સીએ બનતાં-બનતાં માટી ખૂંદવાનું ગમવા લાગ્યું

08 April, 2022 05:24 PM IST  |  Mumbai | Sejal Patel

આઠ જૉબ બદલ્યા પછી અંધેરીમાં રહેતી ૨૮ વર્ષની જિગીષા પટેલને માટી સાથે રમત કરવાનું પસંદ પડી ગયું. કોરોનાના લૉકડાઉને એ પસંદને નિખારવા માટે મોકળાશ આપી અને હવે તો તેનાં વાઝ અને આર્ટ-પીસીસ બૉલીવુડની સેલિ‌બ્રિટીઝ સુધી પહોંચી ગયાં છે

સીએ બનતાં-બનતાં માટી ખૂંદવાનું ગમવા લાગ્યું

સેજલ પટેલ 
sejal@mid-day.com
તમે રોજ રાતે ઘરે આવો ત્યારે જાતને સવાલ પૂછો છો કે આજે જે કર્યું એ આખી જિંદગી કરવાનું હોય તો ગમશે? મોટા ભાગે આવો સવાલ આપણે પૂછતા જ નથી. જોકે અંધેરીમાં રહેતી ૨૮ વર્ષની જિગીષાને રોજ રાતે આ સવાલ થતો. તકલીફ એ હતી કે રોજ તેને એક જ જવાબ મળતો કે ના, આ જે કરું છું એ તો નથી જ કરવું. 
ગુજરાતી બિઝનેસમૅન ‌ફૅમિલીમાં ઊછરેલી યુવતી હોય એટલે સ્વાભાવિક રીતે ભણીગણીને સારી નોકરી અથવા તો ધંધો કરવો છે એવું જ મનમાં હતું. એ જ કારણસર તેણે સીએ બનવા કમર કસેલી. એક તરફ ભણવાનું ચાલતું હતું અને બીજી તરફ આર્ટિકલશિપ માટેની જૉબ. ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની આંકડાની માયાજાળભરી દુનિયામાં આખો દિવસ અટવાયા પછી જિગીષા રોજ પોતાને પૂછતી કે શું મારે આ જ કરવું છે? સવારે ઊઠીને જૉબ પર જવા લિટરલી જાતને ઢસરડીને તૈયાર કરવી પડતી. જિગીષા કહે છે, ‘હું બસ એટલા માટે જૉબ ચલાવ્યા કરતી હતી કેમ કે મને સમજાતું નહોતું કે જો આ નહીં તો બીજું શું? કમાવા માટે કંઈક કરવું જ પડશે એવું નહોતું, પણ મારે મારી આઇડેન્ટિટી બને એવું કંઈક કરવું હતું.’
તેણે જરાક પોતાની અંદર જ ડૂબકી લગાવી. શેમાં મજા આવે છે એની આંતરિક શોધ ચલાવતાં તેને લાગ્યું કે સિરૅમિકના શોપીસ અને અવનવી ક્રૉકરી તેને આકર્ષે છે. તેણે જોયું કે ૨૦૧૬થી તેને સિરૅમિક આર્ટના અવનવા પીસ જોવા ગમતા. જોતાં જ તે એમાં ડૂબી જતી અને પછી થતું કે આવું તો હું પણ બનાવી શકું. આર્ટિકલશિપ માટેની આઠમી જૉબ ચાલતી હતી ત્યારે તેણે નક્કી કરી લીધું કે ખાલી હું બીજાનાં ક્રીએશન્સ જોઈને ખુશ થાઉં છું એના કરતાં મારી જાતને એક વાર ટ્રાય તો કરવા દે? તેણે દસ સેશનનો બેસિક પૉટરીનો કોર્સ કર્યો. શરૂઆતમાં ગમ્યું, પણ પછી બહુ ટાઇમ મળતો નહોતો. કઈ રીતે પૉટરીની દિશા ખૂલી એ વિશે વાત કરતાં જિગીષા કહે છે, ‘મને થયું કે ઘરમાં વ્હીલ વસાવીશ તો કદાચ નિયમિત સમય કાઢી શકીશ. વ્હીલ પણ ખરીદી લાવી. થોડાક દિવસ એક્સપરિમેન્ટ્સ કર્યા, પણ પછી રૂટીન કામમાં એ બાજુએ જ રહી ગયું. એવામાં લૉકડાઉન આવ્યું. બાલ્કનીમાં પડેલા વ્હીલ એટલે કે ચાકડા પરની ધૂળ ઉડાડી. ઘરમાં થોડીક ક્લે પડી હતી એટલે મારા પ્રયોગો પુરબહારમાં ચાલ્યા. હું અને મારો ચાકડો, બહુ સરસ જોડી જામી. કલાકો ક્યાં નીકળી જતાં એની ખબર જ ન પડતી. બનાવેલા પીસને પાકો કરવા માટે ભઠ્ઠીમાં ફાયરિંગ પ્રોસેસમાંથી પસાર કરવો પડે. દરેક વખતે પીસને ફાયરિંગમાં મૂકવા માટે બીજી ફૅસિલિટીઝ શોધતા રહેવી પડતી એટલે મેં ભઠ્ઠી એટલે કે કીન પણ વસાવી લીધી.’
બસ, આ તબક્કે હવે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી તરફ પાછળ વળીને જોવું નથી એવું જિગીષાએ નક્કી કરી લીધું. એ વિશે તે કહે છે, ‘એ પછીની મારી દરેક સવાર નવા જોમ અને ઉત્સાહવાળી ઊગતી. જોકે ઘરમાં હજી એ વાત બહુ ઍક્સેપ્ટેબલ નહોતી. એ વખતે મારા ભાઈને કે મમ્મીને કોઈ પૂછે કે જિગીષા શું કરે છે? તો બન્ને સહેજ મોં કટાણું કરીને કહેતાં કે ખબર નહીં હમણાં કુંભારકામ કરવાનો ચસકો લાગ્યો છે. મેં ભાઈને કહ્યું કે મારે ત્રણ મહિનાનો ઍડ્વાન્સ કોર્સ કરવા બૅન્ગલોર જવું છે તો તેણે વાત હસી કાઢી. તારે એમબીએ કરવા અમે‌રિકા જવું હોય તો કહેજે, આવી માટી ખૂંદવામાં વળી શું મળવાનું? બીજી તરફ ઘરમાં મારો પથારો વધતો ગયો એટલે મમ્મીએ અલ્ટિમેટમ આપી દીધું કે ઘરને સ્ટુડિયો બનાવી દેવાને બદલે બીજે ક્યાંક જગ્યા લઈ લે. મને પણ લાગ્યું કે ડેડિકેટેડ સ્ટુડિયો હશે તો સારું પડશે. ૨૦૨૦ના નવેમ્બરમાં જગ્યા લીધી અને નવા વર્ષના પહેલા જ મહિનામાં એનું વર્કિંગ શરૂ થયું. જોકે સમસ્યા એમ જ પીછો છોડે એમ નહોતી. મેં જે ભઠ્ઠી લીધેલી એ નવીનક્કોર હોવા છતાં એમાં કંઈક તકલીફ હતી. આ દરમ્યાન મારે જે બનાવવું હોય એનું ફાયરિંગ વર્ક બીજે કરાવવા જવું પડે. ખૂબ ફ્રસ્ટ્રેશન આવતું. એ હતાશાને ટાળવા મેં સ્ટુડિયોમાં જ બીજા લોકોને પૉટરી શીખવવાનું શરૂ કર્યું. નવા-નવા લોકોને મળવાથી અને તેમની પાસેથી આઇડિયાઝ શૅરિંગમાં સાચું કહું તો હું ખૂબ શીખી.’
મૅનિફેસ્ટેશન ઇઝ ધ કી

તમે જો દિલથી કશુંક મેળવવાની ચાહ રાખો તો બ્રહ્માંડ તમને એ જરૂર મેળવી આપે છે. મૅનિફેસ્ટેશનના આ સિદ્ધાંતમાં જિગીષાને બહુ વિશ્વાસ છે. લૉકડાઉન દરમ્યાન તે સ્પેસિફિક લાઇફ ગોલ્સ સામે રાખીને કામ કરતી હતી એની વાત કરતાં તે કહે છે, ‘મને ખબર નહીં કેમ પણ પૉટરી કરવાનું શરૂ કર્યું ત્યારથી હતું કે મારે એવા પીસ બનાવવા છે જે બૉલીવુડના સ્ટાર્સને અટ્રૅક્ટ કરે. એમાંય મને સ્પેસિફિકલી સોનમ કપૂર અને રિયા કપૂર મારા પીસ પસંદ કરે એવી ઇચ્છા હતી. કેમ આ બે જણ જ એ મને ખબર નથી; પણ મને તેમની લાઇફસ્ટાઇલ, ચૉઇસીસ અને સિસ્ટરલી બૉન્ડ બહુ ગમતાં એને કારણે હશે. તમે નહીં માનો પણ મારું આ સપનું બહુ સરપ્રાઇઝિંગલી સાકાર થયું. એક સવારે હું ચા પીતાં-પીતાં મારા ઇન્સ્ટા અકાઉન્ટને ચેક કરતી હતી ત્યારે ખબર પડી કે મારા અકાઉન્ટને રિયા કપૂરે ફૉલો કર્યું છે. એટલું જ નહીં, તેણે એક પીસ પણ ઑર્ડર કર્યો. યસ, હું સેવન્થ હેવનમાં પહોંચી ગઈ. રિયાના ઘરના ઇન્ટીરિયર પર વૉગ મૅગેઝિને આટિર્કલ કર્યો ત્યારે રિયાના મેઇન ફોટોમાં મારો બનાવેલો પીસ બૅકગ્રાઉન્ડમાં હતો. આ બધી નાની-નાની ચીજો છે, પણ એનાથી મારામાં ભરપૂર આત્મવિશ્વાસ જાગ્યો.’

 જિગીષાએ બનાવેલા પીસ તેમ જ હૅન્ડમેડ ક્રૉકરીઝ મુંબઈની ફાઇન ડાઇન રેસ્ટોરાંઓમાં જાય છે. તેને વિવિધ શેપનાં ફ્લાવરવાઝ અને આર્ટ પીસ બનાવવાનું બહુ ગમે છે. 

columnists sejal patel