03 November, 2025 08:51 PM IST | Mumbai | Swami Satchidananda
તસવીર સૌજન્ય એઆઈ
આપણે ત્યાં ત્યક્તા કે વિધવા સ્ત્રીને જ આશ્રિત ગણવામાં આવે છે, પણ એવું નથી. ઘણા કિસ્સામાં સધવા પણ પતિના ઘરમાં આશ્રિત સ્ત્રી બની જાય છે. આની પાછળનું કારણ જાણવું જોઈએ.
લગ્નજીવનની નિષ્ફળતા પછી સામાજિક અથવા કૌટુંબિક પ્રતિષ્ઠાના કારણે પતિ-પત્ની છૂટાં ન થઈ શકતાં હોય એમ સમર્પણ-પ્રત્યાર્પણ પણ કરી શકતાં ન હોય ત્યારે સ્ત્રી પોતાના પતિને ત્યાં જ રહે પણ આશ્રિત તરીકે, પત્ની તરીકે નહીં. તેના ખાવા-પીવાથી રહીને વસ્ત્ર-રહેઠાણ, જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવું બધું પતિ દ્વારા મળે પણ કાં તો દયાની નજરે અને કાં તો સામાજિક દબાણથી મળે. બન્ને એક જ ઘરમાં રહેતાં હોવા છતાં બન્ને વચ્ચે કરોડો માઇલનું અંતર પડી ગયું હોય. 
‘તને શું દુ:ખ છે, બધું તો મળે છે’ આવા કથનથી આવી મહિલાઓને ચૂપ રાખવામાં આવે છે અને કાં તો બોલતી બંધ કરી દેવામાં આવે છે, પણ હકીકત જુદી હોય છે. ખરેખર તેને પતિ સિવાય બાકી બધું મળતું હોય પણ પરિણીત સ્ત્રી માટે પતિથી આગળ કશું હોતું નથી એટલે આવી ભગ્ન અરમાનવાળી સ્ત્રી આશ્રિત થઈને પણ પતિના ઘરમાં પડી રહે છે. એવી આશા સાથે કે ભવિષ્યમાં કદાચ સુકાયેલા વૃક્ષને નવી કૂંપળો ફૂટશે અને નવેસરથી જીવનમાં વસંત આવશે, પણ જો એની જગ્યાએ કોઈ સ્ત્રી સજ્જડ રીતે ગોઠવાઈ ગઈ હોય તો તેના માટે જીવન નિરાશા અને નિસાસા માત્ર થઈ જાય. તે નથી છોડી શકતી કે નથી જોડી શકતી. જો નિષ્ફળ લગ્નજીવનને છોડીને પોતાને યોગ્ય વ્યક્તિ સાથે અન્યત્ર જોડી શકે તો કદાચ તેનું જીવન સુખી થાય, પણ સમાજ-વ્યવસ્થાને કારણે તે એવું કરી નથી શકતી એટલે તેને જીવનભર પોતાના જ ઘરમાં આશ્રિત સ્ત્રી જેવું જીવન જીવવું પડતું હોય છે. ત્યક્તા અને વિધવા કરતાં પણ તે વધુ દુખી હોય છે.
એટલું યાદ રહે કે સમર્પિત સ્ત્રીને પણ જો પતિનું પૂરું પ્રત્યાર્પણ ન મળ્યું હોય તો જેટલા અંશમાં પ્રત્યાર્પણ ઓછું એટલા અંશમાં તે સ્ત્રી પણ લગભગ આશ્રિત સ્ત્રી જેવી થઈ જશે. પતિ જો વહેમી, લોભી, સ્વાર્થી, અવિશ્વાસુ, ક્રૂર કે અધમ પ્રકૃતિનો હશે તો સમર્પિત સ્ત્રી પણ પ્રત્યાર્પણ પ્રાપ્ત નહીં કરી શકે, કારણ કે સામેનું પાત્ર અયોગ્ય છે. બે યોગ્યતમ પાત્રોનું મિલન લગ્નજીવનની દિવ્યતા મેળવી શકે, બે અયોગ્યતમ પાત્રોનું મિલન લગ્નજીવનની દિવ્યતા તો ન મેળવી શકે પણ એકબીજાની અયોગ્યતાથી ટેવાઈને ગાડું ગબડાવ્યે રાખે, પણ એમાંથી એક યોગ્ય અને બીજું પાત્ર અયોગ્ય હોય તો યોગ્યતમ પાત્રને ડગલે ને પગલે વિડંબના જ વિડંબના ભોગવવી પડે. આવાં કજોડાંને લગ્નસંસ્થાની સૌથી મોટી ઉધાર બાજુ કહી શકાય.