05 May, 2025 01:28 PM IST | Mumbai | Heena Patel
અધાતા ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટિઝનો પાસેથી કરાવવામાં આવી રહેલી આર્ટ-ક્રાફ્ટની ઍક્ટિવિટી.
આપણે બધાએ એક વસ્તુ ઑબ્ઝર્વ કરી હશે કે સિનિયર સિટિઝનો ખૂબ બોલકા હોય છે. તમારી સાથે વાત કરવાનું શરૂ કરી દે તો તેમની વાતો ખતમ જ ન થતી હોય. તેમને સતત બોલવાનું મન થયા કરે. તેમને એવી ઇચ્છા રહેતી હોય છે કે તેમને કોઈ સાંભળે. જોકે શું તમે ક્યારેય એ વસ્તુનો ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે કે આવું શું કામ થાય છે?
ઘણી વાર એવું થતું હોય છે કે આપણે બહાર ગયા હોઈએ ત્યારે કોઈ ઓળખીતા સિનિયર સિટિઝન મળી ગયા હોય અને તેઓ આપણી સાથે ઉત્સાહથી વાતો કરવા લાગે. એવામાં ઘણી વાર આપણે મૂડમાં ન હોઈએ કે સમય ન હોય તો મનમાં એમ વિચારવા લાગીએ કે આમની વાતો પૂરી થાય તો સારું અથવા ત્યાંથી છટકવાનું વિચારીએ. ઘણી વાર આપણે બસમાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે પણ એવું થાય કે કોઈ અજાણ્યા સિનિયર સિટિઝન બાજુમાં બેઠા હોય તો તેઓ આપણી સાથે વાતો કરવાનું શરૂ કરી દે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે સિનિયર સિટિઝનો હંમેશાં વાત કરવા માટે લોકો કેમ શોધતા રહેતા હોય છે? કોઈ દિવસ તેમને સમજવાનો પ્રયત્ન કર્યો છે? સિનિયર સિટિઝનના આવા વર્તાવ પાછળ ઘણાં કારણો રહેલાં છે જે સમજવાની જરૂર છે. તો જ કદાચ આપણે તેમની સાથે આત્મીયતાપૂર્વક વર્તી શકીશું, ફક્ત તેમની વાતો સાંભળવા કરતાં તેમને સમજી શકીશું.
ડિગ્નિટી ફાઉન્ડેશનના સેન્ટરમાં યોગ અને ડાન્સ કરી રહેલા સિનિયર સિટિઝનો.
એક સિનિયર સિટિઝન બીજા સિનિયર સિટિઝનનું દર્દ સારી રીતે સમજી શકે છે. એટલે જ પોતાની અને અન્ય સિનિયર સિટિઝનોની વ્યથાને વાચા આપતાં અંધેરીમાં રહેતા અને પદ્માવતી માનવ સેવા ટ્રસ્ટ ચલાવતા ૭૨ વર્ષના વિશ્રામ ભાનુશાલી કહે છે, ‘૨૦૧૮માં મારી પત્ની પદ્માનું હાર્ટ-અટૅકથી અચાનક નિધન થઈ ગયેલું. ૪૦ વર્ષ જે તમારી જીવનસાથી રહી હોય, જેણે તમારા સુખદુખમાં સાથ આપ્યો હોય અને જીવનની પાછલી વયે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ તે છોડીને ચાલી જાય ત્યારે જીવન એકલતામાં સરી પડે. આપણાં સંતાનો હોય, પણ તે લોકો તેમના કામમાં અને જવાબદારીઓમાં વ્યસ્ત હોય. જીવનસાથીની જે ખોટ હોય એ કોઈ ન પૂરી શકે. તમારી સાથે તે વ્યક્તિ ૨૪ કલાક રહેતી હોય, સાજા-માંદા હો તો ધ્યાન રાખે, આપણે તેની સાથે વાતો કરી શકીએ, ઝઘડી શકીએ, હરવા-ફરવા જઈ શકીએ એટલે તેમની સાથે દિવસ ક્યાં પસાર થઈ જાય એ ખબર ન પડે. મારી પત્નીના નિધન પછી જીવન એકદમ બદલાઈ ગયેલું અને બહુ એકલવાયું લાગવા લાગેલું. એટલે મેં પછી પોતાની જાતને વ્યસ્ત રાખવા સેવાનાં કામો કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે મને લોકો પાસેથી મદદ મળવા લાગી. શહેરની હૉસ્પિટલોની બહાર ફૂડ-ડિસ્ટ્રિબ્યુશનનું કામ શરૂ કર્યું. સેવાભાવી કામને આગળ વધારતાં અનાથાશ્રમમાં જવાનું શરૂ કર્યું. અહીં મેં એવા વડીલોને જોયા જેમને સંતાનો છે, સારા પરિવારમાંથી આવે છે છતાં સંતાનો તેમને સાચવવા તૈયાર નથી. ઘરની વહુ સાસુ-સસરાની સેવા કરવા ઇચ્છતી ન હોય, કોઈનો પતિ ગુજરી ગયો હોય અને સાચવવાવાળું બીજું કોઈ ન હોય અથવા તો સંતાનો બધાં વિદેશમાં સેટલ હોય અને અહીં ધ્યાન રાખવાવાળું કોઈ ન હોય તો આ બધાં કારણોથી તેઓ અનાથાશ્રમમાં રહેતા હોય છે. પરિવારના લોકો તેમને અહીં મૂકીને ભૂલી જતા હોય છે; પણ સિનિયર સિટિઝનો હંમેશાં તેમના પરિવારને યાદ કરતા હોય છે, તેમની સાથે વાતો કરવા માટે તરસતા હોય છે, પોતાના સ્વજનની ઝંખના રાખતા હોય છે. એવામાં હું અનાથાશ્રમમાં વિઝિટ કરું છું ત્યારે ત્યાંના વૃદ્ધો ખૂબ ખુશ થઈ જાય છે. તેઓ તેમના જીવનના કિસ્સાઓ આપણી સાથે શૅર કરે, વાતો કર્યા પછી તેમને જે સંતોષ થાય એ આપણે તેમના ચહેરા પર જોઈ શકીએ. હું અનાથાશ્રમમાં જઈને લોકોનું દુખ જોઉં છું ત્યારે મને મારું દુખ ઓછું લાગવા લાગે છે. મારા એવા મિત્રો અને ઓળખીતાઓમાં પણ ઘણા એવા સિનિયર સિટિઝનો છે જેઓ જીવનમાં સાવ એકલા છે. દીકરા-વહુ હોય પણ તેમની ઇજ્જત કરતાં ન હોય અને તેમને નકામા અને બોજરૂપ સમજતાં હોય, તેમની સાથે સરખા મોઢે વાત પણ ન કરતાં હોય. એટલે આવા સિનિયર સિટિઝનને કોઈ એટલું પણ પૂછી લે કે દાદા કેમ છો? મજામાંને? તબિયત તો મજામાં છેને? તો પણ તેમને બહુ ખુશી થતી હોય છે. કોઈ તેમની સાથે ભાવુકતાથી વાત કરે તો પણ તેઓ રડી પડતા હોય છે.’
વડીલો કેમ એકલા પડી જાય છે?
સિનિયર સિટિઝનોને કયાં કારણોથી એકલવાયું લાગ્યા કરે છે? શા માટે તેમને એમ લાગવા માંડે છે કે તેમની પાસે વાતો કરવા માટે કોઈ નથી? આનો જવાબ આપતાં વડીલો માટે કામ કરતી સંસ્થા ડિગ્નિટી ફાઉન્ડેશનના સિનિયર ઑપરેશન્સ મૅનેજર ફઝિલત બીવીજી કહે છે, ‘મુંબઈ જેવા શહેરમાં મોટા ભાગના સિનિયર સિટિઝનો એવા છે જેમનાં સંતાનો જૉબમાં બિઝી હોય છે, બીજા શહેરમાં કે વિદેશમાં પણ રહે છે. કોઈ સિનિયર સિટિઝનનાં સંતાનો એવાં હોય છે જેઓ લગ્ન પછી માતા-પિતાથી અલગ રહેતાં હોય છે. ઘણી વાર વૃદ્ધ પતિ-પત્ની જ રહેતાં હોય અને એમાં પણ કોઈ એક જીવનસાથી ગુજરી જાય ત્યારે તેઓ એકલા પડી જતા હોય છે. ઉપરથી આજકાલ બધે જ ફ્લૅટ સિસ્ટમ છે એટલે પાડોશી સાથે પણ વાતચીત કરવાનું થાય નહીં. આજના ટેક્નૉલૉજીના જમાનામાં તમે ઘેરબેઠાં પણ બીજા સાથે કનેક્ટ થઈ શકો, પણ ઘણા સિનિયર સિટિઝનોને એનું નૉલેજ હોતું નથી એટલે આ બધાં કારણોથી તેઓ એકલવાયું જીવન જીવવા માટે મજબૂર થઈ જતા હોય છે. ઘણી વાર પરિવાર સાથે રહેતા હોય તે સિનિયર સિટિઝનને પણ એકલું લાગતું હોય છે. ઘરના બધા જ સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય, પણ તેમની પાસે કરવા માટે કોઈ કામ હોતું નથી. ઘરનું કે બહારનું થોડુંઘણું કામ કરી પણ લે એમ છતાં દિવસનો ખાસ્સો સમય તેમની પાસે ફ્રી હોય છે. તેમની સાથે વાત કરવા કે સમય પસાર કરવા માટે કોઈ અવેલેબલ ન હોય, કારણ કે બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. અમારે ત્યાં આવતા સિનિયર સિટિઝનોમાં અમે જોયું છે કે તેમની પ્રાઇમરી નીડ એ જ હોય કે તેમને પોતાની વાતો શૅર કરવી હોય છે. સિનિયર સિટિઝનને એવું હોય કે હું પણ પરિવારમાં કંઈક યોગદાન આપું. આ ઉંમરે હવે તેઓ કમાઈને પૈસા આપી શકવાના નથી કે નથી બીજા કોઈ કામમાં મદદ કરાવી શકવાના. એટલે તેમને એમ હોય કે મારી પાસે વર્ષોનો અનુભવ છે, જ્ઞાન છે એ હું બીજા સાથે શૅર કરીને મદદ કરું. બીજી બાજુ જનરેશન ગૅપને કારણે આપણને એવું લાગે કે તેઓ ખોટાં સલાહસૂચનો આપ્યા કરે છે, એકની એક વાત સો વાર રિપીટ કર્યા કરે છે, કચકચ કર્યા કરે છે એટલે તેમને અવગણવામાં આવે છે કે તેમની સાથે વાત કરવાનું ટાળવામાં આવે છે. પરિણામે આવા સિનિયર સિટિઝનો બહારના લોકો સાથે વાત કરવાનો મોકો શોધતા હોય છે. તેમનો આશય એટલો જ હોય છે કે લોકો તેમને સાંભળે.’
ખાલી સમયમાં શું કરવું?
સિનિયર સિટિઝનોના જીવનમાં આવતી એકલતા પર વધુ પ્રકાશ પાડતાં વડીલો માટે કામ કરતા બિનસરકારી સંગઠન અધાતાનાં CEO ક્લારા ડિસોઝા કહે છે, ‘આજે જે સિનિયર સિટિઝનો છે એ લોકો પણ એક જમાનામાં યંગ હતા. તેમના મિત્રો હતા, નોકરી કરતા તો ત્યાં કલીગ હતા, સંતાનો-સગાંસંબંધીઓ સાથે પણ સમય વ્યતીત થતો. રોજનું એક ફિક્સ શેડ્યુલ હતું એટલે દિવસ વ્યસ્તતામાં ક્યાં ખતમ થઈ જાય એ ખબર ન પડે. હવે જ્યારે નિવૃત્તિ લેવાનો સમય આવે છે ત્યારે નોકરીની સાથે ઘણાબધા સંબંધો પણ પાછળ છૂટી જાય છે. સંતાનો પણ મોટાં થઈ ગયાં હોય એટલે એ લોકો પણ તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં હોય. એટલે વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન એકદમ બદલાય છે. તેમને ખબર પડતી નથી કે ખાલી સમયમાં હવે શું કરવું? વૉક પર જવું, ટીવી જોવું કે ન્યુઝપેપર વાંચવું આ બધી ઍક્ટિવિટી પણ થોડા સમય માટે કરી શકે. એમાં કંઈ આખો દિવસ થોડો પસાર થાય. તેમને મન થાય કે તેઓ સંતાનો સાથે સમય પસાર કરે, તેમની સાથે વાતો કરે, હરે-ફરે; પણ સંતાનો પાસે પેરન્ટ્સ માટે સમય હોતો નથી. પૌત્ર-પૌત્રી હોય તો એ લોકો પણ હોમવર્ક અને ક્લાસિસમાં બિઝી હોય. એટલે પછી તેમને એકલવાયું લાગવા લાગે. એમ લાગે કે મારા માટે કોઈની પાસે સમય જ નથી. એટલે તેઓ હંમેશાં મોકો શોધતા રહેતા હોય કે તેમને વાત કરવા મળે.’
અધાતા ટ્રસ્ટનાં CEO ક્લારા ડિસોઝા.
શું થઈ શકે?
સિનિયર સિટિઝનોની એકલતા દૂર કરવા માટે એ દિશામાં શું કામ થઈ રહ્યું છે એ વિશે માહિતી આપતાં ક્લારા ડિસોઝા કહે છે, ‘આગામી આઠ-દસ વર્ષમાં સિનિયર સિટિઝનોની સંખ્યા ત્રણગણી વધવાની છે. એની સામે તેમનું એકલવાયું જીવન દૂર કરવાની જે પણ હાલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે એ ન બરાબર છે. અધાતા જેવાં અમુક ઑર્ગેનાઇઝેશન છે જે આ દિશામાં કામ કરી રહ્યાં છે. જેમ કે મુંબઈની વાત કરીએ તો અહીં અમારાં ૧૫ જેટલાં વેલબીઇંગ સેન્ટર છે. આ સેન્ટરના માધ્યમથી અમે તેમને ડાન્સ, મ્યુઝિક, આર્ટવર્ક કરાવીએ છીએ અને માઇન્ડ-ગેમ્સ રમાડીએ છીએ. આનાથી તેમને એ ફાયદો થાય કે તેમની નવી સોશ્યલ લાઇફ બને તથા તેઓ ફિઝિકલી ઍક્ટિવ અને બ્રેઇનની પણ એક્સરસાઇઝ થઈ જાય. એ સિવાય એવા સિનિયર સિટિઝનો છે જેઓ સાવ એકલા રહે છે. એ લોકોનું જીવન તો હજી વધારે એકલવાયું હોય છે. કોઈ સામાજિક પ્રસંગમાં જતાં પણ તેઓ ખચકાતા હોય છે. એટલે આવા લોકો જ્યારે અમારા સેન્ટર સાથે જોડાય છે ત્યારે ખાસ તેમના માટે અમે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ એટલે તેમને એ બહાને રેડી થવાનો, તહેવારનો આનંદ માણવાનો મોકો મળે. હજી થોડા સમય પહેલાં જ અમે તેમને નવી મુંબઈમાં માં ફ્લૅમિંગો જોવા લઈ ગયેલા. એ લોકો જો એકલા હોત તો કદાચ ફરવા ન પણ જાત. આ બધી ઍક્ટિવિટીઝ અને ફંક્શન્સના આયોજનથી બધા જ સિનિયર સિટિઝનોને એકબીજાને ઓળખવાનો, મિત્રતા કરવાનો મોકો મળે. એ રીતે તેમનું સામાજિક વર્તુળ વિકસે. એ લોકો મળીને સાથે પિક્ચર જોવા, પિકનિક પર જઈ શકે એટલે એક રીતે તેમને ફરી સમાજ સાથે જોડાવાનો સમય મળે. અમે ઍન્યુઅલ ફંક્શન પણ કરીએ છીએ, જેમાં સિનિયર સિટિઝનો તેમની ટૅલન્ટ દેખાડે છે. એનાથી તેમના પરિવારને પણ ખબર પડે કે તેમના ઘરના વડીલો ફક્ત આરામખુરસી પર બેસવા માટે નથી બન્યા, તેમનામાં પણ ઘણી ટૅલન્ટ છે અને લાઇફમાં તેઓ ઘણું કરી શકે છે. એ માટે અમે સાવ નજીવા કહી શકાય એવા દર મહિને ૨૦૦ રૂપિયા મેમ્બરશિપ ફી તરીકે લઈએ છીએ. અમારી અધાતા ઑનલાઇન કમ્યુનિટી પણ છે જે એવા વડીલો માટે છે જેઓ હરીફરી શકતા નથી કે ઘરની બહાર નીકળી શકતા નથી. એ લોકો ઑનલાઇન પ્લૅટફૉર્મ પર હળે-મળે છે. અંધેરીમાં અમે ડે કૅર સેન્ટરનું પણ સૉફ્ટવેર લૉન્ચ કર્યું છે. હવે જે વડીલો એકલા છે, કરવા માટે કોઈ કામ નથી અને ઘરે એકલા રહીને કંટાળી ગયા હોય એ લોકો સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી અહીં આવીને રહી શકે છે. અહીં અમે તેમને અનેક ઍક્ટિવિટીઝ કરાવીએ છીએ. અહીં લાઇબ્રેરી પણ છે, ફિઝિયોથેરપી સેન્ટર છે, સૂવાની વ્યવસ્થા છે. બાળકો માટે જેમ પારણાઘર હોય એવી જ રીતે અમે સિનિયર સિટિઝનો માટે આ ડે કૅર સેન્ટર ખોલ્યું છે. હાલમાં આ સુવિધા વિનામૂલ્ય આપવામાં આવી રહી છે.’
ચાય-મસ્તી સેન્ટર
વડીલોને પોતાની વાતો શૅર કરવાની અને મન મોકળું કરવાની તક મળે એ માટે ડિગ્નિટી ફાઉન્ડેશન દ્વારા પણ ચાય મસ્તી સેન્ટર્સ ચલાવવામાં આવે છે. એ વિશે માહિતી આપતાં ફઝિલત બીવીજી કહે છે, ‘અમે ખાસ ચાય મસ્તી સેન્ટર્સ ચલાવીએ છીએ. મુંબઈમાં જ મહાલક્ષ્મી, દાદર, પવઈ, વાશી, થાણે, ચેમ્બુર, મુલુંડ અને માહિમમાં સેન્ટર્સ છે જ્યાં સોમવારથી શુક્રવાર અમે સાંજના સમયે બે કલાક માટે પ્રોગ્રામ રાખીએ છીએ. બધા સિનિયર સિટિઝનો ચા પીતાં-પીતાં એકબીજા સાથે ગપ્પાં મારે, તેમને યોગ અને ઝુમ્બા કરાવીએ, ફેસ્ટિવલ હોય તો એ સેલિબ્રેટ કરીએ અને ઘણી વાર બહાર ફરવા પણ લઈ જઈએ. આમાં જોડાવા માટેની ફી પણ અમે વર્ષની ફક્ત ૪૦૦૦ રૂપિયા રાખી છે. એ સિવાય અમારો બડી-પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં સિનિયર સિટિઝનો જેમને એવું લાગે કે તેમને વાત કરવાવાળું જોઈએ છે તો એ લોકો અડધો કે એક કલાક માટે કૉલ પર વાત કરી શકે છે. આ લોકો કૉલેજમાં જતા કે જૉબ પર જતા લોકો હોય છે. ખાસ કરીને એવા લોકો જેઓ ફૅમિલીથી દૂર એકલા રહેતા હોય. એટલે સાંજના સમયે ફ્રી ટાઇમમાં તેઓ સિનિયર સિટિઝનો સાથે કનેક્ટ થાય છે એટલે તેમને પણ ફૅમિલી જેવું ફીલ થાય અને સિનિયર સિટિઝનોને પણ એમ લાગે કે તેમની પાસે પણ વાત સાંભળવાવાળું કોઈ છે. વડીલો સાથે વાતચીત કરી, તેમની વાતો સાંભળીને તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાઈને તેમને સેફ ફીલ કરાવવું ખૂબ જરૂરી છે. નહીંતર તેઓ ઍન્ગ્ઝાઇટી કે ડિપ્રેશનનો ભોગ બની શકે છે. સંસ્થાઓની સાથે વ્યક્તિગત રીતે પણ આ સમસ્યા પર કામ કરવાની તાતી જરૂર છે. તમારા પાડોશમાં કે સોસાયટીમાં કોઈ સિનિયર સિટિઝન રહેતું હોય એ મળે ત્યારે તેમની સાથે વાત કરો, તેમના હાલચાલ પૂછો, તેમને કોઈ હેલ્પની જરૂર છે કે નહીં એ પૂછો, તેમને સમય આપો. તેમના ઘરે જઈને કૅરમ, ચેસ જેવી ગેમ્સ રમી શકો. તેમને ટેક્નૉલૉજી શીખવો. પર્સનલી ન જવાતું હોય તો કૉલ કે વિડિયો-કૉલના માધ્યમથી તેમની સાથે કનેક્ટેડ રહો.આજના જમાનામાં બધા જ વ્યસ્ત છે, પણ સાવ સમય જ નથી મળતો એવું પણ નથી. આપણે સિનિયર સિટિઝનો સાથે સમય વિતાવવો એટલું જરૂરી સમજતા નથી અને એટલે જ તેમને પ્રાધાન્ય પણ આપતા નથી.’