વો ભી એક વિરાર થા, યે ભી એક વિરાર હૈ

10 January, 2026 09:58 PM IST  |  Mumbai | Ruchita Shah

થોડા દિવસ પહેલાં અચાનક માગણી ઊઠી વિરારનું નામ બદલવાની - કોઈએ કહ્યું દ્વારકાધીશ રાખો અને કોઈએ કહ્યું જીવદાની રાખો. આ કારણસર અચાનક ચર્ચામાં આવી ગયેલા આ નગરની નવાજૂની જાણવાની કોશિશ કરી મિડ-ડેએ

વિરાર જેની છત્રછાયામાં છે એ જીવદાની મંદિર

મિડલ ક્લાસ તેમ જ લોઅર મિડલ ક્લાસ માટેનું વૈકુંઠ ગણાતું વિરાર હવે વિકાસની દિશામાં દોડી રહ્યું છે. એક તરફ ડેવલપમેન્ટ છે પરંતુ બીજી બાજુ આજે પણ ગેરકાયદે બાંધકામ, કેટલાક અંશે કાયદા અને વ્યવસ્થાનો અભાવ અને એની છબીને લઈને ભોગવવા પડી રહેલા સામાજિક પડકારો અકબંધ છે ત્યારે પેઢીઓથી વિરારમાં વસતા ગુજરાતીઓ પાસેથી મુંબઈનું ગેટવે ગણાતા આ પરા વિશે વિગતવાર વાત કરીએ

સોશ્યલ મીડિયા પર થોડાક દિવસ પહેલાં કહેવાતો વિવાદ ઊભો કરવામાં આવ્યો. ઉત્તર ભારતીયોનું એક ગ્રુપ વિરારનું નામ બદલીને હવે દ્વારકાધીશ કરવાનો આગ્રહ કરી રહ્યું છે. એનું કારણ એ છે કે થોડાક સમય પહેલાં જ વિરારમાં એક આલીશાન દ્વારકાધીશ મંદિર બન્યું છે અને બીજી બાજુ વિરારમાં રહેતા સ્થાનિક મહારાષ્ટ્રિયન કમ્યુનિટીના લોકોની માગ છે કે વિરારનું નામ જો બદલવું જ હોય તો એ જીવદાની જ પડવું જોઈએ. જીવદાની માતાની છત્રછાયામાં પનપેલા મુંબઈ નજીકના આ નાનકડા પરા વિશે આમ મુંબઈકરોના મનમાં એક છબી પહેલાંથી જ ઘડાયેલી છે. મૂળ મુંબઈથી થોડુંક જ દૂર અને છતાં મુંબઈની મોંઘવારીને સહી ન શકનારા લોકો માટેનું વૈકુંઠ મનાતું વિરાર ડેવલપમેન્ટની બાબતમાં પછાત ગણાતું હતું. શું એ હકીકત હવે બદલાઈ રહી છે? વિરારમાં હાઇરાઇઝ ટાવરો બન્યા છે એ તો જગજાહેર છે; પરંતુ રસ્તા, પાણી, વીજળી જેવી સુવિધાઓમાં કોઈ સુધારો આવ્યો છે? એ જાણવા વર્ષોથી વિરારમાં વસતા વિરારવાસીઓ સાથે થયેલી ગુફ્તગો પ્રસ્તુત છે. 
પોતાનું વિશ્વ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનનો હિસ્સો ગણાતા પાલઘર જિલ્લામાં આવેલા વિરારમાં આજથી વર્ષો પહેલાં ઘણા ગુજરાતીઓ સ્થાયી થયા. એનું ઐતિહાસિક જ નહીં પણ પૌરાણિક મહત્ત્વ પણ અદકેરું છે. કેટલાંય પ્રાચીન મંદિરો અહીં છે જેનો ઉલ્લેખ આગળ કરીશું. વિરારમાં પાંચ પેઢીથી રહેતા હિરેન શાહ પોતાના પરદાદાના સમયની વાત કરતાં કહે છે, ‘ભાવનગરના તળાજાથી મુંબઈ શિફ્ટ થયા ત્યારથી મારા પરદાદાજી મનોરદાસજી વિરારમાં જ રહ્યા. તેમણે ૧૯૧૧માં કંપની શરૂ કરી હતી. અમારો ફૂડ ઍન્ડ ગ્રેઇનનો બિઝનેસ હતો. આજે અમારું જે ઘર છે એ પણ ૧૨૦ વર્ષ જૂનું બાંધકામ છે અને લગભગ ૨૮ રૂમનો બંગલો છે. અમારા ઘરને કૉન્ગ્રેસ હાઉસ કહેવાતું. એ સમય હતો જ્યારે આખા મુંબઈને અનાજની સપ્લાય અમારી કંપની થકી થતી. એ પછી APMC માર્કેટની શરૂઆત થઈ અને ધીમે-ધીમે અમે કન્સ્ટ્રક્શન અને સિમેન્ટના બિઝનેસમાં શિફ્ટ થઈ ગયા. અમારા ઘરે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, જવાહરલાલ નેહરુ, વિનોબા ભાવે જેવા કેટલાય અગ્રણી નેતાઓ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા ભાઉસાહેબ મારા દાદાના મિત્ર હતા. મેં વિરારની એ વિરાટતા જોઈ છે અને એટલે જ જીવનમાં ખૂબ સમૃદ્ધિ આવી અને ધારીએ ત્યાં જઈ શકીએ એમ હોવા છતાં ક્યારેય વિરાર છોડીને જવાનું મન થયું નથી.’
આ પરિવાર વિરારની જૂની અને માતબર ફૅમિલીમાંનો એક મનાય છે. વિરાર સ્ટેશનની એક્ઝૅક્ટ સામે બંગલો ધરાવતા આ પરિવારે જ વિરારવાસીઓને તમામ લક્ઝરીઓનો પહેલવહેલો અનુભવ કરાવવાનું કામ પણ કર્યું. આ પરિવારની વહુઓ છાશની વહેંચણી કરતી. તેમને ત્યાં લોકો છાશ લેવા આવતા. એવી જ રીતે વિરારમાં આવેલું પહેલું ટેલિવિઝન, પહેલો ફોન, પહેલી મોંઘી ગાડી વગેરેની પરંપરા જાણે કે આ પરિવારે શરૂ કરી. ઍક્ટર ગોવિંદાના પરિવારનો આ ફૅમિલી સાથે ઘરોબો રહ્યો છે. 
આંખ સામે વિકસ્યું છે
આવા અન્ય પરિવારો પણ છે જેમણે પોતાની આંખ સામે વિરારને બદલાતું જોયું છે. ૧૯૪૦થી વિરારમાં રહેતો દિલીપ શાહનો પરિવાર આજે પણ વિરાર સાથેની માયાને છોડી નથી શક્યો. વિરાર-ઈસ્ટમાં કાળા હનુમાન મંદિર પાસે રહેતા દિલીપભાઈ કહે છે, ‘ખેતરો અને વાડીઓથી ઊભરાતું વિરાર મેં જોયું છે અને એ પછી બિલ્ડિંગોના નગરમાં તબદીલ થઈ રહેલા વિરારને પણ હું જોઈ રહ્યો છું. અમે જ્યારે અહીં રહેવા આવ્યા ત્યારે મોટા ભાગના વિરારમાં બેઠા ઘાટની ચાલીઓ હતી. ધારો કે બિલ્ડિંગો હતાં તો એ પણ માંડ એકાદ-બે માળની હાઇટનાં. બધા જ કોમના લોકો સાથે હળીમળીને રહેતા. ૧૯૬૦માં વિરારમાં વીજળી આવી. બાકી એ પહેલાં જુઓ તો રાતના સમયે કંદિલોથી વિરાર ઝગમગતું હોય. બારેય માસ દિવાળી જેવો માહોલ લાગે એવા વિસ્તારો હતા. એ સમયે વિરાર-ઈસ્ટમાં મારા દાદાજી દ્વારા શરૂ થયેલી દુકાન ખૂબ જાણીતી હતી. એ સમયનું સુપરમાર્કેટ જ ગણી લો. ખાદ્ય સામગ્રીથી લઈને લોખંડની વસ્તુઓ, હાર્ડવેર, મંડપ ડેકોરેશન, વાસણો અને અંતિમ ક્રિયાની સામગ્રીઓ જેવું બધું જ અમારે ત્યાં મળતું. દૂર-દૂરથી લોકો અમારી દુકાને શૉપિંગ માટે આવતા. ૧૯૮૫થી વિરાર બદલાવાનું શરૂ થયું અને ૨૦૦૦ પછી ડેવલપમેન્ટની સ્પીડ વધી. જોકે છેલ્લાં પંદરેક વર્ષમાં રિયલ એસ્ટેટમાં ખૂબ ડેવલપમેન્ટ થયું છે. ઘણી નવી ટાઉનશિપ અને હાઇરાઇઝ બિલ્ડિંગો બન્યાં છે. એ વાત સાવ સાચી છે કે વિરાર ત્રીજું બૉમ્બે બની ગયું છે.’
નાનકડી ચાલમાં રહેતા દિલીપભાઈનો પરિવાર પ્રગતિ કરતો ગયો અને ધીમે-ધીમે મોટા મકાનમાં શિફ્ટ થતા ગયા. હવે ૬ ભાઈઓના પરિવાર માટે ૭ માળનો ટાવર બનાવવાનું કામ આ પરિવાર પોતે જ કરી રહ્યો છે. વિરારમાં થઈ રહેલા વિકાસને કારણે જ અહીં રહેતા ઘણા લોકો અહીંથી જવાની બાબતમાં રાજી નથી. ૬૦ વર્ષથી વિરારમાં વસતા કરસનભાઈ પટેલ એનું કારણ આપતાં કહે છે, ‘બે મહત્ત્વનાં કારણો છે કે જેઓ વર્ષોથી વિરારમાં રહ્યા છે તેઓ આજે પણ વિરારમાં જ રહેવા ઇચ્છે છે. એક તો અહીંના લોકોમાં આજે પણ ગામડાંના લોકોમાં જોવા મળે એવી મીઠાશ છે. બધા એકબીજાને ઓળખે છે. અહીં એ સૌહાર્દ છે. અને જો આધુનિકતા માટે વિરાર છોડી રહ્યા હો તો હવે એ પણ અહીં છે. મૉલ ઊભો થઈ ગયો. મોટાં-મોટાં બિલ્ડિંગો બની ગયાં. હવા, પાણી, રસ્તા જેવી બધી જ વ્યવસ્થાઓ ઊભી થઈ છે. જ્યાં કરિયાણાની દુકાનથી શરૂઆત કરી હતી એ વિરારે અમને ઘણું આપ્યું. આગે દુકાન, પીછે મકાનવાળા વિરારમાં અમે મોટા થયા છીએ અને હવે પોતાના બંગલામાં રહીએ છીએ, બીજું શું જોઈએ?’
વિકાસ પર એક નજર
આંકડાકીય દૃષ્ટિએ કરસનભાઈની વાતને પુષ્ટિ આપવી હોય તો છેલ્લાં થોડાંક વર્ષોમાં અહીં થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવાસને લગતા ડેવલપમેન્ટ વિશે વાત કરવી પડે. અત્યારે વિરારમાં વિકસિત થઈ રહેલો વિરાર-અલીબાગ મલ્ટિમૉડલ કૉરિડોર MMRDAનો મેગા પ્રોજેક્ટ છે જે વિરારને નવી મુંબઈ, કલ્યાણ અને અલીબાગ જેવા પશ્ચિમી અને પૂર્વીય કૉરિડોર સાથે જોડશે. વિરાર-દહાણુ રોડ-સેક્શનને ચાર લાઇન આપીને ટ્રેનની સેવાઓ વધારવાની દિશામાં કામ થઈ રહ્યું છે. સૂર્યા ડૅમ અને અન્ય સ્રોતોમાંથી સમગ્ર વસઈ-વિરાર વિસ્તારમાં પીવાના પાણીના પુરવઠામાં સુધારો કરવાની દિશામાં કામ ચાલુ છે. એ સિવાય વિરાર મુખ્યત્વે એના માસ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે મધ્યમવર્ગીય ખરીદદારોને આકર્ષી રહ્યું છે. વિરારમાં તાજેતરના સમયમાં પૂર્ણ થયેલા સૌથી મોટા અને મહત્ત્વના પ્રોજેક્ટ્સ પૈકી એક છે ગ્લોબલ સિટી. વિરાર-વેસ્ટમાં તૈયાર થયેલો આ પ્રોજેક્ટ એક વિશાળ સંકલિત ટાઉનશિપ છે જેમાં રેસિડેન્શિયલ ઇમારતોની સાથે સ્કૂલ, હૉસ્પિટલ અને વ્યાવસાયિક જગ્યાઓનો સમાવેશ કરાયો છે. એ સિવાય વિરારની પૂર્વ અને પશ્ચિમ બન્ને બાજુએ મિડલ ઇન્કમ ગ્રુપ અને હાયર ઇન્કમ ગ્રુપ માટે પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ, નાના કૉમ્પ્લેક્સ, રેલવે-સ્ટેશનથી નજીકના અંતરે રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. એવી જ રીતે બજેટ હાઉસિંગમાં વિરાર-ઈસ્ટના વિસ્તૃત ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. MMRDA અને વસઈ વિરાર સિટી મ્યુનિસિપિલ કૉર્પોરેશનના આંકડાઓ કહે છે કે છેલ્લાં ત્રણેક વર્ષમાં જ વસઈ-વિરારના પટ્ટામાં લગભગ ૭૦ જેટલા નાના-મોટા રિયલ એસ્ટેટને લગતા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. લગભગ ચાલીસેક પ્રોજેક્ટ અન્ડર-કન્સ્ટ્રક્શન છે. 
આધુનિકતા સાથે અાધ્યાત્મિકતા પણ વિરાર સાથે વહે છે. ગયા વર્ષે જેની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ દ્વારકાધીશ મંદિરે વિરારની વિશેષતાઓમાં ઉમેરો કર્યો જ છે. એ સિવાય અહીંનું ખૂબ પ્રાચીન અને શક્તિપીઠ જેવો દરજ્જો ભોગવતું જીવદાની મંદિર અહીંનો આત્મા ગણાય છે. વજ્રેશ્વરી મંદિર, તુંગારેશ્વર મંદિર પણ વિરારનો જ હિસ્સો ગણાય છે. 
આજની પેઢીનો અભિગમ
વર્ષોથી વિરારમાં વસતા લોકોમાં વિરાર પ્રત્યે લગાવ સમજાય, પરંતુ આજની પેઢીને પણ વિરાર માટે એટલું જ આકર્ષણ છે? એનો જવાબ હિરેનભાઈની દીકરી ખુશી શાહ આપે છે. ૨૬ વર્ષની ખુશીએ બિઝનેસ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે. પિતાનો બિઝનેસ સંભાળતી ખુશી વિરારની આજની વાસ્તવિકતાઓ વિશે વાત કરતાં કહે છે, ‘વિરાર હજી ડેવલપિંગ સ્ટેજમાં છે. એમાં હજી ઘણા બદલાવ આવવાની સંભાવનાઓ છે. જેમ કે વિરારમાં મૉલ છે પણ માત્ર એક જ મૉલ છે. અહીં કૉલેજિસ અને સ્કૂલ છે પરંતુ જો તમે A ગ્રેડનું એજ્યુકેશન ઇચ્છતા હો તો તમારે વિરારની બહાર અંધેરી સાઇડ જ આવવું પડે. જોકે એ પછી પણ હું વિરારને બદલે જુહુ શિફ્ટ થઈ જાઉં એવું મન મને ભાગ્યે જ થયું છે કારણ કે વિરારમાં જે શાંતિ અને સુકૂન છે એ બીજે ક્યાંય નથી. સુવિધાઓ વધી રહી છે, પરંતુ શાંતિ સાથેની સુવિધા જોઈતી હોય તો અહીં રહેવું જ બેસ્ટ છે. બીજું, અમારી તો આખી ફૅમિલી વિરારમાં છે. બધા જ કઝિન્સ સાથે રહીએ એટલે એમાં જે એન્જૉયમેન્ટ છે એ બીજે ક્યાંય રહેવામાં નહીં મળે.’
સંતાનોનાં લગ્નમાં અડચણ
વિરારમાં સુવિધાઓ અને સગવડો વધી છે પરંતુ વિરાર પ્રત્યેનો લોકોનો અભિગમ નથી બદલાયો અને એનો સૌથી મોટો પ્રભાવ અહીં રહેતા પરિવારોનાં સંતાનોનાં લગ્નમાં આવી રહેલી અડચણ થકી ભોગવવો પડી રહ્યો છે. હિરેનભાઈ કહે છે, ‘યસ, આ સમસ્યા અમને નડી જ રહી છે. બ્રીચ કૅન્ડીથી માગું આવ્યું હોય અને જેવું કહેવામાં આવે કે છોકરી વિરારની છે તો સામેથી ના પાડી દેવામાં આવે. વિરારમાં રહેતી છોકરી પણ આધુનિક અને ખૂબ ભણેલી-ગણેલી અને ટૅલન્ટેડ હોઈ શકે એ વાત હજી સ્વીકારાઈ નથી. આજે પણ વિરારમાં રહેતા લોકો પછાત જ હશે એ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે. મારી દીકરી વિરારમાં જ જન્મી છે, મોટી થઈ છે; પરંતુ ૨૬ વર્ષની ઉંમરમાં દુનિયાના ૧૬ દેશો ફરી ચૂકી છે. બિઝનેસ મૅનેજમેન્ટ ભણી છે અને મારો કરોડોનો બિઝનેસ હૅન્ડલ કરે છે. ટૅલન્ટ અને આવડત પણ ડેવલપમેન્ટ સાથે વધ્યાં છે. પણ લોકોની મેન્ટાલિટી નથી બદલાઈ.’
આ બાબત દીકરા અને દીકરી બન્નેનાં લગ્નમાં ભોગવવી પડી રહી છે. વિરારમાં કોઈ પોતાની દીકરી આપવા તૈયાર નથી તો વિરારમાં રહેતી દીકરીને પુત્રવધૂ બનાવવા માટે પણ લોકો વિચારતા હોય છે. આ જ કારણ છે કે ઘણા પેરન્ટ્સને વિચાર પણ આવ્યો છે કે સંતાનોના હિત માટે વિરારને બદલે બીજે ક્યાંય શિફ્ટ થઈ જઈએ. જોકે એમાં રોકવાવાળાં પણ સંતાનો જ હોય છે. ખુશી કહે છે, ‘અમારી ફૅમિલી ઇચ્છે તો મુંબઈની બેસ્ટ જગ્યાએ તરત જ ઘર લઈ શકીએ એમ છીએ પરંતુ એવું કરવાની હું જ ના પાડું છું. જે કમ્ફર્ટ અને જે આનંદ સાથે બધા જ વિરારમાં રહી શકશે એવી મજા બીજે નહીં મળે. આજે વિરારમાંથી મારા ફાધરનો બિઝનેસ આખા મુંબઈમાં ફેલાયેલો છે. યસ, મૅરેજને લગતા પ્રશ્નો આવે છે પણ ઠીક છે, એને મૅનેજ કરવું ઈઝી છે.’
કાયદા અને વ્યવસ્થાનું શું?
વિરારની એક છબી ગુંડારાજની પણ હતી. ગેરકાયદે બાંધકામ વિરારનો બીજો સળગતો પ્રશ્ન છે. આજે તમે જુઓ તો લોકોને વિરારમાં ઘર ખરીદતાં પહેલાં ડર લાગે છે, કારણ કે ખબર નથી હોતી કે નવું બિલ્ડિંગ જે બન્યું છે એ કાયદેસર છે કે ગેરકાયદે જમીન પર બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે. હિરેનભાઈ કહે છે, ‘હા, ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ઘણું અનધિકૃત કામ કર્યું. એમાં કોઈનો કન્ટ્રોલ ન રહ્યો. પૈસા ખાઈને સરકારી અધિકારીઓની સહાયથી આવાં પ્રકરણો બન્યાં છે પરંતુ આ માત્ર વિરારની જ વાત નથી, વિરારમાં વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે ઝડપથી આવી વાતો વધુ બહાર આવી. બાકી આખા મુંબઈમાં દરેક જગ્યાએ સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારનો શિકાર આમ આદમી બનતા રહે છે. તમે માત્ર વિરારને ટાર્ગેટ ન કરી શકો. ગુંડારાજવાળી વાતો પણ હજીયે લોકોના મનમાં રહી છે જે ભ્રમ સિવાય કંઈ નથી. ઇન ફૅક્ટ, આજે પણ વિરારમાં તમે અટવાઓ તો તમને સહાય કરે એવા લોકો છે. કૉમન મૅનના સપોર્ટમાં ઊભા રહે એવા નેતાઓ વિરારમાં બચ્યા છે.’

વિરાર નામ ક્યાંથી આવ્યું?
વિરારને એનું નામ કેવી રીતે મળ્યું એને લગતી અઢળક થિયરી પૉપ્યુલર છે. રેલવે હિસ્ટોરિઅન અને ઑથર રાજેન્દ્ર બી. અકલેકર પોતાના પુસ્તક ‘હૉલ્ટ સ્ટેશન ઇન્ડિયા ઃ ધ ડ્રામેટિક ટેલ ઑફ ધ નેશન્સ ફર્સ્ટ લાઇન્સ’માં કરેલા ઉલ્લેખ મુજબ કહે છે, ‘એકવીરા નામનાં માતાજી પરથી વિરાર નામ પડ્યું તો બીજો એક મત એમ પણ કહે છે કે ભારતીય તત્ત્વજ્ઞાની જીવન વિરાર પરથી વિરાર નામ મળ્યું હોવું જોઈએ. પંદરથી સત્તરમી સદી દરમ્યાનના સમયમાં વિરારનો ઉલ્લેખ વિહાર તરીકે થયેલો મળે છે. રેલવેના ઇતિહાસમાં ‘Viraur’ તરીકે વિરારનો ઉલ્લેખ થયેલો મળે છે.’
આ સંદર્ભે ‘૨૪X૭ = મુંબઈ’ નામનું પુસ્તક લખનારા અમૃત ગંગર કહે છે, ‘પોર્ટુગીઝ ભાષામાં વિરારનો અર્થ થાય છે ‘ટુ ટર્ન’ અથવા ‘ટુ બિકમ’. જોકે વિરાર શબ્દ પોર્ટુગીઝોએ આપ્યો હોય એવી સંભાવનાઓ ઓછી છે. દેવી એકવીરા પરથી જ વિરાર શબ્દ આવ્યો હોય. આ વિસ્તારમાંથી મળેલી તાંબાની પ્લેટમાં કોતરણીમાં ‘વિરારા’ શબ્દનો રેફરન્સ મળે છે.’

 વિરાર હજી ડેવલપિંગ સ્ટેજમાં છે. જેમ કે વિરારમાં મૉલ છે પણ માત્ર એક જ મૉલ છે. અહીં કૉલેજિસ અને સ્કૂલ છે પરંતુ જો તમે A ગ્રેડનું એજ્યુકેશન ઇચ્છતા હો તો તમારે વિરારની બહાર અંધેરી સાઇડ જ આવવું પડે. જોકે એ પછી પણ  વિરારમાં જે શાંતિ અને સુકૂન છે એ બીજે ક્યાંય નથી. - ખુશી શાહ

columnists ruchita shah virar mumbai news mumbai