એવું શું થયું કે વેલાસ બની ગયું કાચબા ઉત્સવનું ધામ?

31 March, 2022 01:16 PM IST  |  Mumbai | Sejal Patel

આ નજારો જોવાનો અમારો અનુભવ કેવો રહ્યો અને શા માટે આ ફેસ્ટિવલ સમુદ્રસૃષ્ટિ માટે ખાસ છે એ જાણીએ 

ન્યુ બૉર્ન બેબી ટર્ટલ્સની સાઇઝ આશરે દોઢથી બે ઈંચ જેટલી હોય છે.

રત્નાગિરિ જિલ્લાના જસ્ટ ૧૩૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં દર વીક-એન્ડમાં લગભગ ૫૦૦ ટૂરિસ્ટોનો મેળો ઊભરાય છે. તેમના માટે આકર્ષણ હોય છે નવજાત ટર્ટલ્સને પહેલી વાર ભાંખોડિયાં ભરીને દરિયામાં ચાલતા જતા જોવાનું. આ નજારો જોવાનો અમારો અનુભવ કેવો રહ્યો અને શા માટે આ ફેસ્ટિવલ સમુદ્રસૃષ્ટિ માટે ખાસ છે એ જાણીએ 

સેજલ પટેલ 
sejal@mid-day.com
વિશ્વમાં કુલ સાત પ્રજાતિના સી ટર્ટલ્સ જોવા મળે છે ને સાતેય પ્રજાતિના ટર્ટલ્સ એન્ડેન્જર્ડ છે એમાંથી પાંચ પ્રકારના સી ટર્ટલ્સ ભારતમાં જોવા મળે છે. આજે પણ દર વર્ષે ભારતના દરિયાકિનારાઓ પર દસ હજાર મૃત ટર્ટલ્સ મળી આવે છે. એમાંથી ઑલિવ રિડલી પ્રજાતિના ટર્ટલ્સનું સંવર્ધન રત્નાગિરિ જિલ્લાના વેલાસ અને આંજરલે બીચ પર થઈ રહ્યું છે. આ વર્ષે વેલાસમાં લગભગ ૫૩ નેસ્ટ બન્યા છે એમાંથી કુલ ૫૫૦૦ જેટલાં બેબી ટર્ટલ્સ પેદા થશે એવું અનુમાન બંધાઈ રહ્યું છે. વેલાસમાં ટર્ટલ સંવર્ધન અને ફેસ્ટિવલની શરૂઆત કઈ રીતે થઈ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
૨૦૦૨ની સાલમાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈગલ પંખીની સંખ્યા અને મૃત્યુના દર માટે રત્નાગિરિ જિલ્લાના દરિયાકિનારાનાં ગામોનો સર્વે થઈ રહ્યો હતો ત્યારે વેલાસના બીચ પરથી રિસર્ચરોને અલગ પ્રકારનાં ઈંડાંની કાચલીઓ મળી આવી. આ ઈંડાં શાનાં છે અને ક્યાંથી આવ્યાં એની પૂછતાછ કરી પણ ખાસ સંતોષકારક જવાબ મળ્યો નહીં. બહુ ઊલટતપાસ કરતાં ખબર પડી કે આ ઈંડાં દરિયાકિનારા પાસેથી ગામલોકો લઈ આવે છે અને પકવીને ખાઈ જાય છે. તેમનું માનવું હતું કે આ ઈંડાં સમુદ્રી જીવો તેમના ખાવા માટે જ મૂકી જાય છે. અભ્યાસ કરતાં ખબર પડી કે આ ઈંડાં તો ઑલિવ રિડલી ટર્ટલ્સનાં છે જેનું અસ્તિત્વ ખતરામાં છે ને એ પછી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સહ્યાદ્રિ નિસર્ગ મિત્ર અને મૅન્ગ્રોવ્ઝ ફાઉન્ડેશને મળીને આ ટર્ટલ્સના સંવર્ધનનું કામ શરૂ કર્યું. આજે વીસ વર્ષ બાદ આ સંવર્ધનના કામે એવો રંગ નિખાર્યો છે કે વેલાસ ગામ આખા મહારાષ્ટ્રમાં ટર્ટલ ફેસ્ટિવલ માટે જાણીતું છે. ૨૦૦૬માં પહેલી વાર એક દિવસનો ટર્ટલ ફેસ્ટિવલ યોજાયેલો, જે આ વર્ષે લગભગ બે મહિના જેટલો લાંબો ચાલશે.
ગયાં બે વર્ષ ટર્ટલ હૅચિંગ જરૂર થયું પણ ટૂરિસ્ટો માટેનો ફેસ્ટિવલ નહોતો થયો, પણ આ વખતે જાણે ગયાં બન્ને વર્ષની કસર પૂરી થવાની હોય એમ લાગે છે. માર્ચ એન્ડમાં પહેલી વાર બેબી ટર્ટલ્સ પેદા થયેલા અને ઈંડાંઓની સંખ્યા જોતાં મે મહિના સુધી ફેસ્ટિવલ લંબાય એવું લાગે છે.  વેલાસના ટર્ટલ રિસર્ચ ઑફિસર મોહન ઉપાધ્યે કહે છે, ‘નવેમ્બરથી માર્ચ સુધી માદા ટર્ટલ રાતના સમયે દરિયાકિનારે કોઈ સેફ સ્થાન શોધીને એમાં ઈંડાં મૂકી જતી હોય છે. જો બીચ પર હલચલ હોય અથવા કૂતરા, જૅકલ્સ, હાયેના કે વાઇલ્ડબોર જેવાં શિકારી પ્રાણીઓ હોય તો માદા કિનારે ન આવે. સેફ માહોલ જણાય ત્યારે રાતના અંધારામાં માદા દરિયામાંથી ચાલીને આવે. જેવી સૂકી રેતી શરૂ થાય એટલે પાછલા પગથી એ ખાડો ખોદે. એમાં ઈંડાં મૂકે અને પછી ફરીથી રેતીથી ખાડો પૂરીને ત્યાંથી ચાલી જાય. આ પ્રાણીઓ ઈંડાં મૂક્યા બાદ ફરી કદી જોવા નથી આવતાં કે એમાંથી બચ્ચાં પેદા થયાં કે નહીં. મોટા ભાગે જંગલી પ્રાણીઓ આવા ખાડા ખોદીને એમાંથી ઈંડાં ખાઈ જતાં હોય છે, પણ અમે એ ઈંડાં ત્યાંથી કાઢીને પ્રોટેક્ટેડ હૅચરીમાં લઈ જઈએ અને સાચવીએ.’
આમ તો માદાની ઈંડાં મૂકવાની સીઝન લગભગ પૂરી થઈ ગઈ છે, પણ અમે નસીબદાર હતા કે બે દિવસ પહેલાં જ્યારે આ ટર્ટલ ફેસ્ટિવલની મુલાકાત લીધી એ રાતે જ માદા ટર્ટલ દરિયાકિનારે ઈંડાં મૂકી ગયેલી. માદા એકસાથે લગભગ ૮૦થી ૨૫૦ જેટલાં ઈંડાં મૂકે છે. ટર્ટલ ક્યાંથી ચાલતી આવી અને ક્યાંથી ગઈ એ પણ એનાં પગલાંનાં નિશાન પરથી ખબર પડે છે. 
આ ફેસ્ટિવલ દરમ્યાન દિવસમાં બે વાર સહેલાણીઓ માટે આ હૅચરીની મુલાકાત થાય છે. એક છે સવારે સાત વાગ્યે અને બીજી સાંજે છ વાગ્યે. કિનારાથી થોડેક દૂર જ એક જાળીવાળો એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. એમાં માદાએ એકસાથે મૂકેલાં તમામ ઈંડાંને એકસાથે જ જમીનમાં દાટી દેવામાં આવે. રેતીમાં દટાયેલાં ઈંડાંને પ્રૉપર ટેમ્પરેચર મેઇન્ટેન કરવામાં આવે છે. લગભગ ૪૫થી ૫૫ દિવસમાં આપમેળે બચ્ચાં ઈંડું તોડીને બહાર નીકળે. ખાડા પર વાંસની ટોપલીઓ ઢાંકેલી હોય છે જે ટેમ્પરેચર પણ મેઇન્ટેન કરે અને શિકારીઓથી બચાવે પણ ખરું. બચ્ચું બહાર નીકળતાંની સાથે એની સર્વાઇવલ વૉર શરૂ થઈ જાય. પહેલાં તો એણે ફ્લિપર્સ ફેલાવીને ખાડામાંથી બહાર આવવું પડે. જે બચ્ચાં આપમેળે રેતીમાંથી ઉપર બહાર આવી જાય એને જ દરિયામાં છોડવામાં આવે. આ દરિયામાં છોડવાની પ્રક્રિયા છે એ જ સહેલાણીઓ માટે દુર્લભ લહાવો છે. 

અમે સાંજના સમયે પહેલી વાર આ જોવા ગયા ત્યારે લગભગ ૧૫ જેટલાં બચ્ચાં બહાર આવેલાં. દોઢથી બે ઇંચની સાઇઝનાં આ બચ્ચાંને દરિયાની ભીની રેતી પર લગભગ પચીસ મીટર દૂર મૂકી દેવામાં આવ્યાં ને આ ટાઇની ટર્ટલ્સે બેબી સ્ટેપ્સ લેતાં-લેતાં પંદરેક મિનિટમાં પોતાની મંજિલ એટલે કે દરિયા સુધીની મજલ કાપી. પાણીમાં પહોંચતાં જ આપમેળે આ બચ્ચાં તરતાં શીખી ગયાં અને દરિયાના પાણીમાં મળી ગયાં. સવારના છ વાગ્યાના સેશનમાં અમે ગયા ત્યારે લગભગ ૨૪ બચ્ચાં બહાર આવ્યાં. સવારે પેદા થયેલાં આ બેબીઝ વધુ તરવરાટવાળાં હતાં. સામાન્ય રીતે જમીન પર આવતાં બેબી ટર્ટલ શરૂઆતમાં દિશા ભટકી જતા હોય છે, પણ સવારે  પેદા થયેલી આ ફોજ તો સીધીસટ લાઇનમાં દરિયાને મળવા પહોંચી ગઈ અને એ કામ દસ મિનિટથી ઓછા સમયમાં પૂરું કરી નાખ્યું. અમે વીક ડેઝમાં ગયા હોવાથી પચાસ-સાઠ લોકો જ હતા, પણ વીક-એન્ડમાં હવે પ૦૦-૬૦૦ લોકો હોય છે. જો શાંતિથી આ ટર્ટલ્સ સાથે સમય ગાળવો હોય તો વીક-એન્ડ ટૂરને બદલે વીક ડેઝમાં જવું એવી અમારી વણમાગી સલાહ છે.

કેવી રીતે જવાય અને હોમ સ્ટે બુક કઈ રીતે થાય?

બાય રોડ મુંબઈ-ગોવા હાઇવેથી માણગાંવ અને ત્યાંથી મંડનગઢ. મંડનગઢથી ૨૫ કિલોમીટર કોસ્ટલ રોડથી લગભગ સાડા પાંચ કલાકે વેલાસ ગામ પહોંચાય. 
ટૂર-ઑપરેટરો દ્વારા દર વીક-એન્ડમાં શનિ-રવિની ટૂર ઊપડે છે જેમાં વેલાસ ટર્ટલ ફેસ્ટિવલ સાથે નજીકના ફોર્ટ અને બીચની મુલાકાત પણ આવરી લેવાતી હોય છે. એનો ખર્ચ ૨૭૦૦થી ૩૩૦૦ રૂપિયા જેટલો થાય છે.

હોમ સ્ટે અને બુકિંગ માટેઃ velasturtlefestival.org

ચોરના હાથમાં ચાવી

આટલા ટૂરિસ્ટો આવતા હોવા છતાં વેલાસ ગામમાં માત્ર હોમ સ્ટેની જ વ્યવસ્થા છે એનું કારણ જણાવતાં ટર્ટલ સંવર્ધન પ્રોજેક્ટના રિસર્ચ ઑફિસર મોહન ઉપાધ્યે કહે છે, ‘શરૂઆતમાં ગામના લોકો જ આ ઈંડાં ખાઈ, ચોરી કે વેચી નાખતા હોવાથી તેમની લોકભાગીદારી વિના સંવર્ધનનું કામ શક્ય નહોતું. એટલે અમે પહેલાં તો ગામના લોકોના એજ્યુકેશન માટેના કાર્યક્રમો કર્યા. ઈંડાંને હૅચરીમાં રાખીને એમાંથી બેબીઝ પેદા થાય ત્યાં સુધી હૅચ કર્યાં અને ગામલોકોને એ બચ્ચાં દેખાડ્યાં. ૫૦ ટકા લોકો કન્વિન્સ થઈ ગયા ઈંડાં ન ચોરવા અને ન ખાવા માટે. જોકે ટર્ટલ હૅચિંગની આ પ્રક્રિયા દ્વારા ગામલોકોને કામ કે રોજગારી મળશે તો તેઓ પણ સંવર્ધન કામમાં જોડાશે એમ વિચારીને ટર્ટલ ફેસ્ટિવલ દરમ્યાન ટૂરિસ્ટો લોકલ લોકોના ઘરમાં જ રોકાય એવી સિસ્ટમ ડેવલપ કરી. આજે ગામનાં ૩૩ ઘરો હોમ સ્ટે ઑફર કરે છે. અમે નક્કી કર્યું છે કે આ ફેસ્ટિવલ માટે કોઈ લૉજ કે હોટેલ નજીકમાં નહીં જ બનાવીએ. સહેલાણીઓ સ્થાનિકોના ઘરમાં જ રહે અને કલ્ચરનું આદાનપ્રદાન થાય.’

columnists sejal patel