05 February, 2025 06:56 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
એક અતિ આશ્ચર્ય પમાડનારી પણ સત્ય હકીકત એ છે કે લાખો રૂપિયાનો ખર્ચો કરીને, હજારો માઇલનો પ્રવાસ કરીને અમેરિકા ફરવા જતા પ્રવાસીઓમાંના મોટા ભાગનાઓને તેઓ ત્યાં શું જોવાના છે એની જાણ નથી હોતી.
અમેરિકન કૉન્સ્યુલેટના કૉન્સ્યુલર ઑફિસરો જ્યારે કોઈ વ્યક્તિ ‘હું અમેરિકા ફરવા જવા ઇચ્છું છું અને એ માટે મને વીઝા આપો’ એવું ઇન્ટરવ્યુમાં જણાવે છે ત્યારે કૉન્સ્યુલર ઑફિસરો અચૂકથી એ અરજદારને પ્રશ્ન કરે છે કે ‘તમે અમેરિકામાં શું-શું જોશો?’
મોટા ભાગના વીઝાના અરજદારો પાસે આ પ્રશ્નનો ઉત્તર નથી હોતો. ઘણા એમ કહે છે કે ‘અમે ટૂરમાં જવાના છીએ. ટૂરચાલકો અમને જે-જે દેખાડશે એ જોઈશું.’ અનેકો એવું પણ કહેતા હોય છે કે ‘અમારાં અંગત સગાં વર્ષોથી અમેરિકામાં રહે છે. અમે તેમના ઘરે જઈશું. પછી તેઓ અમને અમેરિકામાં બધે ફેરવશે અને જોવાલાયક સ્થળો દેખાડશે.’
ભાગ્યે જ એવા કોઈ વીઝાના અરજદારો હોય છે જેઓ કૉન્સ્યુલર ઑફિસરનો સવાલ કે ‘તમે અમેરિકામાં શું-શું જોશો?’નો યોગ્ય ઉત્તર આપે છે.
જો તમે અમેરિકા ફરવા જતા હો અને તમને એ વાતનું જ્ઞાન જ ન હોય કે તમે ત્યાં શું જોવાના છો તો કૉન્સ્યુલર ઑફિસરને કેમ કરતાં ખાતરી થાય કે તમે ખરેખર અમેરિકા ફરવા જવા ઇચ્છો છો. તેમને એવું જ લાગશે કે ફરવાનું બહાનું દેખાડીને તમે અમેરિકામાં ઘૂસવાનો ઇરાદો સેવો છો.
જો તમે અમેરિકા એક ટૂરિસ્ટ તરીકે ફરવા જવા ઇચ્છતા હો તો સૌપ્રથમ ક્યાં જશો? ક્યાંથી પ્રવેશ કરશો? એ શહેરમાં ક્યાં રહેશો? ત્યાં શું જોશો? એ જોવા કેવી રીતે જશો? કેટલા દિવસ એ શહેરમાં રહેશો? ત્યાર બાદ બીજા કયા શહેરમાં જશો? કેવી રીતે જશો? દરેક જગ્યાએ ક્યાં અને કેટલા દિવસ રહેશો? ત્યાં પણ શું જોશો? આ સઘળું તમારે પહેલાંથી જાણી લેવું જોઈએ જેથી કૉન્સ્યુલર ઑફિસરના સવાલનો સંતોષકારક જવાબ આપી શકો અને ઑફિસરને ખાતરી કરાવી શકો કે તમે ખરા અર્થમાં પ્રવાસી છો અને અમેરિકામાં ફક્ત ને ફક્ત ફરવા જવા જ ઇચ્છો છો.
સામાન્ય રીતે પ્રવાસીઓ અમેરિકામાં ન્યુ યૉર્કમાંથી યા તો સૅન ફ્રાન્સિસ્કો કે પછી લૉસ ઍન્જલસમાંથી પ્રવેશતા હોય છે. પછી તેઓ અમેરિકામાં એ શહેરો ઉપરાંત બફેલો, વૉશિંગ્ટન ડીસી, આર્લેન્ડો, શિકાગો તેમ જ લાસ વેગસની મુલાકાત લેતા હોય છે. તમે જે કોઈ પણ જગ્યાએ જનાર હો ત્યાં શું-શું જોવાનું છે એ જાણી લો. એટલે તમે ખરેખર ટૂરિસ્ટ તરીકે અમેરિકામાં જવા ઇચ્છો એની કૉન્સ્યુલર ઑફિસરને ખાતરી થાય અને તેઓ તમને વીઝા આપવા પ્રેરાય.