જ્યારે મુંબઈ હતું ટાઉન હૉલ વગરનું ટાઉન

15 November, 2025 06:32 PM IST  |  Mumbai | Deepak Mehta

આમ તો અહીં દરરોજ સરકારી અધિકારીઓની આવ-જા ચાલુ હોય, પણ આજે કંઈક વધુ હતી. કેટલાક અફસરો પાલખીમાં બેસીને આવ્યા હતા. તેમને દરવાજે ઉતારીને પાલખી થોડે દૂર રાખેલી જગ્યાએ જઈને ઊભી રહેતી.

યુરોપનો સૌથી જૂનો ટાઉન હૉલ, રોમ. સ્થપતિ માઇકલ ઍન્જેલો.

સોમવાર, ૨૬ નવેમ્બર, ૧૮૦૪
સમય : સાંજે ચાર વાગ્યાનો.
સ્થળ : પરેલમાં આવેલો મુંબઈના નામદાર ગવર્નરનો બંગલો.

આમ તો અહીં દરરોજ સરકારી અધિકારીઓની આવ-જા ચાલુ હોય, પણ આજે કંઈક વધુ હતી. કેટલાક અફસરો પાલખીમાં બેસીને આવ્યા હતા. તેમને દરવાજે ઉતારીને પાલખી થોડે દૂર રાખેલી જગ્યાએ જઈને ઊભી રહેતી. તો કેટલાક અધિકારીઓ બે ઘોડાની ગાડીમાં આવ્યા હતા. તેમની ગાડીઓને ઊભી રાખવા માટે પણ થોડે દૂર અલગ જગ્યા હતી. તો કેટલાક અફસરો (ખાસ કરીને લશ્કરના) ઉમદા જાતવાન ઘોડા પર સવાર થઈને આવ્યા હતા. તેમના ઘોડાઓને પણ થોડે દૂર અલાયદી જગ્યામાં લઈ જઈને રાખ્યા હતા. આ બધા આવ્યા હતા નામદાર ગવર્નર જોનાથન ડંકનના નોતરાને માન આપીને. ડંકનનો જન્મ ૧૭૫૬ની મે મહિનાની ૧૫મી તારીખે. ૧૭૯૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે તેઓ બૉમ્બેના ગવર્નર બન્યા. પૂરાં ૧૬ વર્ષ એ હોદ્દા પર રહ્યા. ૧૮૧૧ના ઑગસ્ટની ૧૧મી તારીખે મુંબઈમાં જ તેમનું અવસાન થયું ત્યાં સુધી ગવર્નરના હોદ્દા પર રહ્યા. રાજકારણ ઉપરાંત હિન્દુસ્તાનના લોકો અને તેમની રહેણીકરણી, વિચારો વગેરેમાં હતો રસ. મુંબઈના બહુ જૂના રસ્તાઓમાંના એક રસ્તા સાથે તેમનું નામ જોડાયું હતું, ડંકન રોડ. આ રસ્તો એ વખતના બેલાસિસ રોડ અને ફોકલૅન્ડ રોડને જોડતો હતો. આ ઉપરાંત મુંબઈમાં હતા ડંકન કૉઝવે (સાયન કૉઝવે), ડંકન ડૉક (કોટ વિસ્તારમાં) અને ડંકન માર્કેટ (શેખ મેમણ સ્ટ્રીટમાં આવેલી). નવાઈની વાત એ છે કે વખતોવખતની ‘અંગ્રેજોનાં નામ હટાવો’ની ઝુંબેશ ચાલતી હોવા છતાં આજ સુધી ‘ડંકન રોડ’ અને ‘ડંકન ડૉક’ એ બે નામ બચી ગયાં છે.  

એ વખતે મુંબઈની સર્વોચ્ચ અદાલત ‘રેકૉર્ડર્સ કોર્ટ’ તરીકે ઓળખાતી. તેના જજ હતા સર જેમ્સ મૅકિન્ટોશ. જન્મ ૧૭૬૫ના ઑક્ટોબરની ૨૫મી તારીખે. અવસાન ૧૮૩૨ના મે મહિનાની ૩૦મી તારીખે. ગજબની ખોપડી. પહેલાં ડૉક્ટરનું ભણ્યા, પછી કાયદો ભણી બૅરિસ્ટર થયા, અખબારોમાં પત્રકાર તરીકે કામ કર્યું, પ્રોફેસર બન્યા, ફ્રેન્ચ રેવલ્યુશન વિશે ઊંડા અભ્યાસ પછી પુસ્તક લખ્યું. દાક્તરી છોડીને વકીલ બન્યા. સરસાહેબ બન્યા પછી બૉમ્બેની  રેકૉર્ડર્સ કોર્ટના જજ નિમાયા. મુંબઈથી સ્વદેશ પાછા ગયા પછી ૧૮૧૩માં ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય બન્યા. ૧૮૧૮થી ૧૮૨૪ સુધી કાયદાના પ્રોફેસર બન્યા. ૧૮૩૦માં તેમની નિમણૂક ‘કમિશનર ફૉર ધ અફેર્સ ઑફ ઇન્ડિયા’ તરીકે થઈ. પણ પછી એક દિવસ ઘરે જમવા બેઠા હતા. ચિકનનો સ્વાદ માણતા હતા, પણ કમનસીબે ચિકનનું હાડકું ગળામાં અટકી ગયું. શ્વાસ બંધ. તાબડતોબ હૉસ્પિટલ લઈ જઈ ઑપરેશન તો કર્યું અને ગળામાં અટકેલું હાડકું કાઢી નાખ્યું, પણ એ પછી તેમણે પથારી ન છોડી. ૧૮૩૨ના મે મહિનાની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. 

આ જજ મૅકિન્ટોશે નામદાર ગવર્નર ડંકનને સૂચન કર્યું કે જે દેશ પર આપણે રાજ કરીએ છીએ એના લોકો, એમનો ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને બીજી કલાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેમાં જેમને રસ હોય એવા અંગ્રેજોની એક મંડળી શરૂ કરવી જોઈએ. આ મંડળીના સભ્યો હિન્દુસ્તાન વિશે અભ્યાસ કરે, એના વિશે ભાષણો કરે, લેખો લખે. ગવર્નરસાહેબને ગળે આ વાત શીરાની જેમ ઊતરી ગઈ અને કહે કે આવો રસ ધરાવતા બધાને ગવર્નર હાઉસમાં બોલાવીને એક મંડળી શરૂ કરીએ. આવા લોકોની યાદી બનાવીને મૅકિન્ટોશને નોતરાં મોકલ્યાં ગવર્નર ડંકને. 

ગવર્નરનાં ટૂંકા આવકાર પછી મૅકિન્ટોશે પોતાની દરખાસ્ત રજૂ કરી. હાજર રહેલા સૌએ એને વધાવી લીધી, પણ કોઈએ પૂછ્યું કે આ મંડળીનું નામ શું રાખીશું? મૅકિન્ટોશે કહ્યું, ‘લિટરરી સોસાયટી ઑફ બૉમ્બે.’ હા, હિન્દુસ્તાનની આ પ્રકારની આ પહેલી સોસાયટી નહોતી. ૨૦ વર્ષ પહેલાં સર વિલિયમ જૉન્સે કલકત્તામાં ધ એશિયાટિક સોસાયટી ઑફ બેન્ગૉલ શરૂ કરી હતી. 
મૅકિન્ટોશે સ્થાપેલી સોસાયટીએ પહેલું કામ કર્યું અગાઉ શરૂ થયેલી લાઇબ્રેરી ખરીદવાનું. ૧૭૮૯માં શરૂ થયેલી એ લાઇબ્રેરીમાં મુખ્યત્વે વૈદક અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ મંડળીના સભ્યો અવારનવાર મૅકિન્ટોશને ઘરે મળતા, પોતાનાં સંશોધનો વિશે ચર્ચા કરતા કે ‘પેપર’ વાંચતા. વાત હિન્દુસ્તાનની કરતા, પણ સોસાયટીમાં કોઈ હિન્દુસ્તાની દાખલ થઈ શકતો નહીં.

સોસાયટી હતી માત્ર ગોરા અભ્યાસુઓ માટે. 

પોતાની જગ્યા વગર સોસાયટી ફૂલીફાલી નહીં શકે એ વાત મૅકિન્ટોશ બરાબર જાણતા હતા. પણ એ માટે યોગ્ય તકની રાહ જોતા હતા. પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને યુરોપના દેશોમાં, નાનાં-મોટાં શહેરોમાં ટાઉન હૉલનું ઘણું મહત્ત્વ. યુરોપનો સૌથી જૂનો ટાઉન હૉલ ઇટલીના રોમમાં બંધાયો હતો ઈ. સ. ૧૧૪૪માં. અલબત્ત, પછીથી વખતોવખત એમાં સુધારા-વધારા થતા રહ્યા. જ્યારે એને લગભગ નવેસરથી બાંધવાનું નક્કી થયું ત્યારે એની ડિઝાઇન બનાવી હતી બીજા કોઈએ નહીં ખુદ માઇકલ ઍન્જેલોએ. મૅકિન્ટોશ બૉમ્બે આવ્યા ત્યાં સુધી જેને ખરા અર્થમાં ટાઉન હૉલ કહી શકાય એવું કશું મુંબઈમાં નહોતું. કોઈક સરકારી મકાનમાં એકાદ મોટો ઓરડો ખાલી પડ્યો હોય તો એને ‘ટાઉન હૉલ’ નામ આપી દેતા. મોટા ભાગે જે મકાનમાં કોર્ટ હોય એ મકાનમાં આવો કોઈ ઓરડો હોય એને ટાઉન હૉલ નામ આપી દેતા.

૧૮૧૧ની ૧૦ ઑક્ટોબરે જજ મૅકિન્ટોશે મુંબઈ સરકારને એક પત્ર લખ્યો : બૉમ્બેમાં વસતા અગ્રણી બ્રિટિશ લોકોની લાગણી અને માગણી રજૂ કરવા આ પત્ર આપને લખી રહ્યો છું. મુંબઈ શહેર બીજી ઘણી બાબતોમાં સમૃદ્ધ છે, પણ અહીં એક બહુ મોટી ખોટ છે. જ્યાં શહેરના લોકોની સભાઓ ભરી શકાય કે જ્યાં તેમને માટે મનોરંજનના કાર્યક્રમો ગોઠવી શકાય એવી જગ્યા એટલે કે ‘ટાઉન હૉલ’ની ખોટ ઘણા લાંબા સમયથી વર્તાય છે. બ્રિટિશ સામ્રાજ્યના એક ઝળકતા તારા જેવા મુંબઈ શહેર માટે આ હકીકત લાંછનરૂપ ગણાય. અત્યારે એવો સમય છે અને એવી તક છે કે જો સરકાર સહાય કરવા તૈયાર થાય તો મુંબઈ જેવા શહેરને શોભે એવો ટાઉન હૉલ બાંધી શકાય. આવો ટાઉન હૉલ બાંધવા પાછળ એક લાખ રૂપિયા (પ્રિય વાચક, આ છાપભૂલ નથી) જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી રકમ કઈ રીતે ઊભી કરવી એ વિશે પણ અમે વિચાર્યું છે.

 ૧. કૉટનગ્રીનમાં માર્ક્વિસ કૉર્નવોલિસનું પૂતળું ઊભું કરવા માટે એક સમિતિ રચાઈ હતી. એ પૂતળું બનાવડાવ્યા પછી સમિતિ પાસે જે રકમ વધી છે એમાંથી તેઓ ટાઉન હૉલની ઇમારત બાંધવા માટે ૨૦,૦૦૦ રૂપિયા આપવા તૈયાર છે. અલબત્ત, એવી શરત સાથે કે એ પૂતળું ટાઉન હૉલમાં મૂકવામાં આવે. 

૨. લિટરરી સોસાયટી ઑફ બૉમ્બે પણ ટાઉન હૉલ બાંધવા માટે ૧૦,૦૦૦ રૂપિયા આપવા તૈયાર છે. અલબત્ત બદલામાં એની ઑફિસ અને લાઇબ્રેરી માટે ટાઉન હૉલમાં જગ્યા ફાળવવાની શરત. 

૩. છેલ્લાં કેટલાંક વર્ષથી મુંબઈ સરકાર કલકત્તા સરકારની ૪૦૦ રૂપિયાની લૉટરી દર વર્ષે ખરીદે છે. આ રકમ કલકત્તા શહેરના વિકાસ પાછળ ખર્ચાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કલકત્તા સરકાર ફક્ત એક વખત એની લૉટરીની આવકમાંથી મહિને ૧૦૦૦ રૂપિયા લેખે ૨૦ મહિનામાં ૨૦,૦૦૦ રૂપિયા રાજીખુશીથી મુંબઈ સરકારને આપશે એમ અમે માનીએ છીએ. ૪. આ ઉપરાંત મુંબઈ સરકાર પણ ઉદારતાપૂર્વક પોતાના ફાળા તરીકે ૧૦,૦૦૦ રૂપિયા આપશે એવી અમે આશા રાખીએ છીએ. અત્યારે જો આટલી રકમની વ્યવસ્થા થઈ જાય તો ટાઉન હૉલનું બાંધકામ તરત જ શરૂ થઈ શકે એમ છે. બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો કરે એવી એની ડિઝાઇન મેજર કૂપર તૈયાર કરી આપશે અને ટાઉન હૉલના બાંધકામ પર પણ તેઓ પોતે દેખરેખ રાખશે. મારી આ દરખાસ્તનો સવેળા જવાબ આપના તરફથી મળશે એવી આશા રાખવામાં હું કોઈ અવિનય કરતો નહીં હોઉં એમ માનું છું. 

મૅકિન્ટોશે આશા રાખી હતી એમ ૧૮૧૧ના ઑક્ટોબરની ૧૫મીએ મુંબઈ સરકારે આ પત્ર વિચારણા માટે હાથ ધર્યો. વિચારણા કર્યા પછી ભલામણ સાથે કલકત્તાના ફોર્ટ વિલિયમ ખાતે ગવર્નર જનરલને મોકલી આપ્યો (એ વખતે કલકત્તા સરકારના વડા હિન્દુસ્તાનના ગવર્નર જનરલનો હોદ્દો પણ ધરાવતા અને બૉમ્બે અને મદ્રાસના ગવર્નર તેમના હાથ નીચે ગણાતા). ૧૮૧૧ના ડિસેમ્બરની ૧૦મીએ મુંબઈ સરકારને જવાબ આપતા પત્રમાં ગવર્નર જનરલે લખ્યું કે આપની દરખાસ્ત પર અમે પૂરેપૂરી સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો છે, પણ અત્યારે દર મહિને જેટલી લૉટરીની ટિકિટ વેચાય છે એના કરતાં વધુ ટિકિટ વેચી શકાય એમ અમને લાગતું નથી. અને એટલે બૉમ્બેના ટાઉન હૉલના બાંધકામ માટે અમે કોઈ રકમ ફાળવી શકીએ એમ નથી. 

કલકત્તા સરકારે પૈસા આપવા વિશે નનૈયો ભણી દીધો છે એ ખબર ફેલાયા પછી ૧૮૧૨ના એપ્રિલની ૧૧મી તારીખે મેસર્સ ફૉર્બ્સ ઍન્ડ કંપની અને મેસર્સ બ્રૂસ ફોસેટ ઍન્ડ કંપનીએ સાથે મળીને મુંબઈ સરકારને એક પત્ર લખીને ટાઉન હૉલના ખર્ચને પહોંચી વળવા માટે લૉટરી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી. દર મહિનાની પહેલી તારીખે ૧૦૦ રૂપિયાની કિંમતની ૨૪૦૦ લૉટરી બહાર પાડવી અને એમાંથી પહેલું ઇનામ એક લાખ રૂપિયાનું (એ વખતે ઘણી મોટી રકમ) અને બીજાં ઓછી રકમનાં ઇનામ આપ્યા પછી બાકીની બધી રકમ ટાઉન હૉલના બાંધકામ માટે વાપરવી. 
આ દરખાસ્ત વિશે વિચાર કર્યા પછી મુંબઈ સરકારે બે વર્ષ માટે એ સ્વીકારી અને લૉટરીના આયોજન પર દેખરેખ રાખવા વિલિયમ ટેલર મની, રિચર્ડ ટોરિન, ઓ. વુડહાઉસ, જેમ્સ ગાથર્ન રૅમિંગ્ટન, જૉન કે અને વિલિયમની કમિશનર્સ તરીકે નિમણૂક કરી. અલબત્ત, સરકારે ઇનામોની સંખ્યામાં થોડો ઘટાડો કર્યો. પહેલી લૉટરીને ધાર્યા કરતાં ઘણી વધુ સફળતા મળી. એટલે થોડા વખત પછી બીજી વખત લૉટરી બહાર પડાઈ, પણ એ દરમ્યાન સરકારના જ કેટલાક અધિકારીઓએ નૈતિક કારણોને લીધે સરકાર લૉટરી બહાર પાડે એની સામે વાંધો લીધો, તો કેટલાકે લૉટરીના ખર્ચા વિશેના હિસાબો વિશે શંકા વ્યક્ત કરી. ખાસ્સી લાંબી ચાલેલી ચર્ચાના અંતે લૉટરી માટે રચાયેલી કમિટીએ છાપામાં જાહેરખબર છપાવીને લૉટરી ખરીદનારાઓને પૈસા પાછા આપી દીધા. એટલે ટાઉન હૉલ બાંધવાની દરખાસ્ત હતી ત્યાંની ત્યાં રહી ગઈ. 

તો પછી ટાઉન હૉલ બંધાયો કઈ રીતે? એની વાત હવે પછી.

columnists mumbai news mumbai deepak mehta whats on mumbai things to do in mumbai lifestyle news life and style