16 April, 2025 08:31 AM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
કોલંબસે ઈ. સ. ૧૪૯૨માં અમેરિકા ખંડની ખોજ કરી અને યુરોપ અને ઇંગ્લૅન્ડના લોકોએ એ નવા દેશમાં દોટ મૂકી. પછી ચીનાઓએ, જૅપનીઝ, મેક્સિકનો અને વિશ્વના અન્ય દેશના લોકોએ એ તક અને છતના દેશમાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીયોનું પણ અમેરિકા પ્રત્યેનું આકર્ષણ અનહદ વધી ગયું છે.
અમેરિકામાં કાયમ રહેવું હોય તો ગ્રીન કાર્ડ મેળવવાની જરૂરિયાત રહે છે અને એ માટે ઇમિગ્રન્ટ વીઝા મેળવવા પડે, જે ઇમિજેયેટ રિલેટિવ કૅટેગરી, ચાર જુદી-જુદી ફૅમિલી તેમ જ એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી, વીઝા લૉટરી, મિલિટરીમાં ભરતી તેમ જ રેફ્યુજી સ્ટેટસ યા અસાઇલમ આ સર્વે હેઠળ મળી શકે છે. અમેરિકાની ધરતી ઉપર જન્મ લેવાથી પણ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. પણ આ બધા માટે ક્વોટા હોય છે યા તો અમુક લાયકાતોની જરૂરિયાત રહે છે અને અરજીઓ પુષ્કળ થતી હોવાથી એકથી માંડીને પચાસ વર્ષ સુધી વાટ જોવાની રહે છે.
૧૯૯૦માં અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડ મેળવવા માટે એક વધુ રસ્તો દાખલ કર્યો. અમેરિકાના નવા બિઝનેસમાં દસ લાખ પચાસ હજાર યા આઠ લાખ ડૉલરનું EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતાં પણ અમેરિકામાં કાયમ રહી શકાય ત્યાંનું ગ્રીન કાર્ડ મળી શકે એવો કાયદો દાખલ કર્યો. રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાનો આ રસ્તો ધીરે-ધીરે પ્રચલિત થયો.
હવે બીજી વાર ચૂંટાયેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલાં એવું જાહેર કર્યું છે કે તેઓ આ રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાનો EB-5 પ્રોગ્રામ રદ કરશે અને એને બદલે જે કોઈ પણ પરદેશી અમેરિકાની સરકારને રોકાણ નહીં, પણ રૂપિયા ૪૨,૭૬,૫૦,૦૦૦ આપી દેશે એ પરદેશીને અને તેની સાથે-સાથે તેની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે. તેમણે ત્યાર બાદ એવી પણ જાહેરાત કરી કે આ રૂપિયા ૪૨,૭૬,૫૦,૦૦૦ આપવા અને અમેરિકાનું ગ્રીન કાર્ડ ખરીદવા અનેક લોકો તૈયાર છે કારણ કે આટલા પૈસા આપીને ગ્રીન કાર્ડ ખરીદનારને તેની અમેરિકા સિવાય વિશ્વમાં બીજે કશે પણ આવક હોય તો એના પર અમેરિકામાં ટૅક્સ ભરવો નહીં પડે.
સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર અનેક પરદેશીઓ ડોનલ્ડ ટ્રમ્પના આ પ્રોગ્રામ, જેને તેમણે ‘ગોલ્ડ કાર્ડ’ એવું નામ આપ્યું છે, એમાં આટલા પૈસા આપવા તૈયાર થયા હશે? શું આટલી અધધધ રકમ આપીને પરદેશીઓ અમેરિકાનું આ ‘ગોલ્ડ કાર્ડ’ ખરીદશે?
વિશ્વના અબજોપતિ ભલે આ ગોલ્ડ કાર્ડ ખરીદે પણ સામાન્ય લોકો જેમણે EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવું હોય તેમણે ૨૦૨૬ની ૩૦ સપ્ટેમ્બર પહેલાં રોકાણ કરીને તેમના લાભ માટે ગ્રીન કાર્ડનું EB-5 પ્રોગ્રામ હેઠળ પિટિશન દાખલ કરાવી દેવી જોઈએ જેથી એ અપ્રૂવ્ડ થતાં તેમને નક્કી ગ્રીન કાર્ડ મળી શકે.