત્ત્વનો રહ્યો છે. આથી જ હોર્મુઝ સ્ટ્રેટને ‘ગ્લોબલ એનર્જી લાઇફલાઇન’ તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણથી તો મિડલ ઈસ્ટના દેશોમાં અનેક વાર અશાંતિ, વિગ્રહ કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ હોવા છતાં પણ ક્યારેય હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં નથી આવ્યો.

સ્ટ્રેટૅજિકલી મહત્ત્વનો પૅસેજ

એક તરફ સમુદ્ર દ્વારા ચાલતા વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટ મહત્ત્વનો છે તો બીજી તરફ એના સીમાડે આવતા દેશ બાબતે પણ મહત્ત્વનો છે. વિશ્વ વેપારના સમુદ્રી હાઇવેનો આ પૅસેજ એટલો તો સાંકડો છે કે અહીં  સમુદ્રમાં એક ડિવાઇડર જેવી વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેને કારણે રોડ હાઇવેઝની જેમ જ પર્શિયન ગલ્ફ તરફ જતાં જહાજો એક માર્ગેથી જાય અને ગલ્ફ ઑફ ઓમાન તરફ જઈ રહેલાં જહાજો બીજી તરફથી. હવે આપણે જાણીએ છીએ કે સાઉદી અરેબિયા, ઇરાક, ઈરાન, કુવૈત, UAE અને કતાર જેવા અનેક મિડલ ઈસ્ટના દેશો તેલના ઉત્પાદક દેશો છે. આ દેશોમાં એક્સપ્લોર થતું ઑઇલ આખાય વિશ્વભરમાં એક્સપોર્ટ થાય છે. વિશ્વના અનેક દેશોમાં થતું એ એક્સપોર્ટ
દરિયાઈ માર્ગે આ જ હોર્મુઝ સ્ટ્રેટથી થઈને પસાર થતું હોય છે. વિશ્વના કુલ તેલ વેપારનો અંદાજે ૨૬ ટકા જેટલો હિસ્સો આ દેશો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને એ તમામ માટે એકમાત્ર જે સમુદ્રી હાઇવે છે એમાં વચ્ચે આવે છે હોર્મુઝ સ્ટ્રેટ.

ધારો કે યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે અને ગંભીર સ્વરૂપ ધારણ કરે અને ઈરાન જેવું રાષ્ટ્ર જો હોર્મુઝ સ્ટ્રેટના ચોક પૉઇન્ટને કબજે કરી લે તો ન માત્ર વૈશ્વિક કક્ષાએ તેલનો વેપાર ખોરંભે ચડે બલકે ઇરાક, કુવૈત અને સાઉદી અરેબિયા અને UAE જેવા દેશો માટે પણ મોટી મુશ્કેલી ઊભી થાય, કારણ કે તેમની ખૂબ મોટી અને મહત્ત્વની કોસ્ટલ લાઇન બ્લૉક થઈ જાય. એવામાં જો ઈરાને વેપાર હેતુ ટ્રાવેલ કરી રહેલા અલગ-અલગ દેશોનાં કમર્શિયલ જહાજોને રોકી લીધાં કે બંદી બનાવી લીધાં તો વૈશ્વિક સ્તરે ખૂબ મોટા ટેન્શનની પરિસ્થિતિ ઊભી થાય અને અનેક દેશો હથિયારો સાથે એકબીજાની સામે ઊભા રહી જાય એવું પણ બને.

ઈરાન પહેલાં પણ અનેક વાર વિશ્વ ફલક પર એવી ધમકીભર્યાં નિવેદન કરી ચૂક્યું છે કે એ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેશે. અને હમણાં ઇઝરાયલ સાથે થયેલા યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન પણ એણે એ જ જૂનો રાગ ફરી આલાપ્યો હતો કે એ હોર્મુઝ સ્ટ્રેટનો કબજો લઈ લેશે અને એને બ્લૉક કરી નાખશે.

જહાજોનો હોર્મુઝ માટે નન્નો

હવે આ તનાવભરી પરિસ્થિતિમાં વળી બન્યું એવું કે ઑઇલ ટૅન્કર્સ લઈને જતાં-આવતાં કમર્શિયલ જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટમાં એન્ટર થવાની પણ ના કહી દીધી. એ માટેનું કારણ કંઈક એવું હતું કે ઈરાન દ્વારા આ સમય દરમિયાન GPS સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી. એને કારણે આવાં કમર્શિયલ જહાજોને ટ્રાવેલ કરવામાં ખૂબ મોટી મુશ્કેલી નડવા માંડી. એવામાં એવું બન્યું કે બે ઑઇલ ટૅન્કર્સ આ જ હોર્મુઝ સ્ટ્રેટમાં એકબીજા સાથે ટકરાયાં અને ભયંકર આગ લાગી ગઈ. GPS સિસ્ટમ કામ નહોતી કરી રહી અને હોર્મુઝનો એ પૅસેજ એટલો સાંકડો છે કે કોઈ મહાકાય જહાજ પોતાના રસ્તાથી થોડું પણ આમતેમ ભટકે તો એ બીજા જહાજ સાથે અથડાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ઑઇલ ટૅન્કર ભરેલાં બે જહાજોનું એવું જ થયું, જેને પરિણામે ભયાનક આગ ભડકી ઊઠી. આ ઘટના પછી મોટી-મોટી મલ્ટિનૅશનલ કંપનીઓએ પોતાના જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં લઈ જવા માટે ના કહી દીધી અને વિશ્વ આખામાં એવો ડર ફેલાવા માંડ્યો કે તેલ અને ગૅસની સપ્લાયને જરૂર મોટી અસર થવા જઈ રહી છે અને હવે ક્રૂડ ઑઇલના ભાવો ભડકે બળશે અને સાથે જ સપ્લાય પણ રોકાઈ જશે.

iran israel hormuz oman history international news news world news columnists gujarati mid day world trade centre