બીજા કોઈની પરિસ્થિતિ આપણે પૂરેપૂરી ક્યારેય સમજી શકતા જ નથી

14 July, 2025 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્નીની વાત સાંભળીને પતિ ધીમે-ધીમે પોતાના જીવનપ્રસંગોની વાત કરે છે. અમુક રકમ પોતે કેવી રીતે મેળવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

ચેખોવની એક બહુ જ અનોખી વાર્તા છે. વાર્તાનું નામ છે ‘તે ચાલી ગઈ’. એક સ્ત્રી તેના પતિને બીજી એક સ્ત્રી વિશે વાત કરે છે કે એ તો પેલા ભ્રષ્ટાચારી, જૂઠા, લબાડ માણસને પરણી. કેવી અધોગતિ? તેની જગ્યાએ હું હોઉં અને મારો પતિ જો એવો હોય તો એવા પતિ સાથે હું એક ઘડી પણ રહી ન શકું, તેને છોડીને એ જ ઘડીએ ચાલી જાઉં. પત્નીની વાત સાંભળીને પતિ ધીમે-ધીમે પોતાના જીવનપ્રસંગોની વાત કરે છે. અમુક રકમ પોતે કેવી રીતે મેળવી હતી, કેવો ભ્રષ્ટાચાર કર્યો હતો, કેવી સિફતથી ખોટું કામ કર્યું હતું એનું વર્ણન કરે છે. પત્ની દર વખતે કહેતી રહે છે, ‘ના, તમે એવું ન જ કરો. એ તો અમુક કારણે અથવા તો અમુક સંજોગોને લીધે.’ પરંતુ પતિ કહે છે કે તેણે એવું જ કર્યું હતું. એ નાનકડી વાર્તાને અંતે ચેખોવ લખે છે: વાચક મને પૂછશે. એ બધું સાંભળીને શું તે ચાલી ગઈ? હા, તે ચાલી ગઈ પણ બાજુના ઓરડામાં. એકાદ પાનાની આ વાર્તામાં ચેખોવે ઘણી મર્મસ્પર્શી વાતો કહી છે. એમાંની મુખ્ય વાત એ છે કે જે ગુનાઓ માટે આપણે બીજાને ગુનેગાર માનીએ છીએ એ જ ગુનો આપણે કરીએ કે આપણા આપ્તજનો કરે ત્યારે આપણે તેમને ગુનેગાર માનતા નથી. શા માટે? જીવનમાં નાના-મોટા બધા જ પ્રસંગોમાં આપણે આ વાત યાદ રાખવી જોઈએ. કોઈએ આપણો દ્રોહ કર્યો હોય એમ આપણને લાગે કે આપણી વિરુદ્ધ કશું કર્યું હોય એવું લાગે, કોઈ તરફ આપણને નફરત થઈ આવે, મનમાં કડવાશ ઊભરાઈ આવે ત્યારે તટસ્થ બનીને વિચાર કરી લેવો કે આપણે જે વિચારીએ છીએ એ બરાબર છે? એની કોઈ બીજી બાજુ ન હોઈ શકે? બીજી વ્યક્તિની સ્થિતિ આપણે પૂરેપૂરી સમજી શક્યા છીએ ખરા? સામાન્ય રીતે બીજા કોઈની સ્થિતિ આપણે પૂરેપૂરી ક્યારેય સમજી શકતાં જ નથી. આપણાં પોતાના કામને મૂલવતી વખતે ઊભા થયેલા સંજોગોનો વિચાર આપણે કરી શકીએ છીએ. પરંતુ બીજાની બાબતમાં એમ કરી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધતી વખતે તેની સ્થિતિનો, તેના સંજોગોનો કે તેના સ્વભાવનો આપણે ભાગ્યે જ વિચાર કરતા હોઈએ છીએ.

-હેમંત ઠક્કર

columnists gujarati mid day mumbai Sociology