યંગ દેખાવું છે કે જાજરમાન?

09 November, 2022 04:01 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આજકાલ પ્રૌઢ મહિલાઓમાં યંગ ઍન્ડ સ્માર્ટ દેખાવાનો મોહ વધતો જાય છે. ગાડરિયા પ્રવાહમાં તણાઈને ઘણી વાર તેઓ અશોભનીય વસ્ત્રો પહેરી લે છે. મોટી ઉંમરે ડ્રેસિંગમાં કેવી ચીવટતા દાખવવી જોઈએ એ સમજી લેશો તો ટ્રેન્ડી લાગશે અને તમારી સોશ્યલ ઇમેજ પણ જળવાઈ રહેશે

તરુલતા ભટ્ટ

બ્લુ, લાલ, લીલા, કાળા, સફેદ, ખાખી રંગ જૂના અને બોરિંગ છે એવી ચિંતા કરશો નહીં. આવાં મોનોક્રોમેટિક કલર્સનો પોશાક એ સ્લિમિંગ અને ક્લાસિક દેખાવ છે.

વર્તમાન માહોલમાં પંચાવન-સાઠની ઉંમર વટાવ્યા પછી યંગ ઍન્ડ સ્માર્ટ દેખાવાનો મોહ વધી રહ્યો છે. swઆ દાદીમા તો જીન્સ અને ટી-શર્ટમાં ઉંમર કરતાં દસ વર્ષ યંગ દેખાય છે. આવાં કૉમ્પ્લિમેન્ટસ કોને ન ગમે? એમાં વળી તેઓ પાર્ટીમાં ડાન્સ કરે એવો વિડિયો પણ વાઇરલ થાય. આ બધું સામાન્ય થઈ ગયું છે. વધતી વયની સાથે મસ્તી બરકરાર રહેવી જોઈએ એ સાચું, પરંતુ મોટા ભાગની પ્રૌઢ મહિલાઓ કિટી પાર્ટી અને વિવિધ પ્રકારની ઍક્ટિવિટીના નામે ગાડરિયા પ્રવાહમાં તણાઈને એવાં વસ્ત્રો પહેરવા લાગી છે જે ઘણી વાર અશોભનીય લાગે છે. મૉડર્ન બનવાની લાયમાં ફૅશન બ્લન્ડર ન થઈ જાય તેમ જ સામાજિક મેળાવડામાં હાંસીને પાત્ર ન બનવું હોય તો શું કરવું જોઈએ એ સમજી લો. 

ક્લાસિક ડ્રેસિંગ

આજે કોઈ પણ ઉંમરની મહિલાને જુનવાણી અને ફૂવડ દેખાવું નથી ગમતું. એક સામાન્ય ગેરસમજ છે કે પ્રૌઢાવસ્થામાં પ્રવેશ્યા બાદ મહિલાઓ સ્ટાઇલિશ બનવાની કાળજી લેતી નથી. ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલને ઉંમરથી કોઈ ફરક પડતો નથી. જોકે, ચોક્કસ ઉંમરે ટ્રેન્ડી લુક માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે એવી વાત કરતાં ઇમેજ કન્સલ્ટન્ટ પાયલ સુરેખા કહે છે, ‘૬૦ વર્ષનો આંકડો પાર કરી ગયાં હો અને હજુ પણ પોતાને ટ્રેન્ડી રાખવા માગતાં હોવ તો તમારા વૉર્ડરોબને રી-ઑર્ગેનાઇઝ કરો. મોનોક્રોમેટિક રૂટ સૌથી સરળ અને પહેલું પગલું છે. બ્લુ, લાલ, લીલા, કાળા, સફેદ, ખાખી રંગનાં વસ્ત્રો પહેરો. આ રંગો જૂના અને કંટાળાજનક હોવાની ચિંતા કરશો નહીં, કારણ કે મોનોક્રોમેટિક પોશાક એ સ્લિમિંગ અને ક્લાસિક દેખાવ છે. સૉલિડ કલર્સ પહેરવા હોય તો પૅટર્નમાં વધુ એક્સપરિમેન્ટ્સ ન કરવા. પૅટર્ન જેટલી સિમ્પલ હશે તમારું વ્યક્તિત્વ નીખરશે. ત્વચાનો રંગ સુંદર હોય એવી મહિલાઓએ આંખોના કલર્સ સાથે મૅચ થાય એવા રંગો પહેરવાથી શરૂઆત કરવી જોઈએ. જો તમારી ત્વચાનો રંગ ઘેરો છે, તો તમે નસીબદાર છો. ઘેરા રંગની ત્વચા ધરાવતી મહિલાઓ પર લગભગ બધા જ બ્રાઇટ અને વાઇબ્રન્ટ કલર્સ ખીલે છે.’ 

આઉટફિટ્સની ચૉઇસ

આઉટફિટ્સની પસંદગી માટેની ટિપ્સ શૅર કરતાં તેઓ કહે છે, ‘સિનિયર સિટિઝન મહિલાઓ માટે કફ્તાન્સ કૅઝ્યુઅલ આઉટફિટ આઇડિયા છે. આ પરિધાન આરામદાયક તેમ જ સ્ટાઇલિશ છે. પ્રિન્ટેડ મૅક્સીસ અને કૉટન ગાઉનને સ્વેપ કરી કફ્તાન પહેરો. જો તમે હજીયે વર્કિંગ વુમન છો તો લૂઝ પૅન્ટ સાથે લૉન્ગલાઇન શર્ટ પર્ફેક્ટ વર્ક આઉટફિટ છે. પાર્ટી અને ફંક્શન્સમાં અથવા ક્યારેક અમસ્તાં જ પલાઝો સાથે સિમ્પલ સૉલિડ કુર્તા પહેરીને બહાર નીકળી તમારી સુંદરતાનો જાદુ પાથરો. દરેક ઉંમરની ભારતીય સ્ત્રી સાડીમાં શોભે છે. મોટી ઉંમરે પણ રંગબેરંગી અને પ્રિન્ટેડ સાડી પહેરવાનું બંધ કરશો નહીં. સમયાંતરે સાડીમાં વિવિધ રંગો અને પ્રિન્ટ ઉમેરતાં રહેવાથી જાજરમાન લાગશો.’

ઍક્સેસરીઝની પસંદગી

ડ્રેસિંગ જેટલું જ મહત્ત્વ ઍક્સેસરીઝનું છે. એની પસંદગી પ્રસંગ અને આઉટફિટ્સને અનુરૂપ હોવી જોઈએ એવી ભલામણ કરતાં પાયલ કહે છે, ‘તમારા જ્વેલરી બૉક્સમાં ક્લાસિક કલેક્શન હોવું જોઈએ. એકસાથે ઘણીબધી જ્વેલરી પહેરીને ઠઠારો ન કરો. એક સમયે એક જ સ્ટૅન્ડઆઉટ પીસ પહેરવા પર ફોકસ રાખો. આઉટફિટ્સ અને જ્વેલરીના માધ્યમથી યુવાન બનવાનો પ્રયાસ કરી રહ્યા છો એવું દેખાડ્યા વિના ટ્રેન્ડી ઍક્સેસરીઝ ઍડઑન કરો. કફ્તાન મજાનો ડ્રેસ છે. એની સાથે નેકલેસ જાઝ કરી શકો છો. શ્વેત રંગના લાંબા શર્ટ અથવા કુર્તા સાથે સિમ્પલ જ્વેલરી આકર્ષક લુક આપશે. ચોક્કસ ઉંમર પછી સ્ટાઇલિશ દેખાવાનું બંધ નથી કરવાનું, પરંતુ એને એવી રીતે કૅરી કરો કે તમારો ઓવરઑલ લુક આકર્ષણનું કેન્દ્ર બને. આ સાથે તમારી ફિટનેસ, સ્કિન અને હેરની પણ કાળજી લો.’

આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો તમારી ઓળખ છે, નહીં કે મૉડર્ન ડ્રેસ. પોતાની મર્યાદામાં રહીને સરસ ડ્રેસ પહેરો તો આકર્ષક લાગે : તરુલતા ભટ્ટ

શોભે એવાં વસ્ત્રો પહેરવાં
 
પંચાવન-સાઠની ઉંમરે વેસ્ટર્ન ડ્રેસ પહેરવામાં વાંધો નથી, પરંતુ તમે જે ડ્રેસ પસંદ કરો છો એ તમારા પર સારા લાગવા જોઈએ. બીજાનું અનુકરણ કરવા જાઓ છો એમાં ફૅશન બ્લન્ડર થઈ જાય છે એવો મત વ્યક્ત કરતાં બોરીવલીનાં તરુલતા ભટ્ટ કહે છે, ‘ઘણા અપડુડેટ રહેવાની સલાહ આપતા હોય છે, પરંતુ મને દેખાવમાં સાદા અને શરીર પૂરું ઢંકાયેલું રહે એવા ડ્રેસ પહેરવા ગમે છે. મહિલાઓમાં કિટી પાર્ટી જેવી ઍક્ટિવિટી વધતાં યંગ અને સ્માર્ટ દેખાવાનો મોહ વધ્યો છે એ સાચું પણ ગાડરિયા પ્રવાહમાં તણાવા કરતાં રસોઈકળાની સ્પર્ધા, વિવિધ પ્રકારના ડેકોરેટિવ પીસ બનાવવાની સ્પર્ધાઓ અથવા તો અન્ય મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી તમારી પ્રતિભા બહાર આવે છે અને વ્યક્તિત્વ ખીલે છે. એક વાર કાર્યક્રમમાં મીઠાઈનું ડેમોન્સ્ટ્રેશન આપવા ગઈ હતી. પબ્લિકની વચ્ચે સાદાં વસ્ત્રોમાં બેઠી હતી ત્યારે મારું ડ્રેસિંગ જોઈને બાજુમાં બેઠેલાં બહેને અણગમો વ્યક્ત કરતાં કહ્યું કે તમે ડેમો આપશો? 

સ્ટેજ પર મારું પર્ફોર્મન્સ જોઈને તેઓ ભોઠાં પડી ગયાં. આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો તમારી ઓળખ છે, નહીં કે મૉડર્ન ડ્રેસ. આવા કાર્યક્રમોમાં પોતાની મર્યાદામાં રહીને સરસ ડ્રેસ પહેરીને જાઓ તો આકર્ષક લાગે છે તેમ જ તમારી સામાજિક છબી બની રહે છે.’

શું ન પહેરવું?

પાયલ સુરેખા

સ્ટાઇલિશ લુક માટે આઉટફિટ્સની પસંદગીમાં ચીવટતા રાખવાની સાથે શું ન પહેરવું જોઈએ એની સમજણ પણ કેળવવી પડે એવી સલાહ આપતાં પાયલ કહે છે, ‘ફ્લોર-લેન્થ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ, ઍન્કલ લેન્થ ડ્રેસ, એ-લાઇન સ્કર્ટ, બલૂન જેવા દેખાવનાં ઇલાસ્ટિકવાળાં પૅન્ટ્સ, ઓવર સાઇઝ્ડ ટી-શર્ટ, શર્ટ અને કુર્તા, ખાખી અથવા ડેનિમ ફૅબ્રિકમાંથી બનાવેલા શેપલેસ જમ્પર ટાઇપનાં આઉટફિટ્સ તેમ જ એમ્બ્રૉઇડરી અને ઍપ્લિક સ્વેટર (ખાસ કરીને ક્રિસમસ સ્વેટર) તમારા માટે નથી.’

સ્લીવલેસ ડ્રેસ સારા નથી લાગતા

કૉમ્પિટિશન, કમ્પેરિઝન અને દેખાદેખી વધતાં પોતાના પર શોભે નહીં તોય વેસ્ટર્ન ડ્રેસ પહેરવાના અભરખા ઓછા થતા નથી. અગાઉ સામાજિક બંધનોના કારણે મનગમતાં વસ્ત્રો પહેરવાની છૂટ નહોતી મળી એ સાચું, પણ અધૂરાં અરમાનો પૂરાં કરવા હવે મથી પડવું એ શોભાસ્પદ નથી એવો અભિપ્રાય આપતાં અંધેરીના કિશોર કામદાર કહે છે, ‘ભારતીય નારી પરંપરાગત પરિધાનમાં સૌથી વધુ સુંદર લાગે છે. દરેક ઉંમરે નારી સમાજમાં સન્માનનીય સ્થાન ધરાવે છે. પોતાનું સ્વમાન જળવાઈ રહે એ માટે મર્યાદામાં રહેવું જરૂરી છે. વધતી ઉંમરે પહેરવેશની પસંદગીમાં ચીવટતા રાખવી જોઈએ. મૉડર્ન વસ્ત્રો પહેરવાં જ ન જોઈએ એવું નથી, પરંતુ ઉંમર અને પ્રસંગને અનુરૂપ પહેરો તો શોભે. રોજરોજ પહેરવાથી હાસ્યાસ્પદ લાગે છે. મારું માનવું છે કે ઉંમરના એક પડાવ બાદ સાડી અને પંજાબી ડ્રેસ ઉચિત પોશાક છે. ક્યારેક ગાઉન પહેરી શકાય, પણ સ્લીવલેસ અને શૉર્ટ ડ્રેસ બિલકુલ સારા નથી લાગતા.’

Varsha Chitaliya fashion news fashion columnists