21 August, 2026 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
ભગવાનના અનંત ઉપકારોનો વિચાર કરો તો તમને પ્રભુ સાથે પ્રેમ થઈ જશે અને આ પ્રેમ એવો છે કે એનો રંગ જન્મોજન્મ લાગી જશે. શ્રીકૃષ્ણનો સંગ એટલે જન્મોજન્મનો રંગ. શ્રીકૃષ્ણનો રંગ મેળવવા અને કેળવવા નામસંકીર્તન એ જ કળિયુગમાં એકમાત્ર આશ્રય છે. નામસંકીર્તનથી મંત્રજાપ થાય છે, નામસંકીર્તનથી પાપનો નાશ થાય છે. જપના બળથી પાપ નાશ પામે છે અને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય છે.
આપણાં પાપ ભગવાન પ્રત્યે પ્રેમ થવા દેતાં નથી. ભગવાનનું નામ રત્ન છે, ઔષધિ છે. કદાચ મીઠું ન લાગે તો પણ મનને કહો જપો. દવા ન ભાવે તો પણ ખાવાની હોય એમ ભગવાનના નામની મીઠાશનો અનુભવ ન થતો હોય તો પણ નામ જપો. જેમ-જેમ સંકીર્તન કરતા જશો એમ-એમ પાપનો નાશ થતો જશે. આ ભાગવતનું વચન છે એટલે મંત્રજાપનું ખૂબ મહત્ત્વ છે.
પ્રભુના અવતાર અને પુનર્જન્મની વાત કેવળ સનાતન ધર્મમાં છે. સનાતન ધર્મમાં તો ભગવાન પોતે કરુણા કરીને મનુષ્યરૂપે જન્મે છે એ વાતનો સ્વીકાર છે. જે જન્મે છે તે મરે છે અને મરે છે તે પાછો જન્મે છે, પણ જ્ઞાની કદી મરતો નથી. જીવનો પુનર્જન્મ અને ઈશ્વરનો અવતાર કેવળ આપણા ધર્મમાં છે. જીવ કર્મ અનુસાર આવે છે અને કર્મ અનુસાર શરીર મળે છે. ત્યારે ભગવાન નિજ ઇચ્છાથી જન્મે છે તેથી ઇચ્છિત રૂપ લઈને આવે છે. શાસ્ત્રો દ્વારા ભગવાન આપણને જીવવાનું શીખવે છે. એમ છતાં આપણે ન શીખીએ ત્યારે ભગવાન જન્મ લઈને લીલાઓ વડે જીવન કેમ જીવવું એનો આદર્શ આપણને શીખવે છે.
શ્રીરામ દ્વારા કર્તવ્યપરાયણતા, હનુમાનજી દ્વારા સેવાપરાયણતા, સીતાજી દ્વારા સમર્પણની ભાવના, શ્રીકૃષ્ણ દ્વારા જીવનને આનંદથી સભર બનાવી મુશ્કેલી વચ્ચે સંગીતમય બનાવવાની ભાવના શીખવા મળે છે. આપણાં માતા-પિતા કદાચ આપણો આદર્શ ન પણ બની શકે, પણ શાસ્ત્રના રાજા હરિશ્ચંદ્ર અને તેમની સત્યપરાયણતા આપણો આદર્શ બને છે. શાસ્ત્રો, પુરાણ અને ધર્મગ્રંથો ઈશ્વરની આ બધી લીલાઓથી જીવન જીવવાનું શીખવે છે.
પરમેશ્વર આદિ, અંત અને મધ્યથી રહિત છે. ભગવાન કાલઅબાધિત છે. ભગવાનની સાથે ક્યારેય ભૂતપૂર્વ લાગતું નથી, કારણ કે ભગવાન અભૂતપૂર્વ છે. પ્રેમનો પ્રદેશ જ અનોખો છે. પ્રેમના પ્રાંતમાં પ્રવેશો એટલે શબ્દોનો અર્થ બદલાઈ જાય. પ્રેમમાં હારવું એટલે જીતવું, પ્રેમમાં ના એટલે હા. ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં હારીને જીતી છે.