સંગીતનો ‘કોહિનૂર’ અને દિલીપકુમારનું સિતારવાદન

17 July, 2021 04:21 PM IST  |  Mumbai | Raj Goswami

જમતાં-જમતાં નૌશાદનું ધ્યાન પડ્યું તો દિલીપકુમારની આંગળીઓ પર પટ્ટીઓ મારેલી હતી. નૌશાદે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તમે મારું જીવવાનું કપરું કરી નાખ્યું. સિતાર શીખવા જતાં આંગળીઓ કપાઈ ગઈ એટલી અઘરી પ્રૅક્ટિસ છે’

સંગીતનો ‘કોહિનૂર’ અને દિલીપકુમારનું સિતારવાદન

જે દિવસે શૂટિંગ હતું એ દિવસે દિલીપકુમારે નૌશાદને લંચ માટે સ્ટુડિયો બોલાવ્યા હતા. જમતાં-જમતાં નૌશાદનું ધ્યાન પડ્યું તો દિલીપકુમારની આંગળીઓ પર પટ્ટીઓ મારેલી હતી. નૌશાદે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તમે મારું જીવવાનું કપરું કરી નાખ્યું. સિતાર શીખવા જતાં આંગળીઓ કપાઈ ગઈ એટલી અઘરી પ્રૅક્ટિસ છે’
પચાસના દશકની હિન્દી ફિલ્મોમાં વધતા-ઓછા અંશે સામાજિક અને રાજકીય સંદેશ રહેતા હતા, કારણ કે એ આઝાદ ભારતની શરૂઆત હતી. સાઠના દશકમાં એમાં પરિવર્તન આવ્યું અને વિષયોમાં રોમૅન્સ તેમ જ મજાક-મસ્તી ઉમેરાયાં. સ્વર્ગસ્થ દિલીપકુમારનો ઍક્ટિંગનો ઘોડો આ બેય દૌરમાંથી પસાર થયો હતો અથવા એવું પણ કહેવાય કે ગંભીર અને કંઈક અંશે ડિપ્રેસિવ ફિલ્મો કરીને તેમની માનસિકતા પર એટલી નકારાત્મક અસર થઈ હતી કે ડૉક્ટરોની સલાહથી તેમણે હળવી ફૂલ અને મજાક-મસ્તીવાળી ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું.
આજે આપણે જેને ‘મસાલા ફિલ્મો’ કહીએ છીએ એ શ્રેણીમાં આવતી સૌથી શરૂઆતી દૌરની ફિલ્મોમાં દિલીપકુમાર-મીનાકુમારીની ‘કોહિનૂર’ (૧૯૬૦)નો નંબર પહેલો આવે છે. એક તો આ ફિલ્મ સદંતર મારધાડવાળી અને કૉમેડીથી ભરપૂર હતી. બીજું, દિલીપકુમારની જેમ રોતલ કિરદારો માટે જાણીતી મીનાકુમારી આ ફિલ્મમાં પહેલી વાર (અને કદાચ છેલ્લી વાર) કૉમિક ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં તેનું કૉમિક ટાઇમિંગ ગજબનું હતું. દર્શકોને પહેલી વાર આ બે ટોચના સ્ટારને હળવાફૂલ કિરદારમાં જોવાનો અવસર મળ્યો હતો. 
‘કોહિનૂર’ એક રાજકુમાર, એક રાજકુમારી, એક દુષ્ટ મંત્રી, એક નિર્દયી રાજા, અપહરણ અને બહુ બધા ઘોડા ને સૈનિકોની કહાની હતી. બૉક્સ-ઑફિસ પર ફિલ્મ હિટ રહી હતી, પણ એ યાદગાર એના સંગીતને લઈને છે. મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોમાં રાગ આધારિત શાસ્ત્રીય સંગીતનો સફળતાપૂર્વક ઉપયોગ થયો હોય એવી જૂજ ફિલ્મો છે અને એવી ફિલ્મો મોટા ભાગે સાઠના દાયકાની છે જ્યાં સંગીતકારો શાસ્ત્રીય સંગીતના માધ્યમથી કર્ણપ્રિય ગીતો સર્જતા હતા.
‘કોહિનૂર’ એ અર્થમાં સાચે જ ગીત-સંગીતનો કોહિનૂર છે. એમાં કુલ ૧૦ ગીતો હતાં. એમાંથી જે સૌથી લોકપ્રિય થયું એ હતું ‘મધુબન મેં રાધિકા નાચે રે.’ સાઠ વર્ષ પછી આજે પણ આ ગીત એટલું જ તાજું અને મધુર છે. આ ગીતમાં રાધા-કૃષ્ણના પ્રેમનું વર્ણન હતું. રાગ હમીર અને તીન તાલમાં કમ્પોઝ થયેલું આ ગીત કોઈ અજાણી વ્યક્તિને સંભળાવવામાં આવે તો તે માની ન શકે કે એના સર્જન પાછળ જોડાયેલા તમામ કલાકાર-કસબીઓ મુસ્લિમ હતા - ગીતકાર શકીલ બદાયુની, સંગીતકાર નૌશાદ, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને પડદા પર દિલીપકુમાર ઉર્ફે યુસુફ ખાન.  
આ કૉલમમાં વાત હિન્દી સિનેમાની બહેતરીન અને સીમાચિહ્નરૂપ ફિલ્મોની થાય છે. આજે આપણે દિલીપકુમારની યાદમાં ‘કોહિનૂર’ને યાદ કરીએ છીએ, પરંતુ એનું આ એક ગીત એટલું સમૃદ્ધ છે કે આપણે ફિલ્મની વિગતમાં જવાને બદલે આ ગીતના સર્જનની વાત કરીશું જેથી શ્રોતાઓ-દર્શકોને ખ્યાલ આવે કે ગમતાં ગીતો પાછળની કહાની કેવી દિલચસ્પ હોય છે. 
મેં ‘મિ. ઍન્ડ મિસિસ 55’ના નામથી બ્લૉગ ચલાવતા હાર્વર્ડ યુનિવર્સીટીના બે વિદ્યાર્થીઓ અને જૂની હિન્દી ફિલ્મોના રસિયાઓના બ્લૉગ પર વાંચ્યું હતું કે સંગીતકાર નૌશાદ અલીએ આ ગીતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની પાંચ વિદ્યાઓનો ઉપયોગ કર્યો હતો; તરાના (ઓદે નાદિર દીતા નીતા ધારે ધીમ, ધીમ તા ના ના), સરગમ (ની સા રે સા ગા રે મા ગા પા મા), આલાપ (આઆઆહ...આઆઆહ...આઆઆહ), તાન (આઆઆહ...મધુબન મેં રાધિકા નાચે રે) અને જુગલબંધી (તબલા પર...નાદીર દીના નીતા ધારે). વાચકોને રસ હોય તો ‘મિ. ઍન્ડ મિસિસ 55 ડૉટ કૉમ’ પર આખો લેખ વાંચી શકે છે.
આ ગીતની બીજી એક ખાસિયત એ છે કે એમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં લગભગ તમામ વાજિંત્રોનો ઉપયોગ થયો હતો જેમ કે તબલા, જલતરંગ, સિતાર, તાનપુરા, સારંગી, સરોદ, રુદ્ર વીણા અને મૃદંગ. સંગીતકાર ગીત પર પોતાની અમીટ છાપ કેવી રીતે છોડે એતે જાણવું હોય તો ‘મધુબન મેં...’ એનું ઉત્તમ ઉદાહરણ છે. કોઈ પણ વ્યક્તિ આ ગીત સાંભળે તો પહેલો સવાલ એ પૂછે કે આ કમ્પોઝ કોણે કર્યું હતું અને ગીત-સંગીતનો રસિક માણસ સાંભળતાં વેંત બોલી ઊઠે કે ‘આ તો નૌશાદજી છે!’
એ જમાનાના સંગીતકારો કળા પ્રત્યેની તેમની લગનને લઈને ફિલ્મોમાં આવતા હતા. નૌશાદ અલી તો જાણીતા જ તેમના શાસ્ત્રીય સંગીતને લઈને છે. લખનઉમાં જન્મેલા નૌશાદ દસ વર્ષની ઉંમરે ૨૫ કિલોમીટર દૂર બારાબંકીમાં આવેલી હાજી વારિસ અલી સાહેબની મઝાર પર, દર વર્ષે કવ્વાલો અને સંગીતકારોને સાંભળવા જતા થયા હતા. ત્યાં એક વાંસળીવાદક શાસ્ત્રીય રાગ વગાડતો હતો. નૌશાદ એ સંગીતના પ્રેમમાં પડી ગયા હતા. તેમને ત્યારે ખબર પણ નહોતી કે એ રાગ ભૈરવી હતો, પણ એ મનમાં એવો બેસી ગયો હતો કે વર્ષો પછી તેમણે હિન્દી ફિલ્મમાં સંગીત આપવાનું ચાલુ કર્યું ત્યારે બહુ બધાં ગીતોમાં તેમણે રાગ ભૈરવીનો ઉપયોગ કર્યો હતો. 
૧૯૫૬માં તેમણે ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં તેમણે સિનેમા પ્રેમીઓને શાસ્ત્રીય સંગીતનો પરિચય આપ્યો. નૌશાદને સારું એ પડ્યું કે એ ફિલ્મ હતી જ શાસ્ત્રીય ગાયક કલાકાર બૈજુ પર. તેનાં તમામ ગીતો રાગ આધારિત હતાં. એ નૌશાદની ચાલાકી જ કહેવાય કે દર્શકો સંગીતના હેવી ડોઝથી કંટાળી ન જાય એટલે શરૂઆતનાં ગીતોમાં હળવું અને રમતિયાળ સંગીત હતું અને શાસ્ત્રીય સંગીતનો પૂરો ભાર છેલ્લે બૈજુ અને તાનસેન વચ્ચેની ગાયન હરીફાઈમાં મૂક્યો હતો. 
બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું હશે કે નૌશાદ અને દિલીપકુમારે ઘણી ફિલ્મો સાથે કરી હતી. બન્ને સારા દોસ્ત પણ હતા. એનું એક કારણ એ પણ ખરું કે દિલીપકુમારમાં સંગીતની સૂઝ હતી અને નૌશાદસા’બને દિલીપકુમારની અભિનયકળાની કદર હતી. એટલે નૌશાદ દિલીપકુમારને ધ્યાનમાં રાખીને સંગીતમાં વિશેષ મહેનત કરતા અને દિલીપકુમાર એ ગીતોને પર્ફોર્મ કરવા પાછળ કસર છોડતા નહોતા. ‘મધુબન મેં રાધિકા નાચે...’ ગીતને તમે જુઓ તો એવું લાગે કે દિલીપકુમાર સાચે જ સિતાર વગાડે છે અને ખુદ તે ગીત ગાય છે. દિલીપકુમારે એ ગીત કેવી રીતે પર્ફોર્મ કર્યું હતું એની વાત છેલ્લે કરીશું. પહેલાં નૌશાદના કૉમ્પોઝિશનની વાત.
‘કોહિનૂર’ ફિલ્મના એક દૃશ્યમાં દિલીપકુમાર જંગલ બાજુ જાય છે અને ત્યાં એક સંગીત જલસામાં જઈ ચડે છે. એ જલસામાં પ્રતિભાશાળી નૃત્યાંગના કુમકુમ ઉપસ્થિત મહેમાનોને પડકાર ફેંકે છે કે તે નૃત્ય ન કરી શકે એવું ગીત ગાવાની કોઈનામાં હિમ્મત છે? સ્વાભાવિક રીતે જ આપણા હીરો માટે આ અવસર હતો. તે ‘મધુબન મેં રાધિકા નાચે...’ ગાય છે અને કુમકુમ એના પર કથક નૃત્ય કરે છે. 
નસરીન મુન્ની કબીર નામની ફિલ્મ લેખિકાને નૌશાદે કહ્યું હતું કે ‘મને આ નૃત્યમાં શુદ્ધ શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ કરવાની તક દેખાઈ હતી. યુસુફસા’બ ફિલ્મના સ્ટાર હતા. તે દરેક ફિલ્મમાં અત્યંત લગનથી કામ કરતા હતા અને એવી રીતે કિરદારમાં ઓતપ્રોત થઈ જતા હતા કે તેઓ પડદા પર સહજ લાગે. એટલે મેં રાગ હમીરમાં આ ગીત કમ્પોઝ કર્યું હતું. એ રાગ અઘરો છે. યુસુફસા’બને દૃશ્યમાં સિતાર વગાડવાની હતી. મેં કહ્યું કે સિતાર અઘરું વાજિંત્ર છે. મેં મશહૂર સિતારવાદક અબ્દુલ હલીમ જાફરને ક્લોઝ-અપ શૉટ્સમાં સિતાર વગાડવા કહ્યું હતું. યુસુફસા’બે કહ્યું કે હું પ્રૅક્ટિસ કરીશ, પણ ક્લોઝ-અપ તો મારા હાથના જ હશે.’
જે દિવસે શૂટિંગ હતું એ દિવસે દિલીપકુમારે નૌશાદને લંચ માટે સ્ટુડિયો બોલાવ્યા હતા. જમતાં-જમતાં નૌશાદનું ધ્યાન પડ્યું તો દિલીપકુમારની આંગળીઓ પર પટ્ટીઓ મારેલી હતી. નૌશાદે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તમે મારું જીવવાનું કપરું કરી નાખ્યું. સિતાર શીખવા જતાં આંગળીઓ કપાઈ ગઈ એટલી અઘરી પ્રૅક્ટિસ છે.’
તબલા વાદક ઝાકીર હુસેનને યાદ છે કે દિલીપકુમારે છ મહિના સુધી સિતારવાદક અબ્દુલ હલીમ જાફર પાસેથી એની તાલીમ લીધી હતી. આજે પણ તમે જો એ ગીતમાં દિલીપકુમારને સિતાર વગાડતાં જુઓ તો તમને તેમના ચહેરા પરથી જ વંચાઈ જાય કે ‘મને સિતાર આવડે છે.’ તમે દિલીપકુમારના સમકાલીન રાજ કપૂરને ‘સંગમ’ કે બીજી કોઈ ફિલ્મમાં પિયાનો વગાડતાં જુઓ તો દિલીપકુમારના જેવો અહેસાસ ન થાય. 
નસરીનને જ દિલીપકુમારે એક બીજા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘પ્લેબૅક વાઇઝ તો કુછ મુશ્કિલ નહીં હોતા, કોઈ દિક્કત નહીં હોતી ઇસમેં. જૈસે ‘મધુમતી’ મેં જો ગાને થે વો આસાન થે, ‘દેવદાસ’ મેં ભી ‘મિતવા, લાગી રે યે કૈસી અનબુઝ આગ’ – લેકિન કુછ ગાને બડે દિક્કત તલબ હોતે હૈં. વો રિયાઝ માંગતે હૈં. ‘મધુબન મેં રાધિકા નાચે રે..’નો બહુ અભ્યાસ કરવો પડ્યો હતો. ડિરેક્ટર એસ. યુ. સુન્ની બહુ શરૂઆતમાં જ આ ગીત શૂટ કરવા માગતા હતા. મેં કહ્યું કે એને સૌથી છેલ્લે રાખો જેથી મને પ્રૅક્ટિસ કરવા માટે અમુક મહિના મળી જાય. મેં બહુ મહિના સુધી સિતારની પ્રૅક્ટિસ કરી હતી. એ અઘરું વાજિંત્ર છે અને બહુ ધીરજ અને શિસ્ત માગી લે છે. ‘મધુબન મેં...’ ગીત અઘરું છે, પણ મને મારી કારકિર્દીનું સૌથી વધુ ગમતું ગીત પણ એ જ છે.’ 
ન જોયું હો તો યુટ્યુબ પર આ ગીત જોજો. 

ટ્રૅજેડીથી કૉમેડી તરફ...

‘ટ્રૅજડીવાળી કહાનીઓની અસર વધુ થાય છે. જેમ કે લૈલા-મજનૂની દાસ્તાન અથવા શિરી- ફરહાદનો કિસ્સો. જેનો અંજામ કરુણ હોય તેના ગમની, તકલીફની, રંજની અસર વધુ થાય. ખુશી ઝડપથી પસાર થઈ જાય છે. મને લાગે છે કે આ ટ્રૅજિક અદાકારીની ઇમ્પ્રેશન વધુ સમય રહે છે. આ પ્રકારની લાગણીઓની આપણી ચેતના પર અસર પડે છે. હું શરૂઆતથી જ આવાં કિરદાર નિભાવતો હતો એટલે મારી પર એની અસર પડવી શરૂ થઈ હતી. લોકો પાછલી જિંદગીમાં ટ્રૅજેડિયન બને છે જેમ કે લૉરેન્સ ઑલિવિઅર. પરંતુ નાની ઉમરમાં એની ગહેરી અસર પડે છે. એટલે મેં ઍક્ટિંગ કોચ તેમ જ સાઇકિયાટ્રિસ્ટની મદદ લીધી હતી. બન્નેએ મને અલગ પ્રકારની ફિલ્મો કરવાની સલાહ આપી હતી. મેં એ પ્રયાસ કર્યો હતો.
આપણને એવું કહેવામાં આવે કે આ તમારી મા છે અને મરી ગઈ છે. હવે આપણને ખબર છે કે એ તમારી મા નથી. તે મરી નથી અને તેનું નામ લલિતા પવાર છે. તે હમણાં સુધી જાગતી હતી. થોડી વાર પહેલાં તેણે પેટ ભરીને ખાધું હતું, પણ ઍક્ટર તરીકે તમે એ ક્ષણે એ લાગણીને હાવી થવા દો છો. નર્વસ સિસ્ટમ માટે તો આ સજા છે. વર્ષોવર્ષ તમે આવી ફિલ્મો કરો તો એની અસર તો થવાની જ છે. - દિલીપકુમાર, બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં 

જાણ્યું-અજાણ્યું...

 દિલીપકુમારનું ઉર્દૂ સારું હતું એટલે બૉમ્બે ટૉકીઝમાં તેમનું પહેલું કામ પટકથા લેખકનું હતું ઇજિપ્તના ઍક્ટર ઓમર શરીફની હૉલીવુડ ફિલ્મ ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ સૌથી પહેલાં દિલીપકુમારને ઑફર થઈ હતી, પણ દિલીપકુમારને એ ફિલ્મ નાની લાગી હતી દિલીપકુમારના બે ભાઈઓ અસલમ ખાન અને એહસાન ખાન કોરોનામાં અવસાન પામ્યા હતા તેમના નામે સૌથી વધુ (૧૦) ફિલ્મફેર અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ છે. કુલ ૧૯ વખત નૉમિનેશન થયું હતું. ૧૯૯૧માં પદ્મભૂષણ, ૧૯૯૪માં દાદાસાહેબ ફાળકે અવૉર્ડ અને ૨૦૧૫માં પદ્મ વિભૂષણ અવૉર્ડ એનાયત થયા હતા. 

columnists raj goswami dilip kumar