10 August, 2026 07:27 PM IST | Mumbai | Jigisha Jain
જિગીષા જૈન
ફેમિનિઝમની લડાઈ ૨૦૦ વર્ષથી ચાલતો એક મહાયજ્ઞ છે. અઢળક સ્ત્રીઓ અને કેટલાક પુરુષો પણ આ યજ્ઞના તાપમાં તપ્યાં છે, કેટકેટલી આહુતિઓ તેમણે આપી છે. એક છીછરી કે આછકલી વાત આપણને બીજાં ૫૦ વર્ષ પાછળ લઈ જઈ શકે છે એટલે જ્યારે તમને લાગે કે તમે કોઈ વાત ફેમિનિઝમને લગતી કરી રહ્યા છો ત્યારે ડબલ ચેક કરીને આગળ વધવું જરૂરી છે
સામાન્ય રીતે ગંભીર મુદ્દાઓને હળવી શૈલીમાં હાસ્ય સાથે પ્રેક્ષકો સમક્ષ મૂકવામાં આવે તો એ મુદ્દાઓ વધુ સચોટ રીતે સમજી શકાતા હોય છે. આ સિદ્ધાંત પર આધારિત હાલમાં ઍમૅઝૉન પ્રાઇમ પર એક નવી વેબ-સિરીઝ આવી છે જેનું નામ છે ‘આદર્શ બાલ વિદ્યાલય’. દિલ્હીની એક સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને એ સ્કૂલના શિક્ષકોની આ વાર્તામાં એક મુદ્દો અને એ મુદ્દાને કહેવાની શૈલી મને ખૂબ જ રસપ્રદ લાગી. આદર્શ બાલ વિદ્યાલયમાં એક હોશિયાર છોકરી નિષ્ઠાનું ભણતર બગડી રહ્યું છે કારણ કે નિષ્ઠાના ઘરના લોકોએ તેનાં લગ્ન નક્કી કરી દીધાં છે. આ જાણીને શિક્ષકે ખૂબ પ્રયત્નો કરીને તેનાં લગ્ન રોકવાની કોશિશ કરી; પરંતુ પાછળથી સમજાયું કે છોકરીનાં પરાણે લગ્ન નથી કરાવવામાં આવી રહ્યાં, છોકરી જ ખુદ લગ્ન કરવા માગે છે. શિક્ષક ખૂબ અચરજ સાથે એની પાછળનું કારણ પૂછે છે ત્યારે નિષ્ઠા કહે છે, ‘સારા માર્ક્સ માટે ખૂબ મહેનત કરવી પડે છે અને મારે મહેનત નથી કરવી, મારે ગૃહિણી બનવું છે. ઇટ્સ માય ચૉઇસ. તમે જ તો કહો છો કે સ્ત્રી સશક્ત હોવી જોઈએ. એક સશક્ત સ્ત્રી તરીકે હું દસમું, બારમું કે ગ્રૅજ્યુએશન કંઈ જ નથી કરવા માગતી. હું ફક્ત લગ્ન કરીને ઘરગૃહસ્થી સંભાળવા માગું છું. તો શું મારી ચૉઇસ મહત્ત્વની નથી?’
ઘણીબધી છોકરીઓ આજની તારીખે ‘માય લાઇફ, માય ચૉઇસ’ના નામે આવી વાતો કરે છે. ઘરનાં કામ નહીં કરું, રસોઈ નહીં બનાવું, લગ્ન નહીં કરું, બાળકો નહીં કરું, બાળકને સ્તનપાન નહીં કરાવું, પતિના ઘરના લોકો સાથે નહીં રહું વગેરે-વગેરે. ના, હું આનંદીબહેન પટેલની જેમ નથી માનતી કે સ્ત્રીઓએ બધું કામ પછી કરવું જોઈએ અને પહેલાં પોતાના ઘરને સંભાળવું જોઈએ. એ ન કરવું હોય તો પણ એમાં વાંધો ન હોઈ શકે, પણ એ ન કરવાની ચૉઇસ તમે કયા આધારે લીધી છે એ સમજવું જરૂરી છે.
હાલમાં ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં એક સ્પર્ધક તરીકે સાક્ષી ઝી નામની છોકરી આવી જેણે કહ્યું કે હું પુરુષોને સખત નફરત કરું છું, હું ફેમિનિસ્ટ છું અને મને પુરુષોને દારૂ પીને કોરડા મારવાની ઇચ્છા છે. તેની એ વાત પછી તેને ઇન્ટરનેટ પર ખૂબ હેટ મળ્યું. મને તેની વિચારસરણીથી પ્રૉબ્લેમ હોય એના કરતાં તે પોતાને ફેમિનિસ્ટ બોલાવે છે એ વાતથી વધુ પ્રૉબ્લેમ છે. પુરુષોના વાદ લઈને દારૂ કે સિગારેટ પીનારી સ્ત્રી કે ગાળો બોલનારી સ્ત્રી જો કહે કે આ મારી ચૉઇસ છે, પુરુષ કરી શકે તો હું કેમ નહીં તો એ ફેમિનિઝમ નથી. એ ફેક કે ફર્ઝી ફેમિનિઝમ છે. આજની તારીખે કેટલીક સ્ત્રીઓ જ નાકનું ટીચકું ચડાવીને કહેવા લાગી છે કે પ્લીઝ, હું ફેમિનિસ્ટ નથી. કેટલાક પુરુષો માટે ફેમિનિઝમ એક જોક બનીને રહી ગયું છે જેની પાછળ આ ફેક ફેમિનિઝમની પિપૂડી વગાડનારાઓ છે.
ફેમિનિઝમની લડાઈ સમાનતાની છે. સમાન હકો, સમાન તકો અને સમાન સન્માનની. જીવવાનો, ભણવાનો કે પોતાનાં સપનાં જોવાનો તથા એને સાર્થક કરવાનો હક જે માટે સ્ત્રીસશક્તીકરણ જરૂરી છે. જોકે સશક્ત હોવાનો અર્થ જવાબદારીઓથી ભાગવું નથી, સશક્ત હોવાનો અર્થ બેફામ વર્તન કરવું નથી, સશક્ત હોવાનો અર્થ એ નથી કે તમને જે ઠીક લાગે એમ કરો અને પછી કહી દો કે ‘માય લાઇફ, માય ચૉઇસ’. જ્યારે હું આવી સ્ત્રીઓને જોઉં છું ત્યારે મને નથી સમજાતું કે તેમને કઈ રીતે સમજાવું કે તમે જેને ફેમિનિઝમ કહો છો એ ફેમિનિઝમ નથી. ફર્ઝી ફેમિનિઝમના ખ્યાલને કારણે તમે તમારું જીવન ખરાબ કરી રહ્યા છો એટલું જ નહીં, સાચી રીતે પોતાના હક માટે લડતી સ્ત્રીઓની લડાઈ પર પાણી પણ ફેરવી રહ્યા છો.
તમારા બેફામ ખર્ચાઓને રોકતો તમારો પતિ તમારી આર્થિક સ્વતંત્રતા પર હુમલો નથી કરી રહ્યો, એ તમને ખોટું કરતાં રોકી રહ્યો છે. તમને રૂમ સાફ રાખવા બાબતે ટોકતાં તમારાં સાસુ તમને ઘરકામમાં ઘસેડી નથી રહ્યાં, જીવન માટે અત્યંત જરૂરી એવી સફાઈનો પાઠ ભણાવી રહ્યાં છે. તમે મા બન્યાં છો તો બાળકનું ધ્યાન તેના પિતા નથી રાખી રહ્યા તો હું શું કામ રાખુંનો વાદ ન કરવાનો હોય, એની જગ્યાએ બન્નેએ એકબીજાનો સાથ આપીને બાળકનો ઉછેર કરવાનો હોય. દરેક જગ્યાએ તમારું શોષણ નથી થઈ રહ્યું હોતું. દરેક વ્યક્તિ તમને સ્ત્રી તરીકે તકલીફ આપવામાં રસ નથી ધરાવતી એટલે બધી જગ્યાએ મહિલા મુક્તિ આંદોલન લઈને પહોંચી ન જાઓ. તમે ‘મહિલા’ છો, પણ સાથે-સાથે ‘માણસ’ પણ છો એ ભૂલી ન જતા.
આ ફેક ફેમિનિઝમને સાચા માર્ગે દોરવા અને નિષ્ઠા જેવી છોકરીઓને યોગ્ય સમજ આપવા માટે આ વેબ-સિરીઝમાં ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે. નિષ્ઠાને દરરોજ સ્કૂલથી ઘરે લઈ જવા માટે તેના પપ્પા લેવા આવતા અને જ્યારે પપ્પા ન આવી શકે ત્યારે તેનો બૉયફ્રેન્ડ તેને લેવા આવતો. જોકે એ દિવસે બન્નેમાંથી કોઈ જ ન આવ્યું એટલે નિષ્ઠા ગુસ્સે થઈ ગઈ કે હવે હું કેવી રીતે ઘરે જાઉં? સ્કૂલના કમ્પાઉન્ડમાં સ્કૂલની એક સાઇકલ પડી હતી. નિષ્ઠા દરરોજ સ્કૂલમાં આવે ત્યારે એ સાઇકલ જોતી. તેને એ સુંદર લાગતી પણ તે કહેતી કે મને ચલાવતાં નથી આવડતી. એ દિવસે તેને લેવા કોઈ આવ્યું નહીં એટલે તે સાઇકલ પર ચડી અને સાઇકલ ચલાવવાની કોશિશ કરી. સાઇકલ થોડી ચાલી અને તે પડી. નિષ્ઠા ફરી ઊભી થઈ, ફરી ચલાવી અને ફરી પડવાની હતી ત્યારે પેલા શિક્ષકે તેને સંભાળી લીધી. તે પાંચ મિનિટ સાઇકલ પર પ્રૅક્ટિસ કરે છે તો તેને સાઇકલ આવડી જાય છે અને તે શિક્ષકને પૂછે છે, ‘હું આ સાઇકલ લઈ જાઉં આજે? કાલે આપી દઈશ.’ શિક્ષક ખુશ થઈને હકારમાં માથું ધુણાવે છે અને કહે છે, ‘હવે તારી પાસે ચૉઇસ છે. આજ સુધી પપ્પા કે બૉયફ્રેન્ડ સાથે ઘરે જવું એ તારી ચૉઇસ નહોતી, મજબૂરી હતી. હવે ચૉઇસ છે તારી પાસે કે તું સાઇકલથી ઘરે જઈશ કે કોઈ બીજી વ્યક્તિની મદદથી. એક ઇન્ફૉર્મ્ડ ચૉઇસ એટલે કે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી સમજદારી સાથે લીધેલા નિર્ણય માટે પણ આપણને એજ્યુકેશનની જરૂર પડે છે.’
આ વાત સમજી લીધા પછી નિષ્ઠા ભણવામાં ધ્યાન આપે છે અને ફોકસ સાથે દસમા ધોરણની એક્ઝામ આપે છે. ફેમિનિઝમના સત્ત્વને ઉજાગર કરતી આ સરળ વાતને આનાથી વધુ સારી રીતે ન કહી શકાય. શું કહો છો?