આપણી પાસે ૫૦થી વધારે વયનું જ ઑડિયન્સ છે એટલે એને ધ્યાનમાં રાખો

23 July, 2024 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે રંગભૂમિની ઑડિયન્સ પાસેથી પુષ્કળ લઈ લીધું, ખેંચી લીધું, પણ એ પછી તેમને એનરિચ કરવાનું કામ કરવામાં, નવી ઑડિયન્સ કલ્ટિવેટ કરવામાં કે એને ગ્રો કરવામાં આપણે ફેલ થયા છીએ

પ્રતીકાત્મક તસવીર

ઍક્ટિંગ પછી હું જ્યારે પ્રોડ્યુસર બનવાનું વિચારીને આગળ વધતો હતો ત્યારે મને મોટા ભાગના થિયેટર-આર્ટિસ્ટ અને પ્રોડ્યુસર-પ્રેઝન્ટરે આવી સલાહ આપીને ચેતવ્યો હતો કે યુથફુલ નાટકો ન બનાવવાં અને મારી આંખ સામે એ બધાં નાટકો આવી ગયાં જે નાટકો શૈલેશ દવે, અરવિંદ જોષી, કાન્તિ મડિયા અને એ પછીની જનરેશનમાં આવતાં અને તરત જ આંખ સામે જેડી મજીઠિયા, આતિશ કાપડિયા, વિપુલ શાહ જેવા ડિરેક્ટર-પ્રોડ્યુસર આવી ગયા, જેમણે અત્યારનું ગુજરાતી રંગભૂમિની ઑડિયન્સ ઘડી છે. હા, આ સાચું છે. મેં ઉપર કહ્યા એ બધા મહાનુભાવોએ કરેલી મહેનતનું જ આજે ગુજરાતી રંગભૂમિ ખાય છે. મૂળ તો ખેડૂતનો દીકરો એટલે મને એક જ વાત સમજાઈ કે જમીનમાંથી કસ ખેંચ્યા પછી જો તમે એમાં નવેસરથી કસ ન ઉમેરો તો જોઈએ એવો પાક ન મળે, પણ અફસોસ સાથે કહેવું પડે છે કે આપણી રંગભૂમિ પર આ કામ થતું નથી.

આપણે રંગભૂમિની ઑડિયન્સ પાસેથી પુષ્કળ લઈ લીધું, ખેંચી લીધું, પણ એ પછી તેમને એનરિચ કરવાનું કામ કરવામાં, નવી ઑડિયન્સ કલ્ટિવેટ કરવામાં કે એને ગ્રો કરવામાં આપણે ફેલ થયા છીએ. આપણી સ્ટોરી કે સબ્જેક્ટ જ એવા હોય છે જેમાં ૫૦ કે એનાથી વધારે વયની ઑડિયન્સને જ રસ પડે. શું કામ આપણે એવું ન બનાવીએ જે પચ્ચીસ અને ત્રીસ વર્ષના યંગસ્ટર્સને પણ થિયેટર સુધી ખેંચી લાવે. હું મરાઠી નાટકો અને એની ઑડિયન્સ જોઉં ત્યારે મને ખરેખર એ લોકોની ઈર્ષ્યા થાય કે કેટલી સરસ રીતે મરાઠી રંગભૂમિને તેમણે સાચવી છે, માવજત કરી છે.

નવા વિષયો માટે એ ઓપન છે. રાધર, કહો કે નવા વિષય માટે જ એ લોકો તૈયાર છે. પાંચ વર્ષ પહેલાં આવી ગયો હોય એવો સબ્જેક્ટ જો આજે પણ કોઈ સંભળાવે તો તરત પ્રોડ્યુસર-પ્રેઝન્ટર કહે કે આ પ્રકારનું નાટક હમણાં જ થઈ ગયું!

કંઈ નવું કરવું હોય તો તમારે રિસ્ક લેવું પડે. આપણે ત્યાં નવું નહોતું થતું એટલે જ મેં પ્રોડ્યુસર બનવાનું નક્કી કર્યું અને કમર્શિયલ એક્સપરિમેન્ટલ પ્લે બનાવવાનું શરૂ કર્યું, પણ મને લાગે છે કે આ જર્ની લાંબી છે, એ પાર કરવાનું કામ મારા જેવા એકલદોકલથી નહીં થાય, એમાં બીજા લોકોએ પણ જોડાવું પડશે અને એ તૈયારી સાથે જોડાવું પડશે કે આપણે આપણી ઑડિયન્સની અત્યારની જે ઍવરેજ એજ છે એને ઓછી કરવાની દિશામાં કામ કરવું છે. નહીં તો થિયેટરની આજ ડેવલપ કરનારી આપણી આગળની જનરેશન આપણને ક્યારેય માફ નહીં કરે. ક્યારેય નહીં.

 

- ખંજન ઠુંબર (ઍક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર ખંજન ઠુંબરે અનેક ગુજરાતી નાટકો સાથે હિન્દી-ગુજરાતી ટીવી-સિરિયલ અને ગુજરાતી ફિલ્મો કરી છે.)

columnists