ક્યા ખૂબ કૉર્ન આર્ટિસ્ટ હૈ

03 August, 2025 03:37 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશનાં ગામડાંઓની મહિલાઓનાં સ્વસહાય મંડળોએ કૉર્ન એટલે કે મકાઈના ભુટ્ટાના છોડાંનો ઉપયોગ કરીને એવી સુંદર પ્રોડક્ટ્સ તૈયાર કરી છે કે ભલભલાનું મન મોહી જાય

ગ્રામીણ બહેનો સાથે પરિધિ.

ઉત્તર પ્રદેશનાં ગામડાંઓની મહિલાઓનાં સ્વસહાય મંડળોએ કૉર્ન એટલે કે મકાઈના ભુટ્ટાના છોડાંનો ઉપયોગ કરીને એવી સુંદર પ્રોડક્ટ્સ તૈયાર કરી છે કે ભલભલાનું મન મોહી જાય. ગ્રામીણ અને ઓછું ભણેલી આ બહેનોની ખીલેલી ક્રીએટિવિટી પાછળનું પ્રેરકબળ છે જસ્ટ બારમા ધોરણમાં ભણતી દિલ્હીની પરિધિ નરવાર. ખેતરોમાં પેદા થતા કચરામાં સર્જનાત્મકતાનો છંટકાવ કરીને તૈયાર થયેલી જાતજાતની પ્રોડક્ટ્સ હવે દિલ્હીની કૉર્પોરેટ કંપનીઓમાં ખોબલે-ખોબલે વેચાવા લાગી છે. આ બધું થયું કઈ રીતે એ જાણીએ

થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો હતો. એમાં ભારતનાં અંતરિયાળ ગામડાંની કેટલીક બહેનો ખેતીકામમાંથી નીકળેલા કચરાના ઢેરમાંથી સુંદર મજાનાં ફ્લાવર્સ બનાવતી જોવા મળી હતી. આ કચરો હતો મકાઈનાં છોડાંનો. મકાઈનાં ડૂંડાંમાંથી દાણા કાઢી લીધા પછી એના પરના આવરણને સૂકવીને એને બાળવામાં જ ઉપયોગમાં લેવાતું હોય છે, જ્યારે આ મહિલાઓ એ છોડાંને એટલાં સુંદર આર્ટિફેક્ટ્સમાં તબદીલ કરી રહી હતી કે ભલભલાનું દિલ મોહી જાય. ભુટ્ટાના છીલકાંમાંથી અલગ-અલગ રંગોનાં ફૂલો અને એ ફૂલોના મનમોહક ગુલદસ્તા બનાવતી બહેનોમાં વૃદ્ધ મહિલાઓ પણ હતી અને યંગ છોકરીઓ પણ.

આ વિડિયો ક્યાંનો હતો એની શોધખોળ કરતાં ખબર પડી કે આ ઉત્તર પ્રદેશનાં ગામોમાં ચાલી રહેલાં મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સનો છે. આ મંડળો ખેતરમાંથી પેદા થતા કચરાનું રીસાઇક્લિંગ કરે છે. ખેતપેદાશની એક પણ ચીજ વેસ્ટ ન જવી જોઈએ એ મિશન તેમનું છે અને આ મિશન માટેનું પ્રેરકબળ કોણ છે? જાણીને નવાઈ લાગશે કે ઍગ્રિકલ્ચરલ વેસ્ટમાંથી બેસ્ટ આર્ટિફેક્ટ્સ બનાવીને મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું કામ હાથ ધર્યું છે હજી ગ્રૅજ્યુએટ પણ ન થયેલી હાઈ સ્કૂલની એક સ્ટુડન્ટ પરિધિ નરવારે.

બહેનોને પગભર કરવા માટે બૅન્ક-અકાઉન્ટ ખોલવાથી માંડીને બચત કરતાં તેમ જ ટેક્નૉલૉજી અને UPI પેમેન્ટ જેવી સુવિધાઓ વાપરતાં શીખવવામાં આવે છે. 

જેન ઝી અને એમ્પાવરમેન્ટ

યસ, જેન ઝીમાં એ ખૂબી છે કે તેઓ જે ચીજ એક વાર ઠાની લે તો પછી એ કરીને જ જંપે છે. આ મક્કમતા કોઈ સારા કાર્ય તરફ વળી જાય તો તેઓ ખરેખર સમાજ માટે ઉમદા કામો કરી શકે છે. એનું જીવંત ઉદાહરણ છે પરિધિ. બિઝનેસમેન પેરન્ટ્સના ઘરમાં મોટી થયેલી પરિધિ અત્યારે હાઈ સ્કૂલની સ્ટુડન્ટ છે, પણ તેનામાં જાણે બહુ નાની ઉંમરે જ નેતૃત્વની ક્ષમતાઓ વિકસી ગઈ છે. કૉમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતી પરિધિને ગળથૂથીમાં બિઝનેસ-સેન્સ મળી છે, જ્યારે તેની સોશ્યલ સંવેદનશીલતા પણ એટલી જ સતેજ છે. સામાજિક અને અર્થશાસ્ત્ર ક્ષેત્રે કંઈક પાયાનો બદલાવ લાવવાનું તેનામાં એક પ્રકારનું ઝનૂન છે. દિલ્હીની પ્રતિષ્ઠિત કૉન્વેન્ટ સ્કૂલમાં ભણતી હોવા છતાં તે ગામડાંઓમાં સંઘર્ષમય જીવન જીવતી મહિલાઓની સમસ્યાઓથી રૂબરૂ છે. કૉમર્સમાં આંકડાઓના સરવાળા-બાદબાકી કરવા ઉપરાંત તેણે સમાજમાં બદલાવ લાવવા માટે મહિલાઓને કાયમી રોજગાર આપીને એમ્પાવર કરવાનું બીડું ઝડપ્યું છે.

ફુલજા ફાઉન્ડેશનનો જન્મ

હજી એક વર્ષ છ મહિના પહેલાં જ તેણે ફુલજા ફાઉન્ડેશનના નામે સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરીને ઉત્તર પ્રદેશનાં ગામડાંઓમાં વિમેન એમ્પાવરમેન્ટની મૂવમેન્ટનો પાયો નાખ્યો છે. આ સંસ્થા કૃષિની આડપેદાશોને રીસાઇકલ કરવાનું તેમ જ એનાથી નવું પ્રદૂષણ ઊભું ન થાય એવી પ્રોડક્ટ્સ બનાવવાનું કામ કરે છે. દિલ્હી જેવા શહેરમાં ભણતી જેન ઝી ગર્લને ગામડાંના લોકો માટે કંઈ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો હશે? તો એનો જવાબ છે તેનું ગ્લોબલ એક્સપોઝર. ભલે તે હજી તો બારમામાં ભણે છે, પરંતુ તેણે હાર્વર્ડ સ્ટુડન્ટ્સ એજન્સીઝની સાથે એક રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ તેણે ગ્લોબલ સ્ટેબિલિટી માટે શું થઈ શકે એના રિસર્ચ સાથે ઇન્ટર્નશિપ કરી છે. ઉમંગ નામની સ્વૈચ્છિક સંસ્થામાં વર્ષોથી વૉલન્ટિયર તરીકે કામ કર્યું છે અને તેની સંસ્કૃતિ હાઈ સ્કૂલમાં તો તે સ્ટુડન્ટ મેન્ટર હોવા ઉપરાંત અનેક સર્વિસ ક્લબ્સની મેમ્બર પણ છે. પપ્પાને બિઝનેસ કરતા જોઈને તેનામાં ઑન્ટ્રપ્રનરશિપની ધગશ તો ઠાંસી-ઠાંસીને ભરેલી છે અને સાથે જ સામાજિક અર્થશાસ્ત્રમાં મહિલાઓનું ઇન્વૉલ્વમેન્ટ બહુ જરૂરી છે એવું તે અત્યારથી સમજી ગઈ છે. તેનું માનવું હતું કે ખેતીની આડપેદાશમાંથી ખાતર બનાવવાનું કામ તો સૌથી સહેલું છે અને એ કામ ઘણા લોકો કરે પણ છે, પરંતુ ખેતરમાં જેને કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે એમાં વૅલ્યુ એડિશન કરીને કંઈક એવી પ્રોડક્ટ્સ બનાવવી જે હટકે તો હોય જ અને એ બનાવનારને પણ સંતોષ આપે.

કૉર્નનાં છોડાંમાંથી બનેલી આ ઢીંગલી સામે લાખો રૂપિયાની લબુબુ  ડૉલ પાણી ભરે. 

ફૂલો બનાવવાનું

દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ એક પબ્લિક સેક્ટર સ્કૂલ છે અને એના પરિસરને તમે જુઓ તો ચોમેર વૃક્ષો, છોડ અને જાતજાતનાં ફૂલોનું સુશોભન જોવા મળે. એમાંથી જ પ્રેરણા લઈને પરિધિએ ઍગ્રિકલ્ચરલ વેસ્ટને મોહક સ્વરૂપ આપતાં ફૂલો બનાવવાનું નક્કી કર્યું. પહેલાં જાતે પ્રયોગો કર્યા અને પછી ગ્રામીણ બહેનોની આંતરસૂઝનો પણ લાભ લીધો. મકાઈના ભુટ્ટાનાં છીલકાંને ચોખ્ખાં કરવાં, રંગવાં, ડ્રાય કરવાનું કામ કર્યા પછી એને કાપીકૂપીને એમાંથી ફૂલો અને ગુલદસ્તાના શેપ બનાવતાં તેણે પહેલાં ખુદ શીખ્યું અને પછી બહેનોને શીખવ્યું. પરિધિનું માનવું છે કે મહિલાઓને માત્ર કામ આપવું કે કામના બદલામાં રોજનું મહેનતાણું આપીને બે પૈસા કમાતી કરવી એ જ આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ નથી. આ ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત મહેસૂસ કરાવવા માટે છે. બહેનોને ગામડાની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને દુનિયાનું એક્સપોઝર મળે એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે આપણે શહેરીજનો તેમની ગ્રામીણ કોઠાસૂઝમાંથી શીખીએ. 

પ્રોડક્ટ્સ અપરંપાર

ફુલજા ફાઉન્ડેશનનો હવે એક જ મંત્ર છે મકાઈનાં છીલકાંનો કાચો કચરો એક વાર એમની વર્કશૉપમાં આવે એ પછી એનો એકેય તાંતણો વેસ્ટ ન થવો જોઈએ. કપાઈ ગયેલાં છોડાંમાંથી પાતળી પાંદડીવાળાં ફૂલો બને અને સાવ જ રેસા થઈ ગયાં હોય એવાં છોડાંને અધકચરાં સૂકવીને એમાંથી બહેનો ચોટલીઓ બનાવે અને એ ચોટલીઓને એકબીજા સાથે સીવીને એમાંથી પણ જાતજાતની ચીજો બને. બેઠક માટેનાં પાથરણાં, કમરને આરામ આપતાં કુશન, સ્ટાઇલિશ બૅગ, કિચનમાં વાપરી શકાય એવાં ટી-કોસ્ટર્સ જેવી અઢળક ચીજો બનાવવામાં આવે છે. પહેલાં તો શરૂઆત આવી ઘરઘરાઉ ચીજો બનાવવાથી જ થયેલી. જોકે આર્ટિફિશ્યલ ફૂલો બનાવવામાં પણ પુષ્કળ પ્લાસ્ટિક વપરાતું હોય છે જે ડીકમ્પોસ્ટ પણ બહુ સરળતાથી નથી થતું. પીળાં અને ​ફિક્કાં પડી ગયેલાં ભુટ્ટાનાં છોડાંને ઑર્ગેનિક અને કેમિકલ-ફ્રી રંગોની મદદથી રંગીને એમાંથી ફૂલો અને ગુલદસ્તા બનાવવાનું શરૂ થયું. ખેતીની આડપ્રેદાશોમાંથી અગરબત્તી અને બાયોડિગ્રેડેબલ કટલરી જેવી કે પ્લેટ, વાટકી, ચમચી જેવી ચીજો તેઓ બનાવે છે. ડેકોરેટિવ પોસ્ટર્સ બનાવી શકાય એવા હૅન્ડમેડ કાગળો પણ બનાવવામાં આવે છે. મકાઈનાં ડૂંડાં અને અન્ય અપશિષ્ટમાંથી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ થાય છે. ફેસ્ટિવલની સીઝનમાં શણગાર માટે પ્લાસ્ટિકનાં ફૂલોને બદલે આ ઇકો-ફ્રેન્ડ્લી કૉર્ન-ફ્લાવર્સની ખૂબ ડિમાન્ડ ઊભી થઈ છે. હવે નેક્સ્ટ પ્રોજેક્ટ છે મૂર્તિઓનો. છીલકાંની વધેલી કતરીઓને સૂકવીને ગ્રાઇન્ડ કરીને એમાંથી સૉલિડ મૂર્તિઓના મૉલ્ડ બનાવવામાં આવે છે. ચોક્કસ સાઇઝના મૉલ્ડમાં ભૂકો કરેલો ઍગ્રિકલ્ચરલ વેસ્ટ અને ગુંદર મેળવીને એમાંથી ભગવાનની નાની-મોટી મૂર્તિઓ બનાવવાનું શરૂ થયું છે અને એના પર ઇકો-ફ્રેન્ડ્લી અને ઑર્ગેનિક રંગોથી સજાવટ બહેનોની ક્રીએટિવિટી મુજબ થાય છે. આવનારા સમયમાં ફૂલો અને મૂર્તિઓ બન્નેની જરૂરિયાત વધશે. એ માટે યોગ્ય રીતે બ્રૅન્ડિંગ અને માર્કેટિંગ કરવાનું પણ પરિધિએ શરૂ કરી દીધું છે. તેનું કહેવું છે કે ‘સુંદર પ્રોડક્ટ્સ બનાવવી એ તો માત્ર શરૂઆત છે, પણ આ સ્કિલ મહિલાઓમાં કેળવીને તેમને સ્થાયી આવક મળતી થાય તો તેઓ પોતાને સશક્ત મહેસૂસ કરશે. એટલે મહિલાઓને નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાધનો અને ઑન્ટ્રપ્રનરશિપની સ્કિલ્સ કેળવવાની તાલીમ અપાય છે. અત્યારે તેઓ માત્ર પ્રોડક્ટ્સ બનાવતાં શીખે છે, પણ આગળ જતાં તેઓ જ એ ચીજોનું માર્કેટિંગ કરીને લઘુઉદ્યોગને પોતાની રીતે ચલાવવાનો આત્મવિશ્વાસ કેળવી શકે એ મારું સપનું છે. ’

social media uttar pradesh national news columnists gujarati mid day