કમાલ કરી દીધી આ કરાટે કોચે- જિતાય નહીં ત્યાં સુધી લડતો રહે એ જ સાચો ફાઇટર

13 December, 2024 10:06 AM IST  |  Mumbai | Ruchita Shah

રિદ્ધીશભાઈ કહે છે, ‘મને યાદ છે કે મારા સરે કહેલું કે બીમારીને ક્યારેય સરેન્ડર નહીં થવાનું

રિદ્ધીશ ઠાકોર

દહિસરમાં રહેતા ૪૭ વર્ષના રિદ્ધીશ ઠાકોરને ચાર વર્ષ પહેલાં બ્રેઇન-સ્ટ્રોક આવ્યો ત્યારે અડધું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું. છ મહિના પછી પણ તમે તમારા પગ પર ચાલી શકશો કે કેમ એ વિશે ડૉક્ટર અસમંજસમાં હતા ત્યારે દૃઢ ઇચ્છાશક્તિ અને પાવરફુલ ઇમૅજિનેશન કેવા મિરૅકલ સર્જી શકે એને રિદ્ધીશભાઈથી બહેતર કોઈ નહીં સમજાવી શકે

‘કરાટેમાં તમે સવ્યસાચી જેવા બની જતા હો છો. મહાન બાણવીર અર્જુન સવ્યસાચી તરીકે પણ ઓળખાતા હતા. સવ્યસાચી એટલે એવી વ્યક્તિ જે ડાબા અને જમણા હાથપગનો સરખી સ્ટ્રેંગ્થ સાથે પૂરેપૂરો ઉપયોગ કરી શકતી હોય. કરાટેમાં બાય ડિફૉલ્ટ તમે બન્ને સાઇડના હાથપગનો ઉપયોગ કરતા જ હો છો. ટ્રેઇનિંગ જ એ રીતે અપાય. જ્યારે હૉસ્પિટલના બેડ પર સૂતો હતો, ડાબું અંગ હલવાનું નામ નહોતું લેતું ત્યારે બંધ આંખો સાથે હું મારી કલ્પનામાં કરાટેની ફાઇટ કરતો. ફાઇટ માટે મેં મારો ડાબો હાથ ઉપાડ્યો અને પછી ડાબા પગની મદદથી ડિફેન્સ કર્યું. મનમાં ચાલતી આ કલ્પનાઓ વચ્ચે મેં અનુભવ્યું કે મારો ડાબો હાથ સહેજ હલ્યો. એ ક્ષણ મારા માટે ચમત્કારની ક્ષણ હતી. મારા ડૉક્ટર કહી ચૂક્યા હતા કે તમારું ડાબું શરીર પૂરેપૂરું ફંક્શનલ બને એની સંભાવનાઓ ખૂબ ઓછી છે, એની સામે મારો ડાબો હાથ સહેજ હલ્યો છે. આ વાત મારા સર્કલમાં બહુ ઓછા લોકોને ખબર છે, પણ આ જ એ ક્ષણ હતી જ્યારે મેં નક્કી કર્યું કે ના, હું આ લકવાગ્રસ્ત સ્થિતિ સામે સરેન્ડર નહીં કરું.’

આ શબ્દો છે દહિસરમાં રહેતા ૪૭ વર્ષના રિદ્ધીશ ઠાકોરના. છેલ્લાં ૪૧ વર્ષથી કરાટેની ટ્રેઇનિંગ કરતા અને વર્ષોથી અનેક લોકોને કરાટે શીખવી ચૂકેલા રિદ્ધીશ ઠાકોર બહુ જ દૃઢતા સાથે કહે છે કે કરાટેએ મને તન, મન અને ધન એમ ત્રણેયથી સમૃદ્ધ કર્યો છે. ‘બૉમ્બે કરાટે ક્લબ’ના ફાઉન્ડર આ ગુજરાતી ભાઈની લાઇફમાં કરાટે આવ્યું કઈ રીતે એ વાતો જેટલી રોચક છે એટલી જ મજેદાર છે એ વાતો જેમાં આજ સુધી કરાટેએ તેમને ટકાવી રાખવાનું કામ કઈ રીતે કર્યું એની દાસ્તાન છે.

બાળપણમાં હતો વીક

સાઉથ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં જન્મ. એ પછી થોડાંક વર્ષો સાંતાક્રુઝમાં રહ્યા પછી આર્થિક કારણોને લીધે રિદ્ધીશનો પરિવાર ભાઈંદર શિફ્ટ થઈ ગયો. રિદ્ધીશભાઈ કહે છે, ‘એ સમયે મારી લગભગ ચાર-પાંચ વર્ષની જ ઉંમર હતી. મારા પરિવારમાં હું સૌથી વીક બાળક, કારણ કે મારો જન્મ પ્રીમૅચ્યોર હતો એટલે ખૂબ બીમાર રહેતો અને મમ્મીને પણ ડૉક્ટરોએ કહ્યું હતું કે તમારા દીકરાની તમારે વિશેષ કાળજી રાખવી પડશે. પણ ત્યારે તો માંડ ઘરખર્ચ નીકળતો હોય એમાં વધારે તો શું ધ્યાન રાખે પણ એ દરમ્યાન એક ઘટના ઘટી જેણે કરાટે સાથે મારો કાયમ માટે પરિચય કરાવી દીધો.’

સાઉથ એશિયન ગેમ્સમાં પહેલી ઇન્ટરનૅશનલ કરાટે ચૅમ્પિયનશિપની ભારતને રિપ્રેઝન્ટ કરતી ટીમમાં હતા રિદ્ધીશભાઈ.

એ ઘટના વિશે આગળ વાત કરતાં રિદ્ધીશભાઈ કહે છે, ‘આર્થિક સ્થિતિ એવી હતી કે ભાઈંદરમાં અમે રૅશનિંગમાંથી જ અનાજ લાવીને ખાતાં. એક વાર ઘરે કંઈક કામ હતું અને મોડું કરીએ તો લાઇન લાગવા માંડે એટલે મમ્મીએ મને કહ્યું કે તું થોડીક વાર લાઇનમાં ઊભો રહીશ, હું આવું છું. એ સમયે મારી ઉંમર હશે પાંચ વર્ષની. હું દોડતો-દોડતો ગયો અને લાઇનમાં ઊભો રહ્યો, પણ લાઇન બહુ હતી એવામાં મારું ચંપલ ફસાઈ ગયું. એ કાઢવા ગયો તો ધક્કામુક્કીમાં લાઇનમાં ફસાઈ ગયો એટલે રડવા માંડ્યો. એટલે રૅશનિંગની દુકાનમાં બેસેલા ભાઈએ મને લાઇનની બહાર કાઢીને એક લાફો મારી દીધો. મારી મમ્મીને ખબર પડી. એ એક લાફો પણ મને એટલો ભારે પડ્યો કે મારું મોઢું જોવા જેવું નહોતું. મમ્મીએ પેલા ભાઈને તો સીધોદોર કરી નાખ્યો અને એ દિવસે તેને ખૂબ ટેન્શન થઈ ગયું. મારી પહેલાં મૉમનાં બે બાળકો ગુજરી ગયાં હતાં. મને કંઈ થાય એ કલ્પના પણ તેના માટે શક્ય નહોતી એટલે તેણે મને કહ્યું કે તારે વીક નથી રહેવાનું, તારે સ્ટ્રૉન્ગ થવાનું છે. કેવી રીતે મને ફિઝિકલી સ્ટ્રૉન્ગ કરવો એની તપાસ કરતાં કોઈએ કરાટે સજેસ્ટ કર્યું. મને અને મારી બહેન એમ બન્નેને છ વર્ષની ઉંમરે કરાટે શીખવા મોકલતી. ફી ભરવાના પૈસા નહોતા છતાં મમ્મીએ મને સ્ટ્રૉન્ગ બનાવવા કરાટેમાં મોકલ્યો અને જુઓ, આજે હું કેવો સ્ટ્રૉન્ગ બની ગયો છું.’

રિદ્ધીશભાઈને કરાટેમાં જે ગુરુ મળ્યા તે અનિલ ગારોડિયા એ સમયના ભારતમાં કરાટે શીખવતા ટૉપ કોચમાંના એક હતા. બોરીવલીથી વિરાર સુધીના સ્ટુડન્ટ તેમની પાસે કરાટે શીખવા આવતા.

શીખતો અને શીખવતો

કરાટેમાં ફિફ્થ ડિગ્રી બ્લૅક બેલ્ટ ધરાવતા રિદ્ધીશભાઈએ કરાટે શરૂ કર્યા પછી એક પણ દિવસ ટ્રેઇનિંગ વિનાનો ગયો નથી. એ વાતનો ગર્વ લેતાં તેઓ કહે છે, ‘એ સમયે મને જે ટ્રેઇનિંગ મળી છે એની આજનાં બાળકો કદાચ કલ્પના પણ ન કરી શકે. ત્રણ કલાકનો ક્લાસ કરીએ એ પછી ફરી દોઢ કલાકની ટ્રેઇનિંગ થાય અને બધા થાકીને ઠૂસ થઈ ગયા હોય ત્યારે સર કહે કે હવે છેલ્લી એક ફાઇટ, આ છેલ્લી ફાઇટમાં તમારી બધી જ એનર્જી નાખી દો અને અમે ફરી ચાર્જ થઈએ અને એ છેલ્લા રાઉન્ડને બદલે બીજા ત્રીસ રાઉન્ડ થાય અને અમારી એનર્જી ટકી ગઈ હોય. કરાટેએ મને આપણા શરીર અને મનની સાથે આપણી અંદરની કૉન્શિયસનેસની અમાપ શક્તિનો અનુભવ ડગલે ને પગલે કરાવ્યો છે. સાઉથ એશિયન ગેમ્સમાં પહેલી વાર ઇન્ટરનૅશનલ કરાટે ચૅમ્પિયનશિપ થઈ રહી હતી, જેની પહેલીવહેલી ભારતને રિપ્રેઝન્ટ કરતી ટીમમાં હું સિલેક્ટ થયો હતો. નેપાલમાં યોજાયેલી આ પહેલી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં હું બ્રૉન્ઝ જીત્યો. એ પછી તો નૅશનલ અને સ્ટેટ લેવલની લગભગ દરેક ગેમમાં વર્ષમાં એક ગોલ્ડ મેડલ જીતવાનો જાણે નિયમ બની ગયો હતો. ૨૦૦૬ સુધી હું ટુર્નામેન્ટમાં ભાગ લેતો પણ પછી એ છોડી દીધું. શીખતાં-શીખતાં મેં શોખ માટે શીખવવાનું શરૂ કર્યું. જપાન કરાટે અસોસિએશનનું શૉટોકેન નામનું ફૉર્મ હું શીખી રહ્યો હતો. એના કુલ ૨૬ કાતા એટલે કે કરાટેનાં જુદાં-જુદાં સ્ટેપ્સ અથવા ટેક્નિક હોય. મને ક્લાસિક કહી શકાય એવી બધી જ ટ્રિક્સ આવડે. તમને કહી દઉં કે કરાટેમાં જૅપનીઝ કરાટે અસોસિએશન કરાટેની સૌથી પૉપ્યુલર અને એલિટ સંસ્થા મનાય છે. હું મારા મિત્રોને જબરદસ્તીથી સવારે ચાર વાગ્યે ઉઠાડીને ભાઈંદરના ધક્કે લઈ જઈને કરાટે શીખવતો. ૨૦૧૫ સુધી મેં કોઈ પણ ફી લીધા વિના લોકોને ફ્રીમાં કરાટે શીખવ્યું છે.’

અચાનક આવ્યો સ્ટ્રોક

કરાટેને હૉબી બનાવીને સાથે
જાત-જાતની નોકરી બદલનારા રિદ્ધીશભાઈએ વેબ-ડિઝાઇનિંગ અને ક્રીએટિવ્સ બનાવવાની કૅપ્સિકમ વેબ નામની કંપની શરૂ કરી હતી, જે આજ સુધી ચાલે છે. દરેક ક્લાસના લોકો કરાટેની ટ્રેઇનિંગ મેળવી શકે એ માટે બૉમ્બે કરાટે ક્લબ પણ શરૂ કરી. ધીમે-ધીમે એનો વ્યાપ વધી રહ્યો હતો એ દરમ્યાન બે ઘટના ઘટી, એક સ્ટ્રોક અને બીજો કોરોના. ૨૦૧૯ના એન્ડમાં પોતાના રૂટીન મુજબ દરરોજ સવારે કરાટે ક્લાસ લેવા માટે નીકળી પડતા રિદ્ધીશભાઈને એક સવારે અચાનક માથું ભારે હતું. બ્લડ-પ્રેશર વધી ગયું અને એકાએક બેભાન થઈ ગયા. હૉસ્પિટલાઇઝેશન થયું. તપાસમાં ખબર પડી ગઈ કે સ્ટ્રોક છે જેની અસરરૂપે ડાબા શરીરની હિલચાલ અટકી ગઈ છે. ફરી ક્યારે ડાબું અંગ કામ કરશે એનો જવાબ ડૉક્ટર પાસે નહોતો. રિદ્ધીશભાઈ કહે છે, ‘હું છ વર્ષની ઉંમરે કરાટે શીખ્યો એ દિવસથી લઈને એકેય દિવસ એવો નહોતો જ્યારે કોઈ પણ જાતની ઍક્ટિવિટી વિના હું ઘરે રહ્યો હોઉં. હું પહેલેથી જ સુપર ઍક્ટિવ હતો અને એટલે જ આ આઘાત મારા માટે અસહ્ય હતો. મને બરાબર યાદ છે કે હૉસ્પિટલમાં મારી આજુબાજુના પેશન્ટની હાલત જોઈને પણ મારા ધબકારા વધી ગયા હતા. મારા ડૉક્ટર સાથે મેં મારા ભાઈને વાત કરતાં સાંભળ્યો ત્યારે ખબર પડી કે છ મહિના તો મારા ફરી પોતાના પગ પર ઊભા રહેવાના કોઈ ચાન્સ નથી. આ વાત મને સ્વીકાર્ય નહોતી. મેં નક્કી કર્યું કે હું આવું નહીં થવા દઉં.’

પહેલો પ્રયાસ

હૉસ્પિટલમાં લગભગ એક અઠવાડિયું રિદ્ધીશભાઈ રહ્યા. તેઓ કહે છે, ‘બીજા કે ત્રીજા દિવસે હૉસ્પિટલમાં મામુને (ત્યાંના હેલ્પરને) વિનંતી કરી કે મને વૉકરની મદદથી ચાલવામાં હેલ્પ કરને. કોઈ સેન્સેશન નહોતું પગમાં અને છતાં બધું જોર લગાવીને મનને મજબૂત કરીને હું મંડી પડ્યો હતો. પહેલી વાર તો ખાલી દસ ડગલાં ચાલવામાં પણ દમ નીકળી ગયો હતો. જોકે મેં મનોમન નક્કી કર્યું હતું કે હું હાર નહીં માનું. તમે માનશો નહીં પણ હું સૂતાં-સૂતાં ઇમૅજિન કરતો કે કરાટેમાં મારું આખું ડાબું શરીર પણ ઇક્વલી ઍક્ટિવ છે. ઘરે ફિઝિયોથેરપિસ્ટ પાસે ટ્રેઇનિંગ કર્યા પછી ફરી પાછો જાતે વૉકરની મદદથી ચાલીને જતો અને ગાર્ડનમાં ટ્રેઇનિંગ કરતો. હાર નહીં માનું, હું ફાઇટર છું... બસ, આ એક જ થૉટ હતો.’

ચૅલેન્જ કરતો ગયો

પૅરૅલિસિસ વચ્ચે વલસાડમાં આ પ્રકારના દરદીઓની સારવાર કરતા સેન્ટરમાં પણ રિદ્ધીશભાઈ ગયા હતા અને પોતાની રૂટીન દવા સાથે એ ટ્રીટમેન્ટ પણ શરૂ કરી હતી. એ કિસ્સો યાદ કરતાં કહે છે, ‘જે સેન્ટરમાં હું દવા લેવા ગયો હતો એ સેન્ટરમાં મારા કરતાં પણ ખરાબ સ્થિતિવાળા લોકો હતા જેમને જોઈને વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય. મેં મારા એકેય ટ્રૉમાને મારા પર હાવી ન થવા દીધા. લગભગ છ મહિના પછી હું પાછો એ સેન્ટરમાં ગયો ત્યારે મને તેમણે પૂછ્યું હતું કે પેશન્ટ કોણ છે? મેં મારી સેલ્ફ-ટ્રેઇનિંગ દ્વારા એટલો ચેન્જ લાવી દીધો હતો. પૅરૅલિસિસ વચ્ચે જ કોવિડ આવ્યો અને મારા ઑફલાઇન ક્લાસ બંધ થયા. એ સમયે મીરા રોડ અને વર્સોવા એમ બે જગ્યાએ મારા ક્લાસ ચાલતા. એક મહિનો પૅરૅલિસિસ પછી પણ હું અંધેરીમાં કરાટે શીખવવા જતો. એ સમયે હુ લંગડાઈને ચાલતો પણ છતાં ટ્રેનમાં જતો. સાંજે પાછા આવવાનું હોય ત્યારે તો ચિક્કાર ભીડ હોય એટલે નૉર્મલ દિવસોમાં હું રિક્ષામાં ઘરે આવતો પણ પૅરૅલિસિસ પછી મેં રિટર્ન પણ ટ્રેનમાં આવવાનું શરૂ કર્યું, કારણ કે મને ખબર હતી કે જો આવી ભીડમાં હું ટ્રેનમાં ચડી ગયો અને ટ્રાવેલ કરી શક્યો તો મને પછી કોઈ નહીં હરાવી શકે. મારા ઘણા સ્ટુડન્ટ‍્સને ખબર ન પડે કે મારું ડાબું અંગ ડિફેક્ટિવ થઈ ગયું છે એ રીતે મેં મારા બૉડીને ટ્રેઇન કર્યું છે અને એ સ્તર પર પેઇન-બેરિંગ કૅપેસિટી ડેવલપ કરી હતી. ઇન ફૅક્ટ, કોવિડ દરમ્યાન જ્યારે ઑનલાઇન ક્લાસ શરૂ થયા તો મિરર ઇફેક્ટ મુજબ સ્ટુડન્ટ્સ સામે મારા બૉડીની મૂવમેન્ટ સેટ કરી દીધી હતી. બસ, એક જ નિશ્ચય હતો કે હું આમાંથી બહાર આવીશ અને આવી ગયો.’

એક જ મેસેજ

બૉમ્બે કરાટે ક્લબ શરૂ કરવાની મકસદ માત્ર પૈસા કમાવાની નહોતી એની ચોખવટ કરતાં રિદ્ધીશભાઈ કહે છે, ‘બૉમ્બે કરાટે ક્લબ જ્યારે મેં શરૂ કરી ત્યારે પણ મારા મનમાં એમ હતું કે હું જ્યારે કરાટેની ફી અફૉર્ડ નહોતો કરી શકતો ત્યારે પણ મારા સરની મહાનતા કે તેમણે ક્યારેય મારી ટ્રેઇનિંગ નહોતી અટકાવી, ઇન ફૅક્ટ એવો પણ સમય આવ્યો જ્યારે મારા માટે તેમણે ટુર્નામેન્ટની ફી પણ ભરી હોય, હવે મારો સમય છે આવું કંઈક કરવાનો. બૉમ્બે કરાટે ક્લબનાં આઠ સેન્ટર ચાલે છે, જેમાંથી એક સેન્ટર જે બોરીવલીમાં ચાલે છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને એમાં રિક્ષાવાળાનાં સંતાનો, ઘરકામ કરતા લોકોનાં બાળકો, ફુટપાથ પર રહેતા લોકોનાં બાળકો ભણવા આવે છે. આવું જ એક બીજું સેન્ટર અમે અંધેરીમાં શરૂ કરી રહ્યા છીએ જેમાં અનાથ બાળકોને કરાટે શીખવીશું.’

પોતાના જીવનના અનુભવો પરથી રિદ્ધીશભાઈ કહે છે, ‘મને યાદ છે કે મારા સરે કહેલું કે બીમારીને ક્યારેય સરેન્ડર નહીં થવાનું. તાવ આવે તો ડબલ પ્રૅક્ટિસ કરવાની. હું આવું જ બાળપણથી કરતો આવ્યો છું અને એટલે જ ટકેલો છું. બસ, એક જ વાત કે ગિવ અપ નહીં કરવાનું એ એક જ નિયમ. ચાર દિવસ પહેલાં મને પૅરૅલિસિસ નહોતો. ચાર દિવસ પછી અચાનક આવી ગયો અને પ્રયાસ કર્યા તો થોડાક દિવસોમાં એમાંથી બહાર પણ આવી ગયો. પર્મનન્ટ કંઈ જ નથી એટલે કોઈ એક ઘટનાથી પ્રભાવિત થઈને ટ્રૉમામાં નહીં આવી જવાનું. બસ, લડતા રહેવાનું. જીવનમાં જીત ન મળે ત્યાં સુધી જંગ પૂરો નથી થયો. બસ, લડતા રહેવાનું. એ એક જ વાત અને એક જ નિશ્ચય. તમે માનશો નહીં પણ જ્યારે મને ડાબા અંગમાં પૅરૅલિસિસ થયો ત્યારે હું ભગવાનનો પાડ માનતો હતો કે થૅન્ક ગૉડ, મારું જમણું અંગ સલામત છે. મેં ક્યારેય અફસોસ નથી મનાવ્યો. મારું જમણું શરીર સલામત છેને તો ચાલો હું એમાંથી બહાર આવીશ.’

 જ્યારે મને ડાબા અંગમાં પૅરૅલિસિસ થયો ત્યારે હું ભગવાનનો પાડ માનતો હતો કે થૅન્ક ગૉડ, મારું જમણું અંગ સલામત છે. મેં ક્યારેય અફસોસ નથી મનાવ્યો. જમણું શરીર સલામત છેને તો હું એની મદદથી બહાર આવીશ.

 હું જ્યારે કરાટેની ફી અફૉર્ડ નહોતો કરી શકતો ત્યારે મારા સરે મારી ટ્રેઇનિંગ નહોતી અટકાવી. મેં બૉમ્બે કરાટે ક્લબ શરૂ કરી ત્યારે એ વાત હું ભૂલ્યો નહોતો. ક્લબનાં આઠ સેન્ટર ચાલે છે, જેમાંથી બોરીવલીનું સેન્ટર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. એમાં રિક્ષાવાળાનાં સંતાનો, ઘરકામ કરતા લોકોનાં બાળકો ભણવા આવે છે. આવું જ સેન્ટર અમે અંધેરીમાં શરૂ કરી રહ્યા છીએ જેમાં અનાથ બાળકોને કરાટે શીખવીશું.

 

columnists gujarati community news gujaratis of mumbai mumbai news mumbai