17 September, 2026 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રફુલ જોશી
બેટા, આ લે ચૉકલેટ અને મારી સાથે ચાલ, સરસમજાની ઢીંગલી અપાવીશ.
ગ્રામીણ વિસ્તારની એક સરકારી પ્રાથમિક સ્કૂલના ગેટ પાસે ઊભેલી વ્યક્તિએ પાંચમા ધોરણમાં ભણતી કોમલને લલચાવવાનો પ્રયત્ન કર્યો. કોમલ માસૂમ હતી, એનું મન લલચાયું પણ પછી તરત જ સ્કૂલના કાર્યક્રમમાં સાંભળેલા શબ્દો યાદ આવ્યા. કોઈ પણ પ્રલોભન સ્વીકારવું નહીં અને પોતાના શરીર પર માત્ર પોતાનો જ હક રાખવો. કોમલે તરત ચૉકલેટ લેવાની ના પાડી દીધી અને દોડીને સ્કૂલની અંદર જતી રહી. સરકારી સ્કૂલોમાં ભણતી બાળકીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. તેમની માસૂમિયત અને પરિસ્થિતિનો લાભ ઉઠાવી રમકડાં, ચૉકલેટ, આઇસક્રીમ જેવી નાની-નાની વસ્તુઓના પ્રલોભનો આપીને અસામાજિક તત્ત્વો તેમને પોતાની જાળમાં ફસાવે છે. આ ગંભીર સામાજિક સમસ્યાને ડામવા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશને કમર કસી છે. અમારો હેતુ માત્ર સરકારી સ્કૂલની બાળકીઓ સુધી પહોંચવાનો નથી પણ તેમના મનમાંથી ડર ભગાડીને તેમને આત્મવિશ્વાસ આપવાનો છે. ઘણી વાર આ બાળાઓ નાની લાલચમાં આવીને મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જો તેમને ગુડ ટચ અને બૅડ ટચનો ભેદ નહીં સમજાવીએ તો એક સમાજ તરીકે આપણે નિષ્ફળ જઈશું.
બાળકીઓને પ્રલોભનો આપીને અજાણી વ્યક્તિ જ ફસાવે છે એવું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં વિક્ટિમનાં નજીકનાં સગાં, પાડોશી કે સ્કૂલ-બસના ડ્રાઇવર હોય છે. શરૂઆતમાં તેઓ પ્રલોભનો આપીને બાળકીનો વિશ્વાસ જીતે છે અને પછી એકાંતનો લાભ લઈને કૃત્ય કરે છે. આવા અગણિત દાખલા બને છે જેની ક્યાંય નોંધ નથી લેવાતી. ખાનગી સ્કૂલોમાં તો અવેરનેસ કાર્યક્રમો અવારનવાર થતા જ હોય છે, પરંતુ સરકારી સ્કૂલોમાં આજે પણ આવા કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવતો નથી. આવી સ્કૂલોમાં ભણતી છોકરીઓના વાલીઓ મોટા ભાગે અશિક્ષિત, શ્રમિક કે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવે છે જેના કારણે ઘરમાં આ વિષય પર કોઈ ચર્ચા થતી નથી. આથી જ સરકારી સ્કૂલોને કેન્દ્રમાં રાખીને વિશેષ ઝુંબેશ શરૂ કરવી અનિવાર્ય છે. અમારી પાસે ખાસ તાલીમ પામેલા શિક્ષકોની ટીમ છે જે સ્ક્રીન પર વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા છોકરીઓને ખૂબ જ સરળ ભાષામાં સ્પર્શનો તફાવત સમજાવે છે. અમે તેમને સૂત્ર આપ્યું છે - લાલચ સામે ઝૂકવાનું નથી, ડરીને છૂપાવાનું નથી. જો કોઈ ખોટી રીતે અડે તો બૂમ પાડો, મમ્મી-પપ્પા કે શિક્ષકને જણાવો. સામાજિક કાર્યો સાથે સંકળાયેલી દરેક સંસ્થાએ આ દિશામાં નક્કર પ્રયાસો કરી છોકરીઓને સ્પર્શની વ્યાખ્યા સમજાવતા કાર્યક્રમો કરવા જોઈએ જેથી કોમલ અને તેના જેવી સેંકડો બાળકીઓ કોઈ અનિચ્છનીય પ્રસંગ ઊભો થાય ત્યારે વળતો પ્રહાર કરી શકે અને હિંમતભેર સામનો કરી શકે.
-પ્રફુલ જોશી