29 June, 2025 03:24 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
જિંદગીને ઉન્નતિના પંથે લાવવા જાતે જ પ્રયાસ કરવા પડે. અન્ય પર અવલંબન સંજોગોને આધીન હોય તો બરાબર છે, પણ દાનત આધારિત હોય તો ખોટું છે. સ્વ-વિકાસમાં આપણે પોતે જ પોતાને નડતા નથીને એ ચકાસી લેવું જોઈએ. મધુમતી મહેતા એકરાર કરે છે...
યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે
જન્મોજનમનું કોઈ વળગણ નડ્યા કરે
હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે
સ્થિર અને પીઢ થવા માટે વિચાર અને વર્તન પરનો અંકુશ જરૂરી છે. ડોનલ્ડ ટ્રમ્પ બયાનોની તડતડ ધાણી સતત ઉડાડે છે એને કારણે અમેરિકાની શાખ ઉઝરડાઈ છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં વચ્ચે બન્ને દેશની સંમતિ વગર યુદ્ધવિરામ ઘોષિત કરી દીધો. સંજય છેલના બાળગીતની એક પંક્તિ યાદ આવે છે : ડોનલ્ડ ડક કરે છે બકબક. દેશના મોભી તરીકે શાણપણ સાથે ગાંભીર્ય અપેક્ષિત છે. વિચક્ષણ શાસક મૌન દ્વારા પણ સંકેત આપી શકે છે. ધૂની માંડલિયા આપણી હસ્તી અને હેસિયતને સાંકળે છે...
આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ કેવળ જળ કરે
ઘર તો સદા ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે
છે આપણા તો હાથમાં કેવળ સળી ને સાળ આ
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે
આપણું કામ નિષ્ઠાભાવે કર્મ કરવાનું છે. અત્યારના સમયમાં કર્મ શબ્દનો અર્થ પણ ફોડ પાડીને સમજાવવો પડે, કારણ દુષ્કર્મના કિસ્સાઓ નિરંતર વધી રહ્યા છે. પીડિતાનાં નામ બદલાયા કરે, ગુનેગારોનાં નામ બદલાયા કરે, ગુનાનું સ્થળ બદલાયા કરે પણ ગુનો યથાવત્ રહે. પીડિતાની સાથે પરિવારજનોની દશા પણ કફોડી થઈ જાય. ગની દહીંવાલા વિમાસણ વ્યક્ત કરે છે...
ઝાકળની દશામાં જીવીને
પુષ્પો સમ વર્તન કોણ કરે
એક આંખને હસતી રાખીને
એક આંખથી રુદન કોણ કરે
દશા ખરાબ ચાલતી હોય ત્યારે દિશા ભૂલી જવાય. લક્ષ્ય તરફ મક્કમ ગતિએ આગળ વધતા હોઈએ ત્યારે અજાણી દિશાએથી એવા અંતરાયો આવે જેની કલ્પના કરી ન હોય. બધી શક્તિ આ અંતરાયોને ઓળંગવામાં ખર્ચાતી જાય અને લક્ષ્ય પામવાનો સમય વિલંબાતો રહે. એમાં પણ જો પરદેશમાં સ્થાયી થવા ગયા હોઈએ ને ત્યાં ઠરીઠામ થવાનો યોગ ન આવે તો પૈસા અને સમય બન્નેનો વ્યય થાય. આવા સમયે વતન અને સ્વજન યાદ આવે. શેખાદમ આબુવાલા નિખાલસ ભાવે એકરાર કરે છે...
આદમને કોઈ પૂછે : પૅરિસમાં શું કરે છે?
લાંબી સડકો પર એ લાંબાં કદમ ભરે છે
એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને
પૅરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે
દરેક શહેર પોતાનું મનોગત લઈને બેઠું હોય છે. પૅરિસની પ્રતિષ્ઠા આઇફલ ટાવર, લૂવર મ્યુઝિયમ ઉપરાંત પરફ્યુમ અને ફૅશનજગતનાં પરિવર્તનો માટે છે. ન્યુ યૉર્ક શહેર પોતાની જીવનશૈલી ઉપરાંત રૉયલ ઑપેરા થિયેટર્સ માટે મુસાફરોને આકર્ષે. અહીં ટાઇમ્સ સ્ક્વેરમાં કોઈ પણ ક્ષણે જિંદગી ધબકતી જોવા મળે. ઝળાહળા પ્રકાશમાં રાત્રિનો અનુભવ ટૂરિસ્ટ માટે યાદગાર બની જાય છે. સૈફ પાલનપુરીના શેરમાં રાતનો સંદર્ભ અલગ રીતે વ્યક્ત થાય છે...
આ વિરહની રાતે હસનારા,
તારાઓ બુઝાવી નાખું પણ
એક રાત નભાવી લેવી છે,
આકાશને દુશ્મન કોણ કરે?
યુક્રેન-રશિયા અને ઈરાન-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે આકાશમાં ઊડતા અગનગોળાથી અનેક અદૃશ્ય ગોબા પડતા હશે. ઇમારત પર કે ધરતી પર બૉમ્બ પડે તો ખંડેર કે ખાડા દૃશ્યમાન થાય, પણ ડ્રોન અને મિસાઇલ હુમલાઓમાં આગાગ થતું આકાશ પોતાની વેદના લઈને ક્યાં જાય. ટહુકાને બદલે ધડાકા સાંભળવાની આદત કેળવવી અઘરી છે. મીરાં આસિફ લખે છે...
પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે
ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે
લાસ્ટ લાઇન
મારો બચાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
રણમાં પડાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
જેના જીવનમાં માર્ગ અકસ્માત-ગ્રસ્ત હો
ત્યાં આવજા કોણ કરે, ક્યાં સુધી કરે?
ખોટા બજારે આવી ચડ્યા, તો પરત ફરો
ક્ષણ-ક્ષણના ભાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
ખોટો જો હોત, પ્રેમથી એને મનાવી લેત
સાચો દબાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
હોવાપણાનું જેને નથી લાગી આવતું
એનો લગાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
સમજ્યા મને જ સાવ બધા, સાવ સાવ સાવ
આવું તો સાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
કાંઠાની માયાજાળ, તમારી ઉકેલવા
ભાડાની નાવ કોણ કરે, ક્યાં સુધી કરે?
- ભાવેશ ભટ્ટ (ગઝલસંગ્રહ : વિવેક ચૂકે)