જોજો, માંદગી મહેફિલ ન બને

06 September, 2026 03:55 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

સ્વજન હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે ટોળે વળીને મળવા જવાને બદલે વ્યવહારિક વિવેક જાળવવો, પરિવારનો સંપર્ક કરવો અને દરદીને બિનજરૂરી ચિંતા ન આપવી એ જ સાચી સંવેદના છે.

જોજો, માંદગી મહેફિલ ન બને

છેલ્લાં પચીસેક વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં જેનો વિસ્તાર થયો હોય એવી બે પ્રવૃત્તિઓ ધ્યાનમાં લેવા જેવી છે. કોઈ પણ શહેરમાં અથવા નાના ગામમાં પણ નજર ફેરવશો તો તરત જ એક પ્રશ્ન મનમાં પેદા થશે. ગલીએ-ગલીએ અને નાકે-નાકે સ્કૂલો કે કૉલેજોની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ છે. આ 
સ્કૂલો-કૉલેજો ઉપરાંત ડૉક્ટરોનાં દવાખાનાં અને ખાસ કરીને હૉસ્પિટલો બહુ મોટી સંખ્યામાં નજરે પડે છે. થોડાંક વર્ષો પહેલાં અમુક-તમુક રોગચાળાનું આપણે નામ પણ નહોતું સાંભળ્યું એવા ખાસ પ્રકારના નામ સાથે કેટલીયે હૉસ્પિટલો દેખાય છે. ગઈ કાલે હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું એ બહુ મોટી વાત ગણાતી. આજે વાત-વાતમાં તમારા શરીરમાં એવા કોઈક પ્રકારના રોગનું નામ આવે છે કે તમને ડૉક્ટર હૉસ્પિટલમાં મોકલી દે છે. 
હૉસ્પિટલમાં દાખલ થયા પછીની એક ચોક્કસ શિસ્ત સમજવા જેવી છે. હવે માત્ર ખિસ્સામાં નાણાં રાખીને હૉસ્પિટલમાં દાખલ થવાતું નથી. હવે થેલી ભરીને ચલણી નોટો નામ દાખલ કરતી વેળાએ જ આપવી પડે છે. આ દરદીને જોવા અને તપાસવા હવે થોકબંધ સગાંસ્નેહીઓ આવવા માંડે છે. એનું પરિણામ એ આવે છે કે જો હૉસ્પિટલ સામાન્ય કક્ષાની હોય તો અહીં દરદીના પલંગ પાસે મેળો જામી જાય છે. સગાંસ્નેહીઓ અને અન્ય પરિચિતો દરદી પાસે ઊભા રહીને ચિંતા વ્યક્ત કરતાં હોય એ રીતે સલાહ આપવા માંડે છે. જેના વિશે આ સલાહકારો કશું પણ જાણતા ન હોય એના વિશે દરદીને કહેવા માંડે છે, ‘ધ્યાન રાખજો હોં ભાઈ, આવા નાના રોગમાંથી જ પછી મોટી વાત થઈ જાય. ખર્ચ તો ભલે થાય પણ તબિયતથી વધુ સારું કાંઈ નથી. આજકાલ આવો રોગચાળો પણ વધ્યો છે...’ ઇત્યાદિ. 
આટલીક અમથી વાત દરદી માટે તો ચિંતાજનક હોય છે. આ સગાંસ્નેહી જે સલાહ આપે એનાથી દરદીનો રોગ ઘટતો નથી. ખરેખર તો માથા પર જામતું આ ટોળું ક્યારે વિખેરાઈ જાય એની તે રાહ જોતો હોય છે. જે લોકો આ બીમાર વ્યક્તિને જોવા આવે છે તેઓ કાંઈ ચોક્કસ ચિંતાથી ઘેરાઈને નથી આવતા, વ્યાવહારિક વિવેક ખાતર આવે છે. આ વ્યાવહારિક વિવેક ક્યારેક તો ઘરે મંદવાડથી ઘેરાઈને સૂઈ ગયેલા સ્નેહી-સ્વજન પાસે પણ આવે છે. પરિણામે ઘરમાં રહેલા બીજા સૌકોઈ આ મહેમાન બનીને આવેલા સ્વજનોની મહેમાનગતિ કરવામાં રોકાઈ જાય છે. મારા એક સામાન્ય કક્ષાના સ્વજને પોતાના આવા એક મંદવાડની વાત કરતાં કહેલું, ‘અમારું નાનકડું ઘર, એમાં મારી તબિયત જોવાના બહાને મહેમાનોની વધી જતી અવરજવર અને આ અવરજવરનું સ્વાગત કરવા માટે મારી પત્ની રોકાયેલી હતી. ખરેખર તો અમે રોજ બે લીટર જેટલા જ દૂધનો વપરાશ કરીએ. એમાં આ મહેમાનોની અવરજવર માટે વધારાના બે લીટર દૂધની પણ ખરીદી કરવી પડે.’ આ ખરીદી તેમના જેવા સામાન્ય કક્ષાના નોકરિયાતને મોંઘવારી પણ લાગતી.

હૉસ્પિટલની શિસ્ત

હવે મોંઘી કક્ષાની હૉસ્પિટલોએ મુલાકાતીઓ માટે શિસ્તની એક લાઇન દોરી કાઢી છે. આ લાઇન જરૂરી પણ છે. હવે પેશન્ટ પાસે પૂર્વમંજૂરી મેળવ્યા વિના કોઈ જઈ શકતું નથી. આ જરૂરી પણ છે. હવે અમુક ચોક્કસ સમયે અને ચોક્કસ મંજૂરી પછી જ દરદી પાસે જઈ શકાય છે. આ મુલાકાતીઓ સંખ્યામાં ઓછા રહે એની કાળજી પણ લેવાય છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા દરદીને જે કોઈ રોગ થયો હોય એમાં આ મુલાકાતીઓ તો કશું જ કરી શકતા નથી. આ મુલાકાતીઓ માત્ર આ દરદીને ભારરૂપ રોકાણ બનીને બિનજરૂરી વાતો કરે છે જેના પરિણામે દરદીને પણ ભાર લાગવા માંડે છે. કેટલાક મુલાકાતીઓ તો એવા અણસમજુ હોય છે કે દરદીને વાત-વાતમાં ચિંતાભર્યા સૂરે એવું પણ કહી દેતા હોય છે કે ‘ધ્યાન રાખજો હોં, અમારી સોસાયટીમાં આવો એક કેસ થયો હતો અને તેણે પૂરતું ધ્યાન આપ્યું નહોતું. પરિણામે એ કેસ ખરાબ થઈ ગયો હતો.’ આ ખરાબ થઈ ગયો હતો એટલે શું એ ચોક્કસ સમજાવવાની કોઈને જરૂર ન હોય અને છતાં સમજી જ જાય છે. આ સમજણ દરદી અને દરદીના પરિવારજનોને વધારે મુશ્કેલીમાં મૂકી દે છે. 
આપણો કોઈ સ્નેહી-સંબંધી બીમાર થાય અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ જાણ્યા પછી આપણને થોડોક ઉચાટ તો જરૂર થાય. આ ઉચાટમાં આ દરદીને શી માંદગી છે અને કેવી પરિસ્થિતિ છે એ જાણવા માટે આપણને તે દરદી પાસે જવાનું મન પણ થાય. જોકે આ વખતે તાત્પૂરતું હૉસ્પિટલમાં ન જવું એમાં જ શાણપણ છે. દરદી વિશેની જાણકારી તેના કોઈ પરિવારજન સાથે ટેલિફોન-સંપર્ક કરીને મેળવી શકાય. આવો સંપર્ક જ દરદીના પરિવારને રાહત આપે છે.

જો કંઈ થાય તો...

દરદી જ્યારે હૉસ્પિટલમાં હોય છે ત્યારે તેના રોગચાળા કે સારવાર વિશે સૌકોઈને પૂરી જાણકારી ન હોય એ સહજ છે. આવા સમયે એવી જાણકારી પોતાની પાસે છે એટલે કે પોતે દરદીના પરિવાર સાથે સંપર્કમાં છે એવું અન્યોને કહેતા રહેવું એ પણ એક ન કરવા જેવી મનોભૂમિકા છે. આ ભૂમિકામાંથી પણ મુક્ત થવું એ શાણપણ છે. જે કંઈ થવાનું હોય અથવા કરવાનું હોય એ ડૉક્ટરોએ કરવાનું છે. આપણે એ ડૉક્ટરો પાસે પણ વારંવાર જતા રહીને પૂછપરછ કરવી એમાં શાણપણ નથી. હૉસ્પિટલો વધી છે, ડૉક્ટરોની સંખ્યા પણ વધી છે. રોગચાળામાં નવાં-નવાં નામો હવે પ્રચલિત થયાં છે અને એ બધામાં માણસ પોતે કેવો જાણકાર છે એની વાત કરતાં પણ વધતો ગયો છે. આપણે વ્યાવહારિક વિવેક જાળવીએ અને પથારીવશ પડેલા સ્વજનને હળવાશથી સંભાળી લઈએ. 
જોજો, એ માંદગી ક્યાંક મહેફિલ ન બની જાય. 

-ડૉ. દિનકર જોષી

columnists exclusive mumbai dinkar joshi gujarati mid day