29 June, 2025 02:38 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
જાહેર જીવનમાં સતત લાઇમલાઇટમાં રહેતી વ્યક્તિ કહો કે સેલિબ્રિટીઝ કહો, જો તેઓ કંઈ પણ આડુંઅવળું (આડુંઅવળુંની વ્યાખ્યા જુદી-જુદી થઈ શકે) બોલે તો શું બબાલ કે વિવાદ થાય એ સમજાવવાની જરૂર છે? નાને! તો ચાલો આપણે સીધા મૂળ વાત પર આવી જઈએ. તાજેતરમાં સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસને એક જાહેર વિધાન કર્યું કે ‘કન્નડ ભાષાનો જન્મ તામિલ ભાષામાંથી થયો છે.’ આ એક વિધાનને કારણે સાઉથના આ સુપરસ્ટાર પર માછલાં ધોવાયાં, તેમની પાસે આમ બોલવા બદલ માફી માગવાનો આગ્રહ રખાયો, હાઈ કોર્ટે પણ કમલ હાસનને ઠપકો આપ્યો; પરંતુ કમલબાબુ માફી માગવા તૈયાર નહોતા. આવા મુદા કે વિવાદો ક્યાં સુધી અને કયા સ્વરૂપે આગળ જાય કે ક્યાં અટકી જાય એ કહેવાય નહીં.
થોડા દિવસો પહેલાં હિન્દી ભાષાના આગ્રહ, સ્વીકાર, અસ્વીકાર વિશે બોલાચાલી ચાલતી રહી, હજી ચાલી શકે. મહારાષ્ટ્રમાં કેટલાક લોકો મરાઠી ભાષાના આગ્રહને વિવાદ બનાવતા રહે છે. એમાં તેમનો ભાષાપ્રેમ નહીં બલ્કે રાજકારણ હોય છે. એમ તો આપણા હોમ મિનિસ્ટર અમિતભાઈ પણ અંગ્રેજી ભાષા વિશે જે વિધાન બોલ્યા એની ટીકાટિપ્પણી થઈ. ખરેખર તો અમુક વિષયમાં ન બોલવામાં જ સાર હોય. એમ છતાં મોટા માણસો નાની-મોટી ભૂલ કરતા રહે છે. જોકે યે તો પબ્લિક હૈ, સબ જાનતી હૈ; પણ થાય શું?
સવાલ એ થાય કે સતત જાહેર જીવનમાં રહેતી અને લોકોને પ્રભાવિત કરતી વ્યક્તિઓ કે સેલિબ્રિટીઝ ઇરાદાપૂર્વક કે બેફામ કે બેધડક અથવા બેજવાબદારીપૂર્વક શા માટે વિવાદ થાય એવાં વિધાનો કરતી હશે? સવાલ માત્ર એક વિધાન કે વ્યક્તિનો નથી. આવું છાશવારે આપણા સમાજની વિવિધ જાહેર વ્યક્તિઓ દ્વારા થતું રહે છે. તેમનાં સંવેદનશીલ કે વિવાદાસ્પદ વિધાનો સમાજની સમતુલા બગાડતાં, આંદોલનો-તોફાન-દંગા કરાવતાં હોય છે. માણસ-માણસ વચ્ચે બિનજરૂરી તનાવ પણ ઊભો કરતાં હોય છે જેનો ભોગ મોટા ભાગે જાહેર પ્રજા બનતી હોય છે. કેટલીક વાર આવા મુદ્દા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતા હોય છે.
કોઈ પણ વિધાન જાહેરમાં બોલતી વખતે સેલિબ્રિટીઝ તેમ જ જાહેર જીવનમાં સક્રિય લોકો કેમ એની સંભવિત અસર વિશે ધ્યાન રાખતા નહીં હોય? જાહેરમાં કોઈ પણ સંવેદનશીલ કે વિવાદ જગાવી શકે એવું બોલતી વખતે સામાજિક સભાનતા રાખવી એ તેમની જવાબદારી બને છે.
થોડા વખત પહેલાં રણવીર અલાહાબાદિયા સહિત કેટલાક ચુનંદા પૉડકાસ્ટર્સની ગંદી ટિપ્પણીઓ વિવાદના ચગડોળે ચડી હતી. કોઈ ટ્વિટર મારફત, કોઈ જાહેર સભામાં, કોઈ અંગત મુલાકાતો-ઇન્ટરવ્યુમાં વિવાદાસ્પદ બોલી નાખે છે અથવા તેમનાથી એવું બોલાઈ જાય છે જેનો વિવાદ થયા વિના ન રહે. લોકોની લાગણીઓને છંછેડો, લોકોનાં દિલોને દૂભવો, લોકોનું અપમાન કરો તો એનું પરિણામ તો આવે જ. યાદ રહે, અમુક વાર અમુક બાબતે કંઈ ન બોલવામાં પણ સવાલો અને વિવાદો થાય છે.