21 August, 2026 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સમજી જાઓ, આ તો હજી માત્ર શરૂઆત છે
હમણાં અચાનક એક દિવસ OTT પર એક વેબ-સિરીઝનો એક એપિસોડ જોવાનું બન્યું. ‘ગ્રામ ચિકિત્સાલય’ નામની એ સિરીઝમાં ગામના એક ભ્રષ્ટાચારી ડૉક્ટર, સરપંચ અને નેતાની સાઠગાંઠથી ત્યાંના સરકારી દવાખાનાને મળતી રાહતોનો ગેરલાભ ઉઠાવાય છે અને ગ્રામ ચિકિત્સાલય માત્ર નામનું જ રહી ગયું છે. જોકે એ પરિવેશમાં એક પ્રામાણિક અને સેવાભાવી શહેરી ડૉક્ટરની ત્યાં નિમણૂક થાય છે. તે નિષ્ઠાથી અને પોતાની પ્રતિભાથી ગ્રામજનોને યોગ્ય તબીબી સેવા આપવા તત્પર છે અને પોતાના સ્ટાફને પણ ગ્રામજનોના ઇલાજ માટે એ રીતે તાલીમ આપે છે. જોકે તેના માર્ગમાં એટલા બધા અવરોધો અને મુસીબતો ખડાં કરવામાં આવે છે કે દૃઢ નિર્ધાર વગરની વ્યક્તિ તો મેદાન છોડીને ભાગી જાય, પરંતુ તે ડૉક્ટર ચિકિત્સાલયને કાર્યશીલ બનાવી લોકોની આરોગ્ય સંબંધી તકલીફો દૂર કરવા દિવસ-રાત મહેનત કરે છે. પેલી ટોળકીએ મોટા ભાગના ગામવાસીઓને ભોળવી-પટાવીને એવા તો પોતાના કબજામાં રાખ્યા છે કે તે લોકો પણ તેમના હિતેચ્છુ ભલા ડૉક્ટરને તગેડી મૂકવાના ટોળકીના પ્રયાસોમાં સાથ આપે છે. અલબત્ત, કથાના અંતે તો તે ભલા ડૉક્ટરની શુભ નિષ્ઠા અને મહેનતનો તથા તેનામાં ભરોસો રાખનારા ગણ્યા-ગાઠ્યા ગામવાસીઓના ભરોસાની જીત થાય છે.
એ સિરીઝ જોતી હતી એ જ વખતે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના નવા મુખ્યાધિકારી તુકારામ મુંઢે નજર સામે આવી ગયા. તેમના ફૂડ અને ડ્રગના વ્યવસાયમાં રહેલા એકમો પરના સપાટાના સમાચારો અખબારો અને અન્ય મીડિયામાં ચમકતા રહે છે. ખાદ્ય સામગ્રી બનાવનાર, વેચનાર, ઘરે પહોંચાડનાર કે અન્ય કોઈ પણ રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે તુકારામ મુંઢે ‘માથાનો દુખાવો’ બની રહ્યા છે, કેમ કે આ પ્રામાણિક અધિકારી આ ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે ગંદકી સહી લેવા કે ચલાવી લેવા તૈયાર નથી. છેલ્લા એક-બે મહિનામાં લોકોના સ્વાસ્થ્યને જોખમાવતા આવા કેટલાય એકમોનાં કામકાજ તેમણે અટકાવી દીધાં છે અને લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં છે. મુંબઈનાં નામી આઇસક્રીમ પાર્લર્સ, રેસ્ટોરાં, વગદાર હોટેલો કે મોટી-મોટી કૅન્ટીનોમાં ફૂડ-સેફ્ટીનાં પગલાંઓની ચકાસણી ચુસ્ત ધોરણો અનુસાર સતત કરાઈ રહી છે અને જ્યાં પણ કાયદા અને નિયમો સાથે બાંધછોડ થતી દેખાય ત્યાં કોઈની પણ શેહ રાખ્યા વગર ભલભલા એકમો સામે પગલાં લેવાઈ રહ્યાં છે. તેમની સામે વધુ પડતા કડક હોવાનો આક્ષેપ થાય છે, પરંતુ મુંઢેસાહેબ કહે છે કે લોકોના આરોગ્ય સાથે થતી કોઈ પણ છેડછાડ નાની નથી. તેમની વાત સાચી છે. જે ખાદ્ય સામગ્રીઓ આપણે હોંશે-હોંશે ચપટી વગાડતાં ઘેરબેઠાં મગાવીને ખાઈએ છીએ એ કેવી જગ્યાએ બનાવવામાં આવે છે અને કેવી રીતે આપણા સુધી પહોંચાડાય છે એ જોઈએ તો કમકમાં આવી જાય. અરે, ક્યાંક તો ખુલ્લી ગટરની પાસે જ વાનગીઓ બનાવવામાં આવતી હતી. ગંદાં-ગોબરાં કિચન્સ, સરખાં સાફ ન કરાયેલાં કે અધખુલ્લાં વાસણોમાં રાખેલી સામગ્રીઓ જેના પર જીવજંતુઓ ઘૂમરાતાં હોય, કટાયેલાં કન્ટેનર્સમાં કે સ્ટોરહાઉસમાં ખડકાયેલાં ફૂડ-પૅકેટ્સ, એક્સ્પાયર થઈ ગયેલી ફૂડ-આઇટમ્સનાં લેબલ બદલાવીને ફરી બજારમાં વેચાણ... આવી તો જાત-જાતની જાણકારી FDAની રેઇડ્સમાં બહાર આવી. ઘરમાં આગલા દિવસે બનાવેલાં થેપલાં કે પરાઠા ખાવામાં કચકચ કરનારા, પ્રોટીન ખાવાની લાયમાં રોજ પનીરનાં પૅકેટ મગાવીને ખાનારા ચાંપલાઓ કેટલી ગંદકીમાં બનતા ગુણવત્તાવિહોણા આહારને આંખ મીંચીને પેટમાં પધરાવે છે એ જોઈને ખરેખર ધ્રૂજી જવાય છે. ખાનારના સ્વાસ્થ્ય માટે સ્લો પૉઇઝન પુરવાર થઈ શકે એવી આ ફૂડ-આઇટમ્સ સામે તુકારામ મુંઢેએ લાલ આંખ કરી છે. તેમને લોકો બહુ કડક કહે છે, પણ પોતાના નફા માટે જનતાના સ્વાસ્થ્ય કે સલામતીને જોખમમાં ધકેલી દેનારા લોકોને તેઓ ચેતવણી આપે છે કે સમજી જાઓ અને સુધરી જાઓ, બાકી આ તો શરૂઆત માત્ર છે.
ગુટકા કે પાનમસાલા જેવી ચીજો મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે એની જાણ આપણામાંથી મોટા ભાગના લોકોને કદાચ નહીં હોય, મુંઢેજીની મુલાકાત લઈ રહેલા ટીવી-ચૅનલના પત્રકારને પણ નહોતી. આ જ સંદર્ભે FDA દ્વારા બૉલીવુડના ૩ પ્રખ્યાત કલાકારોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ટીવી પર કોઈ પણ કાર્યક્રમ જોતા હો ત્યારે થોડી-થોડી વારે આવીને મુઠ્ઠા ભરી-ભરીને કેસર ઉડાડતા આ કલાકારોને જોઉં ત્યારે મને ભારે અકળામણ થાય છે. એ જાહેરખબર સંદર્ભે જ એ ત્રણેયને ટપારવામાં આવ્યા છે. પ્રતિબંધિત વસ્તુઓની આડકતરી રીતે કરાતી જાહેરખબરોને કાયદાની ભાષામાં સરોગેટ ઍડ્વર્ટાઇઝમેન્ટ કહેવાય છે. આ જાહેરખબર પણ એ જ કક્ષામાં આવે છે. એટલું જ નહીં, કોઈ પણ જાહેરખબરમાં ખોટા દાવાઓ (અઠવાડિયામાં વાળ ઉગાડી દેતી કે ૧૦ દિવસમાં સાગના સોટા જેવી પાતળી કાયા બનાવી દેતી જાહેરખબરો) કરાયા હશે તેમની સામે પણ FDA આમ જ શસ્ત્ર ઉગામશે.
દેખીતું છે કે જેમના સ્વાસ્થ્યની કાળજી કરીને FDA આ પગલાં લઈ રહી છે તેઓ તો મુંઢેની હિંમતને બિરદાવે છે, પરંતુ જે એકમો પર તેમનો સપાટો બોલે છે તેઓ તો ભારે બેચેન છે અને કેટલાક એકમો તો અદાલતમાં પણ પહોંચી ગયા છે. બૉમ્બે હાઈ કોર્ટમાં FDA વિરુદ્ધ કેટલીક ફરિયાદો દાખલ કરાઈ છે. અદાલતે FDAની કાર્યવાહીને બિરદાવવા છતાં ટકોર કરી છે કે આ વધુ પડતું થઈ રહ્યું છે. એક એકમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું તેણે પોતાની ભૂલો સુધારીને FDAના નિયમો અનુસાર કામ કરવાનું શરૂ કરી દીધું એમ છતાં એનું સસ્પેન્શન ઉઠાવી લેવાયું નહોતું. એ માટે એણે પોતાનો ધંધો બંધ રહેવાને કારણે થયેલા નુકસાન માટે FDA સામે દાવો માંડ્યો હતો. એ કિસ્સામાં મુંબઈ હાઈ કોર્ટે FDAને એ એકમને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપતો ચુકાદો આપ્યો છે. આવા કિસ્સામાં કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ ખોટું કરનારાઓને સીધા માર્ગે લાવવાની રફતારમાં કોઈ ફેર પડવાનો નથી એવાં એંધાણ હાલ તો મળે છે. જનતાએ પણ પોતાની વિવેકબુદ્ધિ વાપરીને પોતાના સ્વાસ્થ્ય પરત્વે જાગૃત રહેવું જરૂરી છે.