આજ શ્વાસ ચાલે છે પણ કાલનો વિશ્વાસ છે?

22 June, 2025 03:12 PM IST  |  Mumbai | Hiten Anandpara

અકારણ કોઈનું દિલ દુખાવતા આપણે, સામેવાળાનું વારંવાર અપમાન કરતા આપણે, અહંકારના સાગરમાં હિલોળા લેતા આપણે, કોઈને નીચો પાડવાની તજવીજમાં માનવતાને મજબૂર કરતા આપણે ક્યારેય એ વિચાર નથી

પ્રતીકાત્મક તસવીર

ઍર ઇન્ડિયાના વિમાની અકસ્માતમાં મૃત્યુનો હવાઈ પંજો ફરી વળ્યો. ધરતી પરથી આકાશમાં જરાક ઉપર ગયેલા વિમાનના મુસાફારો કાયમ માટે ઉપર પહોંચી જાય એ દુર્ઘટના સૌને હચમચાવી ગઈ. આ પ્રકારનું આકસ્મિક મૃત્યુ આપણને વિચારતા કરી દે. મેધાવિની રાવલ આવો જ એક વિચાર મૂકે છે...

આખરે તો સત્ય સૌનું સાવ ખાલી હાથ છે

જન્મ જેનો પણ થયો, નિશ્ચે લખ્યો વિનાશ છે

જિંદગી! પાળ્યાં કર્યાં તેં સેંકડો જૂઠા ભરમ

આજ શ્વાસો ચાલે છે પણ કાલનો વિશ્વાસ છે?

નરસિંહ મહેતાએ ગાયું હતું : આજની ઘડી તે રળિયામણી. ખરેખર, કાલ કોણે જોઈ છે? જે છે એ આ જ ક્ષણ છે. અકારણ કોઈનું દિલ દુખાવતા આપણે, સામેવાળાનું વારંવાર અપમાન કરતા આપણે, અહંકારના સાગરમાં હિલોળા લેતા આપણે, કોઈને નીચો પાડવાની તજવીજમાં માનવતાને મજબૂર કરતા આપણે ક્યારેય એ વિચાર નથી કરતા કે મૃત્યુ ગમે ત્યારે બાજુ પલટાવી શકે છે. મનીષા શાહ ટકોર કરે છે...  

તમારી, અમારી, નથી કોઈની પણ

અમર જિંદગાની, નથી કોઈની પણ

ને જીવનની સાથે મૃત્યુય જન્મે

કથા કે કહાણી, નથી કોઈની પણ

દરેક રમત પૂરી થવા માટે શરૂ થતી હોય છે. મહાસાગર ગમે એટલો વિશાળ હોય એને પણ એક છેડો હોય છે. મોટા-મોટા ખડકો પણ કાળક્રમે ઘસાઈ જાય છે. ક્ષણભંગુર શબ્દ ભલે ક્ષણથી લઈ વર્ષો સુધી લંબાતો હોય પણ એની અર્થચ્છાયા મર્યાદિત આયુષ્ય ઇંગિત કરે છે. અચાનક આવતું મૃત્યુ આ અર્થચ્છાયાને વધારે ઘેરી અને ગેબી બનાવે છે. રશ્મિ જાગીરદારનો સવાલ વેધક છે...

આવી પહોંચે છાને પગલે અચાનક જાણજો

કેટલું છેટું હશે? મોત જીવનથી કહો

મનમાં ઊમટે આશ મીઠી, મળશે મારા સૌ સ્વજન

ઘરથી નીકળો ક્યાં જવા ને ક્યાંય પહોંચી જાવ છો!

મુંબઈ જેવા મેટ્રો શહેરમાં તો લોકલ ટ્રેનની આવનજાવનમાં મૃત્યુ આવીને ભરખી જાય તો એ સહજ ગણાય છે. મુમ્બ્રા પાસે ટ્રેનના અકસ્માતમાં ચાર મુસાફર વળાંક લેતી ટ્રેનમાંથી પડીને મરી ગયા. કોરોના પછી ટ્રેનમાં ભીડ પ્રમાણમાં ઓછી થઈ છે છતાં રશ અવર્સમાં થતી તકલીફો ઓસરી નથી. મોટા ભાગે યુવા વયના મુસાફરો જ કાળનો કોળિયો બનતા હોય છે. એમાં પણ કમાનાર વ્યક્તિ જ જતી રહે તો પરિવારની હાલત કફોડી બની જાય. ભાવના ‘પ્રિયજન’ લખે છે...

સતત જીવંત ઘર એના પગરવથી હતું

છતાં ફોટો બનીને એક જણ ચાલ્યો ગયો

જીવનનો દાખલો અઘરો હતો એનો છતાં

સરળતાથી ગણીને એક જણ ચાલ્યો ગયો

સરળ મૃત્યુ આવકાર્ય છે પણ અકાળે મૃત્યુ પ્લાનિંગ કરવાની કોઈ જ તક આપતું નથી. એમાં પણ આર્થિક જાગૃતિ ઓછી હોવાને કારણે પતિનાં બૅન્ક-અકાઉન્ટ્સ, શૅરબજાર કે પ્રૉપર્ટી કે અન્ય ઍસેટમાં રોકાણ વિશે પત્નીને ખબર જ નથી હોતી. પોતાનો હક મેળવવો એ પાછી બીજી જ લડત છે. એક તરફ સ્વજન ગુમાવ્યાનો અફસોસ હોય તો બીજી તરફ દુન્વયી જવાબદારીઓ પણ વેંઢારવાની હોય. માધવી ભટ્ટ લખે છે...

અચાનક લિસોટા થઈ ગયા પાછા નહીં આવે

અકસ્માતે વિખૂટા થઈ ગયા પાછા નહીં આવે

હતું કાળનું તાંડવ અગન ઓઢી સમેટાયું

મળેલા જીવ છૂટા થઈ ગયા પાછા નહીં આવે

વ્યક્તિગત અકસ્માતમાં હાનિ સીમિત હોય, પણ સામૂહિક અકસ્માત અનેક પરિવારોની જિંદગી અસ્તવ્યસ્ત કરી નાખે. ઍર ઇન્ડિયાના અકસ્માતમાં DNA ટેસ્ટ દ્વારા પોતાના પ્રિયજનનું શબ પાછું મેળવવાની પ્રક્રિયા પણ પરિવાર માટે વિદારક થઈ પડી. ઓળખાય નહીં એ કક્ષાએ બળી ગયેલા દેહને સ્વીકારવા કાળજા પર પાણો મૂકવો પડે. ઈશ્વર કયા ગુનાની સજા આપતો હશે એ સવાલ થાય અને ઈશ્વરત્વ વિશે સંશય પણ થાય. બારીન દીક્ષિતની પંક્તિમાં અદ્વૈતને આવરીને સાંત્વન મેળવવું પડશે...

આમ તારે, આમ મારે, મારનારો છે

આમ જોશો, છે ભીતર, ને જાગનારો છે

મોત એના હાથમાં છે, એટલી સમજણ પડે

શ્વાસની દોર છે, ને કાપનારો છે

લાસ્ટ લાઇન

અડજો ક્યાંય પણ હૈયે

હજી તો ઘાવ તાજો છે

અમે રડતા રહ્યા પાછળ

દગો પણ સાવ તાજો છે

- કિલ્લોલ પંડ્યા

ભડભડ નગર બળ્યું છે, આજે અહીં અચાનક

રણ એક વિસ્તર્યું છે, આજે અહીં અચાનક

છે મોતનું તાંડવ, ખૂલી છે આંખ ત્રીજી

બેબસ જીવન થયું છે, આજે અહીં અચાનક

- મીતા ગોર મેવાડા

air india plane crash poetry columnists hiten anandpara gujarati mid-day mumbai finance news