પોતાની ધરોહર ભૂલેલી આજની પેઢી ધોબીના કૂતરાની જેમ ન ઘરની છે ન ઘાટની

25 July, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણી ધરોહર માટે ગૌરવનો પાયો નાખનાર શિક્ષણસંસ્થાઓ એક ધંધામાં બદલાઈ ગઈ છે. શિક્ષકોની માનસિકતા ‘મારે શું’માં અટવાયેલી પડી છે. વાલીઓ ઘેટાદોડમાં ફસાયેલા છે ત્યારે નવી પેઢીનું શું?

પ્રતીકાત્મક તસવીર

કોઈ એક દેશ જ્યારે પોતાની આગવી સંસ્કૃતિ, ઓળખ ખોઈ દે ત્યારે એ દેશનું પતન નિશ્ચિત છે. દુનિયામાં આજે કેટલાય દેશો પોતાની આગવી ઓળખ સાચવી રાખવા યુદ્ધ લડી રહ્યા છે, જ્યારે આપણે સામેથી જ આપણી પ્રાચીન સનાતન એવી ઓળખને ગુમાવવા નીકળી પડ્યા છીએ. આઝાદીનાં ૭૭ વર્ષે પણ આપણે હજી માનસિક ગુલામીમાંથી બહાર નથી આવ્યા. કહેવાય છે કે કોઈ એક દેશનો પાયો એની શિક્ષણસંસ્થાઓ નાખે છે. આપણો પાયો કાચો છે એટલે જ યુવાનો જેમને આપણે આપણું બ્રેઇન ગણાવી શકીએ તેઓ વિદેશોમાં ફક્ત ઉચ્ચ અભ્યાસ માટે જ જતા નથી, ત્યાંના થઈને રહી જાય છે. કેવું ગાંડપણ સમાજનું? આત્મગૌરવ જેવું કંઈ જ નહીં? બધું જ ફક્ત દેખાડવાના પરપોટા જેવું. વાલી, શિક્ષક, સંચાલક બધા એક જ દિશામાં? સાચો રસ્તો સમજાવનાર કોઈ નહીં? આપણે બધું જ વિદેશી અનુકરણ કરવું છે. ભાષામાં, કપડાંમાં, ખાવામાં, પીવામાં બધે જ. એનર્જી માટેનું ​ડ્રિન્ક પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે.

આપણી ધરોહર માટે ગૌરવનો પાયો નાખનાર શિક્ષણસંસ્થાઓ એક ધંધામાં બદલાઈ ગઈ છે. શિક્ષકોની માનસિકતા ‘મારે શું’માં અટવાયેલી પડી છે. વાલીઓ ઘેટાદોડમાં ફસાયેલા છે ત્યારે નવી પેઢીનું શું? એ તો ધોબીના કૂતરા ન ઘરના, ન ઘાટના. આ બધામાં આશાનું એક કિરણ દેખાય છે નવી એજ્યુકેશન પૉલિસી, જ્યાં ડિગ્રી કરતાં આવડતનું મહત્ત્વ છે. આપણી માતૃભાષા, સંસ્કૃતિ, ધરોહર સાચવવાની આ પહેલ છે.

આજની તારીખમાં સમાજને ખબર જ નથી કે માતૃભાષાની સ્કૂલોમાં કેવા-કેવા બદલાવ આવ્યા છે. આંખ ખોલીને જોઈએ તો આંખો ખુલ્લી જ રહી જાય એવી પાયાકીય સુવિધાવાળું મકાન, દરેક વર્ગ સુંદર સુશોભિત કરેલા, ઈ-લર્નિંગ માટે પ્રોજેક્ટર, સ્માર્ટ ટીવી, દરેક વિદ્યાર્થી માટે કમ્પ્યુટર. નાનાં બાળકો જ્યારે પોતાની જાતે કમ્પ્યુટર પર ગુજરાતી વાર્તા હેડફોન નાખીને સાંભળે અને સાથે વાંચે ત્યારે કહેવાનું મન થાય કે કદાચ કોઈ કહેવાતી હાઇ-ફાઇ વિદેશી ભાષાની સ્કૂલમાં પણ આવી સગવડ નહીં હોય. તો સમાજની આંખ ક્યારે ઊઘડશે?

જે લાખો રૂપિયા ખર્ચીને પણ ન મળે એ આજકાલ આપણી માતૃભાષાની ઘણી સ્કૂલોમાં મામૂલી ફીમાં મળે છે તો અટકે છે ક્યાં? કારણ કે આ વાત તેમના સુધી પહોંચતી જ નથી. આ વાત જો વ્યવસ્થિત તેમના સુધી પહોંચાડવામાં આવે તો પરિવર્તન લાવી શકાય. દરેકે આવા સંદેશવાહક બનીને ભાવિ પેઢીને, ભારતના ભવિષ્યને સાચા માર્ગે લઈ જવા પોતાનો ફાળો આપવો જોઈએ. 
શું તમે તૈયાર છો?

 

- ભાવેશ મહેતા (માતૃભાષાની સ્કૂલોના ઉત્કર્ષ માટે કાર્યરત ભાવેશ મહેતા મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક ટ્રસ્ટી છે.)

columnists