સમાજસેવા કરવા જરૂર છે જ્ઞાતિવાદથી ઉપર ઊઠવાની

11 May, 2026 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજનું સમાજસેવા ક્ષેત્રે ઘાટકોપરમાં ગૌરવપૂર્વક નામ લેવાય છે, કારણ કે આ એક એવી સંસ્થા છે જે જ્ઞાતિ-જાતના ભેદભાવ વગર સૌને સેવાનો લાભ આપે છે

જ્યોતીન્દ્ર જયંતીલાલ દવે

આજના આધુનિક યુગમાં આપણે ડિજિટલ કનેક્ટિવિટીની વાતો કરીએ છીએ ત્યારે પાયાના સ્તરે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આપણી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ શા માટે છે? વર્ષોથી સામાજિક સંસ્થા એટલે માત્ર કોઈ એક ચોક્કસ જ્ઞાતિનું સંગઠન, વર્ષમાં જ્ઞાતિનાં એકાદ-બે સંમેલનો કે ઇનામ-વિતરણના કાર્યક્રમો... આવી જ એક મર્યાદિત છાપ મનમાં ઊપસે છે. જોકે શું વર્તમાન સમયમાં આટલું પૂરતું છે? ખરેખર તો આજે સામાજિક સંસ્થાઓએ જ્ઞાતિના સંકુચિત વાડાઓમાંથી બહાર નીકળીને માનવતાના માર્ગ પર ચાલવાની અત્યંત જરૂર છે.
અત્યારના સમયમાં મેડિકલ સારવાર અને ઉચ્ચ શિક્ષણ એટલાં મોંઘાં થઈ ગયાં છે કે મધ્યમ કે ગરીબ વર્ગના પરિવાર માટે એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. સરકારની અનેક યોજનાઓ હોવા છતાં સરકારી હૉસ્પિટલોમાં લાંબી કતારો અને ખાનગી હૉસ્પિટલોના લાખો રૂપિયાના બિલ વચ્ચે સામાન્ય માણસ કચડાઈ રહ્યો છે. આવા સમયે જો સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ-જાતના ભેદભાવ રાખ્યા વગર પોતાના દરવાજા દરેક જરૂરિયાતમંદ માટે ખુલ્લા રાખે તો એ સમાજ માટે આશીર્વાદરૂપ બની શકે છે. કોઈ મેડિકલ સેન્ટર કે શિક્ષણ-સહાયનો લાભ લેનારી વ્યક્તિની જ્ઞાતિ જ્યારે પૂછવામાં નથી આવતી ત્યારે જ એ સંસ્થા સાચા અર્થમાં સામાજિક કહેવાય છે.

શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજનું સમાજસેવા ક્ષેત્રે ઘાટકોપરમાં ગૌરવપૂર્વક નામ લેવાય છે, કારણ કે આ એક એવી સંસ્થા છે જે જ્ઞાતિ-જાતના ભેદભાવ વગર સૌને સેવાનો લાભ આપે છે. સમાજનું પોતાનું ૭ માળનું મકાન છે જેમાં ૩ માળમાં મેડિકલ સેન્ટર છે. એમાં પૅથોલૉજી કલેક્શન સેન્ટર, ફિઝિયોથેરપી, રૉ રીહૅબિલિટેશન થેરપી, દંતચિકિત્સા, નેત્રચિકિત્સા, ઑક્સિજન સેવા વગેરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિવિધ રોગોના નિષ્ણાત ૩૦ ડૉક્ટરો નિ:સ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે. સાધુ-સંતો અને પોલીસ-કર્મચારીઓને તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. શિક્ષણ-સહાયની વાત કરીએ તો સ્કૂલ-કૉલેજનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને ફી, યુનિફૉર્મ, નોટબુક વગેરે આપવામાં આવે છે. કુર્લાની એક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલને અમારો સમાજ તેમની મોટા ભાગની શૈક્ષણિક જરૂરિયાત પૂરી પાડે છે. આ સ્કૂલમાં લગભગ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે જેમને અન્ય કોઈ સરકારી કે અર્ધસરકારી સંસ્થા સહાય નથી કરતી. સમાજ દ્વારા કમ્પ્યુટર વર્ગ, યોગ વર્ગ, સંસ્કૃત શિક્ષણ, જ્યોતિષ વર્ગ વગેરે સેવાઓ પણ ઉપલબ્ધ છે.

કહેવાનો અર્થ એ છે કે આજના સમયની ડિમાન્ડ છે કે સામાજિક સંસ્થાઓ આધુનિક બને - વિચારોથી પણ અને સુવિધાઓથી પણ. જ્યારે કોઈ સંસ્થા પોતાના દરવાજા દરેક લાચાર માટે ખુલ્લા રાખે છે ત્યારે એ માત્ર એક જ્ઞાતિનું પ્રતીક નથી રહેતી, એ સમગ્ર માનવજાત માટે એક આશાનું કિરણ બની જાય છે. સાચું સામાજિક પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે સંસ્થાઓનો હેતુ માત્ર પોતાના લોકોનું ભલું કરવાનો નહીં પણ દરેક અસહાયનો હાથ પકડવાનો હશે. સમાજસેવાના નામે ચાલતા રાજકારણને તિલાંજલિ આપીને જો આપણે શિક્ષણ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા બનાવીશું તો જ આપણે એક સશક્ત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકીશું.

- જ્યોતીન્દ્ર જયંતીલાલ દવે

- જ્યોતીન્દ્ર જયંતીલાલ દવે શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રમુખ છે. 

columnists gujaratis of mumbai gujarati community news mumbai news mumbai ghatkopar Education