ફાઇનલી બિગ બીને મળેલા તેમના વાઇરલ પાડોશીએ મિડ-ડેને શું કહ્યું?

12 February, 2026 12:40 PM IST  |  Mumbai | Ruchita Shah

દર રવિવારે સાંજે પોતાના ચાહકોને મળવા માટે ઘરની બહાર આવતા અમિતાભ બચ્ચનની ૪૫ વર્ષની પરંપરા આજકાલ ફરી ચર્ચામાં આવી છે એક ગુજરાતી યુવાનને લીધે. બિગ બીના બંગલાની બિલકુલ પાછળના બંગલામાં રહેતો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ યુવાન કોણ છે? શું કરે છે? એ જાણીએ

રિશ્તે મેં તો હમ આપકે પડોસી લગતે હૈં નામ હૈ નિર્મિત જેસરાણી

છેલ્લાં ૪૫ વર્ષથી લેજન્ડરી ઍક્ટર અમિતાભ બચ્ચન દર રવિવારે સાંજે પાંચ-સાડાપાંચ વાગ્યાની વચ્ચે પોતાના ફૅન્સને મળવા માટે થોડીક ક્ષણો માટે પોતાના ઘરની બહાર આવે અને ચાહકોનું અભિવાદન કરે. છેક ‘કૂલી’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અકસ્માતમાં ઘાયલ થયેલા અમિતાભ બચ્ચનની રિકવરી માટે દેશ આખામાં થયેલી પ્રાર્થનાઓ માટે ગદ્ગદ થયેલા આ ઍક્ટરે લોકોનો આભાર વ્યક્ત કરવા માટે આ પરંપરા શરૂ કરી હતી જે આજ સુધી અકબંધ છે. જોકે છેલ્લા થોડાક દિવસથી બિગ બીની આ અભિવાદન પરંપરા ચર્ચામાં આવી છે એક ગુજરાતી બંધુને કારણે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ ભાઈનું નામ છે નિર્મિત જેસરાણી જેઓ હકીકતમાં ધ ગ્રેટ અમિતાભ બચ્ચનના પાડોશી છે. બન્યું એવું કે પાપારાઝીએ શૂટ કરેલા બિગ બીની આ અભિવાદન પરંપરાના એક વિડિયોમાં તેમની પાછળના બંગલામાં રહેતા અને હાથ જોડીને બિગ બીનું અભિવાદન કરી રહેલા એક યુવાનને કૅમેરામાં કૅપ્ચર કર્યો.  સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ નસીબદાર યુવાન કોણ છે એની રીતસર શોધ થઈ. એ દરમ્યાન નિર્મિત જેસરાણી નામના આ યુવાને પોતાની ઓળખ છતી કરી અને પાડોશી બિગ બીને સંબોધતો વિડિયો બનાવ્યો. જોતજોતાંમાં આ વિડિયો પણ ખૂબ વાઇરલ થયો જેમાં લોકોએ અતરંગી કમેન્ટ્સનો મારો પણ ચલાવ્યો. અમિતાભના પાડોશી હોવાનું સૌભાગ્ય મેળવનારા નિર્મિતના વિડિયોમાં કોઈએ કમેન્ટ કરી કે ‘તમે ક્યારેક બિગ બીના ઘરે સાકર માગવા કે તમારા ઘરની પૂજામાં ઇન્વાઇટ કરવા જાઓ કે નહીં’ અન્ય એક કમેન્ટમાં કોઈએ લખ્યું કે, ‘તમે તમારું ઘર રેખાજીને રેન્ટ પર આપી દો...’ વળી કોઈકે રમૂજ કરતી કમેન્ટમાં લખ્યું છે, ‘ઓહ ભાઈ, હકીકતમાં આટલાબધા લોકો તમને જ મળવા આવે છે, આ તો અમિતાભ સર વચ્ચે આવી ગયા...’ બીજા એક યુઝરે શહનશાહ સ્ટાઇલમાં લખ્યું છે, ‘રિશ્તે મેં તો હમ આપ કે પડોસી લગતે હૈં...’ બીજા એક યુઝરે મસ્તી કરીને લખ્યું છે કે ‘યે બાત તો આપ બાલ્કની સે ભી બોલ સકતે હો...’ ‘મિડ-ડે’એ નિર્મિત જેસરાણી સાથે બચ્ચન ફૅમિલીના નેબર હોવાના અનુભવોની વાતો કરી જે જાણવાની તમને પણ મજા પડશે.

આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં નિર્મિતના દાદાએ ‘વેણુબન’ નામનો આ બંગલો ખરીદ્યો હતો. માસ મીડિયામાં ગ્રૅજ્યુએટ થનારા અને પોતાના ફૅમિલી-બિઝનેસ સાથે જોડાયેલો નિર્મિત ‘મિડ-ડે’ને કહે છે, ‘અમિતાભ સર કરતાં પણ પહેલાંથી અમે અહીં રહીએ છીએ. મારાં દાદી, મમ્મી-પપ્પા, મારી નાની બહેન, ફોઈ અને ફુવાજી એમ પરિવારના સભ્યો થોડોક સમય અહીં અને થોડોક સમય ગુજરાતમાં રહીએ છીએ. ભણવાનું પત્યું એ પછી તો હું મુંબઈમાં વિશેષ રહું છું અને ગમે ત્યાં હોઉં પણ રવિવારે તો ખાસ સાંજે પાંચ પહેલાં ઘરે પહોંચી જાઉં કારણ કે જ્યારે અમિતાભ સર તેમના ચાહકોને મળવા માટે બહાર આવે ત્યારે એક નજર અમારી તરફ પણ જરૂર કરે.’

અમિતાભ બચ્ચનનો ઘર અને ગાર્ડન મળીને ‘જલસા’ નામનો બંગલો L શેપનો છે અને ઘર અને ગાર્ડનને જોડતી દીવાલ અને નિર્મિતના બંગલાની કૉમન દીવાલ છે. નિર્મિત કહે છે, ‘બેશક, આ અતિશય નસીબની વાત છે કે આવી મહાન વ્યક્તિ અમારા નેક્સ્ટ ડોર નેબર છે પરંતુ એનો અર્થ એવો જરાય નથી કે ક્યાંય પણ અમે અમારી મર્યાદાઓ મૂકીને તેમની પ્રાઇવસીને અસર પહોંચાડી હોય. તમે જોયું હશે કે હું જ્યારે મારા ઘરની વિન્ડોમાં બિગ બી માટે ઊભો હોઉં તો ફોન ક્યારેય હાથમાં ન હોય.’

જ્યારે બિગ બીને મળવા પહોંચ્યો તેમના બંગલે

બિગ બીને મળવાની ઇચ્છા જાહેર કરતો એક વિડિયો નિર્મિત જેસરાણીએ ૩૧ જાન્યુઆરીએ પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર શૅર કર્યો હતો, જેને લગભગ ૭૦ લાખ જેટલા લોકોએ જોયો છે. ગણતરીના દિવસોમાં અમિતાભ બચ્ચનની ટીમે નિર્મિતનો સંપર્ક કરીને ગયા રવિવારે તેને અમિતાભ બચ્ચનના બંગલે જલસામાં મળવા બોલાવ્યો હતો અને ટી-શર્ટ, ઑટોગ્રાફ અને પોતાની સાથે ફોટો પાડવાની તક પણ આપી હતી. પોતાના જીવનની ક્યારેય ન ભુલાય એવી આ ક્ષણનું વર્ણન કરતાં નિર્મિત મિડ-ડેને કહે છે, ‘વિડિયો પોસ્ટ કર્યા પછી મને હતું કે આવનારા બે-ત્રણ મહિનામાં કદાચ બિગ બીને મળવાનું થશે પરંતુ એને બદલે લગભગ એક અઠવાડિયામાં બિગ બીએ મળવા બોલાવ્યા એ મારા માટે બિગ સરપ્રાઇઝ હતું. હું અને મારી ફ્રેન્ડ રવિવારે લગભગ પાંચ વાગ્યે અમિતાભ સરને મળવા પહોંચ્યાં હતાં. તેમના સન્ડે દર્શનને પણ તેમના જ ઘરમાં રહીને નજીકથી જોવાની તક મળી. તેમના પગે લાગવા ગયાં તો તેમણે અમને રોક્યાં અને સાથે ફોટોઝ પડાવ્યા એટલું જ નહીં, અમારા ઘરની બાલ્કનીમાં ઊભેલાં મારાં મમ્મીનું પણ તેમણે ત્યાં જ ઊભા-ઊભા અભિવાદન કર્યું. તેઓ ખરેખર ખૂબ જ સ્વીટ અને અડોરેબલ છે.’

amitabh bachchan juhu entertainment news bollywood gujaratis of mumbai columnists ruchita shah