જ્યાં જમીન પણ નથી અને સમુદ્ર પણ નથી એવા વેરાન કીચડ માટેની કચકચ

12 October, 2025 10:41 AM IST  |  Mumbai | Aashutosh Desai

સામાન્ય રીતે કોઈ પણ દેશમાં સીમાવિવાદ એવી જગ્યા માટે હોય જ્યાં માનવવસ્તી હોય, પરંતુ સર ક્રીકમાં કશું જ નથી. ભારોભાર દલદલવાળો પડતર વિસ્તાર હોવા છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એનું આર્થિક, ભૌગોલિક અને કૂટનીતિક મહત્ત્વ જબરદસ્ત છે

સર ક્રીક

આ વિસ્તારનું મૂળ નામ બાણગંગા હતું. ૧૯૨૫ની સાલમાં કચ્છ અને સિંધ પ્રાંત વચ્ચેની સીમામાં આવતા બાણગંગાની વચ્ચે કતારમાં કેટલાક પથ્થરો મૂકી સીમા ચિ​િહ્‍નત ત કરવામાં આવી. અંગ્રેજોએ બાણગંગાનું પણ નામ બદલીને આ સીમાંત વિસ્તારમાં મધ્યસ્થી કરનાર અધિકારીના સર ખિતાબ પરથી નામ રાખ્યું સર ક્રીક.

ભારત એના આખાય સીમાંત વિસ્તારમાં સૌથી લાંબી અને સૌથી વધુ રાજ્યો સાથે જોડાયેલી સીમા આતંકીસ્તાન સાથે શૅર કરે છે. છેક ૩૩૨૩ કિલોમીટર લાંબી! પણ અમને કહો કોઈ એક રાજ્યના કોઈ એક સીમાંત વિસ્તાર વિશે પણ તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે એમ કહી શકો ખરા કે હા, આ એક જગ્યાએ પાકિસ્તાનને આપણી સાથે ડિસ્પ્યુટ નથી? ના, નહીં જ કહી શકીએ કારણ કે ૧૯૪૭માં ધર્મના આધારે અખંડ ભારતના ભાગલા કરી નવો દેશ કરી આપ્યો, ઉપરથી આર્થિક મદદ પણ કરી છતાં આજે ૭૮-૭૮ વર્ષ પછી પણ એનું ભિખારીપણું ઓછું નથી થતું અને ભારત સાથે લડવાનાં કે અસંતોષ વ્યક્ત કરવાનાં બહાનાંઓ શોધતું રહે છે એ વિઘ્નસંતોષી આતંકીસ્તાન!

પહલગામના ઘૃણાસ્પદ આતંક પછી ચોથી વાર એવું થયું છે કે આપણે ઘરમાં ઘૂસીને તેમને માર્યા છે અને સમજાવ્યા પણ છે કે સુધરી જાઓ અને ન સુધરવાના હો તો શાંત રહો, નહીં તો બાપ તો બાપ રહેશે પણ દીકરો શોધ્યો નહીં જડે એવા હાલહવાલ થશે. છતાં હવે ફરી એક વાર વર્ષો જૂના વિવાદના એક સીમાંત વિસ્તારમાં એણે પોતાની નાલાયકી શરૂ કરી છે. સર ક્રીક! ગયા અઠવાડિયે જ વિજયાદશમી ટાણે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ભૂતકાળમાં ચટાડેલી ધૂળને યાદ કરાવતાં કહેવું પડ્યું હતું કે ‘સર ક્રીક પર પાકિસ્તાનની જે હરામખોરી ચાલી રહી છે એ બંધ નહીં કરે તો આ વખતે ઇતિહાસ અને ભૂગોળ બન્ને બદલી નાખતાં ભારતને વાર નહીં લાગે. પાડોશીએ એ યાદ રાખવું પડશે કે કરાચીનો એક માર્ગ સર ક્રીક થઈને પણ જાય છે.’

સર ક્રીક કે બાણગંગા? 

ભારતના પશ્ચિમ ખૂણા તરફ આપણે પ્રયાણ કરીએ તો આપણું ગુજરાત નજરે ચડે છે અને ગુજરાતના આખરી છોર પશ્ચિમ તરફ જઈએ તો આવે છે મારો વહાલો કચ્છડો! ભારતનો એ યુનિક રણપ્રદેશ એવો છે જ્યાં રણ તો છે પણ એનો બીજો છેડો સમુદ્રને સ્પર્શે છે. એ જ કચ્છના સમુદ્રી છેડે એક દલદલ વિસ્તાર છે જ્યાં ભરતીના સમયે સમુદ્રનું પાણી હિલોળા લેતું હોય છે તો ઓટ સમયે એ એક કીચડ વિસ્તારમાં પરિવર્તિત થઈ જાય છે. 

આ વિસ્તાર ભારત અંગ્રેજોથી આઝાદ થયું એ પહેલાંથી જ એક ડિસ્પ્યુટેડ ટેરિટરી રહ્યો છે. વાત કંઈક એવી છે કે જ્યારે દેશ અંગ્રેજોની ગુલામી વેઠી રહ્યો હતો ત્યારે પણ કચ્છ ભારતની એક અત્યંત મહત્ત્વની રિયાસત હતી. આ વાત છે વીસમી સદીની શરૂઆતની જ્યારે કચ્છમાં રાજવી મહારાવનું રાજ હતું. એ જ સમય દરમિયાન કચ્છથી પણ આગળ પશ્ચિમ તરફ એક બીજી રિયાસત હતી જે સિંધ પ્રાંત તરીકે ઓળખાતી હતી. હવે બન્યું એવું કે કચ્છના રાજા મહારાવ અને સિંધના રાજવી વચ્ચે રાજ્યની સીમાઓને લઈને વિવાદ શરૂ થયો. ટેરિટોરિયલ ડિસ્પ્યુટના એ વિવાદમાં કચ્છના મહારાવ પોતાના રાજ્યની જે સીમા ગણાવી રહ્યા હતા એ સિંધના રાજવીને મંજૂર નહોતી અને સિંધ પોતાની જે સીમા ગણાવી રહ્યું હતું એ કચ્છને મંજૂર નહોતું. આખરે ૧૯૧૪ની સાલમાં બન્ને રાજવી પક્ષો વચ્ચે સમજૂતીનો એક કરાર થયો. આ એ સમય હતો જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો નહોતાં. આથી મુંબઈના સમુદ્રી વિસ્તારથી લઈને છેક કચ્છના સમુદ્રી વિસ્તાર સુધીનો ભાગ મુંબઈ પ્રોવિન્સમાં આવતો હતો. અંગ્રેજ સરકાર બન્ને પક્ષો વચ્ચેની વાટાઘાટોમાં વચ્ચે પડી અને ‘મુંબઈ સરકાર સંકલ્પ’ (Bombay Government Resolution) તરીકે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો. આ કરાર અનુસાર જે સીમાંત રેખા અંકિત કરવાની હતી એ નક્કી કરતાં-કરતાં સરકારને છેક ૯ વર્ષ જેટલો સમય લાગી ગયો. આખરે ૧૯૨૫ની સાલમાં કચ્છ અને સિંધ પ્રાંત વચ્ચેની સીમામાં આવતા બાણગંગાની વચ્ચે કતારમાં કેટલાક પથ્થરો મૂકી સીમા ચિહ્નિત કરવામાં આવી.

૧૯૪૭ આવતાં-આવતાં ભારતને આઝાદી મળી અને એ સમયે બાણગંગાની એ આખીય ક્રીક બૉમ્બે પ્રેસિડન્સીનો હિસ્સો હતી. અસંતોષી પાકિસ્તાન અલગ થયું અને ત્યારે સિંધ પ્રદેશ પાકિસ્તાનમાં ગયો અને કચ્છ રહ્યું ભારત સાથે. આ વિસ્તારનું મૂળ નામ બાણગંગા હતું. પરંતુ જેમ દરેકને પોતાની કીર્તિની નિશાની તરીકે પોતાનાં નામની તકતીઓ છોડી જવાની અભિલાષા હોય છે એ જ રીતે અંગ્રેજોએ પણ ભારતના અનેક વિસ્તારો, ઇમારતો વગેરેનાં નામ પોતાના કોઈ અધિકારી કે તજજ્ઞો પરથી રાખ્યાં હતાં. એ જ રીતે બાણગંગાનું પણ નામ બદલીને આ સીમાંત વિસ્તારમાં મધ્યસ્થી કરનાર અધિકારીના સર ખિતાબ પરથી નામ રાખવામાં આવ્યું, સર ક્રીક!

૧૯૭૧નું યુદ્ધ અને સર ક્રીક 

૧૯૭૧માં જ્યારે બંગલા દેશ મુક્તિ સંગ્રામ તરીકે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું ત્યારે ભારતની બાહોશ નેવીએ પાકિસ્તાનના કરાચી પોર્ટને નિશાન બનાવતાં જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું હતું એટલું જ નહીં, ભારતીય નેવી દ્વારા ૪ ડિસેમ્બર, ૧૯૭૧ના ઑપરેશન ટ્રાઇડન્ટના નામથી એક પાકિસ્તાન તબાહી ઑપરેશન હાથ ધરાયું હતું જેમાં ભારતની મિસાઇલ બોટ INS નિપટ, INS વીર અને INS નિર્ધાત દ્વારા કરાચી પોર્ટ પર હુમલો કર્યો અને પાકિસ્તાની નેવીના જહાજ PNS ખૈબર, PNS મુહાફીઝનું નિકંદન કાઢી નાખી ડુબાડી દીધાં હતાં. પાકિસ્તાન માટે આ નુકસાન એટલું મોટું હતું કે ભારત ચાહે ત્યારે અને ચાહે એ રીતે કરાચી પર કબજો મેળવી શકે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. 

હવે ભારતને લાગે છે કે ફરી એક વાર આ કૂતરાની વાંકી પૂંછડીને ૧૯૭૧નો એ ઇતિહાસ અને ભારતની સર્વોપરિતા યાદ કરાવવાનો સમય આવી ગયો છે કારણ કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાકિસ્તાન જે રીતે કરાચી પોર્ટ અને સર ક્રીક પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને આર્મી-નેવી બેઝ બનાવી અને વધારી રહ્યું છે એ જોતાં એની ભારતીય સીમાઓ પર દબાણ વધારવાની અને સીમાંત વિસ્તારોને અશાંત કરવાની માનસિકતા છતી થઈ રહી છે.

સીમાવિવાદ

જે રીતે પાકિસ્તાન, શ્રીનગર, કારાકોરમ, અકસાઈ ચીન (જે મૂળ બીજાની માલિકીની જમીન હોવા છતાં ભિખારીએ ભીખની આશામાં બીજાને આપી દીધી હતી) વગેરે વિસ્તારો  અમારા છે, અમારા છે એવી જીદ ચલાવતું રહે છે એ જ રીતે સર ક્રીક મામલે પણ એ ભારત સાથે વર્ષોવર્ષથી વિવાદ કરતું રહે છે. ૧૯૧૪માં કચ્છના રાજવી મહારાવ અને સિંધ પ્રાંત વચ્ચે થયેલા કરારનું માનચિત્ર જોઈએ તો અભણ વ્યક્તિને પણ સમજાઈ જાય છે કે બાણગંગાના એ વિસ્તારમાં સીમાઓ કઈ રીતે નક્કી થઈ હતી. પરંતુ ૧૯૧૪ના એ જ કરારને આગળ ધરી પાકિસ્તાન દલીલો કરતું રહે છે કે કચ્છ અને સિંધ વચ્ચેની એ સર ક્રીકની ખાડી સિંધની (એટલે કે પાકિસ્તાનની) છે કારણ કે સીમાઓનું આકલન ખાડીના કચ્છ તરફના કિનારા સુધી એટલે કે પૂર્વી તટ સુધી થયેલું હતું.

જ્યારે ભારત એની સામે દલીલ કરતા એ પુરાવાઓ અનેક વાર રજૂ કરી ચૂક્યું છે કે આ કરારમાં જમીની માર્ગના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ અનુસાર આ આંશિક જળમાર્ગની મધ્યમાં સીમા નિર્ધારિત કરવામાં આવી હતી. સાદી ભાષામાં કહીએ તો  સર ક્રીકના દલદલ વિસ્તારને કોઈ નદી તરીકે ગણી લો અને સમજો કે પાકિસ્તાન કહે છે કે એ આખીય નદી તેમની છે અને એના ભારત તરફના કિનારાએ સીમાઓ નિર્ધારિત કરવામાં આવી હતી. જ્યારે ભારત કહે છે કે એ નદી અડધી ભારતમાં અને અડધી પાકિસ્તાનમાં છે અર્થાત નદીની બરાબર વચ્ચે સીમા નિર્ધારિત થઈ હતી અને એના પુરાવા તરીકે ૧૯૨૫ની સાલમાં અહીં સ્થાપવામાં આવેલા માઇલસ્ટોન્સ છે એટલું જ નહીં, એ કરાર સમયે જે નકશો એટલે કે માનચિત્ર બનાવવામાં આવ્યું હતું એમાં પણ સર ક્રીક ચૅનલની મધ્યમાં સ્તંભો ઊભા કરવામાં આવેલા છે.

એની સામે અભણ જેવી દલીલ કરતાં પાકિસ્તાન કહે છે કે ભૂમાર્ગ માત્ર નદીઓ પર લાગુ થાય છે, ક્રીક કે ખાડી જેવા સમુદ્રી ભરતી-ઓટથી બદલાતા રહેતા વિસ્તારમાં નહીં. વાસ્તવમાં આવા વિસ્તારો યુનિક લૅન્ડ સ્પેસ હોય છે જ્યાં સમુદ્રની ગતિવિધિઓને કારણે પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. આથી જ એને ભૂમિ-સમુદ્રી સીમા કહેવામાં આવે છે અને આવા વિસ્તારોમાં સીમાનું નિર્ધારણ થાય એટલે એની સીધી અસર સમુદ્રી સીમાઓ અને જમીની સીમાઓને પણ થતી હોય છે. તો આ બાબત એ વખતે જે નિષ્ણાતોએ સીમા નિર્ધારિત કરી હતી તેમને નહોતી ખબર?

સર ક્રીકની ઓળખાણ 

એક એવો વિસ્તાર જ્યાં જમીન પણ નથી અને સમુદ્ર પણ નથી. એક દલદલી વિસ્તાર છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં સીમાવિવાદ કોઈક એવાં સ્થળો માટે હોય જ્યાં માનવ વસ્તી રહેતી હોય. પરંતુ સર ક્રીક તો એક વેરાન કીચડ વિસ્તાર છે છતાં એની સીમાઓ વિશે વિવાદ થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે વિસ્તાર ભલે કીચડવાળો હોય પરંતુ એનું આર્થિક, ભૌગોલિક અને કૂટનીતિક મહત્ત્વ જબરદસ્ત છે.

સર ક્રીકનો આ વિસ્તાર લગભગ ૯૬ કિલોમીટર જેટલો લાંબો છે જેની એક તરફ કચ્છ આવેલું છે અને બીજી તરફ સિંધ પ્રાંત. એક એવો કીચડ વિસ્તાર જેનો છેડો અરબી સમુદ્રમાં જઈને મળે છે. હવે સીમાના આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર થલવેગનો સિદ્ધાંત એમ કહે છે કે જો કોઈ બે દેશ વચ્ચેની સીમા જળમાર્ગ દ્વારા બનતી હોય તો એ જળમાર્ગનો જે હિસ્સો સૌથી ઊંડો હોય એ સીમા તરીકે ગણાવો જોઈએ. ભારત ૧૯૨૫ના સીમા માનચિત્રની સાથે આ જ સિદ્ધાંતનો પણ આધાર દર્શાવી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન એ માનવા તૈયાર નથી.

ભારત અને પાકિસ્તાનની સરહદને વાંસની બાઉન્ડરી દ્વારા છૂટી પાડવામાં આવી છે.

આપણે ભારતીય છીએ અને ભારતના દૃષ્ટિકોણથી જ વાત કરીએ તો દલદલ અને બંજર દેખાતો વિસ્તાર વાસ્તવમાં ભારત માટે અનેક રીતે અદમ્ય મહત્ત્વ ધરાવતો વિસ્તાર છે. એક તો આ વિસ્તારને કારણે ભારતની અરબ સાગરની સીમાઓ પણ નિર્ધારિત થાય છે. અને સમુદ્રી માર્ગે થતા વેપાર અને પોર્ટ્સની દૃષ્ટિએ સર ક્રીક એક મહત્ત્વનો ભૌગોલિક હિસ્સો છે. બીજું, પાકિસ્તાનનું અત્યંત મહત્ત્વનું એવું કરાચી પોર્ટ આ સર ક્રીકની સાવ નજીક છે, જેને કારણે સુરક્ષા હેતુ અને સમુદ્રી વેપારમાં ડૉમિનેશન સંદર્ભે પણ ભારત માટે આ દલદલ મહત્ત્વનું છે કારણ કે પાકિસ્તાનના પોર્ટ નજીક અર્થાત સૈન્ય પ્રવૃત્તિ, ભારત પર હુમલાની મનશા કે જાસૂસી પ્રવૃત્તિ... એકેએક બાબત માટે સીધેસીધી સહુલિયત. એટલું જ નહીં, કચ્છનો આ કીચડવાળો વિસ્તાર એટલે માછલીઓની બાબતમાં સૌથી ધનિક, સૌથી મોટો અને સૌથી વધુ સહુલિયતવાળો વિસ્તાર. સર ક્રીકને એશિયાનું માછલી પકડવા માટેનું સૌથી મોટું કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં સમુદ્રી જીવો અને માછલીઓની એટલીબધી વિવિધતા છે કે માછીમારો માટે રોજગારનું એક અત્યંત મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. અહીંથી પકડાતી માછલીઓ અને એના વેપારનું ભારતની અર્થવ્યવસ્થામાં પણ ખૂબ મોટું યોગદાન છે.

આ એ જ વિસ્તાર છે જ્યાંથી માછલી પકડતાં-પકડતાં અનેક વાર ભારતના માછીમારો ભૂલથી પાકિસ્તાનમાં કે પાકિસ્તાનના માછીમારો ભૂલથી ભારતની સીમાઓમાં પ્રવેશી જતા અને સીમાસુરક્ષા બળોના હાથે બંદી બનાવાતા હોય છે. હજી આનું મહત્ત્વ ઓછું હોય તો એ પણ જાણી લો કે અનેક વિશેષજ્ઞોના અભ્યાસ અને મંતવ્ય અનુસાર સર ક્રીક એક એવો વિસ્તાર છે કે જ્યાંથી તેલ (ફ્યુઅલ) અને પ્રાકૃતિક ગૅસનો મોટો ભંડાર મળી શકે એમ છે. અને જો એની શોધ કરવામાં આવે, એક્સ્પ્લોરેશન કરવામાં આવે તો એ દેશની ક્રૂડ ઑઇલની અને ગૅસની જરૂરિયાતોને મોટી સકારાત્મક અસર પહોંચાડી શકે એમ છે!

કીચડનો વિવાદ? 

આજે આ નવો મુદ્દો ઊઠ્યો છે અને રાજનાથ સિંહે નિવેદન કરવું પડ્યું છે એવું નથી. સર ક્રીકનો આ વિવાદ જૂનો છે અને અનેક વાર ઊઠતો રહ્યો છે. હમણાં અચાનક રક્ષાપ્રધાન દ્વારા આ મુદ્દે નિવેદન કરવાનું કારણ એ છે કે કરાચીના પોર્ટથી લઈને સર ક્રીક સુધીના અનેક વિસ્તારમાં પાકિસ્તાન એનો મિલિટરી બેઝ વધારી રહ્યું હોવાનું ભારતીય તટરક્ષકોને ધ્યાનમાં આવ્યું છે. આતંકીસ્તાન આ વિસ્તારમાં સેનાની ચોકીઓ બનાવી રહ્યું છે, રોડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટા પાયે કામ કરી રહ્યું છે એટલું જ નહીં, એણે મોટા પાયે આર્ટિલરી પણ અહીં ઠાલવવા માંડી છે. પાકિસ્તાનની આવી હિમાકતનો સીધો અર્થ ભારત વિરુદ્ધ કશુંક મોટું કરવાની મનશા. એમાં વળી હમણાં જ છઠ્ઠી વાર ઑપરેશન સિંદૂરમાં ભારતે એને એની ઔકાત દેખાડી દીધી છે. તો એવા સંજોગોમાં હારથી હેબતાઈ ગયેલું આતંકીસ્તાન બદલો લેવા ગમે તે હદે જઈ શકે એમ છે. 

એવું નથી કે પાકિસ્તાન સાથેનો આ સીમાવિવાદ ભારતે પૂર્ણ કરવાના પ્રયત્નો નથી કર્યા. ભારતે અનેક વાર અનેક રીતે સકારાત્મક પ્રયત્ન કર્યા છે કે સર ક્રીકની સીમાનો આ વિવાદ સકારાત્મક પરિણામો સાથે પૂર્ણ કરી શકાય. ૧૯૬૫ની સાલમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું અને પાકિસ્તાનને નાલેશીભરી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભારતે તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સન દ્વારા થયેલી પહેલને સહર્ષપણે સ્વીકારી હતી અને નિષ્પક્ષ નિકાલ માટે એક ન્યાયિક વ્યવસ્થાના ગઠન માટે પણ ભારત તૈયાર થયું હતું. એના પરિણામ સ્વરૂપ ૧૯૬૮ની સાલમાં એ ન્યાયિક વ્યવસ્થાએ એવો નિર્ણય જાહેર કર્યો હતો કે પાકિસ્તાનનો સીમા વિશેષનો દાવો ખોટો છે તેમ છતાં ભારત સકારાત્મક વ્યવસ્થાના હિમાયતી તરીકે થોડો ભાગ જતો કરવા તૈયાર છે અને પાકિસ્તાન જે સીમાંકન ગણાવે છે એનો ૧૦ ટકા હિસ્સો એને  આપવામાં આવે છે. પરંતુ અડિયલ ટટ્ટુ આતંકીસ્તાનને એ સ્વીકાર્ય નહોતું અને વિવાદ જેમનો તેમ રહ્યો.

છાશવારે સર ક્રીકની સરહદ પર સૈન્ય હલચલ કરતા પાકિસ્તાનને તાજેતરમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સખણા રહેવાની ચીમકી આપી હતી. 

ત્યાર બાદ ૧૯૯૭માં ફરી એક વાર સર ક્રીક વિવાદ વિશે બન્ને દેશો વચ્ચે એક શિખર મંત્રણા શરૂ કરવામાં આવી. પરંતુ ચર્ચાનો એ તબક્કો ફરી એક વાર અનિર્ણિત જ રહ્યો અને સીમાવિવાદનો કોઈ હલ નીકળ્યો નહીં. ૧૯૯૯ની પરિસ્થિતિ તો આપણે બધા જાણીએ જ છીએ. કારગિલ યુદ્ધનો સમય. આ સમયે આતંકીસ્તાનની મેલી મુરાદનો એટલો કડવો અનુભવ આપણને થયો હતો કે ભારતે સર ક્રીક વિસ્તારમાં ઊડી રહેલું પાકિસ્તાન નેવીનું વિમાન ‘ઍટ્લાન્ટિક’ તોડી પાડ્યું જેમાં ૧૬ પાકિસ્તાની સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. એ કારણે વિવાદ શમ્યો તો નહીં ઊલટાનો વધુ વકર્યો. ત્યાર બાદ પણ ભારત દ્વારા અનેક વાર પ્રયત્નો કરવામાં આવ્યા કે સર ક્રીક સીમા વિવાદનો અંત લાવવા માટે જડસુ પાકિસ્તાન સાથે વાતચીત કરવામાં આવે. પણ દર વખતે ટેબલ મુકાય, ટેબલક્લોથ પથરાય, ખુરશીઓ ગોઠવાય કે તરત પાકિસ્તાન પોતાની અસ્થિર માનસિકતા અને બદદિમાગ નીયત સામે ધરે અને સમાધાન અટકી પડે.

પાકિસ્તાનની બદમાશી સામે સુરક્ષાની કસોટી

સર ક્રીક એક એવો કીચડવાળો વિસ્તાર છે કે ૩૬૫ દિવસ, રાત-દિવસ એની સુરક્ષા કરવી એ કંઈ ખાવાના ખેલ નથી. ભરતી સમયે સમુદ્રી જળનો ભરાવો અને ઓટ સમયે ઘૂંટણ કરતાં વધુ ઊંડો કીચડ. એમ છતાં આપણાં સીમા સુરક્ષા દળો ચોવીસે કલાક ત્યાં ચોકીપહેરો કરતાં રહે છે.  પરંતુ જે પ્રમાણેના રિપોર્ટ્સ મળતા રહે છે એ જોતાં કહી શકાય કે પાકિસ્તાન એની બદમાશી કેમેય કરી છોડવા તૈયાર નથી. અદ્દલ પેલી ગુજરાતી કહેવત કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જેવું જ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા અનેક વાર એવી ખબરો મળતી રહે છે કે પાકિસ્તાન તરફથી આ વિસ્તારમાં અનેક વાર ગેરકાનૂની ગતિવિધિઓ થતી રહે છે જેમાં હથિયારોની તસ્કરીથી લઈને ડ્રગ્સની સપ્લાય કરવી, આંતકવાદીઓની ઘૂસપેઠથી લઈને જાસૂસી કે ગેરકાનૂની રીતે વેપારની પ્રવૃત્તિ સુધ્ધાં અહીં થતી હોય છે જેને કારણે ભારતીય સેનાઓના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાખ્યાયિત થયેલા પ્રદેશોમાં એક પ્રદેશ સર ક્રીકનો પણ છે.

૨૦૧૯ની સાલમાં એક રિપોર્ટ બહાર આવ્યો હતો કે પાકિસ્તાન સર ક્રીક વિસ્તારમાં અત્યંત ઝડપથી પોતાની સૈન્યશક્તિ મોટા પાયે વધારી રહ્યું છે જેમાં એણે નવી ક્રીક બટૅલ્યન પણ બનાવી છે અને તટીય રક્ષા બોટથી લઈને લડાકુ સમુદ્રી જહાજ સુધ્ધાં ખાબકી દીધાં છે. આ સિવાય એ રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે પાકિસ્તાન સર ક્રીક વિસ્તારમાં પોતાની સીમાચોકીઓ વધારવાનું પ્લાનિંગ કરી રહ્યું છે એટલું જ નહીં; એણે પોતાનાં રડાર, મિસાઇલ્સ અને વૉચશિપ્સ અને વૉચપ્લેન્સ પણ અહીં મજબૂત કર્યાં છે. 

જોકે ભારત પણ પાછળ તો નથી જ. એમાંય ખાસ કરીને ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા પછી સર ક્રીક વિસ્તારમાં ભારતે પોતાની સતર્કતા અને દેખરેખ વધારી છે. ૨૦૧૮ની સાલમાં મળેલી અનેક બાતમીઓને આધારે સંભવિત આતંકવાદી ઘૂસપેઠ રોકવા માટે ભારતે સર ક્રીક વિસ્તારમાં અનેક બોટ્સ રોકી હતી અને એની સઘન તપાસનું એક લાંબું ઑપરેશન ચલાવ્યું હતું. ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં ફરી એક વાર આ જ વિસ્તારમાં અનેક લાવારિસ નૌકાઓ મળી આવી હતી જેને કારણે ભારતે સીમાંત વિસ્તારોમાં અલર્ટ પણ જાહેર કરી હતી.

પાકિસ્તાન માટે શું મહત્ત્વ? 

આમ તો જોકે આ મુદ્દો ચર્ચવો જ અસ્થાને છે કારણ કે પાકિસ્તાન માટે તો કોઈ ચીજ જરૂરી હોય કે ન હોય, પણ બસ ભારત પાસે છેને એટલે અમારે જોઈએ એવી માનસિકતા છે. ખેર, અહીં ભૂગર્ભમાં સ્થિત તેલ અને ગૅસનો મોટો જથ્થો અને વિવિધ માછલીઓ અને દરિયાઈ જીવોનું બહોળું પ્રમાણ, આ બન્ને મુખ્ય બાબતો પાકિસ્તાન માટે પણ સર ક્રીકને અગત્યની બનાવે છે.              
એટલું જ નહીં, જે પણ સર ક્રીક પર નિયંત્રણ ધરાવે એ આપોઆપ અરબી સમુદ્રના એક મોટા હિસ્સા પર પણ નિયંત્રણ મેળવી લે છે. અને સમુદ્ર પર નિયંત્રણ અર્થાત પૈસા, વેપાર, દરિયાઈ માર્ગો અને રણનીતિક મજબૂતી! એવા સંજોગોમાં આ બંજર કીચડ માત્ર કીચડ નહીં રહી જતાં મની, મૅપ અને મૅરિટાઇમ ડૉમિનેશનની પરિસ્થિતિ સર્જે છે. 

આ જ કારણથી ૧૯૬૮ની સાલમાં જ્યારે કચ્છના રણનો અધિકાંશ સીમાવિવાદ પૂર્ણ કરી લેવામાં આવ્યો ત્યારે પણ વાતચીતના અનેક દૌર યોજવા છતાં સર ક્રીકનો મામલો જેમનો તેમ રહ્યો કારણ કે આપણે (ભારતે) એવી ઇચ્છા પ્રદર્શિત કરી કે સૌથી પહેલાં સમુદ્રી સીમાઓનું સીમાંકન કરવામાં આવે. જ્યારે પાકિસ્તાને એની એ જ જીદ પકડી રાખી કે નહીં, પહેલાં સર ક્રીક મામલે સહમતી સધાય. 

આવા કાદવમાં પણ સૈનિકો ચોવીસ કલાક પહેરો ભરે છે. 

માછીમારોની હાલત કફોડી 

માછલી પકડવાનું કામ કરતા માછીમારો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક સર્વસામાન્ય કાયદો બનાવવામાં આવ્યો છે. એ અનુસાર ધારો કે જો કોઈ દેશનો માછીમાર માછલી પકડતાં-પકડતાં ભૂલથી બીજા દેશની સમુદ્રી સીમામાં પ્રવેશી જાય તો તેને ન્યૂનતમ દંડ કરીને છોડી મૂકવામાં આવે. પરંતુ પાકિસ્તાન સાથે શરૂઆતથી જ આપણા જે પ્રમાણેના સબંધો રહ્યા છે એ પ્રમાણે સ્વાભાવિક છે કે ભારતના માછીમારો સાથે પાકિસ્તાન અને પાકિસ્તાનના માછીમારો સાથે ભારત કૂણું વર્તન નહીં જ રાખે. આ કારણથી બન્ને દેશો માછીમારોને લાંબા સમય સુધી બંદી બનાવીને રાખી મૂકે છે, જેને કારણે નિર્દોષ માછીમારો અને તેમના કુટુંબની આર્થિક જિંદગી પર ખૂબ મોટી માઠી અસર થતી હોય છે. બીજું એક કારણ LOD નહેર પણ છે જે સર ક્રીકમાં ખારું અને ઔદ્યોગિક પાણી છોડે છે. ભારત વર્ષોથી આ ખરાબ પાણીના ઉત્સર્જનને સિંધુ જળસંધિનું ઉલ્લંઘન ગણાવતું રહ્યું છે. અને પાકિસ્તાન એ નાલાયકી બંધ કરતું નથી કારણ કે આ મુદ્દો તેમને સર ક્રીકનો મુદ્દો અનિર્ણિત રાખવા માટેનું એક સબળ બહાનું પૂરું પાડે છે. 

ઘણી વાર એક ભારતીય તરીકે આપણને વિચાર આવી જાય છે કે કોઈની સહનશીલતાને એટલી હદ સુધી ન પજવવી જોઈએ કે એ પજવનાર પોતાની જ જિંદગી નર્ક બનાવી મૂકે કારણ કે જ્યારે અત્યંત સહિષ્ણુ અને સહનશીલ વ્યક્તિની સહનશીલતાનો બાંધ તૂટે છે ત્યારે સામી વ્યક્તિની જિંદગી નર્ક નથી બની જતી, વાસ્તવમાં તેની જિંદગી જેવું કશું રહેતું જ નથી. પણ આ વાત કૂતરાને કોણ સમજાવે?

columnists kutch rajnath singh rann of kutch pakistan gujarati mid day indian army