‘પ્રેમ રોગ’ના શૂટિંગ દરમ્યાન રાજ કપૂરને મેહબૂબ, બિમલ રૉય અને બીજા દિગ્ગજ ફિલ્મમેકર્સ કેમ યાદ આવ્યા?

03 December, 2022 10:02 PM IST  |  Mumbai | Rajani Mehta

રાજ કપૂર જેવા મહાન ફિલ્મમેકર એકની એક ભૂલ વારંવાર કરતા રહ્યા, પસ્તાતા રહ્યા, પણ કોઈ બોધપાઠ ન લીધો. જે ભૂલ તેમણે ‘બૂટ પૉલિશ’, ‘જાગતે રહો’ અને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ વખતે કરી એ જ ભૂલ તેમણે ‘પ્રેમ રોગ’માં પણ કરી. 

કે. આસિફ, બી.આર. ચોપડા, મેહબૂબ, રાજ કપૂર અને બિમલ રૉય.

‘માણસ માત્ર ભૂલને પાત્ર.’ યુવાનીમાં ભૂલ થાય અને પસ્તાવો કરીએ ત્યારે વડીલો આમ કહીને આપણને સાંત્વન આપે. દરેક વ્યક્તિ ભૂલ કરતી હોય છે. પહેલી વારની ભૂલ એ ભૂલ નથી; સરતચૂક છે, પરંતુ એકની એક ભૂલનું પુનરાવર્તન થાય ત્યારે એ ભૂલ નહીં, નિર્ણય કહેવાય. જેને આપણે ‘ક્રીએટિવ જિનીયસ’ કહીએ છીએ એવા લોકોની જમાત એકની એક ભૂલ વારંવાર કરતી હોય છે. 
રાજ કપૂર જેવા મહાન ફિલ્મમેકર એકની એક ભૂલ વારંવાર કરતા રહ્યા, પસ્તાતા રહ્યા, પણ કોઈ બોધપાઠ ન લીધો. જે ભૂલ તેમણે ‘બૂટ પૉલિશ’, ‘જાગતે રહો’ અને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ વખતે કરી એ જ ભૂલ તેમણે ‘પ્રેમ રોગ’માં પણ કરી. 
‘બૂટ પૉલિશ’નું ડિરેક્શન તેમણે અસિસ્ટન્ટ પ્રકાશ અરોરાને સોંપ્યું હતું. ફિલ્મની ફાઇનલ પ્રિન્ટ તૈયાર કરવાની હતી ત્યારે પહેલી નજરમાં જ તેમણે જોયું કે એમાં ગરબડ છે, એટલે લગભગ પૂરી ફિલ્મ ફરી વાર શૂટ કરી. આવું જ ‘જાગતે રહો’માં થયું. એ વખતે ફિલ્મનું ડાયરેક્શન શંભુ મિત્રા અને અમિત મોઇત્રાના હાથમાં હતું. 
એ લોકોએ બનાવેલી ફિલ્મનાં કેટલાંક દૃશ્યોનું રાજ કપૂરે ફરીથી શૂટિંગ કર્યું એ વાત અસ્થાને છે. હકીકત એ છે કે સમય અને પૈસાની બરબાદી થઈ. એકની એક ભૂલ વારંવાર થાય એને આદત કહેવાય. રાજ કપૂરે ફરી એક વાર ‘આદત સે મજબૂર’ બનીને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં દિગ્દર્શનની બાગડોર સિનેમૅટોગ્રાફર રઘુ કરમાકરના હાથમાં સોંપી. નસીબજોગ થોડા સમયમાં જ તેમને અહેસાસ થયો કે તેમનો નિર્ણય ખોટો છે. તરત તેમણે કમાન સંભાળી લીધી. ઑફિશ્યલી રઘુ કરમાકર ફિલ્મના ડાયરેક્ટર હતા એ વાતની સાબિતી એટલી જ કે ક્રેડિટ ટાઇટલ્સમાં ડાયરેક્ટર તરીકે તેમનું જ નામ રાખવામાં આવ્યું. ભૂલેચૂકેય ફિલ્મના ડાયરેક્ટર તરીકે કોઈ તેમનું નામ લેતા એ સમયે તેમની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ જતી. 
લાગે છે ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ’ એ કહેવત રાજ કપૂરે સાંભળી નહીં હોય. એટલે જ ફરી એક વાર રાજ કપૂરે ભૂલ કરી જ્યારે તેમણે ‘પ્રેમ રોગ’ માટે જૈનેન્દ્ર જૈનને ડાયરેક્શનની જવાબદારી સોંપી. ‘બૉબી’ અને ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે સંવાદો લખ્યા બાદ જૈનેન્દ્ર જૈન અને રાજ કપૂરની નિકટતા વધી હતી. તેમણે 
સૂચન કર્યું કે જ્યાં સુધી રાજ કપૂર આગામી ‘મેગા પ્રોજેક્ટ’ વિશે વિચાર કરે ત્યાં સુધી એક ‘લો બજેટ’ની ફિલ્મ બનાવીએ જેનું તેઓ ડાયરેક્શન કરે. ‘પ્રેમ રોગ’ની સ્ક્રિપ્ટ ફાઇનલ કરવામાં તેમનું સારું એવું યોગદાન હતું. એ કારણસર રાજ કપૂરે તેમને પસંદ કર્યા હશે એમ માની શકાય. 
જૈનેન્દ્ર જૈને આરકે સ્ટુડિયોમાં શૂટિંગ શરૂ કર્યું. થોડા સમય બાદ બે મહિના માટે પૂરું યુનિટ મૈસૂર આઉટડોર શૂટિંગ માટે રવાના થયું. આ તરફ રાજ કપૂર સ્ટુડિયોમાં આરામ ફરમાવતાં ભાવિ યોજનાઓ વિશે વિચારણા કરતા હતા. એ દરમ્યાન એવું શું થયું કે જૈનેન્દ્ર જૈનને બદલે રાજ કપૂરે બાકીની ફિલ્મ ડાયરેક્ટ કરી? શું ડિસ્ટ્રિબ્યુટર્સ એ માટે જવાબદાર હતા કે પછી કોઈ પણ જાતની પ્રવૃત્તિ વિના રાજ કપૂર કંટાળી ગયા હતા?
જોવા જઈએ તો આ બે જ મુખ્ય કારણો હતાં. વાસ્તવિકતા એ હતી કે કોઈ પણ ડિસ્ટ્રિબ્યુટર હવે આરકે ફિલ્મ્સની લો બજેટ ફિલ્મ માટે, જેનું ડાયરેક્શન રાજ કપૂર ન કરતા હોય, સહેલાઈથી મોંમાગ્યા પૈસા આપવા રાજી નહોતા. રાજ કપૂરની ફિલ્મ બનતાં બે વર્ષ નીકળી જતાં. એ દરમ્યાન સ્ટુડિયોના કર્મચારીઓનો પગાર આપવા મોટી રકમની જરૂરિયાત રહેતી. એ ઉપરાંત રાજ કપૂરને મોટી રકમના ઇન્કમ-ટૅક્સના ઇન્સ્ટૉલમેન્ટ ભરવાની નોટિસો આવતી હતી. જો રાજ કપૂરને ફિલ્મ માટે જોઈતું ફાઇનૅન્સ ન મળે તો તેમની મુશ્કેલીઓ વધી જાય. 
નિષ્ક્રિય બેઠેલા રાજ કપૂર માટે આ પરિસ્થિતિ સહેવાય એમ નહોતી. તેમને દરેક મોટી ‘ટેરિટરી’ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી ૬૦ લાખ રૂપિયા જોઈતા હતા. એ ત્યારે જ શક્ય બને જ્યારે ‘પ્રેમ રોગ’ એક બિગ બજેટ ફિલ્મ બને જેનું ડાયરેક્શન રાજ કપૂરના હાથમાં હોય. 
નાછૂટકે રાજ કપૂરે નિર્ણય લેવો પડ્યો અને આમ જૈનેન્દ્ર જૈનનું સપનું પૂરું થતાં પહેલાં જ તૂટી ગયું. એક પ્રતિભાશાળી યુવાન લેખક માટે વાસ્તવિકતા જીરવવી સહેલી નહોતી. રાજ કપૂર માટે તેમના દિલમાં એટલી કડવાશ ભરાઈ ગઈ હતી કે તેમણે આરકે ફિલ્મ્સ છોડી દીધી. તેમને લાગ્યું કે રાજ કપૂર જેવા ‘ગ્રેટ શોમૅન’ આટલી હદ સુધી જઈ શકે? એક યુવાન લેખકની પ્રતિભાની કદર કરવાને બદલે તેને છેતરીને અવહેલના કરવી એ તેમના જેવા કલાપારખુ વ્યક્તિને શોભે નહીં (૧૯૮૫માં જૈનેન્દ્ર જૈને પ્રોડ્યુસર-ડાયરેક્ટર તરીકે ફિલ્મ ‘જાનુ’ બનાવી પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી).
રાજ કપૂર માટે પણ જેકાંઈ બન્યું એ અફસોસજનક હતું. એ પરિસ્થિતિ માટે તેઓ જ જવાબદાર હતા. એટલું સારું હતું કે જૈનેન્દ્ર જૈને ડાયરેક્ટ કરેલાં મોટા ભાગનાં દૃશ્યોથી તેઓ સંતુષ્ટ હતા. રંજ કર્યા વિના, આળસ ખંખેરીને તેમણે પુરજોશથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. સૌથી પહેલો નિર્ણય એ કર્યો કે બાકીનું શૂટિંગ લોણી ફાર્મહાઉસ ખાતે કરવું. તેમની કલ્પનાશક્તિમાં રંગ ભરવા માટે ફાર્મહાઉસનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રાણવાયુની ગરજ સારતું. તેમને હતું કે ફાર્મહાઉસમાં તેઓ કોઈ પણ જાતની રોકટોક વિના કામ કરી શકશે. 
થોડા જ સમયમાં તેમનો ભ્રમ ભાંગી ગયો. એ દિવસોમાં રણધીર કપૂરે ઑફિશ્યલી આરકે ફિલ્મ્સના પ્રોડ્યુસર તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી. તેણે રાજ કપૂરને કહ્યું કે ફાર્મહાઉસ પર શૂટિંગ કરવામાં ખર્ચો અનેકગણો વધી જાય છે. રાજ કપૂરને ખબર હતી કે સ્ટુડિયોમાં શૂટિંગ કરવું કિફાયતી છે, પરંતુ ફાર્મહાઉસમાં શૂટિંગ કરવું એ તેમની આદત બની ગઈ હતી. રણધીર કપૂરનો હસ્તક્ષેપ રાજ કપૂરને ખટકતો હતો. એ સિવાય એવાં બીજાં અનેક કારણો હતાં જેને લીધે તે અકળામણ અનુભવતા. 
પોતાનો બળાપો ઠાલવતાં ‘ટ્રેડ ગાઇડ’ને આપલા એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂર કહે છે, ‘ડબ્બુ એમ માને છે કે હું જેકાંઈ ખર્ચો કરું છું એ નકામો છે. આવા દિવસો જોવા પડશે એની મેં કલ્પના નહોતી કરી. સમય એવો આવ્યો છે કે મારા દીકરાની ડેટ્સ મેળવવા તેને વિનંતી કરવી પડે છે. બિંદુ જેવી અભિનેત્રીની ડેટ્સ પણ જોઈએ ત્યારે મળતી નથી, કારણ કે તે એકસાથે ત્રણ પ્રોડ્યુસર્સની ફિલ્મોમાં કામ કરે છે. સારું થયું કે મેહબૂબ, બિમલ રૉય અને બીજા મહાન ફિલ્મમેકર્સ આ દિવસો જોવા દુનિયામાં નથી રહ્યા. આ દિગ્ગજોએ ફિલ્મી દુનિયા પર રાજ કર્યું છે. આવી હાલાકી અને પરવશતા તેઓ જીરવી ન શકત.’ 
હું તમને એક ‘શૉકિંગ ન્યુઝ’ આપું. આને કહેવાય ‘મેરી બિલ્લી મુઝ સે મ્યાઉં’. પદ્‍મિની કોલ્હાપુરેએ મને મે મહિનામાં ડેટ્સ આપવાની ના પાડી. પહેલાં તેણે હા પાડી હતી. મારી ભૂલ એ છે કે હું કોઈની પાસે ‘રાઇટિંગ’માં કશું લેતો નથી. જીવનભર મેં ‘વર્બલ કમિટમેન્ટ’ પર કામ કર્યું છે. 
જે કોઈ પદ્‍મિનીની ડેટ્સ સંભાળતો હશે તેણે જોયું હશે કે લખાણમાં કશું નથી. એનો અર્થ એવો કે ડેટ્સ ખાલી છે. એટલે જે પ્રોડ્યુસરે વધુ પૈસા આપ્યા હશે તેને ડેટ્સ આપી દીધી. જો પદ્‍મિની આવું કરે તો પછી બીજાની શું વાત કરવી? આ લોકો મોટી ભૂલ કરે છે. પહેલાંના જમાનામાં બૅનર્સ મોટાં હતાં. ડાયરેક્ટરના નામે ફિલ્મો યાદ કરવામાં આવતી. અત્યારે સ્ટાર્સના નામે ફિલ્મો ચાલે છે. આ લોકો જો ઈમાનદારી અને મહેનતથી કામ કરે તો ચીલાચાલુ ફિલ્મો કરતાં વધુ સારી ફિલ્મો આપી શકે. 
આજે તો કોઈ પણ આલિયો, માલિયો, જમાલિયો અનુભવ વિના પ્રોડ્યુસર કે ડાયરેક્ટર બની જાય છે. એ દિવસોમાં અમારે ધીમે-ધીમે, સ્ટેપ બાય સ્ટેપ, એક-એક કામ શીખવાં પડતાં હતાં. હવે તો મારી સાથે કામ કરવાના નાતે, મારો ડ્રાઇવર પણ પ્રોડ્યુસર બની શકે. હું કોઈનો વિરોધ નથી કરતો. હરેક પોતાની રીતે, જે કામ કરવું હોય તે કરી શકે છે. મૂળ વાત એ છે કે તે લાયક હોવો જોઈએ. નહીં તો ફિલ્મોની ગુણવત્તા નીચે ઊતરતી જશે. મારા માટે તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હું ભાંગી પડવાની અણી પર છું.’ 
વ્યવહારુ માણસો બદલાતા સમય અને સંજોગો સાથે સમાધાન કરતાં આગળ વધતા હોય છે. દરેક માટે એ શક્ય નથી હોતું. પાછલી જિંદગીમાં રાજ કપૂર લાચારી ભોગવી રહ્યા હતા. ‘મારી હૈયા સગડી’ (ઈશ્વર પેટલીકરની એક નવલકથા) જેવી રાજ કપૂરની આપવીતીની વધુ વાતો આવતા શનિવારે.

columnists rajani mehta bollywood news raj kapoor entertainment news