25 February, 2025 07:42 AM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
ભણવામાં અમારો દીકરો ખૂબ જ હોશિયાર છે. બૅચલર્સની પરીક્ષા તેણે ફર્સ્ટ કલાસમાં પાસ કરીને અને અમેરિકાની જે પાંચ આગળ પડતી યુનિવર્સિટીઓ છે એમાં ફાઇનૅન્સનો કોર્સ કરવા તેણે અરજીઓ કરી અને બધી જ યુનિર્સિટીઓએ તેને પ્રવેશ આપ્યો. ત્યાર બાદ તેણે અમદાવાદના એક ખૂબ જ જાણીતા સ્ટુડન્ટ વીઝાના કન્સલ્ટન્ટની ઇન્ટરવ્યુ માટે મદદ લીધી. એ કન્સલ્ટન્ટે તેને અને તેની સાથે બીજા ૨૫-૩૦ સ્ટુડન્ટ વીઝાના ઇચ્છુક વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં કેવા સવાલો પૂછવામાં આવી શકે છે અને એના કેવા જવાબો આપવા જોઈએ એની તાલીમ આપી. તેઓ બધા જ વિદ્યાર્થીઓને એકસાથે ક્લાસરૂમમાં બેસાડતા અને પછી સવાલો જણાવીને તેમના જવાબો જે તેમણે તૈયાર કરેલા હોય એ વારંવાર બોલાવીને ગોખાવતા. અમારા દીકરા જોડે એ ક્લાસના બીજા સાત-આઠ વિદ્યાર્થીઓ પણ એક જ દિવસે સ્ટુડન્ટ વીઝાના ઇન્ટરવ્યુમાં ગયા હતા અને એ બધાના પુછાયેલા સવાલોના જવાબો એકસરખા કૉન્સ્યુલર ઑફિસરને સાંભળવા મળ્યા હતા. બધા જ જવાબો સાચા અને ખૂબ જ સુંદર અંગ્રેજી ભાષામાં આપવામાં આવ્યા હતા. આમ છતાં એ બધાની સ્ટુડન્ટ વીઝાની અરજીઓ શા માટે નકારવામાં આવી? કૉન્સ્યુલર ઑફિસર જ્યારે વીઝા નકારે છે ત્યારે વીઝા શા માટે નકારવામાં આવ્યા છે એનું કારણ આપ્યા વિના ફક્ત પ્રિન્ટેડ કાગળ આપી દે છે. એમાં જણાવ્યું હતું કે કલમ ૨૧૪ (બી) હેઠળ વીઝા નકારવામાં આવ્યા છે. તો આ બધા જ વિદ્યાર્થીઓના વીઝા શા માટે નકારવામાં આવ્યા હશે?
આ બધા જ વિદ્યાર્થીઓએ એક જ વીઝા કન્સલ્ટન્ટ આગળ ઇન્ટરવ્યુ માટે સવાલ મેળવ્યા હતા અને એ બધાને વારંવાર ઇન્ટરવ્યુમાં જે સવાલો પૂછવામાં આવે છે એના એકસરખા જવાબો એ કન્સલ્ટન્ટે ગોખાવ્યા હતા. એ જવાબોમાં વપરાયેલા શબ્દો ખૂબ જ ભારે હતા. સામાન્ય રીતે બૅચલર્સનો કોર્સ કરનાર અને અંગ્રેજી ભાષા બોલવાનો મહાવરો ન હોય એવા વિદ્યાર્થીઓ આટલા અઘરા શબ્દો તેમના જવાબોમાં વાપરે એ શક્ય નહોતું. આથી કૉન્સ્યુલર ઑફિસરને એવું લાગ્યું હશે કે એ વિદ્યાર્થીઓ જે જવાબો આપે છે એ વાત સાચી નથી. તેમણે બધાએ એકસરખા ગોખેલા જવાબો આપ્યા છે અને આથી તેમના વીઝા નકારવામાં આવ્યા છે.
સ્ટુડન્ટ વીઝાના ઇન્ટરવ્યુમાં જતા પહેલાં ઇન્ટરવ્યુમાં કેવા-કેવા સવાલો પૂછવામાં આવે છે એની જાણકારી મેળવવી હિતાવહ છે. પણ વિદ્યાર્થી સામાન્ય રીતે તેમના બોલવામાં જે ભાષા વાપરતા ન હોય એવી ભાષા ઇન્ટરવ્યુમાં પુછાયેલા સવાલોના જવાબો આપવામાં વાપરે એટલે સ્વાભાવિક છે કે કૉન્સ્યુલર ઑફિસરોને એવી શંકા પડે કે તેઓ સાચું નથી બોલતા અને આ કારણસર યોગ્યતા હોવા છતાં તેમના વીઝા નકારવામાં આવે છે.