ફ્લૅમિંગોની વિદાય લેવાની વેળા આવી ગઈ છે તમે જોઈ આવ્યા કે નહીં?

10 May, 2025 12:22 PM IST  |  Mumbai | Laxmi Vanita

મે મહિનામાં આ પક્ષીઓ મુંબઈ અને નવી મુંબઈ છોડીને જતાં રહેવાનાં છે ત્યારે એમને ક્યાં જોઈ શકાય એ અને એમની ખાસિયત જાણી લો

ફ્લૅમિંગોઝ (તસવીર : ડૉ. સલીલ ચોકસી)

દર વર્ષે લાખોની સંખ્યામાં મુંબઈ અને નવી મુંબઈમાં આવતાં ફ્લૅમિંગોઝની ઋતુ શિયાળોથી ઉનાળો હોય છે, પરંતુ એમનું યુનિક બિહેવિયર જોવા માટે મે મહિનો છેલ્લો હોય છે. ક્યારેક જૂનમાં પણ જોવા મળી જતાં હોય છે. મુંબઈમાં ફ્લૅમિંગો-વૉક યોજાતી હોય છે જેમાં તમને ફ્લૅમિંગોના સરસ સાઇટિંગ સાથે એમના જીવન વિશે વાતો પણ કહેવામાં આવતી હોય છે. ફ્લૅમિંગોઝનો જવાનો ટાઇમ આવી ગયો છે ત્યારે તેમની દુનિયામાં એક ડોકિયું કરીએ.

ફ્લૅમિંગો મુંબઈમાં ક્યારથી આવ્યાં?

રસાયણશાસ્ત્રમાં માસ્ટર્સ કરનારી અને છેલ્લાં નવ વર્ષથી વૃક્ષો, મૅન્ગ્રોવ્સ અને ઇકોસિસ્ટમ પર નિરીક્ષણ કરીને ડૉક્યુમેન્ટેશન કરી રહેલી નૅચરલિસ્ટ અને નેચર-એજ્યુકેટર ઉજ્જવલ વ્હાટકરના કામને વાઇલ્ડલાઇફ પર લખતા સૅન્ક્ચ્યુઅરી એશિયા મૅગેઝિન દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે. ઉજ્જવલ કહે છે, ‘૮૦ના દાયકા પહેલાં તમને ૧૦ ફ્લૅમિંગો પણ મુંબઈમાં જોવા ન મળે એવી પરિસ્થિતિ હતી. ૯૦ના દાયકા બાદ મુંબઈનો વિકાસ થઈ રહ્યો હતો અને ચારે બાજુ કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રી વિકસી રહ્યાં હતાં, જેના કારણે વૉટરબૉડીમાં ઘણાંબધાં રસાયણો રિલીઝ થઈ રહ્યાં હતાં. ત્યારે યુટ્રોફિકેશનની પ્રક્રિયા થઈ રહી હતી, એટલે કે નદી કે તળાવ પર એકસાથે ઘણીબધી વનસ્પિતઓ ઊગી જવી. એનું મુખ્ય કારણ હતાં એવાં કેમિકલ જે વરસાદ દ્વારા ત્યાં ખેંચાઈ આવ્યાં છે. પાણીમાં ફ્લૅમિંગોનું ફૂડ એવી બ્લુ-ગ્રીન શેવાળ પેદા થઈ જેના કારણે ફ્લૅમિંગો અહીં ખેંચાઈ આવ્યાં. બહોળી માત્રામાં શેવાળને કારણે ફ્લૅમિંગો ભારતના નૉર્ધર્નના બદલે સધર્ન વિસ્તારમાં આવવા લાગ્યાં અને સધર્ન વિસ્તારમાં મુંબઈમાં એમના માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પડી રહ્યું હતું. વિશ્વમાં ૬ પ્રકારનાં ફ્લૅમિંગો છે જેમાં બે પ્રકારનાં સૌથી મોટાં અને સૌથી નાનાં ભારતમાં જોવા મળે છે - ગ્રેટર ફ્લૅમિંગો એટલે મોટાં અને લેસર ફ્લૅમિંગો નાનાં. મોટા ભાગે લોકોને ફૂલ જેવાં ગુલાબી ફ્લૅમિંગો જોવાં હોય છે જે લેસર ફ્લૅમિંગો છે. ગ્રેટર ફ્લૅમિંગો સરખામણીએ મોટાં અને એકદમ આછાં ગુલાબી હોય છે અને એ સ્વભાવે શરમાળ હોય છે તેથી માનવોથી બહુ જ દૂર રહે છે. મુંબઈમાં મોટી સંખ્યામાં લેસર ફ્લૅમિંગો જ હોય છે જેનું સાઇટિંગ બહુ સારી રીતે થાય છે.’

બે ફ્લૅમિંગોની વિશેષતાઓ શું છે?

સ્કૂલના વિદ્યાર્થીઓ કે સામાન્ય લોકો સાથે અવારનવાર ફ્લૅમિંગો વૉકનું આયોજન કરતી ઉજ્જવલ કહે છે, ‘મુંબઈમાં સમય પૂરતું સ્થળાંતર કરતાં ફ્લૅમિંગો ગુજરાતના કચ્છથી આવે છે. તેઓ શા માટે કચ્છમાં રહે છે, કારણ કે ત્યાં સફેદ રણ છે અને વરસાદ ઓછો પડે છે. ફ્લૅમિંગોને સલાઇન અને આલ્કલાઇન પાણી ગમે છે તેથી એ પોતાની વસાહત ત્યાં બનાવે છે. વધારે ખોરાકની શોધમાં તેઓ મુંબઈ આવે છે, કારણ કે અહીં એમને યોગ્ય વાતાવરણ અને પૂરતો ખોરાક મળી રહે છે. સામાન્ય રીતે પક્ષીઓના સ્થળાંતરનું કારણ વાતાવરણ, ખોરાક અને પ્રજનન હોય છે. ફ્લૅમિંગોના પ્રજનન માટે સૌથી મોટી વસાહત કચ્છમાં જ છે. ફ્લૅમિંગો એક વર્ષમાં એક જ ઈંડું આપે છે. ભાગ્યે જ એવો કેસ બને કે ફ્લૅમિંગોએ વર્ષમાં બે ઈંડાં આપ્યાં હોય. બચ્ચું બહાર આવી જાય પછી એ સ્થળાંતર માટે તૈયાર થઈ જાય છે. હવે કચ્છથી મુંબઈ આવવામાં ફ્લૅમિંગોને પરિસ્થતિ અનુસાર જુદો-જુદો સમય લાગે છે. જેમ કે ફ્લૅમિંગો ફીમેલ અને બચ્ચાંઓ સાથે ઊડે તો વચ્ચે પોરો ખાતાં-ખાતાં આવે છે. સામાન્ય રીતે એમની ઊડવાની ઝડપ ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક હોય છે એટલે એ રીતે ગણતરી કરો તો એમને અહીં પહોંચવામાં એકથી દોઢ દિવસ લાગી જાય છે. સામાન્ય રીતે એ રાત્રે સ્થળાંતર કરવાનું પસંદ કરે છે જેથી શિકારીથી બચી શકે. અંદાજે નવેમ્બરમાં ફ્લૅમિંગો મુંબઈમાં આવે અને મે મહિના સુધી અહીં રહે છે. વરસાદ શરૂ થતાં એમનાં બચ્ચાંને છોડીને ફરી કચ્છ જતાં રહે છે. બચ્ચાંઓને ગુલાબી થવામાં બે કે ત્રણ વર્ષ લાગી જતાં હોય છે. વાઇલ્ડમાં એમનો જીવનકાળ પચીસથી ૩૦ વર્ષનો હોય છે જ્યારે કૅપ્ટિવિટી એટલે કે કેદમાં ૫૦ કે તેથી વધુ વર્ષ જીવે. કેદમાં રહેતા ફ્લૅમિંગોનો ૮૩ વર્ષના જીવનકાળનો રેકૉર્ડ પણ છે.’

ડૉ. સલીલ ચોકસી

જીવનસાથી પસંદ કરવાની રીત

દર વર્ષે અંદાજે દોઢથી બે લાખ જેટલાં ફ્લૅમિંગો મુંબઈની મુલાકાતે આવે છે. ફ્લૅમિંગો જોવા જતી વખતે કઈ બાબતોનું નિરીક્ષણ કરવું એ જણાવતાં ઉજ્જવલ કહે છે, ‘પ્રાણીજગતમાં મેલ વધારે સુંદર હોય છે અને એનું એક ઉદાહરણ મોર અને ઢેલ છે. એનું કારણ છે કે ફીમેલને બચ્ચાંઓનો ઉછેર કરવાનો હોય છે તો ડલ કલર હોય તો તેઓ પોતાને શિકારીથી સારી રીતે છુપાવી શકે. એટલે સામાન્ય લોકોને જે પક્ષી સુંદર દેખાય એ ફીમેલ માની લેતા હોય છે કાં તો બાહ્ય દેખાવનાં ખાસ લક્ષણો પરથી મેલ કે ફીમેલનો ખ્યાલ આવતો હોય છે. પરંતુ ફ્લૅમિંગોમાં તમને ખબર જ નહીં પડે કે કોણ મેલ અને કોણ ફીમેલ. ભલભલા નિષ્ણાતોને ખ્યાલ નહીં આવે. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં મેલ અને ફીમેલ ફ્લૅમિંગોને ઓળખવાનું બહુ જ સરળ બની જાય છે. એક તો ફ્લૅમિંગો હંમેશાં સમૂહમાં જ રહે છે, જો તમને કોઈ એકલુંઅટૂલું ભટકતું ફ્લૅમિંગો દેખાય તો સમજવાનું કે એ બહુ ઘરડું હશે અને શિકાર થવા માટે એકલું ઊડતું હશે. હવે આ મહિનામાં કેવી રીતે મેલ-ફીમેલ ઓળખી શકાય એની વાત કરીએ. જીવનસાથી પસંદ કરવા માટે એમનું બિહેવિયર બહુ જ યુનિક હોય છે. જેમ કે એપ્રિલ-મે મહિનામાં જે મેલ ફ્લૅમિંગો પાસે પાર્ટનર નથી એ સમૂહમાં આવીને આકાશની તરફ જોઈને એમની ગરદન જમણેથી ડાબી બાજુએ ફેરવે છે અને પરેડ કરે છે, એટલે લયબદ્ધ ચાલે છે. આ વર્તણૂકથી એ ફીમેલને જણાવે છે કે અમે મેલ છીએ અને મેટિંગ માટે તૈયાર છીએ. તો સાદી ભાષામાં આ ફીમેલ ફ્લૅમિંગોનો ભારતીય સ્વયંવર છે. એક વાર જીવનસાથીની પસંદગી કર્યા બાદ જીવનભર એકની જ સાથે રહે છે. મે મહિનાના અંતમાં કે ચોમાસાની શરૂઆતમાં ફ્લૅમિંગો ફરી કચ્છ સ્થળાંતર કરે છે.’ 

ઉજ્જવલ વ્હાટકર

ફ્લૅમિંગો વિશે રસપ્રદ વાતો

બાળકોને રસપ્રદ રીતે ફ્લૅમિંગોઝ વિશે સમજાવતી ઉજ્જવલ કહે છે, ‘મેલ અને ફીમેલ એમ બન્ને ફ્લૅમિંગોમાં સમાન હૉર્મોનને કારણે દૂધનો સ્રાવ થાય છે, જે સામાન્ય લોકો માટે અજાયબીની વાત છે. કોવિડ પહેલાં ફ્લૅમિંગો વિશે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં એમ વાત હતી કે ફ્લૅમિંગો એમના બચ્ચાને રક્ત પીવડાવીને મોટાં કરે છે. તો એ ગેરસમજ દૂર કરી લો. ફ્લૅમિંગોના પિન્ક પિગમેન્ટેશનને કારણે એમનું દૂધ પણ લાલ હોય છે. તેમ જ ફ્લૅમિંગોમાં માતા અને પિતા બન્નેમાં બચ્ચાને દૂધ પીવડાવવાની ક્ષમતા હોય છે. બીજું, ફ્લૅમિંગોને પર્યાવરણનાં સૂચક પણ કહેવામાં આવે છે. ફ્લૅમિંગોનું ફીડિંગ બિહેવિયર બહુ જ યુનિક હોય છે. એમની ડોક બહુ લાંબી હોય છે તો એ ખાવા માટે એમની ડોક ઊલટી કરીને પાણીમાં ડુબાડે છે. તેઓ પોતાની ચાંચમાં એક આઇસક્રીમના સ્કૂપ જેટલો કાદવ કે પાણી ભરે છે. એમની ચાંચ સીધી નથી એમાં વળાંક છે. ચાંચના અંદરની બાજુના છેડે કાંસકા જેવી રચના હોય છે જેમાંથી શેવાળ પાણીમાંથી ચળાઈને અંદરની બાજુ શરીરમાં જશે અને કચરો છે એ બહારની બાજુ ફેંકી દેશે. તો આવી રીતે ફ્લૅમિંગો દિવસમાં ૯૯૫ લીટર પાણી ફિલ્ટર કરે છે ત્યારે એમને દિવસમાં ૨૫૦ ગ્રામ શેવાળ ખાવા મળે છે જે એમના માટે પૂરતું છે. એમની પાણીને ફિલ્ટર કરવાની વર્તણૂકને લીધે એમને પૉલ્યુશન ઇન્ડિકેટર માનવામાં આવે છે. એટલે કે જો પાણીમાં વધારે ગરબડ હશે તો એ નહીં આવે’.

 ફ્લૅમિંગોઝ મુંબઈમાં ઑક્ટોબર-નવેમ્બરમાં સ્થળાંતર કરે છે, પરંતુ એમને જોવા માટે જાન્યુઆરી પછી જવાનું, કારણ કે ત્યારે એમની સંખ્યા વધી ગઈ હોય છે. ફ્લૅમિંગોનું બિહેવિયર કે એમના મેટિંગ રિચ્યુઅલ એટલે કે પાર્ટનર પસંદ કરવાની રીત જોવી હોય તો એપ્રિલ-મે શ્રેષ્ઠ ઋતુ છે. મે મહિનાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં એ મોટી સંખ્યામાં મુંબઈ છોડીને જતાં રહે છે.

ફ્લૅમિંગો ક્યાં જોવા મળશે?

ગુજરાતના કચ્છથી જ્યારે સ્થળાંતર માટે ફ્લૅમિંગો ઉડાન ભરે ત્યારે એમના માટે થાણે ક્રીક બહુ જ દેખીતું સ્થાન હોય છે, પરંતુ એ સિવાય પણ મુંબઈના એવા વિસ્તારો છે જ્યાં નેચર-લવર્સ ફ્લૅમિંગોને કૅમેરામાં કેદ કરી શકે છે. છેલ્લાં ૨૦ વર્ષથી બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (BNHS)ના સભ્ય તરીકે પક્ષીઓના સર્વેમાં ટીમ-લીડર તરીકે તેમ જ સ્ટુડન્ટ્સને ક્યારેક બર્ડિંગ માટે માર્ગદર્શન આવતા ડૉ. સલીલ ચોકસી કહે છે, ‘ગયા અઠવાડિયે હું ફ્લૅમિંગોઝ જોવા ગયો હતો અને આ મહિનો તો એમની પરેડ જોવા માટે ઉત્તમ છે એટલે આવતા અઠવાડિયે પણ જઈશ. થાણે ક્રીક બહુ જ સામાન્ય લોકેશન છે જ્યાં ફ્લૅમિંગો મોટી સંખ્યામાં જોવા મળી જાય. એક સામાન્ય વાત કે જ્યાં બ્લુ-ગ્રીન શેવાળ હોય ત્યાં ફ્લૅમિંગોઝ જોવા મળી જાય. શિવડી અને ભાંડુપ એવી જગ્યાઓ છે જ્યાં ફ્લૅમિંગોની સારી સંખ્યા દેખાઈ જાય. એ સિવાય બહુ જ રૅર કહેવાય પણ લોખંડવાલા લેક, જુહુ બીચ પાસે જુહુ લેકમાં પણ મને આ પક્ષીઓ દેખાયાં છે. મોટા ભાગે જુવેનાઇલ એટલે કે બચ્ચાંઓ હોય છે જે બ્રાઉન કલરનાં હોય છે. ફ્લૅમિંગોનું થાણે ક્રીક સિવાય શિવડીમાં બહુ જ સરસ સાઇટિંગ થઈ શકે છે. ઐરોલી ફ્લૅમિંગો સૅન્ક્ચ્યુઅરી જવું હોય તો તમારે બોટથી જવું પડે પણ પામ બીચ રોડ કે જેને નવી મુંબઈનું મરીન ડ્રાઇવ કહેવામાં આવે છે ત્યાં ફ્લૅમિંગો માટેના સારા સ્પૉટ છે. આ વિસ્તારમાં ટી. એચ. ચાણક્ય વેટલૅન્ડ પૉન્ડ, NRI કૉમ્પ્લેક્સની આજુબાજુમાં NRI પૉન્ડ અને DPS લેક આ ત્રણ જગ્યાઓ છે. DPS લેકને ત્રણ અઠવાડિયાં પહેલાં જ સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ લેક DPS સ્કૂલની બાજુમાં આવેલું હોવાથી એનું નામ DPS લેક છે. પોતાનું પર્સનલ વેહિકલ લઈને આ ત્રણેય જગ્યાએથી તમે આ પક્ષીને નજીકથી જોઈ શકો છો. એક સીક્રેટ સ્પૉટ છે ભાંડુપ પમ્પિંગ સ્ટેશન જ્યાં તમારે પ્રાઇવેટ બોટ લઈને જવું પડે.’

 ફ્લૅમિંગોની ફોટોગ્રાફી કરવા માટે તમારે એમની ફીડિંગ હૅબિટ સમજવી પડે. ૯૦ ટકા ફ્લૅમિંગોની ડોક પાણીમાં હશે કારણ કે એ ખાઈ રહ્યાં હોય છે. ત્યારે ફોટોગ્રાફી સારી ન થઈ શકે એમ સમજાવતાં ડૉ. સલીલ કહે છે, ‘ત્રણ વાતનું ધ્યાન રાખો. ફ્લૅમિંગોના લોકેશન પર જ્યારે હાઈ ટાઇડ એટલે ભરતી આવવાની હોય ત્યારે દોઢ-બે કલાક પહેલાં પહોંચી જવાનું. સમુદ્રકિનારાની ભરતી છોડીને આ પક્ષીઓ લો ટાઇડ પાણીમાં ધીમે-ધીમે સમૂહમાં ઊડીને જવાનું શરૂ કરે. ત્યારે તમે ઊડતા ફ્લૅમિંગોની અને પાણીમાં ઊભેલાં ફ્લૅમિંગોની ફોટોગ્રાફી કરી શકો. બીજું કે એમનો મેટિંગ પરેડનો સમય ન ચૂકવો. આ સમયે બધાંનાં મોં ઉપર હોય અને રિધમમાં ચાલતાં હોય ત્યારે એના ફોટોગ્રાફ અદ્ભુત આવે છે. આ લેખના ​શીર્ષક સાથેના ફોટોમાં તમે જોઈ શકો છો કે એમાં અમુક ફ્લૅમિંગોએ પોતાનું જોડકું બનાવી દીધું છે અને એકબીજા સાથે ચાંચને લૉક કરી રહ્યાં છે. ત્રીજું કે સનસેટની લાઇટમાં સારા ફોટો લઈ શકાય. ગુલાબી આકાશની સામે જ્યારે ગુલાબી પક્ષી ઊડે ત્યારે એ ક્ષણ કૅમેરામાં કેદ કરી શકાય. ટૂંકમાં ભરતી અને સનસેટનો સમય મૅચ થાય તો ફ્લૅમિંગોની ફોટોગ્રાફી જબરદસ્ત થઈ શકે. ફ્લૅમિંગોને ભરતી અનુકૂળ નથી આવતી, કારણ કે વધારે પાણીમાં એ પોતાની ડોક ડુબાડીને ખાઈ નથી શકતાં કે ઊભાં નથી રહી શકતાં. ભરતી આવે એટલે ફ્લૅમિંગો પોતાની ખાવાની જગ્યા બદલે. એમાંય ફોટોગ્રાફીનો સમય નક્કી કરવો બહુ જ આસાન છે. તમે Tidecharts નામની વેબસાઇટ છે એના પર સાપ્તાહિક આગાહી હોય છે એ ચેક કરીને પ્લાન બનાવી શકો છો.’

navi mumbai bird watching mumbai columnists gujarati mid-day