ગુસ્સો જ્યારે માથે ચડી જાય ત્યારે રડી પડો છો?

17 April, 2024 12:00 PM IST  |  Mumbai | Sejal Patel

મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ બે-ત્રણ પ્રકારની લાગણીઓના ઊભરામાં અટવાય છે ત્યારે વ્યક્તિને સહજ રીતે રડવું આવે છે

પ્રતીકાત્મક તસવીર

આવું માત્ર સ્ત્રીઓ સાથે જ થાય એવું જરૂરી નથી, જ્યારે પણ વાદવિવાદ અને દલીલબાજી થાય કે એક્સ્ટ્રીમ લાગણી અનુભવાય ત્યારે મોટા ભાગે અંતમાં સ્ત્રીઓ રડી પડતી હોય છે પણ પુરુષો એ આંસુને કન્ટ્રોલ કરી લે છે. સાઇકોલૉ‌જીમાં એને ઍન્ગ્રી ટિયર્સ કહેવામાં આવ્યાં છે. આ આંસુ વહે ત્યારે શું થાય છે એની પાછળનું મનોવિજ્ઞાન સમજાવતાં નિષ્ણાતોનું કહેવું છે કે આંસુઓં કો બહને દો

તમને બહુ ગુસ્સો આવ્યો હોય ત્યારે રડવાનું મન થાય છે?
તમને કંઈક અન્યાય થયો છે એવું ફીલ થાય ત્યારે રડવાનું મન થાય છે?
તમે દલીલબાજીમાં જ્યારે ઉગ્ર થઈ જાઓ ત્યારે પણ રડવાનું મન થાય છે?
કોઈ તમારી સાથે કશુંક ખોટું કરી રહ્યું છે અથવા તો તમારા વિશે ખોટી વાતો ફેલાવે છે એવું જાણો ત્યારે અતિશય ગુસ્સાની સાથે રડવું ફાટી નીકળે છે?

સાઇકોલૉજીની ભાષામાં એને ઍન્ગ્રી ટિયર્સ કહેવાય છે. એવી માન્યતા છે કે ઍન્ગ્રી ટિયર્સ તો સ્ત્રીઓમાં જ વધુ જોવા મળે. લડતાં-લડતાં રડી પડવાનું લક્ષણ માત્ર સ્ત્રીઓનું જ નથી, આ સમસ્યાનો શિકાર સ્ત્રી અને પુરુષ બન્ને લગભગ સરખી માત્રામાં બને છે એવું સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘હા, તમે કહી શકો કે સ્ત્રીઓ વાતે-વાતે રડી પડે છે અને પુરુષો રડી નથી શકતા. પણ હકીકત એ છે કે જ્યારે-જ્યારે પણ લાગણીઓનું કૉકટેલ થાય છે ત્યારે સ્ત્રી હોય કે પુરુષ, બન્નેને રડવું આવે છે. એમાં સ્ત્રીઓને રડવામાં શરમ નથી અનુભવાતી એટલે રડી પડે છે અને પુરુષો મનમાં જ આંસુ પી જાય છે. આ વિરોધાભાસ આપણા સમાજમાં બાળઉછેરની આપણી પદ્ધતિને કારણે બહુ ઊંડે ઊતરી ગયો છે અને હવે તો એ તૂટી પણ રહ્યો છે. ઘણા પુરુષો પોતાની ફેમિનાઇન બાજુ વ્યક્ત કરે છે અને ઘણી સ્ત્રીઓ હવે પોતાની મૅસ્ક્યુલાઇન સ્ટ્રૉન્ગનેસને કારણે આંસુ પી જાય છે.’

મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ બે-ત્રણ પ્રકારની લાગણીઓના ઊભરામાં અટવાય છે ત્યારે વ્યક્તિને સહજ રીતે રડવું આવે છે. જ્યારે વ્યક્તિ ખુશીથી રડી પડે છે ત્યારે તેને કોઈ સવાલ નથી કરતું, પણ જ્યારે ગુસ્સામાં આંસુ આવે છે ત્યારે તે ક્રોધ અને આવેશમાં એવુ-એવું બોલીને રડે છે કે પાછળથી તેને પોતાને પસ્તાવો થાય છે. ગુસ્સામાં રડવાની સાથે તે બીજું પણ એવું બધું કરી બેસે છે કે વાત વધુ વણસે છે. આવું ન થાય એ માટે પહેલાં તો સમજવું પડે કે એવું કેમ થાય છે? લાગણીઓના તાણાવાણા અને ઍન્ગ્રી ટિયર્સનું કારણ સમજાવતાં ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ગુસ્સાનાં આંસુનું સૌથી મોટું કારણ નકારાત્મક લાગણીઓનું કૉકટેલ છે. તમે હર્ટ થયા હો, ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હો, તમને દગો થયો હોય, તમારી સાથે અન્યાય થાય કે અપમાનજનક સ્થિતિમાં મુકાયા હો ત્યારે એની નૅચરલ પ્રતિક્રિયા રૂપે ગુસ્સો અને દુઃખ બન્નેની લાગણી એકસામટી પેદા થાય અને એ કન્ફ્યુઝનના ભાગરૂપે આંસુ વહેવાનું શરૂ થાય.’

રડવું એ સારું છે 

આંખમાંથી દડ-દડ આંસુ પડવા માંડે એ એવું લક્ષણ છે જેનાથી તમને પોતાને અને બીજાને ડિસ્ટ્રેસ સિગ્નલ મળે છે. તમને બીજાની હેલ્પની જરૂર છે એ કહેવાની આ મનોવૈજ્ઞાનિક રીત છે. અભ્યાસુઓનું કહેવું છે કે રડવાથી શરીરમાં બે પ્રકારનાં કેમિકલ્સ રિલીઝ થાય છે જેમાંથી એક છે ઑક્સિટોસિન અને બીજું પ્રોલૅક્ટિન. આ કેમિકલ્સને કારણે હાર્ટ-રેટ ઘટે છે અને સ્ટ્રેસફુલ ઘટનાને કારણે જે ઉત્તેજના શરીર-મન અને લાગણીઓમાં અનુભવાતી હોય છે એની તીવ્રતા ઘટે છે. અતિશય ચરમ પર જ્યારે લાગણીઓ ઊમટી હોય ત્યારે હાર્ટ રેટ ઘટે એ માટે બૉડીની આ કુદરતી પ્રક્રિયા ખૂબ મદદરૂપ થાય છે. ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ગુસ્સો ચોક્કસ લાગણીઓની પ્રતિક્રિયારૂપે આવતો હોય છે. આપણે એ સમજવાની જરૂર છે કે ગુસ્સો પોતે જ કોઈ લાગણી નથી, એ ફક્ત વિવિધ લાગણીઓના મિશ્રણ કે ઘટનાઓની પ્રતિક્રિયારૂપે પેદા થાય છે. સ્ત્રીઓ વધુ સંવેદનશીલ હોય છે અને પોતાના મનમાં પેદા થતી વિવિધ લાગણીઓની ભેળપૂરીને આંસુથી વ્યક્ત કરવામાં તેને સંકોચ નથી થતો. ક્યારેક કોઈ લાગણીને ઠેસ પહોંચે ત્યારે કોઈ ઘટનાના જવાબમાં નક્કર કહેવા કે કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે લાચારી અનુભવે છે. ત્યારે લાચારીની લાગણી પણ આંસુ લાવે છે.’

ડર અને રિજેક્શન

માત્ર ગુસ્સો આવે ત્યારે જ સ્ત્રીઓ રડી પડે છે એવું નથી, કોઈ પણ પ્રકારનાં ઇમોશન્સ કે જેને તે હૅન્ડલ કરી નથી શકતી એમાં મહિલાઓ ઢીલી પડી જાય છે. એવી કઈ લાગણીઓ છે એ વિશે ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ડર અને આંસુ ભાઈ-ભાઈ છે. સ્ત્રીઓ ડરી જાય ત્યારે પણ રડે છે. જ્યારે તેને પોતાના ડરને દૂર કરવાનો કોઈ રસ્તો નથી મળતો ત્યારે આંસુ આવી જાય છે. રિજેક્શનને પણ સ્ત્રીઓ આંસુથી જ હૅન્ડલ કરે છે. જ્યારે પોતાની ફીલિંગ, ગુસ્સો કે સાચી વાતને આસપાસના લોકો ગણકારતા નથી ત્યારે પણ બેબસ ફીલિંગને કારણે તે રડે છે અને આ તમામ વખતે બની શકે કે પહેલાં તે લાગણીઓને ગુસ્સાથી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે.’

આંસુ રોકવા શું કરવું?

જ્યાં ને ત્યાં રડી પડાતું હોય તો એ માટે શું કરવું? એવો સવાલ ઘણા લોકો અમને પૂછતા હોય છે.  એ સવાલનો જાતે જ જવાબ આપતાં ડૉ. હરીશ કહે છે, ‘રડવાને અસામાન્ય માનવું જ મોટી તકલીફ છે. રડી લેવું એ શરીરનું પોતાનું બચાવનું મેકૅનિઝમ છે. જો રડી લેવાથી હળવાશ આવી જતી હોય અને તમે એ પછી સ્વસ્થતાથી પરિસ્થિતિને સંભાળી શકતા હો તો કંઈ જ કરવાની જરૂર નથી. આ વાત માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ એટલી જ લાગુ પડે છે. હું કહેતો હોઉં છું કે જો બહ ગયા વો પાની હૈ, જો ઠહર ગયા વો ઝહર હૈ. જો આંસુને વહાવી દેવાને બદલે અંદર ધરબી રાખશો તો નુકસાન કરશે. હા, જો તમે ગુસ્સાની સાથે ડિપ્રેશનમાં સરી પડ્યા હો અને વારંવાર રડ્યા કરવાનું મન થયા કરતું હોય તો એને જાતે જ દબાવવાની કોશિશ ન કરવી. કોઈ પ્રોફેશનલ સાઇકિયાટ્રિસ્ટને મળી લેવું. મનની અંદર ચાલતી મથામણોને સમયસર સુલઝાવી લેવી બહેતર છે.’

પ્રોફેશનલ વર્લ્ડમાં શું કરવું સ્ત્રીઓએ?
પહેલાંનો સમય જુદો હતો કે જેમાં સ્ત્રીઓ મોટા ભાગે ઘર અને સામાજિક વ્યવહારોમાં જ આગળપડતી હતી, હવે જ્યારે પ્રોફેશનલ વર્લ્ડમાં કામ કરતી સ્ત્રીઓ પણ જો કામના સ્થળે લાગણીઓના ઉફાનને આંસુથી વ્યક્ત કરવા લાગે તો એ પ્રોફેશનલ ન લાગે. એવા સમયે એને રોકવા માટે શું કરવું જોઈએ? જાણો તાત્પૂરતું આંસુને રોકવાની કેટલીક ટિપ્સ - ધ્યાન ક્યાંક બીજે પરોવી દો. હાથમાં જે કંઈ ચીજ હોય એને ફેરવવા માંડો ઊંડા શ્વાસ લો અને કાઉન્ટિંગ શરૂ કરી દો ડોકને નીચી કરશો તો રડી પડાશે. ગરદનને ટટ્ટાર રાખો બોલવા કરતાં સાંભળવા પર વધુ ધ્યાન આપો ઘૂંટડે-ઘૂંટડે પાણી પીઓ

life and style columnists health tips sejal patel