23 August, 2025 12:04 PM IST | Mumbai | Deepak Mehta
સિલ્વિયા નાણાવટી યુવાન વયે, ‘ટૉમ થમ્બ’ ફિલ્મનું એક દૃશ્ય
આજ સવારથી જેમ-જેમ બાતમી ફેલાતી ગઈ તેમ-તેમ જજ મહેતાની કોર્ટની બહાર લોકોની ભીડ વધતી ગઈ. જેમ-જેમ લોકોની ભીડ વધતી ગઈ તેમ-તેમ પોલીસની હાજરી પણ વધતી ગઈ. આજે અહીં નહોતા આવવાના લશ્કરની કોઈ પાંખના વડા. નહોતા આવવાના કોઈ વિશ્વવિખ્યાત ડૉક્ટર કે વકીલ. કોઈ નેતા કે અભિનેતા આવે એવો તો સંભવ જ નહોતો. સવારના અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે અદાલતના કમ્પાઉન્ડની બહાર એક મોટર આવીને ઊભી રહી. જાતે બારણું ખોલીને એક વિદેશી સ્ત્રી બહાર આવી. ઉંમર માત્ર ૨૮ વર્ષ. સફેદ સાડી. એક ગોરી ચામડીને બાદ કરતાં કોઈ ‘દેશી’ સ્ત્રી જેવી જ લાગે. મોઢા પર કોઈ ભાવ નહીં, નિર્લેપ. પણ આંખોમાં થોડી ઉદાસી. સાથે હતાં આધેડ વયનાં બે પારસીઓ. ૧૯૫૯ના એપ્રિલની ૨૭મી તારીખની સાંજથી એ બન્ને આ ગોરી સ્ત્રીની સાથે ને સાથે જ હતાં. એ બે પારસીઓ તે કમાન્ડર કાવસ નાણાવટીનાં બાવાજી અને માયજી. અને પેલી ૨૮ વર્ષની શ્વેતવસ્ત્રાવૃતા સ્ત્રી તે સિલ્વિયા નાણાવટી. ફરિયાદ પક્ષના વકીલે અદાલતને પહેલેથી કહી દીધું હતું કે આ સ્ત્રીની સાહેદીમાં અમને વિશ્વાસ નથી એટલે અમે તેની ઊલટતપાસ કરવા માગતા નથી. પણ બચાવ પક્ષ માટે તો એ એક બહુ મહત્ત્વની સાક્ષી હતી. બરાબર અગિયાર વાગ્યે જજ મહેતા દાખલ થયા અને જુબાની શરૂ થઈ.
બચાવ પક્ષના વકીલ: તમારું નામ?
મિસિસ સિલ્વિયા કાવસ નાણાવટી.
ઉંમર?
૨૮ વર્ષ.
લગ્ન?
૧૯૪૯ના જુલાઈમાં, કમાન્ડર કાવસ નાણાવટી સાથે.
બાળકો?
ત્રણ.
બાળકોની ઉંમર?
સાડાનવ, સાડાપાંચ અને ત્રણ વર્ષ.
મરનાર પ્રેમ આહુજાને ક્યારથી ઓળખો?
ત્રણ વર્ષથી.
તમારું લગ્નજીવન?
પ્રેમ આહુજાને મળી એ પહેલાં એકદમ સુખી.
પછી?
આહુજા સાથેની ઓળખાણ પહેલાં દોસ્તીમાં અને પછી... પછી મોહમાં સરી પડી. મારે કબૂલ કરવું જોઈએ કે હું તેની પાછળ પાગલ જેવી થઈ ગઈ હતી.
આમ ક્યારે બન્યું?
આશરે ૧૯૫૮ની શરૂઆતમાં.
આ વાતની ખબર તમારા પતિ કમાન્ડર નાણાવટીને ક્યારે પડી?
૧૯૫૯ના ઑગસ્ટની ૨૭મીએ સવારે.
એ દિવસે શું બન્યું એની માંડીને વાત કરો.
એ દિવસે સવારે પહેલાં તો મારા પતિ અને હું પરેલમાં આવેલી પ્રાણીઓ માટેની હૉસ્પિટલમાં અમારી કૂતરીની દવા લેવા ગયાં. પાછા ફરતાં મેટ્રો સિનેમા જઈને બપોરના શોની ટિકિટ ખરીદી.
કેટલી?
મારી, અમારાં ત્રણ બાળકોની અને પાડોશના એક બાળકની. કુલ પાંચ.
પછી?
ત્યાંથી અમે ક્રૉફર્ડ માર્કેટ ગયાં અને ઘર માટે કેટલીક ખરીદી કરી. બપોરે સાડાબારે ઘરે આવ્યાં.
પછી શું થયું?
મારા પતિ અને હું ડ્રૉઇંગ રૂમમાં સોફા પર બેઠાં હતાં. મારા પતિ નજીક સરક્યા અને મને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. મેં તેમને એમ કરતાં વાર્યા. અને કહ્યું કે Please don’t touch me.
But why?
I don’t like your touch.
કેમ? તમને તમારા પતિ ગમતા નહોતા?
કારણ એ વખતે હું પ્રેમ આહુજાના પ્રેમમાં પડી હતી.
એ વખતે આ વાત તમે તમારા પતિને કહી હતી?
ના જી. તેમણે મને પૂછેલું ખરું કે મારો સ્પર્શ પણ ન ગમવાનું કારણ? ત્યારે મેં કહ્યું કે અત્યારે આપણે આ વિશે વધુ વાત ન કરીએ તો સારું. થોડી વાર પછી અમે લંચ માટે બેઠાં. એ વખતે અમે બન્ને તદ્દન મૂંગાં રહ્યાં. જમીને મારા વર બેડરૂમમાં સૂવા ગયા. હું સોફા પર બેસી રહી.
પછી?
થોડી વાર પછી મારા પતિ ડ્રૉઇંગ રૂમમાં આવ્યા, સામેના સોફા પર મારાથી અલગ બેઠા. પછી કહે કે મારે અત્યારે જ આ વાત વિશેની બધી ચોખવટ કરવી છે. છેલ્લા કેટલાક મહિનાથી મને લાગ્યા કર્યું છે કે તું મારાથી દૂર જતી જાય છે. મારા તરફનું તારું વર્તન ટાઢુંબોળ થતું જાય છે. તું મારાથી બને તેટલી દૂર રહે છે. હું તને સીધું જ પૂછું છું: હવે તું મને પ્રેમ કરતી નથી?
હું મૂંગી રહી.
હવે તું બીજા કોઈને પ્રેમ કરે છે?
હવે મારાથી ખોટું બોલાય એમ નહોતું. એટલે મેં કહ્યું: ‘હા’.
એ કોણ છે?
પણ મેં જવાબ ન આપ્યો.
સહેજ વાર રહીને તેમણે પૂછ્યું: શું તું પ્રેમ આહુજાના પ્રેમમાં પડી છે?
મેં ડોકું ધુણાવી હા પાડી.
એ પછી તું મને વફાદાર રહી છે?
ના. હું તમને વફાદાર રહી શકી નથી.
વકીલ: પછી?
આ સાંભળીને પહેલાં તો તેઓ પથ્થરના પૂતળા જેવા જડ થઈ ગયા. પછી આંખોના ખૂણા લાલ થઈ ગયા. પછી ધીમે-ધીમે મોઢા પર ક્રૂરતાભરી ખુમારી આવતી ગઈ. એકઝાટકે ઊભા થઈ ગયા. કહે: અબ્બી હાલ હું એ આહુજા પાસે જઈને આખી વાતનો નિવેડો લાવું છું.
આ સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં કહ્યું: પ્લીઝ, તમે તેને ત્યાં ન જશો. તે તમને ગોળીથી વીંધી નાખશે.
હવે તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. તે મને મારી નાખે એ પહેલાં તો હું જ મારી રિવૉલ્વરથી આપઘાત કરીશ.
આ સાંભળીને મેં કમાન્ડરને બાવડેથી પકડ્યા અને કહ્યું: આમાં તમારે આપઘાત કરવાની વાત ક્યાં આવી? આ આખા મામલામાં તમે તો તદ્દન નિર્દોષ છો.
આ સાંભળીને તેમને જરાક કળ વળી હોય એમ લાગ્યું. સોફા પર બેઠા. કહે: શું એ આહુજા તને પરણવા તૈયાર છે? શું તે આપણાં ત્રણે બાળકોને પણ અપનાવવા તૈયાર છે?
હું મૂંગી રહી. કારણ કે સાચી વાત તેમને કહેતાં મારી જીભ ઊપડતી નહોતી. લગ્ન કરવા વિશે અને બાળકોને અપનાવવા વિશે મેં અગાઉ પ્રેમ આહુજાને પૂછ્યું હતું અને ત્યારે તેણે ચોખ્ખી ‘ના’ પાડી હતી.
મારા પતિ પણ થોડી વાર મૂંગા રહ્યા. તેમના મનમાં ઘમસાણ ચાલતું હતું એ હું સમજી શકતી હતી. પછી હળવે પણ મક્કમ અવાજે એક-એક બોલ છૂટો પાડીને તેઓ બોલ્યા: તું જો મને વચન આપે કે આજ પછી તું ક્યારેય એ માણસનું મોઢું પણ નહીં જુએ તો હું બધું ભૂલી જઈને તને માફ કરવા તૈયાર છું.
પણ હું ‘હા’માં કે ‘ના’માં જવાબ ન આપી શકી. મૂંગી રહી.
આવી કટોકટીની પળે પણ તમે મૂંગાં કેમ રહ્યાં?
કારણ એ ઘડી સુધી હું પ્રેમના પ્રેમમાં પાગલ હતી. એક બાજુ પતિ. બીજી બાજુ પ્રેમી. બેમાંથી એકની પસંદગી કરવાનું મને ત્યારે શક્ય જ નહોતું લાગ્યું.
આટલું બોલીને સિલ્વિયાએ પીવાનું પાણી માગ્યું. પીધા પછી પણ તરત વધુ બોલી ન શકી. હોઠની સાથે તેની આંખો પણ થોડી ભીની થઈ હતી.
પણ વખત અને વકીલ, કોઈ માટે રોકાતા નથી.
પછી શું થયું?
અમે વાત કરતાં હતાં ત્યાં જ ડોરબેલ વાગી. પાડોશીનું જે બાળક અમારી સાથે પિક્ચર જોવા આવવાનું હતું તે બારણામાં ઊભું હતું. તેને મળવા અમારાં બાળકો પણ ડ્રૉઇંગ રૂમમાં દોડી આવ્યાં. મેં અમારાં બાળકોને બહાર જવા તૈયાર કર્યાં. મારા પતિએ હળવેકથી કહ્યું કે બાળકોની હાજરીમાં હવે કશી વાત નહીં. વધુ વાત કાલે સવારે કરીશું. પછી તેમણે મને કહ્યું: બાળકોને અને તને હું મોટરમાં મેટ્રો સિનેમા ઉતારી દઈશ.
તો-તો તમે પણ પિક્ચર જોવા સાથે આવોને!
ના, મારે બીજું કામ છે.
મોટર ચલાવતી વખતે તેઓ તદ્દન મૂંગા રહ્યા. હું બાળકો સાથે આડીઅવળી વાતો કર્યા કરતી હતી. પછી તેમણે અમને મેટ્રો સિનેમા ઉતારી દીધાં.
પંચનામા વખતે કમાન્ડર નાણાવટીના ઘરમાંથી મેટ્રો સિનેમાની ટિકિટનાં જે અડધિયાં મળી આવ્યાં હતાં એ આ તબક્કે અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં અને સાક્ષી સિલ્વિયા નાણાવટીએ એ ઓળખી બતાવ્યાં.
પછી સિલ્વિયાએ કહ્યું: મેં તેમને પૂછ્યું કે હવે તમે ક્યાં જાઓ છો?
જવાબ: INS Mysore. સાડાપાંચે તમને ઘરે લઈ જવા પાછો અહીં આવીશ.
આ તબક્કે મિસિસ નાણાવટી સામે સફેદ રંગનું એક રેશમી શર્ટ અને એક આછું ભૂરું પૅન્ટ રજૂ કરવામાં આવ્યાં.
આ કપડાં તમે ઓળખી શકો છો?
હા. અમને મેટ્રો સિનેમા ઉતારવા આવ્યા ત્યારે મારા પતિએ આ કપડાં પહેર્યાં હતાં.
જરા ધ્યાનથી જોઈને કહો: શું આ સફેદ શર્ટ જ તેમણે પહેર્યું હતું કે બીજું કોઈ?
ના જી, આ સફેદ શર્ટ જ પહેર્યું હતું.
વકીલ: માય લૉર્ડ. Point to be noted. આરોપીની પત્ની કહે છે કે ઘરેથી નીકળતી વખતે આરોપીએ આ સફેદ શર્ટ અને આછા રંગનું પૅન્ટ પહેર્યું હતું અને ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ પણ તેમની જુબાનીમાં કહ્યું છે કે આરોપી તેમની પાસે સરન્ડર કરવા આવ્યો ત્યારે તેણે સફેદ શર્ટ અને આછા ભૂરા રંગનું પૅન્ટ પહેર્યાં હતાં. એટલે કે બનાવ બન્યો એ પહેલાં, એ વખતે, અને એ પછી આરોપીએ આ જ કપડાં પહેર્યાં હતાં; બદલ્યાં નહોતાં. જો કપડાં પર લોહીના ડાઘ પડ્યા હોય તો તે કપડાં બદલ્યા વગર ન રહે.
પિક્ચર પૂરું થયા પછી તમારા પતિ તમને અને બાળકોને લેવા આવેલા?
ના જી. પણ મારાં સાસુ-સસરા આવેલાં, તેમની મોટરમાં. પછી અમે બધાં મારાં સાસુ-સસરાને ઘરે ગયાં.
કારણ?
પહેલું કારણ એ કે અમે છૂટાં પડ્યાં ત્યારે અમારા ફ્લૅટની ચાવી મારા પતિ પાસે હતી.
છૂટાં પડતી વખતે તમે ચાવી માગી ન લીધી?
ના.
કેમ?
તેમણે કહેલું કે પિક્ચર પૂરું થાય પછી હું તમને બધાંને લેવા આવીશ એટલે મને એવી જરૂર ન લાગી.
અને બીજું કારણ?
બીજું કારણ એ કે મારાં સાસુસસરાનો આગ્રહ હતો કે અમારે બધાંએ તેમને ઘેર જવું અને બાળકો પણ એમ કરવા આતુર હતાં.
કમાન્ડર નાણાવટી અને પ્રેમ આહુજા વચ્ચે જે કાંઈ બન્યું એની ખબર તમને ક્યારે પડી?
ઘરે પહોંચ્યા પછી મારાં સાસુ-સસરાએ એ વિશે મને વાત કરી ત્યારે.
બચાવ પક્ષના વકીલ બીજો સવાલ પૂછવા જતા હતા ત્યાં જ અદાલતનો સમય પૂરો થયો એટલે સિલ્વિયા કાવસ નાણાવટીની જુબાની બીજા દિવસ પર મુલતવી રહી.